પ્રધાનમંત્રીનું કાર્યાલય

શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટે ભારત – વિયેતનામનું સંયુકત વિઝન

Posted On: 21 DEC 2020 7:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુઆન ફુકએ 21 ડિસેમ્બરના રોજ આયોજિત વર્ચ્યુઅલ શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરી હતી, જે દરમિયાન બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરીને અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે ભારત – વિયેતનામ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને ભવિષ્યમાં વધારે ગાઢ બનાવવા માર્ગદર્શન આપવા શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટે સંયુક્ત વિઝન પ્રસ્તુત કર્યું હતું: 

શાંતિ
1. બંને દેશો વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોને વધારે ગાઢ બનાવવા બંને નેતાઓ નિયમિતપણે ઉચ્ચ સ્તરીય અને સંસ્થાગત આદાનપ્રદાન કરવા સંમત થયા હતા, જેના પાયામાં બંને દેશો વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો, સહિયારા મૂલ્યો અને હિતો, પારસ્પરિક વ્યૂહાત્મક વિશ્વાસ અને સમજણ રસહેલી છે. બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેઓ બંને દેશો વચ્ચે જોડાણના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારમાં નવું પાસું ઉમેરશે અને એને વેગ આપશે, એકબીજાનાં રાષ્ટ્રના વિકાસને ટેકો આપશે તથા શાંતિપૂર્ણ, સ્થિર, સુરક્ષિત, મુક્ત, ઉદાર, સર્વસમાવેશક અને નિયમ આધારિત પ્રાદેશિક મહત્ત્વને હાંસલ કરવા માટે કામ કરવા સંમત થયા હતા. 


2. ભારત-પ્રશાંત વિસ્તારમાં વિકસતી ભૂરાજકીય અને ભૂઆર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેના સાથસહકારના સંબંધોને મહત્ત્વ સમજીને બંને નેતાઓ સંમત થયા હતા કે, ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં સંવર્ધિત ભાગીદારી ભારત-પ્રશાંત વિસ્તારમાં સ્થિરતા સ્થાપિત કરવા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ બની જશે. બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં સાથસહકારને વધારે ગાઢ બનાવવા તેમના સૈન્યોની ત્રણેય પાંખો અને તટરક્ષક દળો વચ્ચે આદાનપ્રદાન, તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોને વધારશે તથા ભારતની સંરક્ષણ ક્ષેત્રની ક્રેડિટ લાઇન પર નિર્મિત તેમના સંરક્ષણ ઉદ્યોગમાં જોડાણને વધુ સઘન બનાવશે. તેઓ લોજિસ્ટિક્સના પારસ્પરિક સાથસહકાર, નિયમિત સમયાંતરે જહાજોની મુલાકાતો, સંયુક્ત કવાયતો, સૈન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આદાનપ્રદાન, માહિતીનું આદાનપ્રદાન તથા સંયુક્ત રાષ્ટ્રની શાંતિસુરક્ષા દળમાં સાથસહકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં આદાનપ્રદાનને વધારે સંસ્થાકીય સ્વરૂપ આપશે. બંને પક્ષો સાયબર અને દરિયાઈ ક્ષેત્રોમાં, આતંકવાદ સામે, કુદરતી આપત્તિઓમાં, સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષા, જળસુરક્ષા, આંતરરાષ્ટ્રીય અપરાધો વગેરેમાં સુરક્ષા સાથે સંબંધિત પરંપરાગત અને બિનપરંપરાગત જોખમોનો સામનો કરવા સંસ્થાગત સંવાદ વ્યવસ્થા દ્વારા જોડાણને વધારે ગાઢ બનાવશે, જેમાં જ્યાં જરૂર પડશે, ત્યાં સંવર્ધિત કાયદાકીય અને ન્યાયિક સાથસહકાર સામેલ છે. 

