પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી


જો આપણે એક રાષ્ટ્ર તરીકે કામ કરીશું, તો સંસાધનોની કોઈ ખેંચ ઊભી નહીં થાયઃ પ્રધાનમંત્રી

રેલવે અને વાયુદળ ઓક્સિજનના ટેંકરોના પ્રવાસનો સમય ઘટાડવા કામે લાગ્યું છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ અને ઇન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાં બજાર અટકાવવા કડક પગલાં લેવા વિનંતી કરી

કેન્દ્ર સરકારે રાજ્યોને રસીના 15 કરોડ ડોઝ નિઃશુલ્ક પ્રદાન કર્યા છેઃ પ્રધાનમંત્રી

હોસ્પિટલોની સલામતીની ઉપેક્ષા ન કરવી જોઈએઃ પ્રધાનમંત્રી

ચિંતામાં બિનજરૂરી દવાઓની ખરીદી ટાળવા માટે જાગૃતિ વધારવી પડશેઃ પ્રધાનમંત્રી

Posted On: 23 APR 2021 2:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કોવિડના સૌથી વધુ કેસ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ જાણકારી મેળવી હતી કે, વાયરસ કેટલાંક રાજ્યો અને ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ફેલાયો છે. આ કારણે તેમણે સહિયારી તાકાત સાથે રોગચાળા સામે ખભેખભો મિલાવીને લડવા અને કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, રોગચાળાની પહેલી લહેર દરમિયાન ભારતની સફળતાનો સૌથી મોટો આધાર આપણા સહિયારા પ્રયાસો અને સંયુક્તપણે કામ કરવાની વ્યૂહરચના બની હતી. તેમણે બીજી લહેરમાં ઊભા થયેલા પડકારનો સામનો પણ પહેલી લહેરની જેમ કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ આ લડાઈમાં તમામ રાજ્યોને સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય મંત્રાલય રાજ્યોના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખે છે તેમજ સમયેસમયે રાજ્યોને જરૂરી સલાહ આપે છે.

પ્રધાનમંત્રી મોદીએ ઓક્સિજનના પુરવઠા પર રાજ્યોએ ઉઠાવેલા મુદ્દાઓ ધ્યાનમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સરકારના તમામ સંબંધિત વિભાગો અને મંત્રાલયો પણ આ દિશામાં સંયુક્તપણે કામ કરી રહ્યાં છે. ઔદ્યોગિક ઓક્સિજનના પુરવઠાને પણ તાત્કાલિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વાળવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ તમામ રાજ્યોને સંયુક્તપણે કામ કરવા તથા દવાઓ અને ઓક્સિજન સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા એકબીજા સાથે સંકલન સ્થાપિત કરવાની વિનંતી કરી હતી. તેમણે રાજ્ય સરકારોને ઓક્સિજન અને દવાઓની સંગ્રહખોરી અને કાળા બજારને નિયંત્રણમાં લેવા પણ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ પણ રાજ્ય માટે ઓક્સિજન લઇને જતા ટેંકરને રોકવામાં ન આવે કે એ ક્યાંય ફસાઈ કે અટકી ન જાય. તેમણે રાજ્ય સરકારોને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનનું પરિવહન કરવા ઉચ્ચ-સ્તરીય સંકલન સમિતિ સ્થાપિત કરવા માટે અપીલ કરી હતી. આ સંકલન સમિતિએ સુનિશ્ચિત કરવું પડશે કે, કેન્દ્ર સરકાર પાસેથી ઓક્સિજનની ફાળવણી મળતાની સાથે એ તાત્કાલિક ધોરણે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ ઓક્સિજન પૂરો પાડી શકે. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને જાણકારી આપી હતી કે, ગઈકાલે તેમણે ઓક્સિજનના પુરવઠા પર એક બેઠકની અધ્યક્ષતા કરી હતી તથા આજે ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે તમામ વિકલ્પોની ચર્ચા કરવા વધુ એક બેઠકમાં સામેલ થશે.

પ્રધાનંમત્રી મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઓક્સિજન ટેંકરના પ્રવાસ અને ટર્નએરાઉન્ડનો સમય ઘટાડવા શક્ય તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. આ માટે રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરી છે. ઓક્સિજનના ખાલી ટેંકરનું પરિવહન વાયુદળ દ્વારા પણ થઈ રહ્યું છે, જેથી એના વન વે પ્રવાસનો સમય ઘટે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંસાધનોને વધારે મજબૂત કરવાની સાથે આપણે પરીક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે ભાર મૂક્યો હતો કે, મોટી સંખ્યામાં પરીક્ષણ હાથ ધરવું ડશે, જેથી લોકોને સરળતાપૂર્વક સુવિધા મળે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં આપણું રસીકરણ અભિયાન ધીમું પડવું ન જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલે છે અને અત્યાર સુધી ભારત સરકારે રાજ્ય સરકારોને રસીના 13 કરોડથી વધારે નિઃશુલ્ક ડોઝ પ્રદાન કર્યા છે. કેન્દ્ર સરકારે 45 વર્ષથી વધારે વયના તમામ નાગરિકો તેમજ આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ-લાઇન વર્કર્સને નિઃશુલ્ક ધોરણે રસી પ્રદાન કરવા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન પણ ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, 1 મેથી 18 વર્ષથી વધારે વય ધરાવતા તમામ નાગરિકો માટે રસી ઉપલબ્ધ થશે. આપણે વધુને વધુ લોકોને રસી મળે એ માટે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર પડશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, દર્દીઓની સારવાર માટે તમામ પગલાંની સાથે હોસ્પિટલની સલામતી પણ અતિ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન લીકેજ અને આગ લાગવાની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના વહીવટી સ્ટાફને સલામતીની આચારસંહિતા વિશે વધારે જાગૃત કરવાની જરૂર પડશે.

પ્રધાનમંત્રી મોદીએ વહીવટીતંત્રને લોકોને વધારે જાગૃત કરવાની પણ અપીલ કરી હતી, જેથી તેઓ ચિંતામાં બિનજરૂરી દવાઓની ખરીદી ન કરે. તેમણે કહ્યું હતું કે, સહિયારા પ્રયાસો સાથે આપણે દેશભરમાં રોગચાળાની બીજી લહેરને અટકાવી શકીશું.

આ અગાઉ ડૉ. વી કે પૉલે પ્રેઝન્ટેશનમાં કોરોનાના કેસની નવી લહેરનો સામનો કરવા સાથે સંબંધિત તૈયારીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. ડૉ. પૉલે તબીબી સુવિધાઓ વધારવા અને દર્દીની લક્ષિત સારવાર માટે યોજના પણ રજૂ કરી હતી. તેમણે ટૂંકમાં દરેકને તબીબી માળખાગત સુવિધાઓ વધારવા, ટીમો અને પુરવઠો વધારવા, અસરકારક નિદાન, નિયંત્રણ, રસીકરણ અને સામુદાયિક જોડાણ માટે પણ જાણકારી આપી હતી.

આ સંવાદ દરમિયાન રાજ્યોના મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને સંબંધિત રાજ્ય સરકારોએ હાલની લહેરમાં લેવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું હતું. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આપેલી સૂચનાઓ અને નીતિ દ્વારા રજૂ થયેલી યોજના તેમને વધારે સારી રીતે સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે.

*****


(Release ID: 1713563) Visitor Counter : 349