સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

હવે 18 થી 44 વર્ષના વયજૂથ માટે CoWIN પર ઑનલાઇન એપોઇન્ટમેન્ટ ઉપરાંત સ્થળ પર નોંધણી/સુવિધા પ્રાપ્ત સમૂહ માટે નોંધણી પણ શરૂ કરવામાં આવી


આ સુવિધા હાલમાં ફક્ત સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (CVC) માટે શરૂ કરવામાં આવી

આ સુવિધાનો ઉપયોગ ફક્ત સંબંધિત રાજ્ય/કેન્દ્ર સરકારના નિર્ણયના આધારે થઇ શકશે

Posted On: 24 MAY 2021 1:11PM by PIB Ahmedabad

દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયત સૌથી સંવેદનશીલ જનસમુદાયને કોવિડ-19થી સુરક્ષિત રાખવા માટેનું એક કારગત સાધન છે અને તેની નિયમિત ધોરણે ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવામાં આવે છે અને તેના પર દેખરેખ રાખવામાં આવે છે. તબક્કાવાર, સક્રિય અને પૂર્વઅસરકારક અભિગમના કારણે આ કવાયતને તમામ હિતધારકો સાથે પરામર્શ કરીને પ્રવર્તમાન સંજોગો અનુસાર સુધારવામાં આવી છે.

દેશભરમાં 1 માર્ચ 2021ના રોજ તબક્કા-2ના પ્રારંભ સાથે આ કવાયતમાં 45 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના નાગરિકોને ફક્ત CoWIN ડિજિટલ પ્લેટફોર્મ પર ઑનલાઇન નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધા આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિકતા સમૂહ માટે સ્થળ પર નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે પછી, 1 મે 2021થી ઉદારીકૃત કિંમત અને પ્રવેગિત રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિના અમલ સાથે રસીકરણ કવરેજ માટેનો વ્યાપ વધારીને 18 થી 44 વર્ષના વયજૂથના લોકોને પણ તેમાં સમાવી લેવામાં આવ્યા. 18 થી 44 વર્ષના વયજૂથના લોકોને શરૂઆતમાં માત્ર ઑનલાઇન માધ્યમથી જ નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધાના કારણે રસીકરણ કેન્દ્રો પર ભીડ એકત્રિત થતી ટાળવામાં ઘણી મદદ મળી.

આ સંદર્ભમાં, રાજ્યો દ્વારા આપવામાં આવેલા વિવિધ પ્રેઝન્ટેશન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને 18 થી 44 વર્ષના વયજૂથના રસીકરણ માટે પ્રાપ્ત થયેલા ઇનપુટ્સના આધારે, કેન્દ્ર સરકારે હવે નીચે ઉલ્લેખિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને 18 થી 44 વર્ષના વયજૂથ માટે CoWIN ડિજિટલ પ્લેટફોર્મ પર ઑનલાઇન નોંધણી ઉપરાંત સ્થળ પર નોંધણી/ સુવિધા પ્રાપ્ત સમૂહ માટે નોંધણીની સગવડ પણ આપવાનો નિર્ણય લીધો છે:

(i) જો ઑનલાઇન સ્લોટ્સ સાથે વિશેષ રૂપે સત્રોનું આયોજન કરવામાં આવે તો તેવી સ્થિતિમાં દિવસના અંતે, જો ઑનલાઇન એપોઇન્ટમેન્ટ લેનાર લાભાર્થી કોઇપણ કારણોસર રસીકરણ માટે ના આવી શકે તો, કેટલાક ડોઝ ઉપયોગમાં લીધા વગર પડ્યા રહે છે. આવા કિસ્સામાં, કેટલાક લાભાર્થીઓની સ્થળ પર નોંધણી કરવાથી રસીના બગાડને ઓછો કરી શકાય છે.

(ii) CoWIN દ્વારા એક મોબાઇલ નંબર પરથી મહત્તમ 4 લાભાર્થીની નોંધણી જેવી સુવિધા, આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપ્લિકેશન દ્વારા આપવામાં આવતી નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધા અને સામાન્ય સેવા કેન્દ્રો વગેરે પર આપવામાં આવતી સુવિધા છતાં, ઘણા લોકોને સુવિધા પ્રાપ્ત સમૂહ તરીકે નોંધણીની જરૂર પડે છે અને જેમની પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન અથવા મોબાઇલ ફોનની ઉપલબ્ધતા નથી તેમના માટે પણ રસીકરણ માટે મર્યાદિત ઍક્સેસ થઇ જાય છે.

આથી, હવે 18 થી 44 વર્ષના વયજૂથ માટે CoWIN પર સ્થળ પર જ નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

જોકે, હાલના તબક્કે આ સુવિધા ફક્ત સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (CVC) માટે સક્ષમ કરવામાં આવી છે.

હાલમાં, આ સુવિધા ખાનગી CVC માટે ઉપલબ્ધ કરવવામાં આવી નથી અને ખાનગી CVCએ વિશેષરૂપે સ્લોટ સાથે ઑનલાઇન એપોઇન્ટમેન્ટ્સ માટે તેમના રસીકરણ શેડ્યૂલ જાહેર કરવાના રહેશે.

આ સુવિધાનો ઉપયોગ ફક્ત સંબંધિત રાજ્ય/કેન્દ્ર સરકારના નિર્ણયના આધારે થઇ શકશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ, રસીના બગાડને ઓછો કરવા માટેના વધારાના પગલાં અને 18 થી 44 વર્ષના વયજૂથમાં લાયકાત પ્રાપ્ત લાભાર્થીઓને રસીકરણ સુવિધા આપવા જેવા સ્થાનિક સંદર્ભના આધારે સ્થળ પર નોંધણી/સુવિધા પ્રાપ્ત સમૂહ માટે નોંધણી અને એપોઇન્ટમેન્ટ અંગે અવશ્યપણે નિર્ણય લેવાનો રહેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે, સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર દ્વારા 18 થી 44 વર્ષના વયજૂથ માટે સ્થળ પર નોંધણી અને એપોઇન્ટમેન્ટની સુવિધાના ઉપયોગની વ્યાપકતા અને રીતનું તમામ જિલ્લા ઇમ્યુનાઇઝેશન અધિકારીઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ સૂચનાઓ બહાર પાડવાની સલાહ આપી છે.

સુવિધા પ્રાપ્ત સમૂહો સાથે સંકળાયેલા લાભાર્થીઓને રસીકરણ સેવા પૂરી પાડવા માટે સંપૂર્ણ અનામત સત્રોનું પણ આયોજન થઇ શકે છે. જ્યારે પણ આવા સંપૂર્ણ અનામત સત્રોનું આયોજન કરવામાં આવે ત્યારે, પૂરતી સંખ્યામાં આવા લાભાર્થીઓને લાવવા માટે અવશ્યપણે તમામ પ્રયાસો કરવાના રહેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુમાં રાજ્યો/કેન્દ્ર સરકારોને સલાહ આપી છે કે, 18 થી 44 વર્ષના વયજૂથ માટે સ્થળ પર નોંધણી અને એપોઇન્ટમેન્ટની શરૂ કરવામાં આવે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી અને અત્યંત કાળજી લેવી જરૂરી છે જેથી રસીકરણ કેન્દ્રો પર અતિશય ભીડ એકત્ર થતી ટાળી શકાય.(Release ID: 1721257) Visitor Counter : 337