વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધિત પ્રશ્નો માટે DGFT ‘કોવિડ-19 હેલ્પડેસ્ક’ કાર્યાન્વિત કરવામાં આવ્યું
Posted On:
26 APR 2021 11:58AM by PIB Ahmedabad
હાલમાં દેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં થઇ રહેલી તીવ્ર વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના વાણિજ્ય વિભાગ અને વિદેશ વ્યાપાર મહા નિદેશાલય (DGFT) દ્વારા આયાત અને નિકાસની સ્થિતિ તેમજ વેપાર હિતધારકોને પડી રહેલી મુશ્કેલીઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. તદઅનુસાર, DGFT દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંદર્ભમાં ઉભા થઇ રહેલા પ્રશ્નોના અનુકૂળ ઉકેલ અને સહકાર માટે ‘કોવિડ-19 હેલ્પડેસ્ક’ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.
આ ‘કોવિડ-19 હેલ્પડેસ્ક’ વાણિજ્ય વિભાગ/ DGFT સંબંધિત પ્રશ્નો, આયાત અને નિકાસને લગતા લાઇસન્સ સંબંધિત પ્રશ્નો, કસ્ટમ્સ ક્લિઅરન્સ અને તેના કારણે ઉભી થઇ રહેલી મુશ્કેલીઓના ઉકેલ, આયાત/નિકાસ સંબંધિત દસ્તાવેજોને લગતા પ્રશ્નો, બેન્કિંગ સંબંધિત બાબતો વગેરેને ધ્યાનમાં લેશે. હેલ્પડેસ્ક દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અન્ય મંત્રાલયો/ વિભાગો/ એજન્સીઓ સંબંધિત પ્રશ્નોને એકત્રિત કરીને તેને સુવ્યવસ્થિત કરવામાં આવશે અને તેમના સહકાર માટે સંકલન કરશે તેમજ શક્ય હોય તેવા ઉકેલો પૂરાં પાડશે.
તમામ હિતધારકો, જેમાં ખાસ કરીને નિકાસકારો અને આયાતકારો, DGFTની વેબસાઇટ પર માહિતી સબમિટ કરી શકે છે અને જેમાં સહકારની જરૂર હોય તેવા પોતાના પ્રશ્નો સબમિટ કરવા માટે તેમણે નીચે દર્શાવેલા પગલાં અનુસરવા જરૂરી છે—
- DGFT વેબસાઇટ (https://dgft.gov.in) પર જાઓ જેમાં સેવાઓ DGFT હેલ્પડેસ્ક સેવા પર જાઓ
- ‘નવી વિનંતી બનાવો’ પર જાઓ અને ‘કોવિડ-19’ શ્રેણી પસંદ કરો
- અનુકૂળ પેટા શ્રેણી પસંદ કરો પછી અન્ય સબંધિત વિગતો દાખલ કરીને તેને સબમિટ કરો.
વૈકલ્પિક રીતે, કોઇપણ વ્યક્તિ પોતાના પ્રશ્નો ઇમેલ મારફતે dgftedi[at]nic[dot]in પર મોકલી શકે છે જેમાં વિષયનું શીર્ષક: Covid-19 Helpdesk રાખવું અથવા ટૉલ ફ્રી નંબર 1800-111-550 દ્વારા પણ પ્રશ્નોની જાણ કરી શકે છે.
ઉકેલો અને પ્રતિભાવોની સ્થિતિ DGFT હેલ્પડેસ્ક સેવાઓ અંતર્ગત સ્થિતિ ટ્રેકરની મદદથી ચકાસી શકાય છે. જ્યારે આ ટિકિટ્સ અપડેટ કરવામાં આવે ત્યારે ઇમેલ અને SMS દ્વારા સ્થિતિ વિશે જાણ કરવામાં આવશે.
*******************
SD/GP/JD/PC
(Release ID: 1714100)
Visitor Counter : 354