પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 28મા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC)ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં સહભાગી થયા


ભારતની સ્વતંત્રતાની ચળવળ અને તેનો ઇતિહાસ માનવાધિકારો માટે મહાન પ્રેરણા સ્રોત રહ્યા છે: પ્રધાનમંત્રી

આખી દુનિયા આપણા બાપુને માનવાધિકાર અને માનવ મૂલ્યોના પ્રતિક રૂપે જુએ છે: પ્રધાનમંત્રી

માનવાધિકારની પરિકલ્પના ગરીબોના સ્વમાન સાથે ખૂબ જ નીકટતાથી જોડાયેલી છે: પ્રધાનમંત્રી

અમે ત્રિપલ તલાકની કુપ્રથા સામે કાયદો અમલમાં લાવીને મુસ્લિમ મહિલાઓને નવા અધિકારો આપ્યા છે: પ્રધાનમંત્રી

કારકિર્દીમાં આગળ વધી રહેલી મહિલાઓને ભારતે 26 અઠવાડિયાની સવેતન મેટરનિટી રજા સુનિશ્ચિત કરી છે, આ એવું પગલું છે જે વિકસિત રાષ્ટ્રો પણ હજુ સુધી ભરી શક્યા નથી: પ્રધાનમંત્રી

માનવાધિકારના પસંદગીયુક્ત અર્થઘટન સામે સાવચેત રહેવાની ટકોર કરી

માનવાધિકારનું સૌથી મોટું ઉલ્લંઘન ત્યારે થાય છે જ્યારે તેમને રાજનીતિ અને રાજકીય નફા અને નુકસાનના પ્રિઝમમાંથી જોવામાં આવે છે: પ્રધાનમંત્રી

હકો અને ફરજો બે ટ્રેક છે જેના પર માનવ વિકાસ અને માનવ સ્વમાનની સફર આગળ વધે છે: પ્રધાનમંત્રી

Posted On: 12 OCT 2021 12:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 28મા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારતની સ્વતંત્રતાની ચળવળ અને તેનો ઇતિહાસ ભારત માટે માનવાધિકાર અને માનવ મૂલ્યોનો મહાન પ્રેરણા સ્રોત છે. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને યાદ કરતા કહ્યું હતું કે, “એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે આપણે અન્યાય- અત્યાચારનો પ્રતિકાર કર્યો છે, આપણે સદીઓ સુધી આપણા અધિકારો માટે લડ્યા છીએ. જ્યારે આખી દુનિયા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફેલાયેલી હિંસામાં લપેટાયેલી હતી ત્યારે, ભારતે આખી દુનિયાને 'અધિકારો અને અહિંસા'ની રાહ ચીંધી હતી. માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયા આપણા બાપુને માનવાધિકારો અને માનવ મૂલ્યોના પ્રતિક તરીકે જુએ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે સંખ્યાબંધ પ્રસંગોએ દુનિયા અવઢવ અને ગૂંચવણમાં મુકાયેલી હતી ત્યારે પણ, ભારત માનવાધિકારો પ્રત્યે અડગ અને સંવેદનશીલ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માનવાધિકારની પરિકલ્પના ગરીબોના સ્વમાન સાથે ખૂબ જ નીકટતાથી જોડાયેલી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે ગરીબોમાં સૌથી ગરીબ વ્યક્તિને સરકારી યોજનાઓમાં સમાન હિસ્સો પ્રાપ્ત ના થાય ત્યારે, હકોનો મુદ્દો ઉભો થાય છે. પ્રધાનમંત્રીએ ગરીબોનું સ્વમાન જળવાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે કરેલા સંખ્યાબંધ પ્રયાસો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે, ગરીબી વ્યક્તિને શૌચાલય મળે ત્યારે તેમને ખુલ્લામાં શૌચ કરવાથી આઝાદી સુનિશ્ચિત થાય છે, તેમને આત્મસન્માન મળે છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, તેવી જ રીતે, એક સમયે બેંકોમાં જવામાં ખચકાતા ગરીબ લોકોને હવે જન ધન ખાતા મળ્યા છે અને તેનાથી તેમનું સ્વમાન સુનિશ્ચિત થયું છે. તેમણે કહ્યું હતું કે, આ ઉપરાંત, રૂપે કાર્ડ, ઉજ્જવલા ગેસ જોડાણો અને મહિલાઓ માટે પાકા ઘરોના મિલકતના અધિકારો પણ તે દિશામાં લેવામાં આવેલા મોટા પગલાં છે.

