પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલારોપણ કર્યું
મહામારી સામે કાશી અને ઉત્તરપ્રદેશના લોકોના પ્રયાસોની પ્રશંસા કરી
કાશી પૂર્વાંચલનું મુખ્ય તબીબી કેન્દ્ર બની ગયું છેઃ પ્રધાનમંત્રી
મા ગંગા અને કાશીની સ્વચ્છતા અને સુંદરતા સૌથી વધુ મહત્વપૂર્ણ છેઃ પ્રધાનમંત્રી
આ વિસ્તારમાં રૂ. 8000 કરોડના મૂલ્યની વિવિધ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
ઉત્તરપ્રદેશ દેશનું અગ્રણી રોકાણ સ્થઆન તરીકે ઝડપથી વિકસી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
કાયદાના શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સુનિશ્ચિત થયું છે કે, ઉત્તરપ્રદેશના લોકોને યોજનાઓના લાભ મળી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી
ઉત્તરપ્રદેશના લોકોને વાયરસ સામે સાવધાની રાખવાની વાત યાદ કરાવી
Posted On:
15 JUL 2021 1:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલારોપાણ કર્યું હતું. તેમણે આશરે રૂ. 744 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ સરકારી પ્રોજેક્ટ અને કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં બીએચયુમાં 100 બેડની એમસીએચ, ગોદૌલિયામાં મલ્ટિ-લેવલ પાર્કિંગ, ગંગા નદીમાં પ્રવાસનના વિકાસ માટે રો-રો જહાજો અને વારાણસી ગાઝીપુર હાઇવે પ્રોજેક્ટ્સ પર થ્રી-લેન ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન સામેલ હતું.
તેમણે આશરે રૂ. 839 કરોડના કેટલાંક પ્રોજેક્ટ અને સરકારી કાર્યોનું શિલારોપાણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી (સિપેટ)નું કૌશલ્ય અને ટેકનિકલ સહાય કેન્દ્ર, જલજીવન અભિયાન અંતર્ગત 143 ગ્રામીણ પ્રોજેક્ટ તથા કર્ખિયોંનમાં કેરી અને શાકભાજી માટે ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ સામેલ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લોકોને સંબોધન કરતા છેલ્લાં થોડાં મહિનાઓની મુશ્કેલ સ્થિતિને યાદ કરી હતી, જેમાં કોરોનાવાયરસના બદલાયેલા અને ખતરનાક સ્વરૂપની બીજી જીવલેણ લહેર આફત બનીની આવી હતી. પ્રધાનમંત્રીએ આ પડકારનો સામનો કરવામાં ઉત્તરપ્રદેશની સરકાર અને કાશીના લોકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કાશીમાં તેમની ટીમ, વહીવટીતંત્ર અને કોરોના વોરિયર્સની સંપૂર્ણ ટીમે જે રીતે કાશીમાં વ્યવસ્થા કરવા માટે રાતદિવસ મહેનત કરી એની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કસોટીના દિવસોમાં પણ કાશીએ દેખાડી દીધું છે કે, નગરનો જીવનપ્રવાહ ક્યારેય અટકતો નથી અને નગરવાસીઓ ક્યારેય થાકતા નથી.” તેમણે બીજી લહેરની કામગીરીની સરખામણીમાં અગાઉ જાપાનીઝ એન્સિફેલિટિસ એટલે કે મગજના તાવે વરસાવેલા કહેર દરમિયાન થયેલી કામગીરી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉ સ્વાસ્થ્ય સુવિધાઓના અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ઉત્તરપ્રદેશમાં નાનાં સંકટ પણ મોટું સ્વરૂપ ધારણ કરતાં હતાં. અત્યારે ઉત્તરપ્રદેશ એવું રાજ્ય છે, જ્યાં સૌથી વધુ પરીક્ષણ અને રસીકરણ થયું છે.
