પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો


પુખ્ત વયના લોકોની વસ્તીમાં 100% પ્રથમ ડોઝનું કવરેજ પૂરું કરવા બદલ ગોવાની પ્રશંસા કરી

આ પ્રસંગે શ્રી મનોહર પારિકરે આપેલી સેવાઓને યાદ કરી

ગોવાએ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’નું શ્રેષ્ઠ પરિણામ બતાવ્યું છે: પ્રધાનમંત્રી

મેં સંખ્યાબંધ જન્મદિવસ જોયા છે અને તે ઘણા ભિન્ન રહ્યાં છે પરંતુ મારા આટલા વર્ષો સુધીના સમયમાં, ગઇકાલના દિવસે મને ખૂબ જ ભાવુક બનાવી દીધો કારણ કે 2.5 કરોડ લોકોએ રસી લીધી: પ્રધાનમંત્રી

ગઇકાલનો દિવસ દર કલાકે 15 લાખ કરતાં વધારે લોકોના રસીકરણનો સાક્ષી બન્યો, દર મિનિટે 26 હજાર કરતાં વધારે લોકોએ અને દર સેકન્ડે 425 કરતાં વધારે લોકોએ રસી લીધી: પ્રધાનમંત્રી

એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાનું નિરુપણ કરતી ગોવાની દરેક સિદ્ધિ મને ખૂબ જ આનંદની અનુભૂતિ કરાવે છે: પ્રધાનમંત્રી

ગોવા ફક્ત દેશનું એક રાજ્ય નથી પરંતુ બ્રાન્ડ ભારતનું મજબૂત સર્જક છે: પ્રધાનમંત્રી

Posted On: 18 SEP 2021 12:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ

આ સંવાદ દરમિયાન, પ્રધાનમંત્રીએ ગોવા મેડિકલ કોલેજના લેક્ચરર ડૉ. નીતિન ધુપડલે સાથે કેવી રીતે તેમણે લોકોને કોવિડની રસી લેવા માટે મનાવ્યા તે અંગે તેમના અનુભવ વિશે પૂછ્યું હતું. તેમણે કોવિડ રસીકરણ અભિયાન અને અગાઉના અભિયાન વચ્ચેના તફાવત વિશે પણ ચર્ચા કરી હતી. ડૉ. ધુપડલેએ ખાસ આ અભિયાનને મિશન મોડ પર ચલાવવાની સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. વિપક્ષોના વલણની ટીકા કરતા પ્રધાનમંત્રીએ 2.5 કરોડ લોકોનું રસીકરણ કર્યા પછી રસી આપવામાં આવેલા લોકોની જગ્યાએ વિપક્ષો તરફથી આવેલી પ્રતિક્રિયાઓ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગોવામાં પુખ્ત વયના લોકોના 100% પ્રથમ ડોઝના કવરેજને પૂરું કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ રાજ્યના ડૉક્ટરો અને અન્ય કોરોના યોદ્ધાઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ સિદ્ધિ આખી દુનિયા માટે પ્રેરણાદાયક છે.

પ્રધાનમંત્રીએ કોવિડ રસીના લાભાર્થી અને એક્ટિવિસ્ટ શ્રી નાઝીર શૈખ સાથે વાત કરતી વખતે તેમણે કેવી રીતે અન્ય લોકોને રસી લેવા માટે મનાવવાનો નિર્ણય લીધો તે અંગે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે શ્રી નાઝીરને રસીકરણ કેન્દ્રો સુધી લોકોને લાવવામાં તેમણે સામનો કર્યો હતો તે મુશ્કેલીઓ વિશે પૂછ્યું હતું. તેમણે શ્રી નાઝીરને રસીકરણ કવાયત અંગેના તેમના અનુભવો વિશે પણ જણાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી નાઝીર શૈખના પ્રયાસોની જેમ સબકા પ્રયાસનો સમાવેશ દરેક મહત્વપૂર્ણ અભિયાનોમાં પરિણામો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મોટું પરિબળ છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં સામાજિક રીતે જાગૃત એક્સિવિસ્ટની પ્રશંસા કરી હતી.