3. જ્યારે બંને નેતાઓએ સમૃદ્ધિ અને સુરક્ષા વચ્ચેના સીધા સંબંધ પર ભાર મૂકીને દક્ષિણ ચીન દરિયામાં શાંતિ, સ્થિરતા, સુરક્ષા જાળવવા તથા આ દરિયામાંથી અવરજવર કરવા અને એના ઉપરથી વિમાન ઉડાવવાની સ્વતંત્રતાના મહત્ત્વ પર ફરી ભાર મૂક્યો હતો, ત્યારે તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત રીતે કોઈ પણ પ્રકારના જોખમ કે બળજબરીનો પ્રયોગ કર્યા વિના વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવાની બાબતને પ્રાથમિકતા આપી હતી, ખાસ કરીને દરિયાના કાયદા પર સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન (યુએનસીએલઓએસ) પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ દાવેદારો અને અન્ય તમામ દેશો દ્વારા તમામ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં સૈન્યીકરણ ન કરવાના અને સ્વનિયંત્રણ દાખવવાની બાબતના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા સ્થિતિને વધારે જટિલ બનાવી શકે અથવા વિવાદને વધારીને શાંતિ અને સ્થિરતા પર જોખમ ઊભી થઈ શકે એવા સંજોગો ટાળવાને મહત્ત્વ આપ્યું હતું. બંને નેતાઓએ યુએનસીએલઓએસ દ્વારા નિર્ધારિત કાયદેસર માળખા પર ભાર મૂક્યો હતો, જે અંતર્ગત દરિયા અને સમુદ્રમાં તમામ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ તથા દરિયાઈ અધિકારો, સાર્વભૌમિક અધિકારો, દરિયાઈ વિસ્તારો પર અધિકારક્ષેત્ર અને કાયદેસર હિતો માટે યુએનસીએલઓએસ આધારરૂપ છે એ બાબત પર સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને યુએનસીએલઓએસને સુસંગત રીતે દક્ષિણ ચીન દરિયા (સીઓસી)માં આચારસંહિતાનો વહેલાસર અમલ કરવા અર્થસભર વાટાઘાટો કરવા તેમજ દક્ષિણ ચીન દરિયામાં પક્ષોની વર્તણૂંક પર જાહેરનામા (ડીઓસી)ના સંપૂર્ણ અને અસરકારક અમલની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુએનસીએલઓએસ કાયદેસર અધિકારોમાં તટસ્થ છે અને તમામ દેશોના હિતોને જાળવે છે, જેમાં આ વાટાઘાટોમાં સામેલ ન હોય એવા પક્ષોના હિતો પણ સામેલ છે. 


4. દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ જાળવવા આસિયાન-ભારત સાથસહકારના મહત્ત્વને સમજીને બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં આસિયાન અને ભારત વચ્ચે વ્યવહારિક સાથસહકારને પ્રોત્સાહન આપવાની તકોને આવકારી છે તેમજ આસિયાન આઉટલૂક ઓન ઇન્ડો-પેસિફિક (એઓઆઇપી) અને ભારતની ઇન્ડો-પેસિફિક ઓસન્સ ઇનિશિયેટિવ (આઇપીઓઆઈ)માં ઉલ્લેખ કર્યા મુજબ ઉદ્દેશો અને સિદ્ધાંતોને અનુરૂપ ભારત-પ્રશાંત વિસ્તારમાં ભાગીદારીને વધારશે, જેમાં આસિયાનને કેન્દ્રમાં રાખવા તેઓ સંયુક્તપણે ધ્યાન કેન્દ્રિત કરશે. બંને દેશો દરિયા આધારિત અર્થતંત્ર (બ્લૂ ઇકોનોમી), દરિયાઈ સુરક્ષા અને સલામતી, દરિયાઈ પર્યાવરણ અને દરિયાઈ સંસાધનોનો ટકાઉ ઉપયોગ તથા દરિયાઈ જોડાણમાં ક્ષમતા ઊભી કરવા નવી અને વ્યવહારિક તકો પણ ચકાસશે, જેનો આશય ભારત-પ્રશાંત વિસ્તારમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે. 


5. બંને દેશોના અભિગમોમાં તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોમાં રહેલી સમાનતા સાથે, આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમ-આધારિત વ્યવસ્થા માટે તેમનો સંયુક્ત આદર તથા આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં સર્વસમાવેશકતા અને સમાનતામાં તેમનો વિશ્વાસ – જેવી સમાન લાક્ષણિકતાઓમાંથી પ્રાપ્ત સહિયારી ક્ષમતા સાથે બંને દેશો બહુરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોમાં સાથસહકારને વધારે ગાઢ બનાવશે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર, આસિયાન-સંચાલિત વ્યવસ્થાઓ અને મેકોંગ પેટા-પ્રાદેશિક સાથસહકાર જેવા મંચો પર સાથસહકાર સામેલ છે. બંને દેશો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ વધારવા, આ સંસ્થાઓ કે સંગઠનોને અત્યાધુનિક અને વર્તમાન પડકારો ઝીલવા સક્ષમ બનાવવા બહુધ્રુવીયતાને પ્રોત્સાહન આપતા સુધારાઓમાં સક્રિય સાથસહકાર આપશે. તેઓ કોવિડ-19 રોગચાળાના વ્યવસ્થાપનમાં અનુભવોની વહેંચણી અને સાથસહકારને પ્રોત્સાહન આપશે, સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યાવસાયિકોને ઓન-લાઇન તાલીમ આપશે, રસીના વિકાસમાં સંસ્થાગત સાથસહકારને મજબૂત કરશે, પુરવઠાની સાંકળને પ્રોત્સાહન આપશે, લોકોની એકબીજાના દેશોમાં અવરજવરને સરળ બનાવવા આવશ્યક સુવિધાઓ ઊભી કરશે તથા વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) જેવી બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગાઢ સંપર્ક અને સંકલન જાળવશે. 


6. વિશ્વની શાંતિ અને માનવતા માટે આંતકવાદ, હિંસક કટ્ટરવાદ અને રૂઢિચુસ્તતાના જોખમને સમજીને બંને દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિનો સામનો કરવાની દ્રઢતા વ્યક્ત કરી હતી, જેમાં સરહદ પારનો આતંકવાદ, આતંકવાદીઓને નાણાકીય ટેકો આપતા નેટવર્ક અને સલામત આશ્રયસ્થાનો સામેલ છે. આ સમસ્યાનો સામનો કરવા બંને દેશો દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં વધારે સંકલન સ્થાપિત કરીને કામગીરી કરશે. બંને પક્ષો આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલન (સીસીઆઇટી)માં થયેલી સમજૂતીનો વહેલાસર સ્વીકાર કરવા માટે મજબૂત સર્વસંમતિ ઊભી કરવા સંયુક્ત પ્રયાસ કરશે. 

સમૃદ્ધિ

7. કોવિડ-19 રોગગચાળાને પગલે ઊભા થયેલા નવા પડકારો અને તકોને ઓળખીને બંને દેશો પુરવઠાની વિશ્વસનિય, કાર્યદક્ષ અને મજબૂત સાંકળ ઊભી કરવા કામ કરશે તેમજ માનવ-કેન્દ્રિત વૈશ્વિકીકરણને પ્રોત્સાહન આપશે. તેઓ વહેલામાં વહેલી તકે 15 મિલિયન અમેરિકન ડોલરના વેપારી ટર્નઓવરના લક્ષ્યાંકને હાંસલ કરવા પ્રયાસ કરશે તથા નક્કર કાર્યયોજના પર આધારિત દ્વિપક્ષીય વેપાર માટે અને એકબીજાના દેશમાં સ્થિત પુરવઠાની નવી સાંકળો માટે ઉચ્ચ લક્ષ્યાંકો નિર્ધારિત કરશે. 


8. એક તરફ, ભારતના વિશાળ સ્થાનિક બજાર અને આત્મનિર્ભરતાના લક્ષ્યાંક તથા બીજી તરફ વિયેતનામની વધતી આર્થિક શક્તિ અને ક્ષમતાઓ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપિત કરવા બંને દેશો એકબીજાના અર્થતંત્રમાં લાંબા ગાળાના રોકાણની સુવિધા વધારીને તેમના દ્વિપક્ષીય આર્થિક સંબંધોને સતત વધારશે, સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપશે, નવી આંતરરાષ્ટ્રીય મૂલ્ય સાંકળમાં સામેલ થશે, ભૌતિક અને ડિજિટલ જોડાણમાં વધારો કરશે, ઇ-કોમર્સને પ્રોત્સાહન આપશે, વ્યવસાય સંબંધિત પ્રવાસનની સુવિધાઓ વધારશે, પ્રાદેશિક વેપારી માળખાને સુધારશે અને એકબીજાને વિશાળ બજારમાં પહોંચવાની સુવિધા પ્રદાન કરશે. ભારતના વર્ષ 2024 સુધીમાં 5 ટ્રિલિયન અમેરિકન ડોલરના અર્થતંત્ર બનવાના લક્ષ્યાંકને હાંસલ કરવા અને વિયેતનામના વર્ષ 2045 સુધીમાં ઊંચી આવક ધરાવતા અર્થતંત્ર બનવાના લક્ષ્યાંકને પાર પાડવા ભાગીદારી માટે નવી ક્ષિતિજો ઊભી કરવામાં આવી છે. આ માટે બંને દેશોના અર્થતંત્રોને એકબીજા માટે વધારે ઉદાર બનાવવામાં આવશે, જેમાં બંને દેશોના એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો) અને ખેડૂત સમુદાય સામેલ છે. 


