સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું પ્રધાનમંત્રીનું સપનું


શ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ટ્યૂબરક્યૂલોસિસ સામે જાહેર આરોગ્યમાં મળેલી સફળતાની સમીક્ષા માટે તમામ રાજ્યોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

ચાલો ટીબી સામેની જંગને લોકોની પહેલ અને લોકોની ચળવળ બનાવીએ: શ્રી મનસુખ માંડવિયા

“સહકારપૂર્ણ અને સહયોગપૂર્ણ પ્રયાસો વધુ ઝડપથી સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં પ્રબળપણે યોગદાન આપશે”

Posted On: 02 SEP 2021 2:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો દ્વારા કેન્દ્રિત અને સઘન પ્રયાસોના પરિણામ રૂપે ટીબી વિરોધી જંગમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે સંવાદ યોજવામાં આવ્યો હતો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HGCB.jpg

 

છત્તીસગઢના આરોગ્ય મંત્રી શ્રી ટી.એસ.સિંહ દેવ, બિહારના આરોગ્ય મંત્રી શ્રી મંગલ પાંડે, હરિયાણાના આરોગ્ય મંત્રી શ્રી અનિલ વિજ, દિલ્હીના આરોગ્ય મંત્રી શ્રી સત્યેન્દ્ર કુમાર જૈન, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી શ્રી રાજેશ ટોપે, ઓડિશાના આરોગ્ય મંત્રી શ્રી નાબા કિશોર દાસ, હિમાચલ પ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી રાજીવ સૈઝવાલ, ઝારખંડના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી બન્ના ગુપ્તા, કર્ણાટકના તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે. સુધાકર, કેરળના આરોગ્ય મંત્રી શ્રીમતી વીણા જ્યોર્જ, રાજસ્થાનના આરોગ્ય મંત્રી શ્રી રઘુ શર્મા સહિત વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ તેમના રાજ્ય વતી ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SKWG.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003450M.jpg

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ટીબી નાબૂદ કરવા માટે લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા પ્રયાસો અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને નિયમિત ધોરણે સંવાદ યોજવાનું સૂચન કર્યું હતું જેથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ રીતો અંગે ચર્ચા થઇ શકે અને તેનું અનુકરણ કરી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સર્વસામાન્ય નીતિઓના કેન્દ્રીત અને અસરકારક અમલીકરણ માટે અને સંયુક્ત રીતે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આનાથી ખૂબ પ્રબળ યોગદાન મળી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, “સહકારપૂર્ણ અને સહયોગપૂર્ણ પ્રયાસોથી વધુ ઝડપથી સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં ખૂબ મજબૂત યોગદાન મળી રહેશે.”

તેમણે નોંધ્યું હતું કે, “ટીબી નાબૂદ કરવા માટેના મિશનમાં આપણી સાથે સામાન્ય લોકોને જોડવા માટે આપણે તેમને પ્રોત્સાહિત કરવાના છે. કાર્યને લોકોની પહેલ બનાવવાનું છે.” શ્રી માંડવિયાએ ખાતરી આપી હતી કે, 2025 સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાનું પ્રધાનમંત્રીનું સપનું પૂરું કરવા માટે ટ્યૂબરક્યૂલોસિસ સંબંધે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી આવતા તમામ સૂચનોને કેન્દ્ર સરકાર દ્વારા મુક્ત રીતે આવકારવામાં આવશે. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ અંગે જાહેર આરોગ્ય વ્યવસ્થાપન તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય કાર્યક્રમો અને પહેલોના સંદર્ભમાં સૂચનો પૂરાં પાડવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

ટીબી નાબૂદ કરવા માટે અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સફળતામાં કોવિડ-19ના કારણે ઉભા થયેલા જોખમ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં કોવિડ વિરોધી રસીકરણ ઘણું વેગવાન કરવામાં આવ્યું છે. શ્રી માંડવિયાએ 5 સપ્ટેમ્બર સુધીમાં તમામ શિક્ષકોનું રસીકરણ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેના માટે રાજ્યોને વધારાના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. સંદર્ભે, તેમણે રાજ્યોને પણ સૂચન કર્યું હતું કે, તેઓ ચોક્કસ દિવસો દરમિયાન સીધા લોકો સાથે સંપર્કમાં આવતા હોય તેવા ચોક્કસ સમુદાયો જેમકે, બજારમાં શાકભાજીના ફેરિયાઓ અથવા ચોક્કસ વિસ્તારોમાં રીક્ષા ખેંચવાવાળા વગેરેને રસી આપવા માટે વિશેષ રસીકરણ કવાયતોની પહેલ હાથ ધરે. તેમણે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓને ખાતરી આપી હતી કે, કોઇપણ સંભવિત અવરોધોનો ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર સતત રસીના ઉત્પાદકો સાથે સંપર્કમાં છે કારણ કે દર મહિને રસીના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે રાજ્યોને કોવિડ સંબંધિત પ્રોટોકોલ્સનું પાલન ચાલુ રાખવાનું અને દેશમાં સ્થિતિમાં આવેલા સુધારાના કારણે કોઇપણ પ્રકારની બાંધછોડ ના કરવાનું સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સહકારી સંઘવાદના માળખાની તરફેણ કરતા ડૉ. પવારે રેખાંકિત કર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવા માટે આપણા પ્રયાસોમાં અનેકગણો વધારો કરીને આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. કોવિડ મહામારી દરમિયાન ટીબી અને કોવિડના દ્વી-દિશાકીય સ્ક્રીનિંગ અને ટીબીની દવાઓની લોકોના ઘરઆંગણા સુધી ડિલિવરી જેવા વિવિધ પગલાંઓની પ્રશંસા કરી હતી. તેમણે આરોગ્ય પ્રશાસકોની સમગ્ર ટીમને સક્રિય કેસ શોધવાની સઘન કામગીરી હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરી હતી અને કહ્યું હતું કે, “જન જન કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈઅર્થાત્ "દરેક વ્યક્તિએ સજાગ થવાનું છે, ટીબીને નાબૂદ કરવાનો છે".

ટીબી કાર્યક્રમમાં કામ કરી રહેલા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કાર્યોની અસરો અંગે વિગતો આપી હતી તેમજ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવા માટે ચળવળને સમર્થન આપવાની તેમની ભાવિ યોજનાઓ જણાવી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H4WI.jpg

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, અધિક સચિવ (આરોગ્ય) સુશ્રી આરતી આહુજા, અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગનાની અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/BT



(Release ID: 1751393) Visitor Counter : 330