પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ FICCIની 93મી વાર્ષિક સાધારણ સભાના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું


મજબૂત અને નિર્ણાયક સરકાર તમામ હિતધારકોને તેમની સંભાવનાઓ સાર્થક કરવામાં મદદરૂપ થાય છે: પ્રધાનમંત્રી

આપણાં ઉદ્યોગોને સેતુની જરૂર છે દિવાલોની નહીં: પ્રધાનમંત્રી

સરકાર નીતિ અને નિયતથી ખેડૂતોનું કલ્યાણ કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે: પ્રધાનમંત્રી

ઔદ્યોગિક અગ્રણીઓને ગામડાંઓ અને નાના શહેરોમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું

Posted On: 12 DEC 2020 1:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી FICCIની 93મી વાર્ષિક સાધારણ સભાના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત બ્રાન્ડ ઉભી કરવા માટે પોતાની ક્ષમતાઓ દર્શાવવા બદલ ખાનગી ક્ષેત્રની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન પ્રત્યે દરેક નાગરિકની કટિબદ્ધતા ખાનગી ક્ષેત્રમાં દેશના વિશ્વાસનું ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જીવન અને સુશાસન બંનેમાં, આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ ક્યારેય બીજા કોઇને જગ્યા આપવામાં અચકાતી નથી. વિશાળ જનમતનું પીઠબળ ધરાવતી એક મજબૂત સરકાર તે વિશ્વાસ અને સમર્પણ બહાર લાવે છે. નિર્ણાયક સરકાર હંમેશા અન્ય લોકોના માર્ગોમાં આવતા અવરોધો દૂર કરવા માટે તત્પર હોય છે અને હંમેશા સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યે યોગદાન આપવાના પ્રયાસો કરે છે. આવી સરકાર ક્યારેય પોતાના હાથમાં અંકુશ લઇને અને પહેલને અવરોધવા માંગતી નથી. તેમણે પહેલાના સમયને યાદ કરતા જણાવ્યું કે તે સમયે સરકાર તમામ ક્ષેત્રોમાં હતી અને આ અભિગમ અર્થતંત્રના પતન માટે જવાબદાર હોવાનું કહ્યું હતું. બીજી તરફ, દીર્ઘદૃષ્ટિ ધરાવતી અને નિર્ણાયક સરકાર, તમામ હિતધારકોને તેમની સંભાવનાઓ સાર્થક કરવા માટે પ્રોત્સાહન આપે છે તે અંગે પણ તેમણે કહ્યું હતું. શ્રી મોદીએ ટાંક્યું હતું કે છેલ્લા છ વર્ષમાં સરકાર તમામ ક્ષેત્રોમાં દરેક હિતધારકોને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, વિનિર્માણથી માંડીને MSME; કૃષિથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર; ટેક ઉદ્યોગથી માંડીને કરવેરા અને રીઅલ એસ્ટેટથી માંડીને નિયમનકારી રાહતો સુધીના દરેક ક્ષેત્રોમાં થયેલા સર્વાંગી સુધારાઓમાં આ બાબત પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રીએ તમામ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, આપણાં ઉદ્યોગોને સેતુની જરૂર છે, દિવાલોની નહીં. અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો વચ્ચે રહેલી અવરોધરૂપી દિવાલોને દૂર કરીને દરેકના માટે નવી તકોનું સર્જન થઇ શકશે જેમાં ખાસ કરીને ખેડૂતોને નવા વિકલ્પો ઉપલબ્ધ થશે. ટેકનોલોજી, કોલ્ડ સ્ટોરેજ અને કૃષિ ક્ષેત્રમાં રોકાણ આવવાથી ખેડૂતોને લાભ થશે. પ્રધાનમંત્રીએ કૃષિ, સેવાઓ, વિનિર્માણ અને સામાજિક ક્ષેત્રોને એકબીજાના પૂરક બનાવવાની દિશામાં નવા માર્ગો શોધવા પાછળ ઉર્જા રોકવા માટે આહ્વાન કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, FICCI જેવા સંગઠનો આ પ્રયાસમાં સેતુ અને પ્રેરણા બંને તરીકે કામ કરી શકે છે. આપણે સ્થાનિક મૂલ્યો અને પુરવઠા સાંકળને મજબૂત બનાવવાના અને કેવી રીતે વૈશ્વિક પુરવઠા સાંકળમાં ભારતની ભૂમિકાનું વિસ્તરણ કરી શકાય તેને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, “ભારત વિશાળ બજાર, માનવબળ અને મિશન મોડમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે.”

પ્રધાનમંત્રીએ J-A-M (જનધન, આધાર અને મોબાઇલ)ની ત્રિપુટી દ્વારા નાણાકીય સમાવેશીતામાં મળેલી સફળતાને આ સરકારના સુધારા અંતર્ગત સુનિયોજિત અને એકીકૃત અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી હતી. આ, દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલી દ્વારા જ્યારે દેશમાં મહામારીના સમયમાં કરોડો લોકોના ખાતામાં માત્ર એક જ બટન ક્લિક કરીને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે તે પ્રશંસાને પાત્ર બની.

પ્રધાનમંત્રીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને સંપૂર્ણપણે મદદ કરવા માટે લેવામાં આવેલા પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સરકાર નીતિ અને નિયત (ઇરાદો) દ્વારા ખેડૂતોનું કલ્યાણ કરવા માટે કટિબદ્ધ છે. કૃષિ ક્ષેત્રમાં વધી રહેલી વાઇબ્રન્સીની નોંધ લેતા શ્રી મોદીએ ખેડૂતોને મંડી બહાર પણ તેમની ઉપજો વેચવા માટે ઉપલબ્ધ થયેલા નવા વિકલ્પો, મંડીઓનું આધુનિકીકરણ અને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ઉપજોનું વેચાણ કરવા માટે વિકલ્પ વગેરેની પણ ચર્ચા કરી હતી.” તેમણે કહ્યું હતું કે, આ બધુ જ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવ્યું છે કારણ જો દેશનો ખેડૂત સમૃદ્ધ હશે તો દેશ પણ સમૃદ્ધ બનશે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, કૃષિમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ હાલમાં પૂરતા પ્રમાણમાં નથી. તેમણે કહ્યું કે, પૂરવઠા સાંકળ, કોલ્ડ સ્ટોરેજ અને ખાતર વગેરે જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્ર રુચિ લે અને રોકાણ કરે તે બંને જરૂરી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ગ્રામીણ કૃષિ આધારિત ઉદ્યોગો ખૂબ જ મોટી તકો રહેલી છે અને તેના માટે અનુકૂળ નીતિ કાયદાઓ પણ અમલમાં મુકવામાં આવ્યા છે.

ગ્રામીણ, અર્ધ ગ્રામીણ અને સ્તર-2 તેમજ સ્તર-3ના શહેરોમાં થઇ રહેલા સકારાત્મક પરિવર્તનોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ વરિષ્ઠ વ્યવસાય અને ઔદ્યોગિક અગ્રણીઓને આવા ક્ષેત્રોમાં સમાયેલી તકોનો લાભ ઉઠાવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા શહેરીની સરખામણીએ વધી ગઇ છે અને ભારતમાં અડધાથી વધારે સ્ટાર્ટઅપ સ્તર-2 અને સ્તર-3 શહેરોમાં છે. તાજેતરમાં સાર્વજનિક વાઇ-ફાઇ હોટ સ્પોટ્સ માટે મંજૂર કરવામાં આવેલી PM-WANI યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોએ ગ્રામીણ કનેક્ટિવિટીના પ્રયાસોમાં ભાગીદાર બનવું જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “એક વાત ચોક્કસ છે કે 21મી સદીમાં ભારતનો વિકાસ ગામડાંઓ અને નાના શહેરોથી સંચાલિત હશે અને તમારા જેવા ઉદ્યોગ સાહસિકોએ ગામડાંઓ અને નાના શહેરોમાં રોકાણ કરવાની આ ઉત્તમ તકને હાથમાંથી સરકવા દેવી જોઇએ નહીં. તમારું રોકાણ ગ્રામીણ વિસ્તારોમાં અને કૃષિ ક્ષેત્રમાં આપણાં ભાઇઓ અને બહેનો માટે નવી તકોના દ્વાર ખોલશે.”

કોવિડના આચંકાજનક સમયમાંથી બહાર આવવા માટે અને ફરી મજબૂત થવા માટે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકોએ આપેલા યોગદાનની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશે મહામારીના સમયમાં લોકોનું જીવન બચાવવા પર સૌથી વધુ પ્રાથમિકતા આપી છે અને તેના સારા પરિણામો આપણને મળી રહ્યાં છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સંજોગો જેટલા ઝડપથી ખરાબ થયા હતા એટલી જ ગતિએ તેમાં સુધારો આવી રહ્યો છે.

સ્વતંત્રતાના સંગ્રામમાં FICCIની ભૂમિકા યાદ કરતા અને નજીકના ભવિષ્યમાં આગામી સદીને ટાંકતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાનું વિસ્તરણ કરવા માટે કહ્યું હતું.

SD/GP/BT


(Release ID: 1680229)