માહિતી અને પ્રસારણ મંત્રાલય
શ્રી અનુરાગ ઠાકુરે ઈ-ફોટો પ્રદર્શન “મેકિંગ ઑફ ધ કૉન્સ્ટિટ્યૂશન” અને વર્ચ્યુઅલ ફિલ્મ પોસ્ટર પ્રદર્શન “ચિત્રાંજલિ@75”નો શુભારંભ કર્યો
સરકાર તમારા બંધારણને જાણો-‘નો યોર કૉન્સ્ટિટ્યૂશન’ અભિયાન ચલાવશે: શ્રી ઠાકુર
ચિત્રાંજલિ@75 સ્વાતંત્ર્ય સેનાનીઓની પવિત્ર સ્મૃતિઓ જગાડશે; મંત્રાલય આવી ફિલ્મોને ભવિષ્યમાં લોકો સુધી લઈ જશે: શ્રી ઠાકુર
ભારતની મૃદુ શક્તિને આગળ વધારવાની ભારતીય ફિલ્મો પાસે એક અજોડ તક છે: શ્રી જી. કિશન રેડ્ડી
‘મેકિંગ ઑફ ધિ કૉન્સ્ટિટ્યૂશન’ સ્વતંત્રતા તરફની આપણી મજલનાં સીમાચિહ્નો ઉજવે છે; તે હિંદી અને અંગ્રેજીની સાથે 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે
प्रविष्टि तिथि:
27 AUG 2021 4:05PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ યુવા બાબતો અને રમતગમતના મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને પર્યટન, સંસ્કૃતિ તેમજ ભારતના ઉત્તર પૂર્વી પ્રદેશના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ ઈ-ફોટો પ્રદર્શન “મેકિંગ ઑફ ધિ કૉન્સ્ટિટ્યૂશન” અને વર્ચ્યુઅલ ફિલ્મ પોસ્ટર પ્રદર્શન “ચિત્રાંજલિ@75”નું ઉદ્ઘાટન આજે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઈંગ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. એલ. મુરુગન, સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ અને વિદેશ તેમજ સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીની સાથે કર્યું હતું.
લોકો સુધી પહોંચવાની વિશાળ પ્રવૃત્તિઓ દ્વારા નૂતન ભારત-ન્યુ ઈન્ડિયાની યાત્રાને પ્રદર્શિત કરવા અને સ્વતંત્રતા સંઘર્ષના ‘અપ્રસિદ્ધ નાયકો’ સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓનાં યોગદાનને ઉજવવાના હેતુથી આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વિવિધ મીડિયા એકમોની સાથે ‘આઈકનિક વીક’ ઉજવાઈ રહ્યું છે એના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં બોલતા શ્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઈ-ફોટો એક્ઝિબિશનનો હેતુ લોકોને બંધારણનાં ઘડતર વિશે માહિતગાર કરવાનો છે. આ પ્રદર્શન જન-ભાગીદારીની દિશામાં એક પગલું છે અને એનાથી દેશના યુવાઓને બંધારણ વિશે જાણવામાં પ્રોત્સાહન મળશે એટલું જ નહીં પણ એમને એમના અધિકારો વિશે શિક્ષિત કરશે અને દેશ પ્રત્યેની એમની ફરજોની ભાવના અંગે પ્રબુદ્ધ કરશે.
શ્રી ઠાકુરે જાહેરાત કરી હતી કે યુવાઓને ભારતનાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રચાર કરવાના પ્રયાસોમાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરવા માટે સરકાર જલદી ‘નો યોર કૉન્સ્ટિટ્યૂશન’ તમારા બંધારણને જાણો-કાર્યક્રમ ચલાવશે.
મંત્રીએ આગળ જણાવ્યું હતું “અમારી પરિવર્તનશીલ ડિજિટલ ક્રાંતિને સુસંગત રહીને અ,મે આ સંકલનને ડિજિટલ સ્વરૂપમાં પ્રસિદ્ધ કર્યું છે. આ પુસ્તક હિંદી અને અંગ્રેજીની સાથે અગિયાર ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થશે. આ અજોડ સંગ્રહ આપણી સ્વતંત્રતાની યાત્રાનાં વિભિન્ન સીમાચિહ્નોને ઉજવશે.” આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં ઈ-પ્રમાણપત્રની જોગવાઇ સાથેની ઈન્ટરએક્ટિવ ક્વિઝની સાથે ભાષણો અને વીડિયોનો સંગ્રહ છે.
