પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 7 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના રેવાડી – મદાર પટ્ટાને રાષ્ટ્રને સમર્પિત કરશે


પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત 1.5 કિલોમીટરની લંબાઈ ધરાવતી વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનને લીલી ઝંડી પણ આપશે

Posted On: 05 JAN 2021 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)ના 306 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેવાડી – મદાર પટ્ટાને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ન્યૂ અટેલી – ન્યૂ કિસનગઢ સુધી ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનને લીલી ઝંડી પણ આપશે, જેની લંબાઈ 1.5 કિલોમીટર છે. આ પ્રસંગે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે.

ડબલ્યુડીએફસીનો ન્યૂ રેવાડી – ન્યૂ મદાર પટ્ટો

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો રેવાડી – મદારનો પટ્ટો હરિયાણા (અંદાજે 79 કિલોમીટર, મહેન્દ્રગઢ અને રેવાડી જિલ્લામાં) અને રાજસ્થાન (અંદાજે 227 કિલોમીટર, જયપુર, અજમેર, સિકર, નાગૌર અને અલવર જિલ્લાઓમાં)માં સ્થિત છે. આ પટ્ટામાં નવનિર્મિત નવ ડીએફસી સ્ટેશનો છે, જેમાં છ ન્યૂ ડાબલા, ન્યૂ ભગેગા, ન્યૂ શ્રી માધોપુર, ન્યૂ પચર મલિકપુર, ન્યૂ સકુન અને ન્યૂ કિશનગઢ ક્રોસિંગ સ્ટેશન પર છે, ત્યારે અન્ય ત્રણ રેવાડી, ન્યૂ અટેલી અને ન્યૂ ફૂલેરા જંક્શન સ્ટેશનો છે.

આ પટ્ટા પર અવરજવર શરૂ થવાથી રાજસ્થાન અને હરિયાણાના રેવાડી – માનેસર, નરનૌલ, ફુલેરા અને કિશનગઢ વિસ્તારોમાં વિવિધ ઉદ્યોગોને લાભ થશે તેમજ કથુવાસમાં કન્કોરના કન્ટેઇનર ડેપોનો વધારે સારો ઉપયોગ પણ થશે. આ પટ્ટો દેશમાં પશ્ચિમ દરિયાકિનારે સ્થિત ગુજરાતના કંડલા, પિપાવાવ, મુન્ધ્રા અને દહેજ બંદરો સાથે સાતત્યપૂર્ણ જોડાણ પણ સુનિશ્ચિત કરશે.

આ સેક્શનનું ઉદ્ઘાટન થવાની સાથે ડબલ્યુડીએફસી અને ઇડીએફસી વચ્ચે સાતત્યપૂર્ણ જોડાણ હાંસલ થશે. અગાઉ પ્રધાનમંત્રીએ 29 ડિસેમ્બર, 2020ના રોજ દેશને ઇડીએફસીનો 351 કિલોમીટરની લંબાઈ ધરાવતો ન્યૂ ભૌપુર – ન્યૂ ખુર્જા સેક્શન અર્પણ કર્યો હતો.

ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનની કામગીરી

ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનની કામગીરી એક્સલ લોડમાં 25 ટનનો વધારો કરશે. એની ડિઝાઇન આરડીએસઓના વેગન વિભાગે ડીએફસીસીઆઇએલ માટે બનાવી છે. બીએલસીએ-એ અને બીએલસીએસ-બી વેગન પ્રોટોટાઇપનું પરીક્ષણ પૂર્ણ થયું છે. એની ડિઝાઇનથી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થશે અને લોડિંગની એકસરખી વહેંચણી થશે તેમજ પોઇન્ટ લોડિગની સુવિધા મળશે. ડબલ્યુડીએફસી પર લોંગ-હોલ ડબલ સ્ટેક કન્ટેઇનર ટ્રેન પર આ વેગનો ભારતીય રેલવેમાં હાલના ટ્રાફિકની સરખામણીમાં ચાર ગણા વધારે કન્ટેઇનર યુનિટનું વહન કરી શકશે.

ડીએફસીસીઆઇએલ કલાકદીઠ મહત્તમ 100 કિલોમીટરની ઝડપે ફ્રેઇટ ટ્રેન દોડવશે, જ્યારે અત્યારે ભારતીય રેલવે ટ્રેક પર કલાકદીઠ મહત્તમ 75 કિલોમીટરની ઝડપે ગાડી દોડે છે. આ રીતે ભારતીય રેલવે લાઇન પર ફ્રેઇટ ટ્રેનની સરેરાશ ઝડપ હાલની કલાકદીઠ 26 કિલોમીટરથી વધીને ડીએફસી પર કલાકદીઠ 70 કિલોમીટરની હાંસલ થશે.

 

SD/GP/BT

 


(Release ID: 1686287) Visitor Counter : 258