પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો

‘ટોયકોનોમી’માં વધારે ભારતનો બજારહિસ્સો વધારવા અપીલ કરી

જરૂરિયાતમંદ વર્ગોના વિકાસ અને વૃદ્ધિ માટે રમકડાં ઉદ્યોગના મહત્વ પર ભાર મૂક્યો

આપણે સ્થાનિક રમકડાઓને પ્રાધાન્ય આપવાની જરૂર છેઃ પ્રધાનમંત્રી

દુનિયા ભારતની ક્ષમતા, કળા અને સંસ્કૃતિ તથા સમાજને જાણવા આતુર છે, રમકડાં એમાં મોટી ભૂમિકા ભજવી શકેઃ પ્રધાનમંત્રી

ભારત ડિજિટલ ગેમિંગ માટે પુષ્કળ સામગ્રી અને ક્ષમતા ધરાવે છેઃ પ્રધાનમંત્રી

ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ રમકડાં ઉદ્યોગના ઇનોવેટર્સ અને સર્જકો માટે સોનેરી તક સમાન છેઃ પ્રધાનમંત્રી

Posted On: 24 JUN 2021 1:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી પિયૂષ ગોયલ અને શ્રી સંજય ધોત્રે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન દેશની યુવા પેઢી હેકેથોન્સના મંચ પર દેશના ચાવીરૂપ પડકારોથી પરિચિત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, હેકેથોન્સના આયોજન પાછળનો ઉદ્દેશ દેશની યુવાશક્તિને એકમંચ પર સંગઠિત કરવાનો અને તેમને તેમની પ્રતિભાઓને વ્યક્ત કરવા એક માધ્યમ પ્રદાન કરવાનો છે.

બાળકોના પ્રથમ મિત્ર તરીકે રમકડાનું મહત્વ વ્યક્ત કરવા ઉપરાંત પ્રધાનમંત્રીએ રમકડાંઓ અને રમતના આર્થિક પાસાં પર પણ ભાર મૂક્યો હતો, જેને તેમણે ટોયકોનોમી નામ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાભરમાં રમકડાનું બજાર આશરે 100 અબજ ડોલરનું છે અને આ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત 1.5 ટકા છે. ભારત એના લગભગ 80 ટકા રમકડાની આયાત કરે છે. એનો અર્થ એ છે કે, દર વર્ષે કરોડો રૂપિયાનું ધન દેશની બહાર જાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, આંકડાઓ ઉપરાંત આ ક્ષેત્ર સમાજના જરૂરિયાતમંદ વર્ગોની પ્રગતિ અને વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. રમકડાં ઉદ્યોગ એક આગવો નાના પાયાનો ઉદ્યોગ છે. તેમાં ગ્રામીણ વિસ્તારો, દલિતો, ગરીબો અને આદિવાસી સમુદાયોના કલાકારો કામ કરે છે. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં મહિલાઓના પ્રદાન પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું હતું. તેમણે આ વર્ગોને લાભાન્વિત કરવા આપણે સ્થાનિક રમકડાઓના વપરાશને પ્રાધાન્ય આપવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમકડાઓને સ્પર્ધાત્મક બનાવવા નવીનતા અને ધિરાણના નવા મોડલ માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નવા વિચારોને પોષણ આપવાની, નવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવાની, નવી ટેકનોલોજીઓને પરંપરાગત રમકડાં ઉત્પાદકો સુધી પહોંચાડવાની અને નવા બજારમાં માગ પેદા કરવાની જરૂર છે. ટોયકેથોન જેવી ઇવેન્ટ પાછળ આ પ્રેરણા કે પરિબળો કામ કરે છે.

પ્રધાનમંત્રીએ સસ્તાં દરે ઉપલબ્ધ ડેટા અને ઇન્ટરનેટના માધ્યમ થકી ગ્રામીણ વિસ્તારોના જોડાણનો સંદર્ભ ટાંક્યો હતો તથા ભારતમાં વર્ચ્યુઅલ, ડિજિટલ અને ઓનલાઇન ગેમિંગમાં સંભવિતતાઓ ચકાસવાની અપીલ કરી હતી. તેમણે એ હકીકત પર અફસોસ વ્યક્ત કર્યો હતો કે, બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની ઓનલાઇન અને ડિજિટલ ગેમ્સ ભારતીય વિભાવના પર આધારિત નથી અને આ પ્રકારની ઘણી ગેમ્સ હિંસાને પ્રોત્સાહન આપે છે તથા માનસિક તણાવનું કારણ છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, દુનિયા ભારતની ક્ષમતા, કળા અને સંસ્કૃતિ તથા સમાજ વિશે જાણવા આતુર છે. રમકડાં એમાં મોટી ભૂમિકા ભજવી શકે. ભારત ડિજિટલ ગેમિંગ માટે પુષ્કળ સામગ્રી અને સક્ષમતા ધરાવે છે. શ્રી મોદીએ યુવાન ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને દુનિયા સમક્ષ ભારતની ક્ષમતાઓ અને વિચારોનું ખરું ચિત્ર રજૂ કરવાની તેમની જવાબદારીને ધ્યાનમાં લેવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ રમકડાં ઉદ્યોગના ઇનોવેટર્સ અને સર્જકો માટે સોનેરી તક છે. ઘણા પ્રસંગો, આપણા સ્વતંત્રતાસેનાનીઓ સાથે સંબંધિત ગાથાઓ તથા તેમનું સાહસ અને નેતૃત્વ ગેમિંગ વિભાવના માટે પ્રેરક બની શકશે. આ ઇનોવેટર્સ ભવિષ્ય સાથે પ્રજાને જોડવામાં મોટી ભૂમિકા ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ ગેમ્સ બનાવવાની જરૂર છે, જે રસપ્રદ, મનોરંજક અને માહિતીપ્રદ હોય.

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1730015) Visitor Counter : 68