પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 29 ડિસેમ્બરના રોજ ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યૂ ભૌપુર – ન્યૂ ખુર્જા સેક્શન અને ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

Posted On: 27 DEC 2020 3:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇસ્ટર્ન ડિડેકેટેડ ફ્રેઇટ કોરિડોર (ઇડીએફસી)ના ‘ન્યૂ ભૌપુર – ન્યૂ ખુર્જા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઇડીએફસીના પ્રયાગરાજમાં સ્થિત ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર (ઓસીસી)નું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. 

ઇડીએફસીના 351 કિલોમીટરની લંબાઈ ધરાવતા અને ઉત્તરપ્રદેશમાં નિર્મિત ન્યૂ ભૌપુર – ન્યૂ ખુર્જા સેક્શનનું નિર્માણ રૂ. 5,750 કરોડના ખર્ચે થયું છે. આ સેક્શન એલ્યુમિનિયમ ઉદ્યોગ (કાનપુર દેહાત જિલ્લાના પુખ્રાયણ વિસ્તાર), ગ્લાસવેર ઉદ્યોગ (ફિરોઝાબાદ જિલ્લો), પોટરી ઉદ્યોગ (બુલંદશહર જિલ્લાનો ખુર્જા), હિંગ ઉદ્યોગ (હાથરસ જિલ્લો) અને લોક્સ અને હાર્ડવેર ઉદ્યોગ (અલીગઢ જિલ્લો) જેવા સ્થાનિક ઉદ્યોગો માટે અનેક નવી તકો ઊભી કરશે. વળી આ સેક્શન હાલની કાનપુર-દિલ્હી મેઇન લાઇન પરની ગીચતામાં પણ ઘટાડો કરશે અને ભારતીય રેલવેને ઝડપથી ટ્રેનો દોડાવવા સક્ષમ બનાવશે.

પ્રયાગરાજમાં અત્યાધુનિક ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર (ઓસીસી) સંપૂર્ણ ઇડીએફસી રુટ માટે નિયંત્રણ કેન્દ્ર તરીકે કામ કરશે. ઓસીસી દુનિયામાં સૌથી મોટા માળખા પૈકીનું એક છે, જેમાં આધુનિક ઇન્ટેરિઅર્સ, સુવિધાજનક ડિઝાઇન અને શ્રેષ્ઠ ટેકનોલોજીનો સમન્વય થયો છે. આ બિલ્ડિંગનું નિર્માણ પર્યાવરણને અનુકૂળ રીતે થયું છે, જેને ગ્રીન બિલ્ડિંગ રેટિંગ GRIHA4 મળ્યું છે અને ‘સુગમ્ય ભારત અભિયાનના નિયમો મુજબ નિર્મિત છે.

ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ઇડીએફસી) વિશે

લુધિયાણા નજીક સાહનેવાલ (પંજાબ)થી શરૂ થતા ઇડીએફસી (1856 કિલોમીટરનો રુટ) પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથથી પસાર થઈને પશ્ચિમ બંગાળમાં દનકુની સુધી લંબાયેલો છે. એનું નિર્માણ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ડીએફસીસીઆઇએલ) કરે છે. ડીએફસીસીઆઇએલ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇડ કોરિડર (1504 કિલોમીટરનો રુટ)નું નિર્માણ પણ કરે છે, જે ઉત્તરપ્રદેશના દાદરીથી મુંબઈમાં જવાહરલાલ નેહરુ પોર્ટને જોડે છે તથા ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થશે.

 

SD/GP/BT



(Release ID: 1684037) Visitor Counter : 171