વર્ચ્યુઅલ પોસ્ટર પ્રદર્શન વિશે બોલતા મંત્રીએ કહ્યું “ચિત્રાંજલિ@75 ભારતીય સિનેમાના 75 વર્ષોનું પ્રતિનિધિત્વ કરે છે અને મને ખાતરી છે કે તે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ, આપણા સમાજ સુધારકો અને આપણા સૈનિકોનાં શૌર્યની પવિત્ર સ્મૃતિઓ જગાડશે. અમે અમારા પોસ્ટર પ્રદર્શનમાં આવી 75 ઓળખ રૂપ ફિલ્મોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.” મંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં, મંત્રાલય આ પોસ્ટર્સ જ નહીં પણ આ ફિલ્મોને પણ દેશના લોકો સુધી લઈ જવાના પ્રયાસો કરશે.
કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા આવો વિસ્તૃત કાર્યક્રમ યોજવા બદલ માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું “આપણા પ્રધાનમંત્રીની દ્રષ્ટિ છે કે અમૃત મહોત્સવ સરકારી કાર્યક્રમ ન બની રહેવો જોઇએ પણ લોકોનો કાર્યક્રમ બનવો જોઇએ, જેનું મુખ્ય સૂત્ર જન-ભાગીદારી છે.” મંત્રીએ ઉજાગર કર્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા પ્રધાનમંત્રી 2047માં જ્યારે આપણે આઝાદીના 100 વર્ષોની ઉજવણી કરીશું ત્યારે યુવાઓને મજબૂત, શક્તિશાળી અને આત્મવિશ્વાસુ ભારતની કલ્પના કરવા પ્રેરિત કરવા માગે છે.
શ્રી રેડ્ડીએ કહ્યું “ચિત્રાંજલિ@75 લોકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલાં બલિદાનોની યાદ અપાવશે. આપણા સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે આપણી ફિલ્મોને જોવાની આ એક તક છે. ભારતની મૃદુ શક્તિને વધુ આગળ ધપાવવાની ભારતીય ફિલ્મો પાસે એક અજોડ તક રહેલી છે. મને ખાતરી છે કે ફોટો અને પોસ્ટર પ્રદર્શન દેશના યુવાઓને પ્રેરિત અને પ્રોત્સાહિત કરશે.”
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રએ કહ્યું કે આ કાર્યક્રમ એ આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દેશના યુવાઓ સુધી લઈ જવાની દિશામાં એક પ્રયાસ છે.
શ્રી ઠાકુરે, શ્રી રેડ્ડી, ડૉ. એલ. મુરુગન, શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રીમતી મીનાક્ષી લેખીની સાથે આ અવસરે પ્રદર્શનોની તસવીરોનાં એક સમૂહચિત્રનું પણ અનાવરણ કર્યું હતું.
***
ચિત્રાંજલિ@75 વિશે:
વિઝ્યુઅલ દસ્તાવેજીકરણનું એક દ્રશ્યફલક, એવું આ વર્ચ્યુઅલ પ્રદર્શન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સૈનિકોનાં શૌર્ય અને બલિદાનને મહિમાન્વિત કરતા ભારતીય સિનેમાને પ્રદર્શિત કરીને દેશની યાત્રાના મૂળથી શરૂ કરે છે, ફિલ્મો જે સમાજના આંતરપ્રવાહોનું પ્રતિબિંબ પાડે છે અને વિવિધ સુધારા તરફ દોરી જાય છે અને એવી ફિલ્મો જે ગણવેશધારી નાયકો-સશસ્ત્ર દળોને અમર કરે છે.