9. બહોળા યુવા વર્ગ સાથે બંને વિકાસશીલ અર્થતંત્રો તરીકે પ્રગતિ અને સમૃદ્ધિ માટેની સહિયારી આકાંક્ષા પર ભાર મૂકીને ભારત અને વિયેતનામ વચ્ચે આર્થિક અને વિકાસલક્ષી ભાગીદારીને નવી ટેકનોલોજીઓ, ઇનોવેશન અને ડિજિટાઇઝેશન દ્વારા આગળ વધારવામાં આવશે, જેનો ઉદ્દેશ સુશાસન લાવવાનો, લોકોને સક્ષમ બનાવવાનો તથા ટકાઉ અને સર્વસમાવેશક વિકાસને વેગ આપવાનો છે. આ માટે બંને દેશો ભારતના “ડિજિટલ ઇન્ડિયા” અભિયાન અને વિયેતનામના “ડિજિટલ સોસાયટી” વિઝન વચ્ચે સમન્વયનો ઉપયોગ કરશે તથા પરમાણુ અને અંતરિક્ષ ટેકનોલોજીઓના શાંતિપૂર્ણ ઉપયોગમાં , માહિતી અને સંચાર ટેકનોલોજી, દરિયાઈ વિજ્ઞાન, ટકાઉ કૃષિ, જળ સંસાધનના વ્યવસ્થાપન, સંપૂર્ણ હેલ્થકેર, રસીઓ અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટ સિટીઓ અને સ્ટાર્ટ-અપ્સમાં માં પરિવર્તનકારક ટેકનોલોજીઓનું હસ્તાંતરણ કરવા સાથસહકારને ગાઢ બનાવશે. 


10. જ્યારે બંને નેતાઓએ ટકાઉ વિકાસ અને આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત કામગીરી પ્રત્યે તેમની સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, ત્યારે તેઓ વિકાસશીલ દેશો તરીકે તેમની ઊર્જાસુરક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરવા નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સંસોધનો, ઊર્જા સંરક્ષણ અને આબોહવા સાથે સંબંધિત અન્ય ટેકનોલોજીઓમાં ભાગીદારી કરશે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં વિયેતનામની ભવિષ્યની સંબંધિત ભાગીદારીઓ સૌર ઊર્જા માટેનું માળખું મોટા પાયે સ્થાપિત કરવા સાથસહકાર આપવાની નવી તકો ઝડપશે. સાથે સાથે બંને પક્ષો ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં તેમની લાંબા ગાળાની ભાગીદારીને વધારે ગાઢ બનાવશે, જેમાં ત્રીજા દેશોમાં સંભવિત ઉત્ખનનના પ્રોજેક્ટ અને ડાઉનસ્ટ્રીમ પ્રોજેક્ટમાં જોડાણ સામેલ છે. બંને દેશો આબોહવામાં પરિવર્તનની માઠી અસર દૂર કરવા નવી ટેકનોલોજીઓ સ્વીકારવા સાથસહકારને વધારે ગાઢ બનાવશે અને આ માટે ભારત નજીકના ભવિષ્યમાં આપત્તિમાં મજબૂત માળખાગત સુવિધા માટે જોડાણના વિયેતનામ સાથે સંબંધો સ્થાપિત કરવા આતુર છે. 


11. સ્થાનિક સમુદાયોને નક્કર અને વિવિધ લાભો પ્રદાન કરવામાં બંને દેશોની વિકાસલક્ષી ભાગીદારીએ ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સમજવા તથા ટકાઉ વિકાસના લક્ષ્યાંકો પાર પાડવામાં પ્રદાન કરવા વિયેતનામમાં ભારતની વિકાસલક્ષી સહાય અને ક્ષમતા નિર્માણની ભાગીદારીને વધારવામાં આવશે, જેમાં મેકોંગ – ગંગા ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ અને વિવિધ ક્ષેત્રોમાં આઇટીઇસી અને ઇ-આઇટીઇસી કાર્યક્રમનું વિસ્તરણ સામેલ છે. 


