સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 રસીકરણ વિશે અપડેટ
ડૉ. હર્ષવર્ધને આવતીકાલથી શરૂ થઇ રહેલી દેશવ્યાપી રસીકરણ કવાયતની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ખાતે સમર્પિત કોવિડ નિયંત્રણ રૂમની મુલાકાત લીધી
કેન્દ્રીય મંત્રીએ કોવિડ-19 રસી સંબંધે ફરી રહેલી ગેરમાન્યતાઓનું ખંડન કર્યું, દેશવાસીઓને સ્વદેશમાં ઉત્પાદન થયેલી રસીઓની કાર્યદક્ષતા અંગે ફરી ખાતરી આપી
Posted On:
15 JAN 2021 5:23PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આવતીકાલથી સમગ્ર દેશમાં શરૂ થઇ રહેલી કોવિડ-19 રસીકરણ કવાયતના પ્રારંભ અંગેની તમામ પૂર્વતૈયારીઓની આજે સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પરિસરમાં આવેલા નિર્માણ ભવન ખાતે ઉભા કરવામાં આવેલા સમર્પિત કોવિડ નિયંત્રણ રૂમની પણ મુલાકાત લીધી હતી.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ એટલે કે 16 જાન્યુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતમાં કોવિડ-19 રસીકરણના મહાઅભિયાનનો શુભારંભ કરાવશે. આ રસીકરણ કાર્યક્રમમાં સમગ્ર દેશને આવરી લેવામાં આવશે જેના માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3006 સત્ર સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ સ્થળો સમગ્ર કવાયત દરમિયાન એકબીજા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા રહેશે. આવતીકાલે પ્રત્યેક સત્ર સાઇટ પર લગભગ 100 લાભાર્થીઓને રસી આપવામાં આવશે. પ્રાથમિકતા સમૂહોની ઓળખ કરીને રસીકરણ કવાયતના તબક્કાવાર અમલનું આયોજન કરવામાં આવ્યું છે. ICDS (એકીકૃત બાળ વિકાસ સેવાઓ)ના કામદારો સહિત સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોના આરોગ્ય સંભાળ કર્મચારીઓને આ તબક્કામાં રસી આપવામાં આવશે.
કોવિડ નિયંત્રણ રૂમની મુલાકાત દરમિયાન ડૉ. હર્ષવર્ધને દેશમાં કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની સમગ્ર કવાયતમાં ઉપયોગમાં લેવામાં આવનારા અને કેન્દ્રીય આરોગ્ય અને મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મ Co-WINની કામગીરી સહિત તમામ નાનમાં નાની બાબતોની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી. આ પ્લેટફોર્મ રસીના જથ્થા, સંગ્રહના તાપમાન અને કોવિડ-19 રસીના લાભાર્થીઓના વ્યક્તિગત ટ્રેકિંગ અંગેની તમામ માહિતીઓ વાસ્તવિક સમયમાં પૂરી પાડશે. આ ડિજિટલ પ્લેટફોર્મ સમગ્ર દેશ, રાજ્યો અને જિલ્લા સ્તરે કાર્યક્રમ વ્યવસ્થાપકોને રસીકરણ સત્રોનું સંચાલન કરતી વખતે મદદરૂપ થશે. આનાથી લાભાર્થીઓના કવરેજ, લાભાર્થી ડ્રોપઆઉટ્સ, આયોજન કરવામાં આવેલા સત્રોની સામે યોજવામાં આવેલા સત્રો અને રસીની ઉપયોગિતા ટ્રેક કરવામાં મદદ મળી રહેશે.