‘ચિત્રાંજલિ@75’ વિવિધ ભાષાના સિનેમાથી 75 ફિલ્મ પોસ્ટર્સ અને તસવીરો દ્વારા દેશદાઝના વિભિન્ન મિજાજને રજૂ કરે છે. આ પ્રદર્શનને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે: ‘સામાજિક સુધારાનાં ચિત્રપટ’, સિનેમાના લેન્સ દ્વારા સ્વાંતંત્ર્ય સંગ્રામ’ અને ‘બહાદુર સૈનિકોને સલામી’.
મૂક ફિલ્મ ભક્ત વિદુર(1921)થી શરૂ કરીને સ્વતંત્રતા સેનાની ઉય્યલવડા નરસિંહા રેડ્ડીનાં જીવનથી પ્રેરિત તાજેતરની તેલુગુ ફિલ્મ સાય રા નરસિંહા રેડ્ડી (2019) સુધી આ 75 તસવીરોમાં અગ્રણી સ્વતંત્રતા સેનાનીઓનાં જીવનચરિત્ર પરની ફિલ્મો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામની ભાવનાનું વર્ણન કરતી વિવિધ ભાષાઓની ફિલ્મો, સામાજિક દૂષણો પર વિજય અને આપણી સીમાઓની સુરક્ષા કરતા નાયકોનાં શૌર્યની ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પ્રદર્શનને શૅરિંગ અને ડાઉનલોડિંગનાં વિકલ્પોની વિશેષતાઓ સાથે યુઝર ફ્રેન્ડલી બનાવાયું છે.
આ પ્રદર્શન અહીં ઉપલબ્ધ છે: https://www.nfai.gov.in/virtual-poster-exhibition.php
મેકિંગ ઑફ ધિ કૉન્સ્ટિટ્યૂશન વિશે:
ભારતની આઝાદીના 75 વર્ષોના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલય સમગ્ર વર્ષ માટે સ્વતંત્રતા સંગ્રામનાં વિભિન્ન પાસાંઓ અંગે ઈ-બુક્સની એક શ્રેણી આરંભી રહ્યું છે. આ શ્રેણીમાં પ્રથમ છે ‘મેકિંગ ઑફ ધિ કૉન્સ્ટિટ્યૂશન’. ત્યારબાદ ઈન્ટિગ્રેશન ઑફ ધિ કન્ટ્રી, વીમેન ઈન ફ્રીડમ મૂવમેન્ટ, ટ્રાઈબલ મૂવમેન્ટ્સ, રિવૉલ્યુશનરી/ગાંધીયન મૂવમેન્ટ્સ ઈત્યાદિ પ્રસિદ્ધ થશે.
ઈ-બુક ‘મેકિંગ ઑફ ધિ કૉન્સ્ટિટ્યૂશન” આશરે 25 જેટલાં દુર્લભ ચિત્રો દ્વારા બંધારણ ઘડવાનું શબ્દો અને ચિત્રોમાં રજૂ કરે છે. તેમાં ઑલ ઈન્ડિયા રેડિયોનાં આર્કાઈવ્ઝ અને ફિલ્મ્સ ડિવિઝનમાંથી મેળવાયેલા વીડિયો અને ભાષણોની લિન્ક્સ પણ છે.
વાચકોની સામેલગીરીને વધારવા અને નાગરિકોની ‘જનભાગીદારી’ને સુનિશ્ચિત કરવા આ ઈ-બુકમાં એક વિશેષ ઈન્ટરએક્ટિવ/ રોકી રાખતી ક્વિઝ છે જેની અંદર 10 પ્રશ્નોનો સમૂહ છે.
આ ઈ-બુક હિંદી અને અંગ્રેજી અને બીજી 11 ભાષાઓ (ઉડિયા, ગુજરાતી, મરાઠી, આસામી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, બંગાળી, ઉર્દુ)માં ઉપલબ્ધ હશે. પ્રાદેશિક પીઆઇબી/આરઓબી ઑફિસો દ્વારા પોતપોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રમોટ કરવા ઉપરાંત સ્થાનિક યુનિવર્સિટીઓ, કૉલેજો, શાળાઓને એની લિંક્સ ઉપલબ્ધ કરાવાશે.
ઈ-સંગ્રહ અહીં ઉપલબ્ધ છે: https://constitution-of-india.in/
(रिलीज़ आईडी: 1749615)
आगंतुक पटल : 418
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
Tamil
,
Telugu
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi