સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રએ 4 રાજ્યમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલી: અન્ય રાજ્યોમાં મોકલવા પર ચિંતન ચાલી રહ્યું છે
કેન્દ્રએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વણતપાસાયેલા અને ચુકાઇ ગયેલા દર્દીઓને ટ્રેક કરવા માટે પરીક્ષણનું સ્તર વધારવાની સલાહ આપી
ઉચ્ચ સ્તરના પરીક્ષણથી પોઝિટીવિટી દર ઘટાડવાનું સુનિશ્ચિત થાય છે
કુલ નોંધાયેલા કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 5% કરતાં ઓછું
Posted On:
20 NOV 2020 12:13PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકાર દ્વારા ચાર રાજ્યો એટલે કે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણીપુરમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી છે. આ ટીમો જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કોવિડના કેસ નોંધાયા છે તેવા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ અને સંક્રમણ નિવારણ તેમજ નિયંત્રણના પગલાં અને પોઝિટીવ દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં જરૂરી સહકાર આપશે. કેન્દ્રીય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે. જ્યાં કોવિડ-19ના પોઝિટીવ કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે તેવા અન્ય રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ઉચ્ચ સ્તરીય બહુશાખીય ટીમો મોકલવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા ચિંતન ચાલી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સઘન અને વ્યાપક પરીક્ષણ કરવા માટે સલાહ આપવામાં આવી છે જેથી કોવિડ-19ના વણતપાસાયેલા અને ચુકાઇ ગયેલા કેસોને તાત્કાલિક ઓળખી કાઢવાનું સુનિશ્ચિત થાય તેમજ સમયસર અસરકારક ટ્રેસિંગ, કન્ટેઇન્મેન્ટ અને જરૂરી સારવાર પણ સુનિશ્ચિત થઇ શકે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ 12,95,91,786 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ 10 લાખથી વધુ (10,83,397) નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વ્યાપક પરીક્ષણનાં ઉચ્ચ સ્તરના કારણે એકંદરે પોઝિટીવિટી દર નીચલા સ્તરે જાળવી રાખવાનું શક્ય બન્યું છે અને વર્તમાન સમયમાં આ દર સતત ઘટી રહ્યો છે. આજે, એકંદરે રાષ્ટ્રીય સરેરાશ પોઝિટીવિટી દર 6.95% નોંધાયો છે જે 7%ના મહત્વપૂર્ણ આંકડા કરતા ઓછો છે. મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે તબક્કાવાર પોઝિટીવિટી દરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
34 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વ્યાપક સર્વેલન્સ અને શંકાસ્પદ કેસો માટે WHO દ્વારા "કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક માપદંડોના સમાયોજન માટે જાહેર આરોગ્ય માપદંડો” શીર્ષકથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં કરવામાં આવેલા પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક 140 પરીક્ષણોના સૂચન કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે.
20 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ પોઝિટીવિટી દર (6.95%) કરતાં ઓછો એકંદર પોઝિટીવિટી દર નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 45,882 દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ભારતમાં વર્તમાન સમયમાં સક્રિય કેસોનું ભારણ 4,43,794 છે જે આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 4.93% છે અને આ આંકડો 5%ના મહત્વપૂર્ણ આંક કરતાં નીચલા સ્તરે ટકી રહ્યો છે.
કુલ સક્રિય કેસોમાંથી 78.2% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયેલા છે. સૌથી વધુ 18.19% દર્દીઓ મહારાષ્ટ્રમાં છે.
આજદિન સુધીમાં 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 20,000 કરતાં ઓછી નોંધાઇ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 44,807 દર્દીઓ સાજા થયા હોવાથી દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 84,28,409 થઇ ગયોછે. આજે સાજા થવાનો દર વધીને 93.60% નોંધાયો છે. સાજા થયેલા કેસો અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત પણ વધીને 79,84,615 થઇ ગયો છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.02% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થયા છે.
કેરળમાં સૌથી વધુ 6,860 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે જ્યારે ત્યારબાદ 6,685 દર્દીઓ દિલ્હીમાં સાજા થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 5,860 નોંધાઇ છે.
નવા નોંધાયેલા કેસોમાં 77.02% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 7,546 દર્દીઓ નોંધાયા છે. કેરળમાં નવા 5,722 દર્દી પોઝિટીવ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં ગઇકાલે દૈનિક ધોરણે વધુ 5,535 દર્દી નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 584 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 81.85% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી સૌથી વધુ 26.32% એટલે કે 154 દર્દીઓ મહારષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. દિલ્હીમાં વધુ 93 દર્દીઓ જ્યારે પશ્ચિમ બંગાળમાં 53 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
SD/GP/BT
(Release ID: 1674398)
Visitor Counter : 265
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Malayalam