સુશ્રી સ્વીમા ફર્નાન્ડિઝ સાથે સંવાદ કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, લોકો તેમની પાસે રસીકરણ માટે આવે ત્યારે તેમણે શું પૂછપરછ કરી હતી. તેમણે શીત શ્રૃંખલા જાળવી રાખવા માટેના તબક્કાઓ વિશે વિગતે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ રસી માટે કેવી રીતે શીત શ્રૃંખલા જાળવી રાખવામાં આવી તેના વિશે પણ જાણવાની ઇચ્છા દર્શાવી હતી. તેમણે રસીનો ઝીરો બગાડ થાય તેના માટે કેવા પગલાં લેવામાં આવ્યા તેના વિશે પણ પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ પારિવારિક પ્રતિબદ્ધતાઓ વચ્ચે પણ તેણીએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી તે બદલ તેમની પ્રશંસા કરી હતી અને કોરોના યોદ્ધાઓના તમામ પરિવારજનોએ કરેલા પ્રયાસો બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી શશીકાંત ભગત સાથે વાતચીત કરતી વખતે પ્રધાનમંત્રીએ કેવી રીતે તેમના જૂના પરિચિત સાથે તેમણે ગઇકાલે પોતાના જન્મદિવસ નિમિત્તે વાત કરી હતી તેની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમને ઉંમર વિશે પૂછ્યું તો પ્રધાનમંત્રીએ કહ્યું કે, હજુ 30 બાકી છે. શ્રી મોદીએ 75 વર્ષના શ્રી ભગતને સલાહ આપી હતી કે, તેઓ વિતેલા 75 વર્ષ પર નહીં પરંતુ આવનારા 25 વર્ષ પર ધ્યાન આપે. તેમણે રસીકરણ દરમિયાન તેમને કોઇ મુશ્કેલી પડી હતી કે નહીં તેના વિશે પણ પૂછપરછ કરી હતી. શ્રી ભગતે વરિષ્ઠ નાગરિકોને રસીકરણમાં આપવામાં આવેલી પ્રાધાન્યતા અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રસીની આડઅસરો અંગે લોકોના મનમાં રહેલી ડરનું પણ ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ પોતે ડાયાબિટીસના દર્દી હોવા છતાં તેમને કોઇ જ આડઅસર થઇ નથી. પ્રધાનમંત્રીએ નિવૃત્ત સેલ્સ ટેક્સ અધિકારીએ સમાજને આપેલી સેવા બદલ તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર કરવેરા મામલે લોકોનું જીવન વધારે સરળ બનાવવા માટે કટિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ અંતરિયાળ અને દૂરસ્થ વિસ્તારોમાં સુશ્રી સ્વીટી એસ. એમ. વેંગુર્લેકરે કેવી રીતે ટીકા ઉત્સવનું આયોજન કર્યું તેના વિશે તેમને પૂછ્યું હતું. તેમણે આ ઉત્સવનું આયોજન કરવા માટે શું પૂર્વાયોજન કર્યું હતું તેના વિશે જણાવવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ મહામારીના સમય દરમિયાન શક્ય હોય ત્યાં સુધી વધારેમાં વધારે લોકો માટે સરળતા ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ભારપૂર્વક કહ્યું હતું. તેમણે આવી પ્રચંડ કવાયતમાં લોજિસ્ટિક્સના યોગ્ય દસ્તાવેજીકરણ અને પ્રસારની કામગીરી જાળવવા કહ્યું હતું.