લોકો


12. ભારત અને વિયેતનામ વચ્ચે ગાઢ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ પર ભાર મૂકીને બંને દેશો તેમના સહિયારા સાંસ્કૃતિક અને સભ્યતાના વારસાની સમજણ અને સંશોધનની ઉજવણી કરશે અને એને પ્રોત્સાહન આપશે, જેમાં બૌદ્ધ સંપ્રદાય અને ચામ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને પ્રાચીન ધર્મગ્રંથો સામેલ છે. બંને દેશોની વિકાસલક્ષી ભાગીદારીનાં મુખ્ય આધારસ્તંભ તરીકે સંયુક્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સાથસહકારને વધારવામાં આવશે. ટકાઉ વિકાસ લક્ષ્યાંક 2 અને 3ને હાંસલ કરવા બંને દેશો માટે ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. હજારો વર્ષોથી બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનને કારણે આયુર્વેદ અને વિયેતનામની પરંપરાગત ચિકિત્સા જેવી પરંપરાગત તબીબી વ્યવસ્થાઓ સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત સમૃદ્ધ જ્ઞાનમાં ઘણી સામાન્ય બાબતો ધરાવે છે, જેને એકબીજા સાથે વહેંચશે. યોગ શાખાનો વિકાસ શાંતિ અને સંવાદિતાના પ્રતીક તરીકે થયો છે તેમજ એને આધ્યાત્મિક સુખાકારી અને ખુશીના માધ્યમ તરીકે લેવામાં આવી છે. બંને દેશોએ ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થાઓને અને લોકોની સુખાકારી માટે પુરાવા આધારિત સંકલનને મજબૂત કરવા સાથસહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને પક્ષો વર્ષ 2022માં એમના સંબંધોની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા ભારત – વિયેતનામ વચ્ચે સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધોના એન્સાઇક્લોપીડિયા પ્રકાશિત કરવા સક્રિયપણે સાથસહકાર આપશે. 


13. બંને દેશોના નાગરિકોની પારસ્પરિક મૈત્રીપૂર્ણ ભાવનાને પગલે તેમની વચ્ચે ગાઢ સંબંધો ઊભા થયા છે, જેની ક્ષમતાને ઓળખવા અને એને વધારે સમર્થન આપીને ગાઢ બનાવવા બંને પક્ષો સીધી ફ્લાઇટની સંખ્યા વધારી, વિઝાની સરળ પ્રક્રિયાઓ દ્વારા પ્રવાસને સરળ બનાવી અને પ્રવાસનની સુવિધા વધારી બંને દેશોના નાગરિકો વચ્ચે આદાનપ્રદાનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધારે સઘન કરશે. બંને દેશો સંસ્થાગત જોડાણને વધારે ગાઢ બનાવશે, જેમ કે સંસદીય આદાનપ્રદાન; ભારતીય રાજ્યો અને વિયેતનામના પ્રાંતો વચ્ચે સંબંધો; રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, મૈત્રીપૂર્ણ જૂથો અને યુવા સંગઠનો વચ્ચે આદાનપ્રદાનો; શૈક્ષણિક અને અકાદમિક સંસ્થાઓ વચ્ચે જોડાણ; થિંક ટેકો વચ્ચે જોડાણો; સંયુક્ત સંશોધન કાર્યક્રમો; શૈક્ષણિક શિષ્યાવૃત્તિઓ; અને મીડિયા, ફિલ્મ, ટીવી શૉ અને રમતગમત વચ્ચે જોડાણ. તેઓ ભારત – વિયેતનામના સંબંધો સાથે સંબંધિત સામગ્રીને પ્રોત્સાહન આપવા સંબંધિત સંસ્થાઓ વચ્ચે સાથસહકારની સુવિધા પણ આપશે તેમજ એકબીજાના શાળાના પાઠ્યપુસ્તોકમાં તેમના ઐતિહાસિક સંબંધો વિશે જાણકારી આપશે. 


14. બંને પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમનું ઉપરોક્ત સહિયારું વિઝન ભારત – વિયેતનામ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીના નવા યુગ માટે પાયારૂપ બનશે. આ વિઝન સાકાર કરવા નક્કર કાર્યયોજના પર બંને દેશો દ્વારા કામગીરી કરવામાં આવશે, જે વર્ષ 2021થી વર્ષ 2023 બનાવવામાં આવી છે અને એની શરૂઆત થઈ છે. 


