પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત સ્વીડન વર્ચ્યુઅલ સમિટ

Posted On: 05 MAR 2021 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કિંગડમ ઓફ સ્વીડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે આજે એક વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં તેમણે પારસ્પરિક હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ અને પ્રાદેશિક તથા બહુઆયામી મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ 3 જી માર્ચના રોજ થયેલ હિંસક હુમલાના પગલે સ્વીડનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલ થયેલા નાગરિકો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ ઈન્ડિયા નોર્ડિક સમિટ માટે 2018 માં તેમણે લીધેલી સ્વીડનની મુલાકાત અને વર્ષ 2019 ના ડિસેમ્બરમાં સ્વીડનના મહામહિમ રાજા અને રાણી દ્વારા ભારતની મુલાકાતને હર્ષપૂર્વક યાદ કરી હતી.

બંને નેતાઓએ એ વાત નોંધી હતી કે ભારત અને સ્વીડન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ હૂંફાળો સંબંધ લોકશાહીના મૂલ્યો, કાયદાના શાસન, અનેકવાદ, સમાનતા, વાણીની સ્વતંત્રતા અને માનવ અધિકારો પ્રત્યે તેમના આદર ઉપર ટકેલો છે. તેમણે બહુઆયામવાદ, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આતંકવાદ વિરોધ અને શાંતિ તથા સુરક્ષા માટે કામ કરવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃ ખાતરી આપી હતી. તેમણે યુરોપિયન સંઘ અને યુરોપિયન સંઘના દેશો સાથે ભારતની વધી રહેલ ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી.

બંને નેતાઓએ ભારત અને સ્વીડન વચ્ચે ચાલી રહેલ વ્યાપક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી અને જોઇન્ટ એક્શન પ્લાનના અમલીકરણ તથા વર્ષ 2018 માં પ્રધાનમંત્રી મોદીની સ્વીડન મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવેલ સંયુક્ત ઇનોવેશન ભાગીદારી પ્રત્યે સંતુષ્ટિ વ્યક્ત કરી હતી. તેમણે આ ભાગીદારીના શીર્ષક હેઠળના વિષયોમાં વધારે વૈવિધ્ય લાવવા અંગેની સંભાવનાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ (ISA)માં જોડાવાના સ્વીડનના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ ભારત સ્વીડન સંયુક્ત પહેલ – ધ લીડરશિપ ગ્રુપ ઓન ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝીશન (LeadIT) કે જે ન્યુ યોર્કમાં સપ્ટેમ્બર 2019 માં યુએન ક્લાયમેટ એક્શન સમિટ દરમિયાન શરૂ કરવામાં આવી હતી તેમાં વધી રહેલ સભ્ય સંખ્યાની પણ નોંધ લીધી હતી.

બંને નેતાઓએ રસીકરણ અભિયાન સહિત કોવિડ-19 પરિસ્થિતિ વિષે પણ ચર્ચા કરી હતી અને સમગ્ર દેશોમાં સસ્તી અને ઝડપથી રસીની પહોંચ પ્રાપ્ત થઈ રહે તે માટેની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો.



(Release ID: 1702790) Visitor Counter : 240