પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્ટાર્ટ-અપ્સ ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી મોદી

Posted On: 16 JAN 2021 9:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના કટોકટી દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાનમાં ભારતીય સ્ટાર્ટઅપ્સના પ્રદાનની પ્રશંસા કરી હતી. આજે તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નાનાં નગરો અને શહેરોની સ્ટાર્ટઅપમાં હરણફાળ પર ધ્યાન દોરતાં કહ્યું હતું કે, 45 ટકા સ્ટાર્ટઅપ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં છે, જેઓ સ્થાનિક ઉત્પાદનોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે. દરેક રાજ્ય સ્થાનિક સંભવિતતાઓ મુજબ સ્ટાર્ટઅપ્સને ટેકો અને પ્રોત્સાહન આપે છે અને અત્યારે દેશના 80 ટકા જિલ્લાઓ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનનો ભાગ છે. પ્રધાનમંત્રીએ ખાદ્ય ચીજવસ્તુઓ અને કૃષિ ક્ષેત્રમાં નવી સંભવિતતાઓ તરફ ધ્યાન દોર્યું હતું, કારણ કે લોકો તેમના ભોજનને લઈને વધુ જાગૃત થયા છે. ભારતે આ ક્ષેત્રોની વૃદ્ધિ પર વિશેષ ધ્યાન આપ્યું છે અને એગ્રિ ઇન્ફ્રા ફંડ્સે રૂપિયા એક લાખ કરોડની મૂડીનો આધાર ઊભો કર્યો છે. આ નવા વિકલ્પો સાથે સ્ટાર્ટઅપ ખેડૂતો સાથે જોડાણ કરી રહ્યાં છે અને વધારે સરળતા સાથે ગુણવત્તાપૂર્વક ઉત્પાદનો સાથે ખેતરમાંથી ગ્રાહક સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કોરોના કટોકટી દરમિયાન આત્મનિર્ભર ભારત અભિયાનમાં સ્ટાર્ટઅપ્સના પ્રદાનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સ્ટાર્ટઅપ્સે સેનિટાઇઝર્સ, પીપીઇ કિટ અને સંબંધિત પુરવઠાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે અનાજકરિયાણું જેવી સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા, ઘરઆંગણે દવાઓની ડિલિવરી કરવા, ફ્રન્ટલાઇન વર્કર્સને અવરજવરની સુવિધા આપવા અને ઓનલાઇન અભ્યાસની સામગ્રી પૂરી પાડવામાં કુશળતાપૂર્વક કામગીરી કરી હતી. પ્રધાનમંત્રીએ વિકટ પરિસ્થિતિમાં તકો શોધવાના અને આપત્તિ દરમિયાન લોકોનો આત્મવિશ્વાસ વધારવામાં સ્ટાર્ટઅપની પ્રશંસા કરી હતી.

 

SD/GP/BT



(Release ID: 1689275) Visitor Counter : 89