છેલ્લા કેટલાક વર્ષમાં લેવામાં આવેલા આવા વિવિધ પગલાંઓ વિશે આગળ વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં જુદા જુદા વિભાગોમાં વિવિધ સ્તરે થઈ રહેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાકની કુપ્રથા વિરોધી કાયદો લાવવાની માંગ કરી રહી હતી. અમે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને નવા અધિકારો આપ્યા છે. મહિલાઓ માટે ઘણા ક્ષેત્રો ખોલવામાં આવ્યા છે અને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે તેઓ ચોવીસ કલાક સુરક્ષા સાથે કામ કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે કારકિર્દીમાં આગળ વધી રહેલી મહિલાઓ માટે 26 સપ્તાહની સવેતન મેટરનિટી (માતૃત્વ) રજા સુનિશ્ચિત કરી છે, આ એક એવું પગલું જે ઘણા વિકસિત દેશો પણ ભરી શક્યા નથી. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ ટ્રાન્સ-જેન્ડરો, બાળકો અને વિચરતી અને આંશિક-વિચરતી જ્ઞાતિના સમુદાયો માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં ગણાવ્યા હતા.

તાજેતરમાં પેરાલિમ્પિક્સમાં ભારતના પેરા એથલેટ્સના પ્રેરણાદાયી પ્રદર્શનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં દિવ્યાંગજનો માટે કાયદા ઘડવામાં આવ્યા છે. તેમને નવી સુવિધાઓ સાથે જોડવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે અનુકૂળ ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને દિવ્યાંગો માટેની ભાષાને પ્રમાણભૂત કરવામાં આવી રહી છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે મહામારી દરમિયાન, ગરીબ, લાચાર અને વરિષ્ઠ નાગરિકોને તેમના ખાતામાં સીધી આર્થિક સહાય પહોંચાડવામાં આવી હતી. એક રાષ્ટ્ર- એક રેશન કાર્ડના અમલીકરણને કારણે પ્રવાસી શ્રમિકોને ઘણી મુશ્કેલીઓમાંથી ઉગારી લેવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ માનવાધિકારોના પસંદગીયુક્ત અર્થધટન વિરુદ્ધ અને દેશની છબી ખરડવા માટે માનવાધિકારોના દુરુપયોગ સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોએ પોતાના સ્વાર્થપૂર્ણ હિતો અનુસાર પોતાના દૃષ્ટિકોણ મુજબ માનવાધિકારોનું અર્થઘટન કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે, એક પરિસ્થિતિમાં માનવાધિકારનું ઉલ્લંઘન જોવામાં આવે અને તેના જેવી જ અન્ય પરિસ્થિતિમાં ઉલ્લંઘન ના જોવાની વૃત્તિના કારણે માનવાધિકારને ઘણું નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે, માનવાધિકારનું સૌથી મોટું ઉલ્લંઘન ત્યારે થાય છે જ્યારે તેમને રાજનીતિ અને રાજકીય નફા -નુકસાનના પ્રિઝમમાંથી જોવામાં આવે. પ્રધાનમંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે, "આ પસંદગીયુક્ત વર્તણુકથી લોકશાહીને પણ એટલું જ નુકસાન થાય છે."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એ પણ સમજવું ઘણું મહત્વપૂર્ણ છે કે, માનવાધિકારો માત્ર હકો સાથે જ જોડાયેલા નથી પરંતુ તેમાં આપણી ફરજો પણ આવી જાય છે. “હકો અને ફરજો બે ટ્રેક છે જેના પર માનવ વિકાસ અને માનવ સ્વમાનની સફર આગળ વધે છેતેમ કહેતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, હકોની જેટલી જ ફરજો પણ મહત્વપૂર્ણ છે અને તેના વિશે અલગથી ચર્ચા ના કરવી જોઇએ કારણ કે તે એકબીજાના પૂરક છે.

પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સૌર ગઠનબંધન, નવીનીકરણીય ઉર્જા લક્ષ્યો અને હાઇડ્રોજન મિશન જેવા પગલાંઓ સાથે, ભારત ઝડપથી ટકાઉ જીવન અને પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1763214) Visitor Counter : 313