પ્રધાનમંત્રી પ્રજ્ઞાચક્ષુ લાભાર્થી સુશ્રી સુમેરા ખાનને રસીકરણ અંગે તેમના અનુભવ વિશે પૂછ્યું હતું. સુશ્રી ખાને શૈક્ષણિક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી અને IAS બનવાની તેમની મહત્વાકાંક્ષા જરૂર પૂરી થશે તેવી તેમને શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ દેશના દિવ્યાંગજનો જે રીતે પોતાના જીવન દ્વારા દેશને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે તે બદલ તેમની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીનું સંબોધન

ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ ગણેશ ઉત્સવના શુભપર્વ દરમિયાન અનંત સૂત્ર (સુરક્ષા)ની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગોવાના લોકોની પ્રશંસા કરી હતી. તેમણે ગોવામાં રસી લેવા માટે લાયકાત ધરાવતી દરેક વ્યક્તિએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના સામેની જંગમાં ખૂબ જ મોટું સીમાચિહ્ન છે. ગોવાએ પ્રાપ્ત કરેલી પ્રત્યેક સિદ્ધિ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાનું નિરુપણ કરે છે અને તેનાથી મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાઇ રહી છે.

પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ દિવસે શ્રી મનોહર પારિકરે જનતાને આપેલી સેવાઓના સંસ્મરણો યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, છેલ્લા કેટલાક મહિનામાં, ગોવાએ ભારે વરસાદ, ચક્રાવાત અને પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે હિંમતપૂર્વક લડત આપી છે. તેમણે તમામ કોરોના યોદ્ધાઓ, આરોગ્ય કર્મચારીઓ અને ટીમ ગોવાએ આવી કુદરતી આફતોના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ કોરોના રસીકરણની કામગીરી એકધારી ઝડપ સાથે જાળવી રાખવા બદલ સૌની પ્રશંસા કરી હતી.

ગોવાએ સામાજિક અને ભૌગોલિક પડકારોનો સામનો કરવા માટે જે પ્રકારે સંકલન બતાવ્યું છે તેની પણ પ્રશંસા કરી હતી. રાજ્યમાં સૌથી દૂરસ્થ વિસ્તારોમાં આવેલા કેનાકોના સબ-ડિવિઝનમાં રસીકરણની કામગીરી માટે રાખવામાં આવેલી ઝડપે રાજ્યના બાકીના હિસ્સાઓ માટે દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગોવાએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના શ્રેષ્ઠ પરિણામો બતાવ્યા છે.

પ્રધાનમંત્રીએ ખૂબ જ ભાવુકતા સાથે કહ્યું હતું કે, “મેં સંખ્યાબંધ જન્મદિવસ જોયા છે અને તે હંમેશા ભિન્ન રહ્યાં છે પરંતુ, મારા અત્યાર સુધીના વર્ષોમાં ગઇકાલનો મારો જન્મદિવસ મને ખૂબ જ ભાવુક કરી ગયો. તેમણે કહ્યું હતું કે, ગઇકાલના પ્રસંગે દેશ અને કોરોના યોદ્ધાઓ દ્વારા વધારાના વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમણે એક જ દિવસમાં 2.5 કરોડો લોકોનું રસીકરણ કરવા માટે ટીમની કરુણા, સેવા ભાવના અને કર્તવ્ય નિષ્ઠાની અને લોકોએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી. દેખીતી રીતે ભાવુક થઇ ગયેલા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સેવા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ સંપૂર્ણ સહકાર આપ્યો છે. તેમના કરુણાભાવ અને ફરજનિષ્ઠાના પરિણામે જ ફક્ત એક દિવસમાં 2.5 કરોડ લોકોનું રસીકરણ કરવાનું શક્ય બન્યું છે.

પ્રધાનમંત્રીએ તબીબી ક્ષેત્રના જે લોકો બે વર્ષથી પોતાના જીવનની પરવા કર્યા વગર જોડાયેલા છે અને દેશવાસીઓને કોરોના સામે લડવામાં મદદ કરવા માટે ગઇકાલે વિક્રમી સંખ્યામાં થયેલા રસીકરણના પ્રયાસોમાં તેમના સૌના યોગદાનની પ્રશંસા કરી હતી. આ સેવા સાથે જોડાયેલા લોકોને તેમણે બિરદાવતા કહ્યું હતું કે, તેમની કરુણા અને ફરજનિષ્ઠાના કારણે જ એક દિવસમાં 2.5 કરોડ લોકોને રસીના ડોઝ આપવાનું શક્ય બન્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, હિમાચલ, ગોવા, ચંદીગઢ અને લક્ષદ્વીપ દ્વારા તેમના ક્ષેત્રમાં લાયકાત ધરાવતા દરેક લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું કાર્ય પૂરું કર્યું છે. સિક્કિમ, આંદામાન અને નિકોબાર, કેરળ, લદ્દાખ, ઉત્તરાખંડ તેમજ દાદરા અને નગર હવેલી પણ તેમનાથી બહુ પાછળ નથી માટે ટૂંક સમયમાં આ સિદ્ધિ સુધી પહોંચી જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે રસીકરણના પ્રયાસોના પર્યટનના સ્થળોને પ્રાથમિકતા આપવા અંગે ભલે અગાઉ ચર્ચા કરવામાં ના આવી હોય તો પણ તેમને પ્રાથમિકતા આપી છે. પર્યટનના સ્થળો વહેલી તકે ખુલી શકે તે ખૂબ જ મહત્વનું હતું. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વિદેશી પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલાં લીધા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે ભારતની મુલાકાતે આવી રહેલા 5 લાખ પર્યટકોને વિનામૂલ્યે વિઝા આપવામાં આવશે, પર્યટન ક્ષેત્રના હિતધારકોને સરકારની બાયંધરી સાથે રૂપિયા 10 લાખ સુધીની લોન આપવામાં આવશે અને નોંધણી કરાયેલા ટુરિસ્ટ ગાઇડને રૂપિયા 1 લાખ સુધીની લોન આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર ગોવાના પર્યટન ક્ષેત્રને વધુ આકર્ષક બનાવવાના પ્રયાસોને બળ પૂરું પાડી રહી છે અને રાજ્યના ખેડૂતો તેમજ માછીમારોને વધારે સુવિધાઓ પ્રદાન કરી રહી છે. રૂપિયા 12 હજાર કરોડની ફાળવણી સાથે મોપા ગ્રીનફિલ્ડ હવાઇમથક અને 6 માર્ગીય ધોરીમાર્ગ, ઉત્તર અને દક્ષિણ ગોવાનો જોડતો ઝુઆરી પુલનું આગામી થોડા મહિનામાં ઉદ્ઘાટન કરવામાં આવશે જેનાથી રાજ્યમાં કનેક્ટિવિટી વધશે.

શ્રી મોદીએ ટાંક્યું હતું કે, ગોવાએ અમૃત કાળ દરમિયાન આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્વયં પૂર્ણ ગોવાનો સંકલ્પ કર્યો છે અને 50 કરતાં વધારે ઘટકોનું વિનિર્માણ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે શૌચાલયના કવરેજ, સો ટકા વિદ્યુતિકરણ અને હર ઘર જલ અભિયાનના પ્રયાસોમાં ગૌવાએ પ્રાપ્ત કરેલી સિદ્ધિને રેખાંકિત કરી હતી. દેશમાં 2 વર્ષમાં પાંચ કરોડ પરિવારને પાઇપ દ્વારા પાણી આપવા માટે જોડવામાં આવ્યા છે અને આ દિશામાં ગોવાના પ્રયાસોએ સુશાસન તેમજ ઇઝ ઓફ લિવિંગ માટે રાજ્યની સ્પષ્ટ પ્રાથમિકતા દર્શાવી છે. પ્રધાનમંત્રીએ ગરીબ પરિવારોમાં રાશન, વિનામૂલ્યે ગેસ સિલિન્ડર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું વિતરણ, મહામારીના સમયગાળા દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ્સનું મિશન મોડમાં વિસ્તરણ અને રસ્તા પરના ફેરિયાઓ માટે સ્વનિધિ યોજનાના લાભો પહોંચાડવા માટે ગોવાએ કરેલા પ્રયાસો પણ ગણાવ્યા હતા. ગોવાને અપાર સંભાવનાઓ ધરાવતા રાજ્ય તરીકે ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગોવા આ દેશનું ફક્ત એક રાજ્ય નથી પરંતુ તે બ્રાન્ડ ઇન્ડિયાનું મજબૂત સર્જક પણ છે.



(Release ID: 1756024) Visitor Counter : 304