પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 22 ફેબ્રુઆરીના રોજ આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી મહત્વના તેલ અને ગેસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે અને સાથે સાથે આસામમાં એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

Posted On: 20 FEB 2021 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી 2021ના રોજ આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. ધેમાજી, આસામની અંદર સિલાપથર ખાતે આયોજિત થનાર એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સવારે આશરે 11:30 વાગ્યે તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ એન્જિનિયરિંગ કોલેજો માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. સાંજે 4:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી હુગ્લી, પશ્ચિમ બંગાળમાં અનેક રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે.

આસામમાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઇંડિયન ઓઇલ્સ બોનગાઈગાંવ રિફાઇનરી ખાતે ઇન્ડમેક્સ INDMAX એકમ, મધુબન, દિબ્રુગઢ ખાતે ઓઇલ ઈન્ડિયા લિમિટેડના સેકન્ડરી ટેન્ક ફાર્મ અને હેબેડા ગામ, માકુમ, તિનસુખિયા ખાતે એક ગેસ કમ્પ્રેસર સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે અને સુઆલકૂચી એન્જિનિયરિંગ કોલેજ માટેનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ ઉર્જા સુરક્ષા અને સમૃદ્ધિના એક નવા યુગનો પ્રારંભ કરાવશે અને સ્થાનિક યુવાનો માટે તેજસ્વી રોજગારની તકોનું નિર્માણ કરશે. તેઓ પૂર્વ ભારતના સામાજિક આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રધાનમંત્રીના વિઝન ‘પૂર્વોદય’ માટેના દ્યોતક છે. આ પ્રસંગે આસામના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

ઇંડિયન ઓઇલના બોનગાઈગાંવ રિફાઇનરી ખાતેનું ઇન્ડમેક્સ એકમ એ ભારે ફીડસ્ટોકમાંથી વધુ એલપીજી અને હાઇ ઓકટેન ગેસોલીનનું ઉત્પાદન કરવા માટે ઇંડિયન ઓઇલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા સ્વદેશમાં નિર્મિત ટેકનોલોજી પૂરી પાડે છે. આ એકમ રિફાઇનરીની ક્રૂડ પ્રોસેસિંગ ક્ષમતા 2.35 એમએમટીપીએ (મિલિયન મેટ્રિક ટન વર્ષ દીઠ)થી વધારીને 2.7 એમએમટીપીએ જેટલી વધારશે. તેની સ્થાપનાથી એલપીજીના ઉત્પાદનમાં પણ 50 ટીએમટી (હજાર મેટ્રિક ટન)થી વધારીને 257 ટીએમટી અને મોટર સ્પિરિટ (પેટ્રોલ) ઉત્પાદન 210 ટીએમટીથી વધારીને 533 ટીએમટી જેટલું નોંધપાત્ર રીતે વધશે.

ઓઇલ ઈન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ એ આશરે 40,000 કિલો લિટર ક્રૂડ ઓઇલના સુરક્ષિત સંગ્રહ માટે અને વેટ ક્રૂડ ઓઇલમાંથી ફોર્મેશન વોટરને અલગ કરવા માટે બનાવવામાં આવ્યું છે. 490 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટમાં એક ડીહાઇડ્રેશન એકમ પણ રહેશે કે જેની દર રોજની કાર્ય ક્ષમતા 10,000 કિલો લિટરની રહેશે.

માકુમ, તિનસુખિયા ખાતે ગેસ કમ્પ્રેસર સ્ટેશન દર વર્ષે રાષ્ટ્રની ક્રૂડ ઓઇલ ઉત્પાદન ક્ષમતા આશરે 16,500 મેટ્રિક ટન જેટલી વધારશે. 132 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ સ્ટેશનમાં 3 લો પ્રેશર બુસ્ટર કમ્પ્રેસર અને 3 હાઇ પ્રેશર લિફ્ટર કમ્પ્રેસરનો સમાવેશ થાય છે.

ધેમાજી એન્જિનિયરિંગ કોલેજ એ આશરે 45 કરોડ રૂપિયાના ખર્ચે 276 વીઘા જમીન પર બનાવવામાં આવી છે. તે રાજ્યમાં સાતમી સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે અને તે સિવિલ, મિકેનિકલ અને કમ્પ્યુટર સાયન્સમાં બી ટેક કોર્સ પૂરા પાડશે. સુઅલકૂચી એન્જિનિયરિંગ કોલેજ, કે જેનો શિલાન્યાસ કરવામાં આવનાર છે તે 55 કરોડ રૂપિયાના ખર્ચે 116 વીઘા જમીન ઉપર બનાવવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નાઓપરાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલવેના વિસ્તૃતિકરણનું ઉદ્ઘાટન કરશે અને આ પટ્ટા ઉપર સૌપ્રથમ સેવાને લીલી ઝંડી બતાવશે. 4.1 કિલોમીટર લાંબુ આ એક્સટેન્શન 464 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે કે જે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા અનુદાન પ્રાપ્ત કરેલ છે. તે રસ્તા પરના ટ્રાફિકને હળવો કરશે અને શહેરી વાહનવ્યવહારને વધુ સારો બનાવશે. આ એક્સટેન્શન લાખો પ્રવાસીઓ અને ભક્તો માટે વિશ્વ પ્રસિદ્ધ બે સ્થળો કાલીઘટ ખાતેના કાલી મંદિરો અને દક્ષિણેશ્વર સુધીની પહોંચને સરળ બનાવશે. નવા બનાવવામાં આવેલ બે સ્ટેશનો બારાનગર અને દક્ષિણેશ્વર એ આધુનિક મુસાફર સેવાઓ ધરાવે છે અને મુરાલ્સ, ચિત્રો, શિલ્પ સ્થાપત્યો અને મૂર્તિઓ દ્વારા સુંદર રીતે સજાવવામાં પણ આવ્યા છે.

પ્રધાનમંત્રી સાઉથ ઈસ્ટર્ન રેલવેના 132 કિલોમીટર લાંબા ખડગપુર આદિત્યપૂર ત્રીજા લાઇન પ્રોજેક્ટ કે જેને અંદાજિત 1312 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી તેના 30 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ એક ભાગ કલાઈકુંડ અને ઝારગ્રામ વચ્ચેની ત્રીજી લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે. કલાઈકુંડ અને ઝારગ્રામ વચ્ચેના ચાર સ્ટેશનોનું નવી ચાર સ્ટેશન ઇમારતો, છ નવા ફૂટ ઓવરબ્રિજ અને અગિયાર નવા પ્લેટફોર્મ બનાવીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે અને આ સાથે જ વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. તે હાવડા મુંબઈ ટ્રંક રોડ પર મુસાફરો અને માલસામાનના સુગમ આવાગમન માટે મદદરૂપ સાબિત થશે.

પ્રધાનમંત્રી અઝીમગંજથી ખરગર ઘાટ રોડ સેકશન કે જે ઈસ્ટર્ન રેલવેના હાવડા – બંદેલ – અઝીમગંજ સેકશનનો એક ભાગ છે અને જે આશરે 240 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચે પાથરવામાં આવ્યો છે તેને બમણા કરવાના કાર્યને પણ દેશને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી હાવડા - બર્ધમાન કોર્ડ લાઇનના દાનકુની અને બરુઇપરા (11.28 કિલોમીટર) વચ્ચેની ચોથી લાઇન અને હાવડા – બર્ધમાન મેઇન લાઇનના રસુલપૂર અને માગરા (42.42 કિલોમીટર) વચ્ચેની ત્રીજી લાઇન કે જેને કોલકાતાના મુખ્ય દ્વાર તરીકે ગણવામાં આવે છે તેને પણ દેશને સમર્પિત કરશે. રસુલપૂર અને માગરા વચ્ચેની ત્રીજી લાઇન એ 759 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જ્યારે દાનકુની અને બરુઇપરા વચ્ચેની ચોથી લાઇન એ 195 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચે પાથરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ્સ વધુ સારી સુગમ કાર્યવાહકતા, ઓછો સમય અને ટ્રેનના વહનમાં વૃદ્ધિ પામેલ સુરક્ષાની ખાતરી આપશે. સાથે સાથે તે આ સંપૂર્ણ પ્રદેશના સમગ્રતયા આર્થિક વિકાસને પણ વેગ આપશે.


(Release ID: 1699664) Visitor Counter : 242