સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 7 દિવસથી નવા નોંધાતા કેસનો આંકડો 20,000થી ઓછો


મૃત્યુઆંકમાં સતત ઘટાડો; છેલ્લા 20 દિવસમાં સતત મૃત્યુઆંક 300થી ઓછો નોંધાયો

22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો મૃત્યુદર

પ્રારંભિક તબક્કે 1.65 કરોડ ડોઝ કોવિશિલ્ડ અને કોવેક્સિનની ખરીદીને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવાયા

Posted On: 14 JAN 2021 10:44AM by PIB Ahmedabad

દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસમાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. ભારતમાં છેલ્લા 7 દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા 20,000 કરતાં ઓછી નોંધાઇ રહી છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,496 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું મળી આવ્યું છે. આટલા જ સમયગાળામાં ભારતમાં વધુ 17,652 દર્દી સાજા પણ થઇ ગયા હોવાથી સક્રિય કેસના ભારણમાં 904 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

 

ભારતમાં દૈનિક મૃત્યુઆંકમાં પણ એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 20 દિવસથી સળંગ દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યા 300 કરતાં ઓછી નોંધાઇ રહી છે.

 

ભારતમાં આજે મૃત્યુદર ઘટીને 1.44% નોંધાયો છે. 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછો મૃત્યુદર નોંધાયો છે.

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,13,603 રહ્યું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 2.03% રહી છે.

25 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી છે.

 

ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 10,146,763 થઇ ગઇ છે. સાજા થવાનો દર પણ વધીને 96.52% થયો છે.

નવા સાજા થયેલા કેસમાંથી 82.67% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 5,158 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,009 અને છત્તીસગઢમાં વધુ 930 દર્દી સાજા થયા છે.

 

નવા પોઝિટીવ નોંધાયેલા કેસમાંથી 76.45% દર્દીઓ સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં સૌથી વધુ નવા દર્દીઓ નોંધાવાનું સતત ચાલુ છે જ્યાં એક દિવસમાં વધુ 6,004 દર્દી નોંધાયા છે, જે દેશમાં સર્વાધિક આંક છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનુક્રમે નવા 3,556 અને 746 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

 

દેશમાં વધુ 198 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે.

નવા મૃત્યુઆંકમાંથી 75.76% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (70) મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ, દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુ કેરળ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 26 અને 18 નોંધાયા છે.

 

દેશમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19ના રસીકરણના મહા અભિયાનની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

પ્રારંભિક તબક્કે કોવિડ-19 સામેની કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના 1.65 કરોડ ડોઝ ખરીદીને આરોગ્ય સંભાળ કર્મચારી ડેટાબેઝના આધારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાળવવામાં આવ્યા છે. આથી, રસીના ડોઝની ફાળવણી મામલે કોઇપણ રાજ્ય સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. રસીના ડોઝના પૂરવઠાનો આ પ્રારંભિક જથ્થો છે અને આગામી અઠવાડિયાઓમાં તે સતત ચાલુ રાખવામાં આવશે. આથી રસીના જથ્થાના અપૂરતા પૂરવઠા અંગે વ્યક્ત કરવામાં આવતી કોઇપણ અવધારણાઓ તદ્દન પાયાવિહોણી અને અવિચારી છે.

રાજ્યોને રસીના જથ્થામાંથી 10% અનામત/નકામા ડોઝ તરીકે રાખવાની તેમજ પ્રત્યેક દિવસના પ્રત્યેક સત્ર દીઠ સરેરાશ 100 રસી આપવાની વ્યવસ્થા સાથે રસીકરણનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. તેથી, દરરોજ સ્થળ દીઠ રસીકરણ માટે અયોગ્ય સંખ્યામાં ડોઝ ઉપાડવા માટે રાજ્યોએ પોતાના તરફથી કોઇ બિનજરૂરી ઉતાવળ ના કરવી જોઇએ તેવી સલાહ આપવામાં આવી છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના રસીકરણ સત્રોના સ્થળોમાં વધારો કરવાની પણ સલાહ આપવામાં આવી છે જે રસીકરણની પ્રક્રિયાના સંચાલનમાં સ્થિરતા આવી જાય અને આગળ વધવા લાગે તેમ તેમ પ્રગતીપૂર્ણ રીતે દૈનિક ધોરણે કાર્યાન્વિત રહેશે.

 

SD/GP/BT


(Release ID: 1688527) Visitor Counter : 227