પ્રધાનમંત્રીનું કાર્યાલય

હરિપુરા ખાતે આવતીકાલનો કાર્યક્રમ નેતાજીએ આપણાં રાષ્ટ્રને આપેલા યોગદાનને અંજલી હશે: પ્રધાનમંત્રી

Posted On: 22 JAN 2021 5:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે, “આવતીકાલે, ભારત મહાન નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે #ParakramDivasની ઉજવણી કરશે. સમગ્ર દેશમાં યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો પૈકી એક વિશેષ કાર્યક્રમ ગુજરાતના હરિપુરા ખાતે યોજાઇ રહ્યો છે. બપોરે 1 વાગ્યાથી શરૂ થઇ રહેલા આ કાર્યક્રમમાં જરૂર જોડાઓ.

હરિપુરાને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. 1938માં નેતાજીએ કોંગ્રેસ પક્ષનું અધ્યક્ષપદ સંભાળ્યું તે ઐતિહાસિક હરિપુરા અધિવેશન હતું. આવતીકાલે હરિપુરા ખાતે યોજનારો કાર્યક્રમ નેતાજી બોઝે આપણા રાષ્ટ્ર માટે આપેલા યોગદાનને અંજલી રૂપે હશે.

નેતાજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ મારું મન ભૂતકાળમાં 23 જાન્યુઆરી 2009ના દિવસમાં જતું રહ્યું છે જ્યારે હરિપુરાથી જ ઇ-ગ્રામ વિશ્વગ્રામ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલે ગુજરાતના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવી દીધી છે અને તેના ફળરૂપે ટેકનોલોજી રાજ્યના સૌથી અંતરિયાળ વિસ્તારોમાં ગરીબો સુધી પહોંચી છે.

હું હરિપુરાના લોકોના સ્નેહને ક્યારેય ભૂલી શકુ તેમ નથી. તેમણે 1938માં નેતાજી બોઝને જે માર્ગે લઇ જવામાં આવ્યા હતા તે માર્ગે જ વિશાળ શોભાયાત્રા કાઢીને મને તેઓ લઇ ગયા ગતા. તેમની શોભાયાત્રામાં શણગારેલા 51 બળદગાડાં સામેલ કરવામાં આવ્યા હતા. હરિપુરામાં નેતાજી જ્યાં રોકાયા હતા તે સ્થળની પણ મેં મુલાકાત લીધી હતી.

નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો અને આદર્શો આપણને એવા ભારતનું નિર્માણ કરવાની દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપતા રહેશે જેના પર તેમને મજબૂત, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર ભારતનું ગૌરવ થાય. તેમનો માનવ કેન્દ્રિત અભિગમ આવનાર વર્ષોમાં પૃથ્વીને બહેતર બનાવવા માટે યોગદાન આપતો રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1691427) Visitor Counter : 193