પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત- સેશેલ્સ ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમ (08 એપ્રિલ 2021)માં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

Posted On: 08 APR 2021 6:53PM by PIB Ahmedabad

સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ,

આદરણીય વેવેલ રામકલાવાનજી

પ્રતિષ્ઠિત અતિથિઓ,

નમસ્કાર,

હું રાષ્ટ્રપ્રમુખ રામકલાવાનજીને મારા ઉષ્માપૂર્ણ અભિવાદન સાથે મારી વાતનો પ્રારંભ કરવા માંગુ છુ. તેઓ ભારતના પુત્ર છે, તેમના મૂળિયા બિહારના ગોપાલગંજ જિલ્લા સાથે જોડાયેલા છે. આજે, માત્ર પરસૌની ગામના લોકો જ નહીં પરંતુ આખા ભારતના લોકો તેમની આ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવી રહ્યાં છે. રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમની ચૂંટણી, લોકોની સેવા કરવામાં તેમની સમર્પણ ભાવનામાં સેશેલ્સના લોકોનો વિશ્વાસ દર્શાવે છે.

મિત્રો,

વર્ષ 2015માં મેં લીધેલી સેશેલ્સની મુલાકાત મને ખૂબ જ સારી રીતે યાદ છે. હિન્દ મહાસાગર પ્રદેશના દેશોમાં મારા પ્રવાસ દરમિયાન આ મારું પ્રથમ મુકામ હતું. ભારત અને સેશેલ્સ હિન્દ મહાસાગર પડોશી ક્ષેત્રમાં ખૂબ જ મજબૂત અને મહત્વપૂર્ણ ભાગીદારી ધરાવે છે.

ભારતની ‘SAGAR’- પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ- દૂરંદેશીમાં સેશેલ્સ કેન્દ્રસ્થાને છે. ભારત, સેશેલ્સની સુરક્ષા ક્ષમતાઓ અને તેમની માળખાકીય સુવિધાઓ અને વિકાસની જરૂરિયાતોને પૂરી કરવામાં વિકાસના કાર્યોમાં સહભાગી તરીકેનું ગૌરવ ધરાવે છે. આજનો દિવસ, આપણા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કરે છે. આપણે આપણી વિકાસની ભાગીદારીમાં પૂર્ણ કરવામાં આવેલી કેટલીક નવી પરિયોજનાઓના ઉદ્ઘાટન માટે સંયુક્ત બેઠકમાં ભેગા થયા છીએ.

મિત્રો,

તમામ લોકશાહી માટે એક મુક્ત, સ્વતંત્ર અને કાર્યદક્ષ ન્યાયતંત્ર હોવાનું જરૂરી છે. આજે અમને ખુશી છે કે, સેશેલ્સમાં નવી મેજિસ્ટ્રેટ્સની અદાલતની ઇમારતના નિર્માણ કાર્યની દિશામાં અમે યોગદાન આપી શક્યા છીએ. પોતાની રીતે શ્રેષ્ઠ કક્ષાની આ ઇમારતનું નિર્માણ કાર્ય કોવિડ-19 મહામારીના કસોટીપૂર્ણ સમય દરમિયાન પણ પૂરું કરવામાં આવ્યું છે. મને ખાતરી છે કે, આને આપણા ઘનિષ્ઠ અને ચિરસ્થાયી મૈત્રી સંબંધોના પ્રતિકરૂપે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

ભારત હંમેશા વિકાસમાં સહકાર માટે માનવ કેન્દ્રિત અભિગમમાં માને છે. આ વિચારધારા આજે ઉદ્ઘાટન કરવામાં આવી રહેલી ઉચ્ચ પ્રભાવશાળી સામુદાયિક વિકાસની દસ પરિયોજનાઓમાં પ્રતિબિંબિત થાય છે. આ પરિયોજનાઓ સમગ્ર સેશેલ્સમાં વસતા વિવિધ સમુદાયોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

મિત્રો,

ભારત, સેશેલ્સની સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. આજે, અમે સેશેલ્સના તટરક્ષક દળને ભારતમાં નિર્માણ પામેલું પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ નવું ઝડપી પેટ્રોલિંગ જહાજ અર્પણ કરી રહ્યાં છીએ. આ જહાજ સેશેલ્સને પોતાના સમુદ્રી સંસાધનોની સુરક્ષા કરવામાં મદદરૂપ થશે.

દ્વીપ દેશો માટે આબોહવા પરિવર્તનના કારણે વિશેષ જોખમ રહેલું હોય છે. આથી, ભારતની સહાયતાથી સેશેલ્સમાં ઉભો કરવામાં આવેલો એક મેગા વૉટથી વધારે ક્ષમતાનો સૌર ઉર્જા પ્લાન્ટ આજે તેમને સોંપતા મને ઘણી ખુશી થઇ રહી છે. આ તમામ પરિયોજનાઓ સેશેલ્સની વિકાસની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે જે પ્રકૃતિની કાળજી લઇને વિકાસ દર્શાવે છે.

મિત્રો,

કોવિડ મહામારી સામેની સેશેલ્સની જંગમાં ભારત તેમના એક મજબૂત સહભાગી તરીકે ભૂમિકા નિભાવી હોવાનું ગૌરવ ધરાવે છે. જરૂરિયાતના આ સમય દરમિયાન, અમે આવશ્યક દવાઓ અને મેડ ઇન ઇન્ડિયા રસીના 50,000 ડોઝ સેશેલ્સમાં પૂરા પાડી શક્યા છીએ. સેશેલ્સ, મેડ ઇન ઇન્ડિયા કોવિડ-19 રસી મેળવનારો પ્રથમ આફ્રિકન દેશ છે. હું રાષ્ટ્રપ્રમુખ રામકલાવાનજીને ખાતરી આપવા માંગુ છુ કે, ભારત કોવિડ પછીની આર્થિક રિકવરીના પ્રયાસોમાં હંમેશા સેશેલ્સની સાથે મજબૂતપણે ઉભું રહેશે.

મિત્રો,

ભારત –સેશેલ્સની મૈત્રી ખરેખરમાં ખૂબ વિશેષ છે. અને, ભારત આ સંબંધોનું ખૂબ જ ગૌરવ લે છે. હું ફરી એકવાર રાષ્ટ્રપ્રમુખ રામકલાવાનજી અને સેશેલ્સના નાગરિકોને મારી ખૂબ જ શુભેચ્છાઓ આપવા માંગુ છુ.

આપનો આભાર.
આપનો ખૂબ ખૂબ આભાર.

નમસ્તે.

SD/GP/JD


(Release ID: 1710511) Visitor Counter : 285