પરિણામો:

(a) જ્યારે બંને નેતાઓ સંયુક્ત વિઝન નિવેદનનો સ્વીકાર કર્યો હતો, ત્યારે તેમણે વર્ષ 2021થી વર્ષ 2023 સુધીના સમયગાળા માટે કાર્યયોજના પર થયેલા હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો.
(b) વિયેતનામને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી 100 મિલિયન અમેરિકન ડોલરની ડિફેન્સ ક્રેડિટ લાઇન અંતર્ગત વિયેતનામ બોર્ડર ગાર્ડ કમાન્ડ માટે હાઈ સ્પીડ ગાર્ડ બોટ (એચએસજીબી) ઉત્પાદન પ્રોજેક્ટના સફળ અમલીકરણ પર તેમજ વિયેતનામને પૂર્ણ થયેલી એચએસજીબી સુપરત કરવા, ભારતમાં એચએસજીબીનું ઉત્પાદન શરૂ કરવા અને વિયેતનામમાં એચએસજીબીના ઉત્પાદનને જાળવવા પર બંને પ્રધાનમંત્રીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. 
(c) બંને નેતાઓએ વિયેતનામના નિન્હ થુઆન પ્રાંતમાં સ્થાનિક સમુદાયના લાભ માટે 1.5 મિલિયન અમેરિકન ડોલરની ભારતીય ‘ગ્રાન્ટ-ઇન-એઇડ’ સહાય સાથે સાત વિકાસલક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાની બંને નેતાઓએ પ્રશંસા કરી હતી. 
(d) બંને પ્રધાનમંત્રીઓએ સમજૂતીકરારો/સમજૂતીઓ/અમલ થઈ રહેલી વ્યવસ્થાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારને વધારે ગાઢ બનાવવા માટે નીચે ઉલ્લેખિત જાહેરાતો પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતોઃ


હસ્તાક્ષર થયેલા સમજૂતીકરારો/સમજૂતી:
1.     સંરક્ષણ ઉદ્યોગમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે થયેલી વ્યવસ્થાનો અમલ કરવો. 
2.     નેશનલ ટેલીકમ્યુનિકેશન્સ યુનિવર્સિટી, ન્હા ત્રાંગમાં આર્મી સોફ્ટવેર પાર્ક માટે 5 મિલિયન અમેરિકન ડોલરની ભારતીય ગ્રાન્ટ સહાય માટે સમજૂતી.

3. સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિરક્ષક દળમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે CUNPKO-VNDPKO વચ્ચે સમજૂતીનો અમલ કરવો. 
4. ભારતના પરમાણુ ઊર્જા નિયમનકારક બોર્ડ અને રેડિયેશન અને પરમાણુ સલામતી માટે વિયેતનામની સંસ્થા વચ્ચે સમજૂતીકરાર.
5. સીએસઆઈઆર – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને વિયેતનામ પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે સમજૂતીકરાર.
6. ભારતના નેશનલ સોલર ફેડરેશન અને વિયેતનામ ક્લીન એનર્જી એસોસિએશન વચ્ચે સમજૂતીકરાર. 
7. ટાટા મેમોરિયલ સેન્ટર અને વિયેતનામ નેશનલ કેન્સર હોસ્પિટલ વચ્ચે સમજૂતીકરાર

જાહેરાતો:

1. ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ (ઝડપથી અસર કરે એવા પ્રકલ્પો)ની સંખ્યા હાલ વર્ષદીઠ 5 છે, જેને નાણાકીય વર્ષ 2021-2022થી વધારીને વર્ષદીઠ 10 કરવામાં આવશે. 
2. વિયેતનામમાં (માય સન ટેમ્પલના એફ-બ્લોક; ક્વાંગ નામમાં ડોંગ ડુઓંગ બુદ્ધિસ્ટ મોનસ્ટરી અને ફુ યેનમાં ન્હાન ચામ ટાવર)માં સાંસ્કૃતિક સંરક્ષણમાં નવી વિકાસલક્ષી ભાગીદારીના વિવિધ પ્રોજેક્ટ. 
3. ભારત – વિયેતનામ વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પર એન્સાયક્લોપીડિયા માટે દ્વિપક્ષીય પ્રોજેક્ટ શરૂ કરવો.
 



(Release ID: 1682625) Visitor Counter : 359