પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો


પુડુચેરી સંતો, વિદ્વાનો, કવિઓ અને ક્રાંતિકારીઓની ભૂમિ છેઃ પ્રધાનમંત્રી

આજે ઉદ્ઘાટન થયેલા વિવિધ પ્રોજેક્ટ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરશે: પ્રધાનમંત્રી

Posted On: 25 FEB 2021 12:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ 45-એ (NH45-A)ના 4 લેનિંગ માટે શિલાન્યાસ કર્યો હતો, જે કરાઇકલ જિલ્લા અને કરાઇકલ જિલ્લા (જિપમેર)માં કરાઇકલ ન્યૂ કેમ્પસ-પ્રથમ તબક્કામાં મેડિકલ કોલેજ બિલ્ડિંગને આવરી લે છે. તેમણે સાગરમાલા યોજના અંતર્ગત પુડુચેરીમાં એક નાનાં બંદરના વિકાસ માટે અને પુડુચેરીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનો શિલાન્યાસ પણ કર્યો હતો.

શ્રી મોદીએ પુડુચેરીમાં જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (જિપમેર)માં બ્લડ સેન્ટર અને પુડુચેરીમાં લોસ્પેતમાં મહિલા રમતવીરો માટે 100 બેડની ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવનિર્મિત હેરિટેજ મેરી બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પુડુચેરીની ધરતી સંતો, વિદ્વાનો અને કવિઓ તેમજ મહાકવિ સુબ્રમનિય ભારતી અને શ્રી અરવિંદ જેવા ક્રાંતિકારીઓની ભૂમિ છે. વિવિધતાના પ્રતીક તરીકે પુડુચેરીની પ્રશંસા કરીને તેમણે જણાવ્યું હતું કે, અહીં લોકો વિવિધ ભાષાઓ બોલે છે, વિવિધ ધર્મમાં માને છે, પણ એક થઈને હળીમળીને રહે છે.

નવનિર્મિત મેરી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ પ્રોમેનાદે દરિયાકિનારાની સુંદરતામાં વધારો કરશે અને વધુ પ્રવાસીઓને આકર્ષશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, NH 45-Aના ફોર લેનિંગ સાથે ભારત કરાઇકલ જિલ્લાને આવરી લેશે અને પવિત્ર સનીસ્વરન મંદિર સાથે જોડાણને સુધારશે તથા બેસિલિકા ઓફ અવર લેડી ઓફ ગૂડ હેલ્થ અને નાગોર દરગાહ સુધી સરળ આંતરરાજ્ય જોડાણ પણ પૂરું પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ગ્રામીણ અને દરિયાકિનારાના વિસ્તારોમાં જોડાણને સુધારવા કેટલાંક પ્રયાસો કર્યા છે તથા એના પગલે કૃષિ ક્ષેત્રને લાભ થશે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ઉત્પાદનો સમયસર સારાં બજારોમાં પહોંચે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે અને એ લક્ષ્યાંક પાર પાડવા સારાં માર્ગો સહાયક બનશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રોડને ફોર લેન કરવાથી આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો પેદા થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં સાત વર્ષમાં ભારતે ફિટનેસ અને વેલનેસ સુધારવા ઘણા પ્રયાસો કર્યા છે તેમજ આર્થિક સમૃદ્ધિ સારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. આ સંદર્ભમાં તેમણે ખેલો ઇન્ડિયા યોજનાના ભાગરૂપે સ્પોર્ટ્સ સંકુલમાં 400 મીટરના સિન્થેટિક એથ્લેટિક ટ્રેક માટે શિલાન્યાસ કર્યો હતો. આ ભારતીય યુવા પેઢી વચ્ચે રમતગમતની પ્રતિભાઓને પોષશે. તેમણે જણાવ્યું હતું કે, પુડુચેરીમાં રમતગમતની સારી સુવિધા ઊભી થવાની સાથે આ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત માટે જરૂરી ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, લોસ્પેતમાં આજે ઉદ્ઘાટન થયેલી 100 બેડની ગર્લ્સ હોસ્ટેલ હોકી, વોલીબોલ, વેઇટલિફ્ટિંગ, કબડ્ડી અને હેન્ડબોલના ખેલાડીઓને સમાવશે, જેમને એસએઆઈ (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના વિવિધ કોચ તાલીમ આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આગામી વર્ષોમાં હેલ્થકેર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમામને ગુણવત્તાયુક્ત હેલ્થકેર પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે જિપમેરમાં બ્લડ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે, જે લોહીનો, બ્લડ પ્રોડક્ટનો લાંબા ગાળા માટે સંગ્રહ કરવા અને સ્ટેમ સેલ્સ બેંકિંગ માટે અદ્યતન સુવિધા ધરાવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સુવિધા સંશોધન પ્રયોગશાળા અને ટ્રાન્સફ્યુઝનના તમામ પાસાઓમાં વ્યક્તિગત તાલીમ આપવા માટે તાલીમ કેન્દ્ર તરીકે કામ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત હેલ્થકેરને પ્રોત્સાહન આપવા આપણે ગુણવત્તાયુક્ત અને કુશળ આરોગ્યકર્મીઓની જરૂર છે. કરાઇકલના નવા કેમ્પસમાં મેડિકલ કોલેજ બિલ્ડિંગનો પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ સંકુલ ધરાવે છે અને એમબીબીએસના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જરૂરી તમામ અદ્યત્તન શૈક્ષણિક સુવિધાઓ ધરાવશે.

સાગરમાલા યોજના અંતર્ગત પુડુચેરી પોર્ટ ડેવલપમેન્ટનો શિલાન્યાસ કરીને પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, એકવાર આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી એનાથી માછીમારોને મદદ મળશે, જેઓ આ પોર્ટનો ઉપયોગ દરિયાઈમાં માછીમારી માટે કરે છે. આ ચેન્નાઈ સાથે દરિયાઈ જોડાણની જરૂરિયાત પૂરી કરશે. વળી આ પોર્ટ પુડુચેરીના ઉદ્યોગો માટે કાર્ગો અવરજવરની સુવિધા આપશે અને ચેન્નાઈ પોર્ટમાં લોડિંગનું ભારણ ઘટાડશે. તેમણે કહ્યું હતું કે, એનાથી દરિયાઈ શહેરો વચ્ચે પેસેન્જર ટ્રાફિકની સંભવિતતાઓ ઊભી થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી સહાયનું લાભાર્થીઓના ખાતામાં સીધું હસ્તાંતરણ (ડીબીટી)થી લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારક યોજનાનો લાભ મેળવવામાં મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે, આ લોકોને તેમની પસંદગીઓ કરવા સક્ષમ બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, પુડુચેરી શ્રેષ્ઠ માનવ સંસાધન ધરાવે છે, કારણ કે અહીં સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે. વળી રાજ્ય ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની ઘણી સંભવિતતા ધરાવે છે, જે રોજગારીની અને અન્ય ક્ષેત્રોમાં ઘણી તકો પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, પુડુચેરીના લોકો પ્રતિભાશાળી છે. આ ભૂમિ સુંદર છે. હું અહીં પુડુચેરીના વિકાસ માટે મારી સરકારના સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપવા આવ્યો છું.

SD/GP/JD

***



(Release ID: 1700733) Visitor Counter : 210