પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19ની પરિસ્થિતિ વિશે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો


દેશે પ્રથમ ચરણનું સર્વોચ્ચ શિખર પાર કર્યું છે અને વૃદ્ધિદર અગાઉની સરખામણીએ ઘણો વધારે છે: પ્રધાનમંત્રી

આપણી પાસે બહેતર અનુભવ, સંસાધનો અને હવે રસી પણ છે: પ્રધાનમંત્રી

આપણે ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ’, કોવિડ માટે યોગ્ય આચરણો અને કોવિડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે: પ્રધાનમંત્રી

‘કોવિડના થાક’ના કારણે આપણા પ્રયાસો સહેજ પણ ધીમા પડવા જોઇએ નહીં: પ્રધાનમંત્રી

સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહેલા જિલ્લાઓમાં 45થી વધુ ઉંમરના લોકોના 100 ટકા રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત થવું જોઇએ: પ્રધાનમંત્રી

જ્યોતિબા ફુલે અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ (11-14 એપ્રિલ) દરમિયાન રસીકરણ મહોત્સવ ઉજવવા માટે આહ્વાન કર્યું

Posted On: 08 APR 2021 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિ સંબંધે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ સામેની જંગમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને રેખાંકિત કર્યા હતા. તેમણે દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતમાં થયેલી પ્રગતિનું વિહંગાવલોકન પણ રજૂ કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં કોવિડની પરિસ્થિતિ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કેસોનું ભારણ ધરાવતા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને તેમણે આવા રાજ્યોમાં પરીક્ષણની સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે દેશમાં રસીના ઉત્પાદન અને પુરવઠા સંબંધિત વિગતો પણ આપી હતી.

 

મુખ્યમંત્રીઓએ આ વાયરસ સામેની સહિયારી જંગમાં પ્રધાનમંત્રીએ સંભાળેલા નેતૃત્વ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોત પોતાના રાજ્યોમાં કોવિડની પરિસ્થિતિ વિશે પ્રતિભાવો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રસીકરણ કવાયત સમયસર શરૂ કરવામાં આવી હોવાથી તેના પરિણામરૂપે લાખો લોકોના જીવ બચી રહ્યાં છે. રસીમાં ખચકાટ અને રસીના બગાડ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સમક્ષ કેટલાક સ્પષ્ટ તથ્યો ભારપૂર્વક રજૂ કર્યાં હતા. સૌપ્રથમ, દેશમાં મહામારીના પ્રથમ ચરણનું સર્વોચ્ચ શિખર પાર થઇ ગયું છે અને વૃદ્ધિદર અગાઉની સરખામણીએ ઘણો વધારે છે. બીજું, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પ્રથમ ચરણનું સર્વોચ્ચ શિખર ઓળંગાઇ ગયું છે. સંખ્યાબંધ અન્ય રાજ્યો આ દિશામાં આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ ગંભીર ચિંતાની બાબત છે. ત્રીજું, આ વખતે લોકો વધુ સહજ બની ગયા છે, કેટલાક રાજ્યોમાં તો પ્રશાસન પણ સુસ્ત બની ગયું છે. આવી પરિસ્થિતિમાં કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો થયો છે અને તેના કારણે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

 

 

 

 

 

 

જોકે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પડકારો વચ્ચે પણ, આપણી પાસે બહેતર અનુભવ અને સંસાધનો છે તેમજ હવે તો આપણી પાસે રસી પણ છે. સખત પરિશ્રમ કરી રહેલા ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ સહિત લોક ભાગીદારીએ આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ યોગદાન આપ્યું છે અને તેમણે હજુ પણ પોતાના પ્રયાસો ચાલુ જ રાખ્યા છે.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, કોવિડ માટે યોગ્ય આચરણ અને કોવિડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, આ વાયરસને નિયંત્રણમાં લાવવા માટે આપણે માનવ યજમાનને નિયંત્રણમાં રાખવાનો છે અને આ કામમાં પરીક્ષણ અને ટ્રેકિંગની કામગીરી ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સમુદાયમાં કેટલી હદે સંક્રમણ ફેલાયું છે તે શોધવા માટે અને જે લોકો સંક્રમણ ફેલાવી શકે તેમ હોય તેમને ઓળખવા માટે પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે: પોઝિટીવિટી દર 5% અથવા તેથી નીચે લઇ જવા માટે ખાસ, કરીને કન્ટેઇન્મેન્ટ ઝોન અને જ્યાં કેસોના ક્લસ્ટર નોંધાઇ રહ્યાં હોય તેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને દૈનિક ધોરણે કરવામાં આવતા પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. RT-PCR પરીક્ષણો માટે માળખાગત સુવિધાઓમાં વધારો કરીને કુલ કરવામાં આવેલા પરીક્ષણોમાંથી RT-PCR પરીક્ષણોની સંખ્યા ઓછામાં ઓછી 70% સુધી લઇ જવાના મહત્વ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

 

પૂરતા પ્રમાણમાં નિવારાત્મક પગલાં લેવામાં ના આવે તો દરેક સંક્રમિત પોઝિટીવ કેસ અન્ય લોકોને ચેપ લગાડવાની સંભાવના ધરાવે છે તે બાબતને ધ્યાનમાં રાખીને, સામુદાયિક સ્તરે સંક્રમણને ફેલાતું રોકાવામાં સંપર્ક ટ્રેસિંગ અને ફોલોઅપ પણ ખૂબ જ મહત્વની પ્રવૃત્તિ હોવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક પોઝિટીવ કેસના ઓછામાં ઓછા 30 સંપર્કોને ટ્રેસ કરવા જોઇએ, તેમનું પરીક્ષણ કરવું જોઇએ અને ક્વૉરેન્ટાઇન કરવા જોઇએ. શક્ય હોય ત્યાં સુધી કોઇ વ્યક્તિ પોઝિટીવ મળે તેના 72 કલાકમાં જ આ કામગીરી કરી લેવી જોઇએ. તેવી જ રીતે, કન્ટેઇન્મેન્ટ ઝોનની સરહદો પણ સ્પષ્ટ હોવી જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડના થાકના કારણે આપણા પ્રયાસો સહેજ પણ ધીમા પડવા જોઇએ નહીં. તેમણે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આરોગ્ય મંત્રાલયની SoPsનું ચુસ્ત પાલન કરવાનું પણ કહ્યું હતું. તેમણે એ બાબતે પણ ભાર મૂક્યો હતો કે, મૃત્યુ સંબંધિત વ્યાપક ડેટા વિગતવાર વિશ્લેષણ સાથે હોવો પણ જરૂરી છે. તેમણે દર મંગળવારે અને શુક્રવારે નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા યોજવામાં આવતા વેબિનારમાં જોડવા માટે રાજ્યોને કહ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ રાજ્યોને વિનંતી કરી હતી કે, સૌથી વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું હોય તેવા જિલ્લાઓમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના 100 ટકા રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે. પ્રધાનમંત્રી 11 એપ્રિલના રોજ જ્યોતિબા ફુલેની જન્મજયંતિથી 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સુધાના સમયમાં ટીકા ઉત્સવ – રસીકરણ મહોત્સવ ઉજવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મહોત્સવ દરમિયાન મહત્તમ સંખ્યામાં લોકોનું રસીકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. તેમણે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ થાય તેમાં મદદરૂપ થવા માટે યુવાનોને આહ્વાન કર્યું હતું.

 

 

પ્રધાનમંત્રી બેદરકારી સંબંધે સૌને ખાસ ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે એ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે, રસીકરણ છતાં પણ, યોગ્ય સુરક્ષા અને તકેદારીના પગલાં સહેજ પણ ધીમા પડવા જોઇએ નહીં. પોતાના મંત્ર દવા પણ – કડકાઇ પણનો ફરી ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, કોવિડ સંબંધિત યોગ્ય આચરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઇએ.

 

 


(Release ID: 1710580) Visitor Counter : 326