શ્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં તબીબી માળખાગત સુવિધાઓમાં ઝડપથી થઈ રહેલા વધારા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. ઘણી મેડિકલ કોલેજો નિર્માણના વિવિધ તબક્કાઓમાં છે. શ્રી મોદીએ રાજ્યમાં સ્થાપિત થઈ રહેલા આશરે 550 ઓક્સિજન પ્લાન્ટ વિશે વાત કરી હતી, જેમાંથી 14 પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન થયું હતું. તેમણે રાજ્ય સરકાર દ્વારા પીડિયાટ્રિક આઇસીયુ અને ઓક્સિજન સુવિધાઓમાં વધારાની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જાહેર થયેલું આશરે રૂ. 23000 કરોડનું પેકેજ ઉત્તરપ્રદેશ માટે મદદરૂપ પુરવાર થશે. તેમણે કહ્યું હતું કે, કાશી નગર પૂર્વાંચલનું મોટું તબીબી કેન્દ્ર બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલીક બિમારીઓ માટેની સારવાર અર્થ અગાઉ દિલ્હી અને મુંબઈ જવું પડતું હતું. આ માટેની સારવારો હવે કાશીમાં ઉપલબ્ધ થઈ છે. આજે ઉદ્ઘાટન થયેલા કેટલાંક પ્રોજેક્ટ નગરની તબીબી માળખાગત સુવિધામાં વધુ વધારો કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઘણા પ્રોજેક્ટ કાશીના પ્રાચીન નગરને વિકાસના માર્ગે ઝડપથી અગ્રેસર કરી રહ્યાં છે અને સાથે સાથે એની પ્રાચીનતાને અકબંધ રાખી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, હાઇવે, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ, અંડરગ્રાઉન્ડ વાયરિંગ, સુએઝ અને પીવાના પાણીની સમસ્યાઓનું સમાધાન, પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટેના વિવિધ પ્રોજેક્ટને સરકાર તરફથી અસાધારણ વેગ મળ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે પણ રૂ. 8000 કરોડના મૂલ્યની વિવિધ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.”
તેમણે જણાવ્યું હતું કે, ગંગા અને કાશીની સ્વચ્છતા અને સુંદરતા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ માટે રસ્તાઓ, સુએઝ ટ્રીટમેન્ટ, પાર્ક અને ઘાટને સુંદર બનાવવાની કામગીરી ચાલી રહી છે. પંચકોશી માર્ગને પહોળો કરવો, વારાણસી ગાઝીપુર પર પુલથી ઘણા ગામ અને આસપાસના શહેરોને મદદ મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આખા શહેરમાં મોટી LED સ્ક્રીન સ્થાપિત થઈ છે અને વિવિધ ઘાટ પર અદ્યતન ટેકનોલોજી ઇન્ફોર્મેશન બોર્ડ ઊભા કરવામાં આવ્યાં છે, જેથી કાશીના મુલાકાતોને ઉપયોગી જાણકારી મળશે. આ LED સ્ક્રીન અને ઇન્ફોર્મેશન બોર્ડ કાશીના ઇતિહાસ, સ્થાપત્ય, કળા, કારીગરી એમ દરેક પ્રકારની માહિતી આકર્ષક રીતે આપશે તથા શ્રદ્ધાળુઓને ઉપયોગી પુરવાર થશે. ઘાટ પર મા ગંગાની આરતી અને કાશી વિશ્વનાથ મંદિરની આરતીનું પ્રસારણ મોટી સ્ક્રીન પર આખા શહેરમાં થઈ શકશે. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, રો-રો સર્વિસ અને ક્રૂઝ સર્વિસનું આજે ઉદ્ઘાટન થયું છે જેનાથી પ્રવાસનને વેગ મળશે. વળી આજે રુદ્રાક્ષ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થયું છે, જે શહેરના કલાકારોને આંતરરાષ્ટ્રીય સ્તરનો મંચ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રીએ આધુનિક સમયગાળામાં શિક્ષણના કેન્દ્ર તરીકે કાશીના વિકાસ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે કાશીનો મોડલ સ્કૂલ, આઇટીઆઈ અને આવી ઘણી સંસ્થાઓ મળી છે. ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં સિપેટના કૌશલ્ય અને ટેકનિકલ સહાય કેન્દ્રથી મદદ મળશે. તેમણે ઉમેર્યુ હતું કે, થોડા વર્ષો અગાઉ ઉત્તરપ્રદેશમાં વેપારવાણિજ્ય કરવાનું મુશ્કેલ ગણાતું હતું, પણ અત્યારે આ રાજ્ય મેક ઇન ઇન્ડિયા માટે મનપસંદ સ્થાન બની ગયું છે. પ્રધાનમંત્રીએ આ સફળતાનો શ્રેય યોગી આદિત્યનાથની સરકારને આપ્યો હતો, જેણે છેલ્લાં થોડાં વર્ષોમાં માળખાગત વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી મોદીએ ડિફેન્સ કોરિડોર, પૂર્વાંચલ એક્સપ્રેસવે, બુંદેલખંડ એક્સપ્રેસવે, ગોરખપુર લિન્ક એક્સપ્રેસવે અને ગંગા એક્સપ્રેસવેના ઉદાહરણ આપ્યાં હતાં, જેનાથી ઉત્તરપ્રદેશના વિકાસને વેગ મળ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં કૃષિ ક્ષેત્રના આધુનિકરણ માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ. 1 લાખ કરોડનું વિશેષ ફંડ ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી આપણા કૃષિ ઉત્પાદનોના બજારને લાભ થશે. આ દેશમાં કૃષિ ઉત્પાદનોના બજારોની વ્યવસ્થાને આધુનિક અને સુવિધાજનક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નવા વિકાસલક્ષી પ્રોજેક્ટની લાંબી યાદીની નોંધ લઈને કહ્યું હતું કે, અગાઉ રાજ્ય માટે યોજનાઓ અને નાણાકીય ભંડોળની વ્યવસ્થાનું આયોજન થતું હતું. પણ લખનૌ પહોંચતા જ નાણાકીય ભંડોળનો ઉપયોગ અટકી જતો હતો અને યોજનાઓ અભેરાઈ પર ચડી જતી હતી. પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના તમામ લોકો સુધી વિકાસના મીઠા ફળ પહોંચે એ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે ઉત્તરપ્રદેશમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે. એક સમયે રાજ્યમાં માફિયારાજ અને આતંકવાદ પ્રવર્તતું હતું. પણ હવે અસરકારક રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે. અગાઉ માતા અને બહેનોની સલામતીને લઈને માતાપિતાઓ ભય અને ડરના ઓથારમાં જીવતા હતા. આ સ્થિતિ હવે બદલાઈ છે. અત્યારે ઉત્તરપ્રદેશમાં વિકાસને પ્રાધાન્ય આપતી સરકારનું શાસન છે, નહીં કે ભ્રષ્ટ અને ભાઇભતીજાથી ચાલતી સરકારનું. એટલે જ અત્યારે ઉત્તરપ્રદેશમાં લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ સીધા મળે છે. એટલે જ અત્યારે ઉત્તરપ્રદેશમાં નવા ઉદ્યોગો રોકાણ કરે છે અને રોજગારીની તકો વધી રહી છે.
પ્રધાનમંત્રીએ તેમની વાત પૂરી કરતાં ઉત્તરપ્રદેશના લોકોને કોરોના ફરી એકવાર માથું ન ઊંચકે એ જવાબદારી યાદ કરાવી હતી. તેમણે કોરોનાની બીજી લહેર ઓસરવા છતાં કોઈ પણ પ્રકારની બેદરકારી મોટી લહેરને સામે ચાલીને આમંત્રણ આપી શકે છે એવી ચેતવણી આપી હતી. તેમણે દરેકને આચારસંહિતાનું પાલન કરવા અને “તમામ માટે નિઃશુલ્ક રસીકરણ” અભિયાન અંતર્ગત રસી લેવા અપીલ કરી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1735884)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam