પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિ અને રસીકરણની સમીક્ષા માટે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ


પ્રધાનમંત્રીને આરોગ્ય સંભાળ માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ વિશે માહિતગાર કરવામાં આવ્યા

રાજ્યોને દરેક જિલ્લામાં દવાઓનો વધારાનો જથ્થો જાળવવા માટે તાકીદ કરવામાં આવી છે

પ્રધાનમંત્રીએ આગામી કેટલાક મહિનાઓમાં રસીના ઉત્પાદન, પુરવઠા અને પ્રક્રિયા હેઠળની રસીની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ મ્યૂટન્ટ્સના ઉદ્ભવ પર નજર રાખવા માટે સતત જીનોમ સિક્વન્સિંગની જરૂરિયાત અંગે વાત કરી

Posted On: 10 SEP 2021 8:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આવરી લેવામાં આવેલા મુદ્દાઓમાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિ, પ્રતિભાવ માટે આરોગ્ય તંત્રની તૈયારીઓ, મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અને ઉત્પાદન સંબંધિત બાબતો, કોવિડ-19ની રસીના ઉત્પાદન, પુરવઠા અને વિતરણ સહિતના મુદ્દા સામેલ છે.

સમગ્ર દુનિયામાં, એવા દેશો છે જ્યાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે તે અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી. ભારતમાં પણ, મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યોમાંથી આવી રહેલા આંકડાઓ સૂચિત કરે છે કે, આ બાબતે સહેજ પણ બાંધછોડ થઇ શકે તેવો કોઇ જ અવકાશ નથી. જોકે, સતત 10મા અઠવાડિયામાં સાપ્તાહિક પોઝિટીવિટી દર 3% કરતાં ઓછો નોંધાયો છે.

પ્રધાનમંત્રીને કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં કેસોની સંખ્યા વિશે, પરીક્ષણમાં ઉચ્ચ પોઝિટીવિટી ધરાવતા જિલ્લા તેમજ દેશમાં સાપ્તાહિક ધોરણે પોઝિટીવિટી દર વિશે માહિતી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ મ્યૂટન્ટ્સના ઉદ્ભવ પર નજર રાખવા માટે જીનોમ સિક્વન્સિંગની જરૂરિયાત અંગે વાત કરી હતી. અધિકારીઓએ માહિતી આપી હતી કે, INSACOG હવે દેશભરમાં ફેલાયેલી 28 લેબોરેટરી ધરાવે છે. લેબોરેટરીનું નેટવર્ક તબીબી સહસંબંધ માટે હોસ્પિટલના નેટવર્ક સાથે પણ લિંક કરવામાં આવેલું છે. જીનોમિક સર્વેલન્સ માટે સ્યૂએજ નમૂના પણ લેવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીને જાણ કરવામાં આવી હતી કે, SARS COV2 પોઝિટીવ નમૂના નિયમિત રીતે INSACOG સાથે શેર કરવા અંગે રાજ્યોને વિનંતી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ પિડિયાટ્રિક સંભાળ (બાળકોની સંભાળ) માટે બેડની ક્ષમતામાં વૃદ્ધિ અને “કોવિડ ઇમરજન્સી પ્રતિભાવ પેકેજ II” અંતર્ગત સહાય આપવામાં આવતી સુવિધાઓમાં વૃદ્ધિની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિનું સંચાલન કરવા માટે આ વિસ્તારોમાં રાજ્યોને પ્રાથમિક સંભાળ અને તાલુકા સ્તરની આરોગ્ય માળખાકીય સુવિધાઓનું માળખું ફરી ડિઝાઇન કરવા અને ફરી દિશામાન કરવા માટે સલાહ આપવામાં આવી છે. કોવિડ-19, મ્યૂકોરમાઇકોસિસ, MIS-Cના સંચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનો જિલ્લા સ્તરે જથ્થો જાળવવા અંગે રાજ્યોને તાકીદ કરવામાં આવી છે તેની પણ પ્રધાનમંત્રીને જાણ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીને આઇસોલેશન બેડ, ઓક્સિજન બેડ, ICU બેડ અને પિડિયાટ્રિક ICU તેમજ પિડિયાટ્રિક વેન્ટિલેટર્સમાં વૃદ્ધિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આગામી મહિનાઓમાં ICU બેડ અને ઓક્સિજન બેડની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં પૂરતા પ્રમાણમાં પરીક્ષણની સુવિધાની જરૂરિયાત અંગે વાત કરી હતી. અધિકારીઓએ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા કે, 433 જિલ્લામાં જાહેર આરોગ્ય સુવિધાઓમાં RT-PCR લેબોરેટરી સુવિધા સ્થાપિત કરવા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, સિલિન્ડર અને PSA પ્લાન્ટ્સ સહિત ઓક્સિજનની ઉપલબ્ધતા વધે તે સુનિશ્ચિત કરવા માટે, સમગ્ર ઇકોસિસ્ટમમાં ઝડપથી વૃદ્ધિ કરવાની જરૂર છે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક યુનિટને સમર્થન આપવાના ઉદ્દેશ સાથે 961 લિક્વિડ મેડિકલ ઓક્સિજન સંગ્રહ ટાંકી અને 1,450 મેડિકલ ગેસ પાઇપલાઇન પ્રણાલીઓ સ્થાપિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યાં છે. એમ્બ્યુલન્સના નેટવર્કને પણ વધારવામાં આવી રહ્યું છે જેથી દરેક તાલુકામાં ઓછામાં ઓછી એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય. પ્રધાનમંત્રીએ દેશભરમાં આવી રહેલા PSA ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થિતિ વિશે પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીને અંદાજે 1 લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અને 3 લાખ ઓક્સિજન સિલિન્ડર રાજ્યોમાં વિતરિત કરવામાં આવ્યા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.

રસી અંગે પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, ભારતના પુખ્તવયના લોકોની કુલ વસ્તીમાંથી લગભગ 58% લોકોને પહેલો ડોઝ મળી ગયો છે અને ભારતના પુખ્તવયના લોકોની કુલ વસ્તીમાંથી લગભગ 18% લોકોને બીજો ડોઝ મળી ગયો છે. પ્રધાનમંત્રીને પ્રક્રિયા હેઠળની રસી અને રસીના પુરવઠામાં કરાયેલી વૃદ્ધિ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, આરોગ્ય સચિવ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) અને અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1754003) Visitor Counter : 282