આ પ્લેટફોર્મથી રાષ્ટ્રીય અને રાજ્ય પ્રશાસકો લાભાર્થીઓનો ડેટા તેમની લૈંગિકતા, ઉંમર અને સહ-બીમારી અનુસાર વર્ગીકૃત કરી શકશે. તેઓ રસીકરણના મેટાડેટા અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા જિલ્લાઓમાં નોંધાતી રોગ પ્રતિરક્ષાના પગલે વિપરિત ઘટના (AEFI) પણ જોઇ શકે છે. જિલ્લા પ્રશાસકો પિનકોડ દાખલ કર્યા પછી ચોક્કસ સ્થળ અથવા ગામ દાખલ કરીને અને ત્યારબાદ વેક્સિનેટરની ફાળવણી કરીને કોઇપણ સ્થળે વધારાની સત્ર સાઇટ ઉમેરી શકે છે. ડૉ. હર્ષવર્ધને સૂચન કર્યું હતું કે, સોફ્ટવેરમાં સુધારા અને અત્યંત આધુનિક Co-WIN પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે જે બોધપાઠ શીખવા મળે તેને ભારતના સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમમાં પણ અમલમાં મૂકવા જોઇએ.
કેન્દ્રીય મંત્રીએ Co-WIN પર તમામ બિન-પ્રાથમિકતા વાળા સમૂહો માટે લાભાર્થી નોંધણી પેજની પણ સમીક્ષા કરી હતી. તેમણે નોંધણી માટે અધિકૃત કરવામાં આવેલા અન્ય દસ્તાવેજો ઉપરાંત આ સોફ્ટવેરને મતદાન ડેટાબેઝ સાથે સીડ કરીને તેનું પ્રિ-પોપ્યુલેશન કરવાનું સૂચન આપ્યું હતું.
સમર્પિત કોવિડ નિયંત્રણ રૂમ સમગ્ર દેશમાંથી જિલ્લા અનુસાર કોવિડ ડેટા પર દેખરેખ રાખવાની તેમજ મહામારીની સ્થિતિનું અર્થઘટન અને મૂલ્યાંકન કરવા માટે ડેટાનું વિશ્લેષણ કરવાની ખૂબ જ વ્યાપક કવાયતમાં સામેલ છે. છેલ્લા ઘણા મહિનાથી, આ સમર્પિત નિયંત્રણ રૂમ દ્વારા સરકારે મૃત્યુદર, સંક્રમણનો દર, મૃત્યુ સંખ્યા અને અન્ય માપદંડો પર નીકટતાપૂર્વક દેખરેખ રાખી છે અને તેના આધારે સતત કન્ટેઇન્મેન્ટ નીતિમાં વિકાસ કરવામાં આવ્યો છે. આ નિયંત્રણ રૂમ અલગ અલગ દેશોમાં તેમની પ્રતિભાવ પ્રણાલી તરીકે અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણો પર દેખરેખ અને નોંધ રાખવામાં તેમજ બાદમાં તેને ભારત માટે મુખ્ય બોધપાઠમાં રૂપાંતરિત કરવામાં પણ મદદ કરે છે.
કેન્દ્રીય મંત્રીએ ‘સંદેશાવ્યવહાર નિયંત્રણ રૂમ’ની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. આ રૂમ કોવિડ-19 રસી લેવા અંગે ફેલાવવામાં આવતી ખોટી માહિતી અને અફવાઓના અભિયાનો પર નીકટતાપૂર્વક દેખરેખ રાખે છે. તેમણે પ્રશાસનિક વ્યવસ્થાતંત્રને સલાહ આપી હતી કે, અમુલ લોકો દ્વારા તેમના અંગત હિતો માટે ફેલાવવામાં આવતી ખોટી માહિતીના વળતા જવાબ માટે તેઓ તમામ પ્રકારે પ્રયાસો કરે.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે પોતાની તમામ વસ્તીને રસી આપવાની ભારતની કવાયત સમગ્ર દુનિયામાં સૌથી મોટી રોગ પ્રતિરક્ષા કવાયત હશે. સ્વદેશમાં બનાવવામાં આવેલી કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસી સલામતી અને રોગ પ્રતિરક્ષાના માપદંડો પર પુરવાર થયેલી છે અને મહામારીને નિયંત્રણમાં લેવા માટે તે સૌથી મહત્વપૂર્ણ સાધન છે તે બાબતનો કેન્દ્રીય મંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો.
SD/GP/BT
(Release ID: 1688933)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam