યુવા બાબતો અને રમત મંત્રાલય
રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ટોક્યો પેરાલિમ્પિક્સના મેડલ વિજેતાઓને સન્માનિત કર્યા
પેરાલિમ્પિક રમતોના નવા યુગનો પ્રારંભ: 2024 અને 2028માં ટારગેટ પોડિયમ ફિનિશને સરકાર સહકાર આપશે: શ્રી અનુરાગ ઠાકુર
પેરા- એથ્લેટ્સના અસામાન્ય પ્રદર્શનથી દેશમાં રમતો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આવ્યું છે: રમત મંત્રી
Posted On:
08 SEP 2021 5:50PM by PIB Ahmedabad
મુખ્ય વિશેષતાઓ
કેન્દ્રીય કાયદા પ્રધાન શ્રી કિરણ રિજિજુ અને યુવા બાબતો તથા રમત મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
⦁ ટોક્યો ખાતેની પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના પેરા એથ્લેટ્સે ઐતિહાસિક સફળતા હાંસલ કરીને પાંચ ગોલ્ડ મેડલ તથા આઠ સિલ્વર મેડલ સહિત કુલ 19 મેડલ જીત્યા
યુવા બાબતો તથા રમત ગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંઘ ઠાકુરે ટોક્યો ખાતેની પેરાલિમ્પિક ગેમ્સમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરીને પાંચ ગોલ્ડ મેડલ તથા આઠ સિલ્વર મેડલ સહિત કુલ 19 મેડલ જીતનારા ભારતના પેરા એથ્લેટ્સનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ તથા યુવા અને રમત ગમતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રમત વિભાગના સચિવ શ્રી રવી મિત્તલ, યુવા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી ઉષા શર્મા તથા મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અનુરાગ ઠાકુરે તેમના સંબોધનમાં આ શાનદાર પ્રદર્શન માટે તમામ પેરા એથ્લેટ્સને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે '' મને યાદ છે કે 2016ની પેરાલિમ્પિક્સમાં ભારતીય દળનું કદ 19 ખેલાડીનું હતું જ્યારે આ વર્ષે ભારતે 19 મેડલ જીત્યા છે. તમે એ પુરવાર કરી દીધું છે કે માનવીય ખેલદિલી સૌથી શક્તિશાળી છે. આપણા મેડલની સંખ્યા પાંચ ગણી વધી ગઈ છે. આપણે પહેલી વાર ટેબલ ટેનિસમાં મેડલો જીત્યા છે તો તિરંદાજીમાં સંખ્યાબંધ મેડલ જીત્યા છે આ ઉપરાંત કેનોઇંગ અને પાવરલિફ્ટિંગમાં ભારતે પહેલી વાર ભાગ લીધો હતો. આપણે બે વર્લ્ડ રેકોર્ડ સરભર કર્યા છે અને તેનાથી વધુ વિક્રમો તોડ્યા છે. ભારતના પેરા એથ્લેટ્સે મેડલ જીતવામાં શાનદાર પ્રદર્શન કર્યું છે.''
શ્રી ઠાકુરે ઉમેર્યું હતું કે '' આંતર રાષ્ટ્રીય રમત ગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા જતાં ખેલાડીઓને સપોર્ટ કરવા માટેના સરકારના અભિગમમાં જંગી પરિવર્તન આવ્યું છે. સરકાર તમામ પેરાલિમ્પિયનને સહકાર આપતી રહેશે અને તેમને સવલતો તથા આર્થિક મદદ કરતી રહેશે જેથી તેઓ આંતર રાષ્ટ્રીય સ્તરે શાનદાર સફળતા હાંસલ કરવાનું જારી રાખી શકે. પેરાલિમ્પિયન્સ માટે અમે પ્રાંતીય અને રાષ્ટ્રીય કક્ષાએ વધુને વધુ ટુર્નામેન્ટ યોજીને તેમને પ્રોત્સાહિત કરવાનું પસંદ કરીશું જેથી તેઓ નિયમિતપણે ટુર્નામેન્ટમાં ભાગ લેતા રહે અને તેમના કૌશલ્યને જાળવી રાખે.'' તેમણે વધુમાં જણાવ્યું હતું કે '' ભારતના પેરાલિમ્પિયન્સને વિવિધ સવલતો અને આર્થિક સહાય આપીને સરકાર તેમને સપોર્ટ કરવાનું જારી રાખશે જેથી તેઓ 2024 અને 2028ના ઓલિમ્પિક્સમાં વધુને વધુ મેડલ જીતીને લાવી શકે. તમામ પેરા એથ્લેટ્સ ટારગેટ ઓલિમ્પિક પોડિયમ ફિનિશ (TOPS)નો હિસ્સો છે અને આ યોજનાને વધુ આગળ ધપાવવામાં આવશે તથા આ યોજના હેઠળ ખેલાડીઓને સહકાર દ્વારા વધુ મજબૂત બનાવાશે. આ બાબત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સર્વસમાવેષક ભારતના વિઝનને સાકાર કરવા પ્રત્યે અમારી વચનબદ્ધતાનો હિસ્સો છે.''
