મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને મોરેશિયસ વચ્ચે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરારને મંજૂરી આપી

Posted On: 17 FEB 2021 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરેશિયસ વચ્ચે વ્યાપક આર્થિક સહકાર અને ભાગીદારી કરાર (CECPA) પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

ભારત અને મોરેશિયસ વચ્ચે CECPAની મુખ્ય વિશેષતાઓ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

ભારત અને મોરેશિયસ વચ્ચે CECPA એ ભારત અને આફ્રિકાના કોઇ દેશ વચ્ચે થયો હોય તેવો પ્રથમ વેપાર કરાર હશે. આ કરાર એક મર્યાદિત કરાર છે જેમાં માલસામાનનો વેપાર, ઉદ્ગમના નિયમો, સેવાઓનો વેપાર, વેપાર કરવામાં ટેકનિકલ અવરોધો (TBT), સેનેટરી અને ફાયટોસેનેટરી (SPS) માપદંડો, તકરાર નિવારણ, મૂળવંશીય લોકોનું આવનજાવન, ટેલિકોમ, નાણાકીય સેવાઓ, કસ્ટમ્સની પ્રક્રિયા અને અન્ય ક્ષેત્રોમાં સહકારની બાબતોને આવરી લેવામાં આવી છે.

પ્રભાવ અથવા લાભો:

CECPA બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા માટે અને સુધારો લાવવા માટે સંસ્થાગત વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે. ભારત અને મોરેશિયસ વચ્ચે CECPAમાં ભારત માટે નિકાસની 310 ચીજો આવરી લેવામાં આવી છે જેમાં ખાદ્યચીજો અને પીણા (80 લાઇન), કૃષિ ઉત્પાદનો (25 લાઇન), કાપડ અને કાપડની વસ્તુઓ (27 લાઇન), મૂળભૂત ધાતુઓ અને તેની વસ્તુઓ (32 લાઇન), ઇલેક્ટ્રિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ (13 લાઇન), પ્લાસ્ટિક અને રસાયણો (20 લાઇન), લાકડું અને તેની વસ્તુઓ (15 લાઇન) અને અન્ય ચીજો સમાવિષ્ટ છે. મોરેશિયસને થીજવેલી માછલીઓ, વિશેષ ખાંડ, બિસ્કિટ, તાજા ફળો, જ્યૂસ, મિનરલ વોટર, બીઅર, આલ્કોહોલયુક્ત પીણાં, સાબુ, થેલા, મેડિકલ અને સર્જિકલના ઉપકરણો તેમજ વસ્ત્રો સહિત ભારતમાં 615 ઉત્પાદનોના પ્રાધાન્યતા બજાર ઍક્સેસથી ફાયદો થશે.

સેવાઓના ક્ષેત્રમાં વેપારની વાત કરીએ તો, ભારતીય સેવા પ્રદાતાઓને પ્રોફેશનલ સેવાઓ, કોમ્પ્યૂટર સંબંધિત સેવાઓ, સંશોધન અને વિકાસ, અન્ય વ્યાવસાયિક સેવાઓ, ટેલિકમ્યુનિકેશન, બાંધકામ, વિતરણ, શિક્ષણ, પર્યાવરણ, નાણાં, પર્યટન અને પ્રવાસ સંબંધિત સેવાઓ, મનોરંજન, યોગ, દૃશ્ય-શ્રાવ્ય સેવાઓ અને પરિવહન સેવાઓ જેવા 11 વ્યાપક સેવા ક્ષેત્રોમાંથી 115 પેટા ક્ષેત્રોની પહોંચ પ્રાપ્ત થશે.

ભારતે પ્રોફેશનલ સેવાઓ, સંશોધન અને વિકાસ, અન્ય વ્યાવસાયિક સેવાઓ, ટેલિકમ્યુનિકેશન, નાણાં, વિતરણ, ઉચ્ચ શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પર્યટન અને પ્રવાસ સંબંધિત સેવાઓ, મનોરંજન સેવાઓ અને પરિવહન સેવાઓ સહિત 11 વ્યાપક સેવા ક્ષેત્રોમાં અંદાજે 95 પેટા ક્ષેત્રોમાં સેવાઓ આપવાની રજૂઆત કરી છે.

બંને પક્ષો કરાર પર હસ્તાક્ષર કર્યા તારીખથી બે વર્ષના સમયગાળામાં મર્યાદિત સંખ્યામાં ઉચ્ચ સંવેદનશીલ ઉત્પાદનો માટે સ્વયંચાલિત ટ્રિગર સેફગાર્ડ વ્યવસ્થાતંત્ર (ATSM) માટે વાટાઘાટ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી.

સમયાવધિ:

બંને દેશોના સંબંધિત હોદ્દેદારો દ્વારા પારસ્પરિક અનુકૂળ હોય તેવી તારીખે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે અને તે પછીના મહિનાની 1 તારીખથી અમલમાં આવશે.

પૃષ્ઠભૂમિ:

ભારત અને મોરેશિયસ વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો છે અને આ સંબંધો ઐતિહાસિક સાંસ્કૃતિક જોડાણો, વારંવાર યોજાતા ઉચ્ચ સ્તરીય રાજકીય સંવાદો, વિકાસમાં સહકાર, સંરક્ષણ અને સમુદ્રી ક્ષેત્રમાં ભાગીદારી તેમજ લોકોથી લોકો વચ્ચેના જોડાણના કારણે ટકી રહ્યાં છે.

ભારત માટે મોરેશિયસ એક મહત્વપૂર્ણ વિકાસ ભાગીદાર છે. ભારતે 2016માં મોરેશિયસને USD 353 મિલિયનનું 'વિશેષ આર્થિક પેકેજ' આપ્યું હતું. આ પેકેજ અંતર્ગત પાંચ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે જેમાંથી એક પરિયોજના સર્વોચ્ચ અદાલતની નવી ઇમારતનું નિર્માણ પણ છે. જુલાઇ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ દ્વારા સંયુક્ત રીતે આ ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2019માં પ્રધાનમંત્રી મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રીએ સંયુક્ત રીતે મોરેશિયસમાં નિર્માણ પામેલી મેટ્રો એક્સપ્રેસ પરિયોજનાના પ્રથમ તબક્કાનું અને 100 પથારીની પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ એવી ENT હોસ્પિટલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આનું નિર્માણ પણ વિશેષ પેકેજ અંતર્ગત કરવામાં આવ્યું છે.

2005થી ભારત, મોરેશિયસમાં સૌથી મોટા વેપાર ભાગીદાર પૈકી એક છે અને મોરેશિયસમાં વસ્તુઓ તેમજ સેવાઓના સૌથી મોટા નિકાસકાર પૈકી એક છે. આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર (ITC)ના જણાવ્યા અનુસાર, 2019માં મોરેશિયસના મુખ્ય આયાત ભાગીદારોમાં ભારત (13.85%), ચીન (16.69%), દક્ષિણ આફ્રિકા (8.07%) અને UAE (7.28%) હતા. ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ (FY) 2005-06માં USD 206.76 મિલિયન હતો જે નાણાકીય વર્ષ (FY) 2019-20માં વધીને USD 690.02 મિલિયન થઇ ગયો હતો જે 233%ની વૃદ્ધિ દર્શાવે છે. મોરેશિયસમાં ભારતની નિકાસ નાણાકીય વર્ષ 2005-06માં USD 199.43 મિલિયનની હતી જે નાણાકીય વર્ષ 2019-20માં વધીને USD 662.13 મિલિયન થઇ ગઇ જે 232%નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, મોરેશિયસમાંથી ભારતમાં આયાત નાણાકીય વર્ષ 2005-06માં USD 7.33 મિલિયન હતી જે નાણાકીય વર્ષ 2019-20માં વધીને USD 27.89 મિલિયન થઇ ગઇ જે 280%નો વધારો દર્શાવે છે.

ભારત- મોરેશિયસ CECPAના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ નક્કર થશે અને વિશેષ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે.

SD/GP/JD

 (Release ID: 1698731) Visitor Counter : 28