શ્રી ઠાકુરે એમ પણ જણાવ્યું હતું કે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના પેરા એથ્લેટ્સના અસામાન્ય દેખાવને કારણે દેશમાં પેરા રમતો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારે વિશ્વકક્ષાની સવલતો સુનિશ્ચિત કરી છે અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખુદ રમતવીરો સાથે વાત કરતા હોય અને તેનો ઉત્સાહ વધારતા હોય છે. હકીકત તો એ છે કે છેલ્લી ચર્ચા દરમિયાન તો પ્રધાનમંત્રીશ્રીએ પેરા એથ્લેટ્સ અને તેમના પરિવારજનો સાથે લગભગ બે કલાકનો સમય ગાળ્યો હતો. આ બાબત સમાજના તમામ વર્ગો પર અસર કરે છે પછી તે કોઈ વ્યક્તિ હોય, કોર્પોરેટ હોય, રમત એસોસિએશન હોય કે અન્ય કોઈ પણ સંગઠન હોય.
કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરણ રિજિજુએ તમામ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે તમે ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે. '' ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ પેરા એથ્લેટ્સ હિરો છે. તમે તમામ દેશવાસીઓ માટે પ્રેરણામૂર્તિ છો. તમે એ પુરવાર કરી દીધું છે કે જો તમે સ્વપ્ન નિહાળો તો કાંઈ પણ શક્ય છે.'' તેમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી રિજિજુએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે તમામ ખેલાડી પાસે પ્રેરણાની કથા છે. દેશમાં રમતની સંસ્કૃતિ એવી રીતે રચાયેલી છે જ્યાં તમામ ખેલાડીને હિરો તરીકે જોવામાં આવે છે. હું કહીશ કે હવે ભારતમાં આખરે રમત ગમતની સંસ્કૃતિનું આગમન થયું છે અને પ્રધાનમંત્રીએ જાતે જ ઉદાહરણરૂપ બનીને, આગળ વધીને આ મહાન પરિવર્તન આણ્યું છે. તેમ શ્રી કિરણ રિજિજુએ ઉમેર્યું હતું.
યુવા બાબતો અને રમત ગમતના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિકે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોટા ભાગના રમતવીરો કહે છે કે છેલ્લી પેરાલિમ્પિક ગેમ્સ બાદ સરકારના સપોર્ટથી તેઓ પ્રેરિત થયા હતા. પ્રધાનમંત્રીનો વીડિયો વાર્તાલાપ અને મેડલ જીત્યા બાદ દરેક એથ્લેટ સાથે તેમણે કરેલી ચર્ચાએ ખરેખર તેમને પ્રોત્સાહિત કર્યા હતા.'' તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ કુ. દીપા મલિકે પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસો તથા દિવ્યાંગ રમતવીરોને સમાજમાં સમાવિષ્ટ કરવાની સરકારની પહેલને વધાવી લીધી હતી. ટારગેટ પોડિયમ ફિનિશ સ્કીમ હેઠળ પેરા એથ્લેટ્સને મળતા સહકારને કારણે ઇતિહાસ રચાયો છે અને આજે તમામ લોકો પેરા એથ્લેટ્સે હાંસલ કરેલી સફળતાની ચર્ચા કરી રહ્યા છે. તેમ કહીને કુ. દીપા મલિકે મહિલા રમતવીરોના પ્રતિનિધિત્વની સંખ્યામાં થયેલા વધારાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની તેમની સફળતાને વધાવી લીધી હતી.
ટોક્યો 2020માં ભારતે 19 મેડલ જીત્યા હતા અને ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા 162 દેશની ચંદ્રકોની યાદીમાં ભારત 24મા ક્રમે રહ્યું હતું. કુલ મેડલ જીતવાની સંખ્યાના આધારે ભારત 20મા ક્રમે રહ્યું હતું. ભારતે 1968માં પેરાલિમ્પિક્સમાં પહેલી વાર ભાગ લીધો ત્યારથી 2016 સુધીમાં કુલ 12 મેડલ જીત્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1753301)
Visitor Counter : 354
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam