પ્રધાનમંત્રીનું કાર્યાલય

સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 27 OCT 2020 6:41PM by PIB Ahmedabad

નમસ્કાર!

મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન ડૉ. જિતેન્દ્ર સિંહજી, સીવીસી, આરબીઆઇના સભ્યગણ, ભારત સરકારના સચિવગણ, સીબીઆઇના અધિકારીગણ, રાજ્યોના મુખ્ય સચિવ, રાજ્ય સીઆઇડી ટીમોના વડા, બેન્કોના વરિષ્ઠ વ્યવસ્થાપકો, અને આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા તમામ મહાનુભવ, સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે સીબીઆઇ ટીમને હું અભિનંદન આપું છું.

આજથી સતર્કતા જાગૃતિ સપ્તાહની પણ શરૂઆત થઈ રહી છે. થોડાક જ દિવસોમાં દેશ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. સરદાર સાહેબ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સાથે જ દેશના વહીવટી વ્યવસ્થા તંત્રના શિલ્પકાર પણ હતા. દેશના સર્વપ્રથમ ગૃહમંત્રીના રૂપમાં તેમણે એક એવી વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે જે દેશના સામાન્ય માનવી માટે હોય, જેની નીતિઓમાં નૈતિકતા હોય. પરંતુ પછીના દાયકાઓમાં આપણે જોયું છે કે થોડી જુદી જ પરિસ્થિતિઓ બની ગઈ છે. તમને બધાને યાદ હશે, હજારો કરોડના ગોટાળા, શેલ કંપનીઓની જાળ, કર શોષણ, કર ચોરી, આ બધુ વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે.

સાથીઓ, 2014માં જ્યારે દેશે એક મોટુ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો, જ્યારે દેશ એક નવી દિશામાં આગળ વધ્યો, બહુ મોટો પડકાર હતો આ વાતાવરણને બદલવું એ. શું દેશ આમ જ ચાલશે, દેશમાં આમ જ થતું રહેશે, આ વિચારધારાને બદલવી. શપથ ગ્રહણ કર્યા પછી આ સરકારના પહેલા 2-3 આદેશોમાં કાળા નાણાં વિરુદ્ધ કમિટી બનાવવાનો નિર્ણય પણ સમાવિષ્ટ હતો. આ નિર્ણયે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની પ્રતિબદ્ધતા દેખાડી દીધી. વિતેલા વર્ષોમાં દેશ આ જ રીતે ભ્રષ્ટાચાર પર શૂન્ય સહિષ્ણુતા સાથે આગળ વધ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધી દેશની વહીવટી વ્યવસ્થાઓમાં, બેંકિંગ પ્રણાલીમાં, આરોગ્ય ક્ષેત્રમાં, શિક્ષણ ક્ષેત્રમાં, શ્રમ, કૃષિ, પ્રત્યેક ક્ષેત્રમાં સુધારા થયા છે. આ આખો સમયગાળો ઘણા સુધારાનો રહ્યો છે. આ સુધારાઓને આધાર બનાવીને આજે ભારત આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણ શક્તિ સાથે જોડાયેલું છે.

અમારું લક્ષ્ય એ છે કે આપણે ભારતને દુનિયાના આગળની હરોળના દેશોમાં લઈને જઈએ. પરંતુ સાથીઓ, વિકાસ માટે જરૂરી છે કે આપણી જે વહીવટી વ્યવસ્થાઓ છે તે પારદર્શક હોય, જવાબદાર હોય, જવાબદેહ હોય, જનતા પ્રત્યે જવાબ આપનારી હોય. આ બધી જ વ્યવસ્થાઓનો સૌથી મોટો શત્રુ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર માત્ર અમુક રૂપિયાની વાત નથી હોતી. એક બાજુ, ભ્રષ્ટાચાર વડે દેશના વિકાસને ઠેસ પહોંચે છે તો સાથે જ ભ્રષ્ટાચાર, સામાજિક સંતુલનને પણ વેર વિખેર કરી નાખે છે. અને સૌથી મહત્વપૂર્ણ, દેશની વ્યવસ્થા પર જે ભરોસો હોવો જોઈએ, એક પોતાપણાંનો જે ભાવ હોવો જોઈએ, ભ્રષ્ટાચાર તે ભરોસા ઉપર પ્રહાર કરે છે. અને એટલા માટે ભ્રષ્ટાચારનો મજબૂતી સાથે સામનો કરવો એ માત્ર એક એજન્સી કે સંસ્થાની જ જવાબદારી નથી બનતી પરંતુ તેની સામે લડવું એ એક સામૂહિક જવાબદારી છે.

સાથીઓ, આ કોન્ફરન્સમાં સીબીઆઇની સાથે સાથે અન્ય એજન્સીઓ પણ ભાગ લઈ રહી છે. એક રીતે જોઈએ તો આ ત્રણ દિવસો સુધી લગભગ તે તમામ એજન્સીઓ એક મંચ પર રહેશે જેમની ‘સતર્ક ભારત સમૃદ્ધ ભારત’માં ઘણી મોટી ભૂમિકા છે. આ ત્રણ દિવસ આપણી માટે એક અવસર જેવા છે. કારણ કે ભ્રષ્ટાચાર પોતાનામાં જ એક એક્લવાયો પડકાર નથી. જ્યારે દેશનો સવાલ આવે છે તો સતર્કતાની હદ ઘણી વ્યાપક બની જાય છે. ભ્રષ્ટાચાર હોય, નાણાકીય ગુના હોય, ડ્રગ્સનું નેટવર્ક હોય, નાણાંની ઉચાપત હોય કે પછી આતંકવાદ, આતંકવાદને નાણાં પહોંચાડવાનું કાર્ય હોય, ઘણી વાર જોવામાં આવ્યું છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલા માટે, આપણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સિસ્ટમેટિક ચેક, અસરકારક ઓડિટસ અને ક્ષમતા નિર્માણ તથા તાલીમનું કામ સાથે મળીને, એક સર્વાંગી પહોંચ સાથે કરવાનું રહેશે. બધી જ સંસ્થાઓની વચ્ચે એક સુમેળ, એક સહયોગાત્મક જુસ્સો આજના સમયની માંગ છે. મને પૂરે પૂરો વિશ્વાસ છે કે આ કોન્ફરન્સ તેની માટે એક અસરકારક મંચ બનીને બહાર આવશે અને ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’ના નવા માર્ગ પણ દર્શાવશે.

સાથીઓ, 2016માં સતર્કતા જાગૃતિના કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે ગરીબી સામે લડી રહેલા આપણાં દેશમાં ભ્રષ્ટાચાર માટે જરા પણ સ્થાન નથી. ભ્રષ્ટાચારનું સૌથી વધુ નુકસાન સૌથી વધારે જો કોઈને થાય છે તો તે દેશના ગરીબને થાય છે. ઈમાનદાર વ્યક્તિને મુશ્કેલી પડે છે. તમે જોયું છે કે દાયકાઓથી આપણે ત્યાં જે પરિસ્થિતિઓ બનેલી હતી, તેમાં ગરીબને તેના હકનું નહોતું મળતું. પહેલાંની પરિસ્થિતિઓ કઇંક જુદી હતી, પરંતુ હવે તમે જોઈ રહ્યા છો કે ડીબીટીના માધ્યમથી ગરીબોને મળનારો લાભ સો ટકા ગરીબો સુધી સીધો પહોંચી રહ્યો છે, તેમના બેન્ક ખાતામાં પહોંચી રહ્યો છે. એક માત્ર ડીબીટીના કારણે જ 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાથી વધુ ખોટા હાથોમાં જતાં બચી રહ્યા છે. આજે એ ગર્વની સાથે કહી શકાય તેમ છે કે હજારો કરોડના ગોટાળા વાળા તે સમયગાળાને દેશ પાછળ મૂકી આવ્યો છે. આજે અમને સંતોષ છે કે દેશના સંસ્થાનોમાં સામાન્ય જનતાનો વિશ્વાસ ફરીથી વધ્યો છે, એક હકારાત્મકતાનું નિર્માણ થયું છે.

સાથીઓ, સરકાર એ બાબત ઉપર ઘણો વધારે ભાર મૂકે છે કે ના તો સરકારનું દબાણ હોય અને ના તો સરકારનો અભાવ હોય. સરકારની જ્યાં જેટલી જરૂર છે, તેટલી જ હોવી જોઈએ. લોકોને સરકારનું દબાણ પણ ના અનુભવાય અને તેમને સરકારનો અભાવ પણ ના અનુભવાય. એટલા માટે વિતેલા વર્ષોમાં દોઢ હજારથી વધુ કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે, અનેક નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. પેન્શન હોય, શિષ્યવૃત્તિ હોય, પાણીનું બિલ ભરવાનું હોય, વીજળીનું બિલ જમા કરાવવાનું હોય, બેંકમાંથી લોન લેવાની હોય, પાસપોર્ટ બનવડાવવાનો હોય, લાયસન્સ બનાવવું હોય, કોઈપણ પ્રકારની સરકારી મદદ હોય, કોઈ નવી કંપની ખોળવી હોય, હવે તેને બીજા લોકો પાસે આંટા ફેરા નથી મારવા પડતાં, કલાકો સુધી લાંબી લાંબી લાઈનોમાં ઊભું નથી રહેવું પડતું. હવે આ જ કામ કરવા માટે તેની પાસે ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ છે.

સાથીઓ, આપણે ત્યાં કહેવાય છે – 'प्रक्षालनाद्धि पंकस्य दूरात् स्पर्शनम् वरम्' એટલે કે ગંદકી લાગી જાય પછી તેને સાફ કરવામાં આવે, તેના કરતાં સારું છે કે ગંદકી લાગવા જ ના દો. શિક્ષાત્મક સતર્કતા કરતાં અટકાયતી વિજલન્સ પર કામ કરવામાં આવે એ વધારે સારું છે. જે પરિસ્થિતિઓના કારણે ભ્રષ્ટાચાર ફેલાય છે, તેની ઉપર પ્રહાર કરવો જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સમય દરમિયાન ઊંચા પદો પર ટ્રાન્સફર પોસ્ટિંગની કેટલી મોટી રમત ચાલતી હતી. તે એક અલગ જ વ્યવસાય ચાલતો હતો.

સાથીઓ, કૌટિલ્યએ કહ્યું હતું – न भक्षयन्ति ये त्वर्थान् न्यायतो वर्धयन्ति च । नित्याधिकाराः कार्यास्ते राज्ञः प्रियहिते रताः ॥  એટલે કે જે શાસનનું ધન નથી હડપી લેતા પરંતુ યોગ્ય રીત મુજબ તેમાં વૃદ્ધિ કરે છે, રાજહિતમાં લાગેલા રહેનારા આવા રાજ કર્મીઓને મહત્વપૂર્ણ પદો પર પસંદ કરવા જોઈએ. પરંતુ કેટલાક વર્ષો પહેલા આ વાતને એક રીતે સાવ ભૂલવાડી દેવામાં આવી હતી. તેનું ઘણું મોટું નુકસાન પણ દેશે જોયું છે. આ સ્થિતિને બદલવા માટે પણ સરકારે ઈચ્છાશક્તિ દેખાડી છે, અનેક નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે ઊંચા પદો પર પસંદગીઓમાં સિફારીશનો, અહિયાં ને ત્યાંથી દબાણ ઊભું કરવાનો સમય જતો રહ્યો છે. ગ્રુપ બી અને ગ્રુપ સીમાં, જેમ કે અત્યારે ડૉ. જિતેન્દ્ર સિહે જણાવ્યું છે કે નોકરીઓ માટે ઇન્ટરવ્યૂની જરૂરિયાતને પણ ખતમ કરી દેવામાં આવી છે. એટલે કે જ્યારે સંભાવના જ ખતમ થઈ ગઈ છે તો અનેક પ્રકારની રમતો પણ ખતમ થઈ ગઈ. બેન્ક બોર્ડ બ્યૂરોની સ્થાપના સાથે જ બેંકોમાં વરિષ્ઠ પદો પર પસંદગી કરવામાં પણ પારદર્શકતાની ખાતરી કરવામાં આવી રહી છે.

સાથીઓ, દેશના સતર્કતા સિસ્ટમને મજબૂત કરવા માટે પણ અનેક કાયદાકીય સુધારા કરવામાં આવ્યા, નવા કાયદાઓ લાવવામાં આવ્યા છે. કાળા નાણાં અને બેનામી સંપત્તિઓ પર દેશ દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જે પગલાઓ ભરવામાં આવ્યા છે, આજે તેમનું ઉદાહરણ દુનિયાના અન્ય દેશોમાં આપવામાં આવી રહ્યું છે. ફ્યુજીટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટના માધ્યમથી ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીમાં ઘણી મદદ મળી છે. આજે ભારત દુનિયાના તે ગણ્યા ગાંઠ્યા દેશોમાંથી એક છે જ્યાં ફેસ લેસ ટેક્સ એસેસમેન્ટની વ્યવસ્થા લાગુ કરવામાં આવી ચૂકી છે. આજે ભારત દુનિયાના તે દેશોમાં છે જ્યાં ભ્રષ્ટાચાર રોકવા માટે ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારની પ્રાથમિકતા રહી છે કે સતર્કતા સાથે જોડાયેલ એજન્સીઓને વધુ સારી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવે, ક્ષમતા નિર્માણ થાય, તેમની પાસે તાજેતરનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને સાધનો હોય જેથી તે વધુ અસરકારક રીતે કામ કરી શકે, પરિણામો આપી શકે.

સાથીઓ, આ પ્રયાસોની વચ્ચે, આપણે એ પણ યાદ રાખવાનું છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન એક દિવસ અથવા તો માત્ર એક અઠવાડિયાની જંગ નથી. આ સંદર્ભમાં, આજે હું તમારી સમક્ષ એક બીજા પડકારનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું. આ પડકાર વિતેલા દાયકાઓમાં ધીમે ધીમે વધતાં વધતાં હવે દેશની સામે એક વિકરાળ રૂપ લઈ ચૂક્યો છે. આ પડકાર છે – ભ્રષ્ટાચારનો વંશવાદ એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થઈ રહેલ ભ્રષ્ટાચાર.

સાથીઓ, વિતેલા દાયકાઓમાં આપણે જોયું છે કે જ્યારે ભ્રષ્ટાચાર કરનારી એક પેઢીને સાચી સજા નથી મળતી, તો બીજી પેઢી તેનાથી વધુ તાકાત સાથે ભ્રષ્ટાચાર કરે છે. તેને દેખાય છે કે જ્યારે ઘરમાં જ કરોડો રૂપિયા કાળા નાણાં મારફતે કમાનારાઓનું કઈં જ નથી થયું અથવા તો બહુ હળવી સજા પ્રાપ્ત કરીને તે છૂટી ગયા છે તો તેનો ઉત્સાહ ઘણો વધી જાય છે. આ કારણે અનેક રાજ્યોમાં તો તે રાજનૈતિક પરંપરાનો ભાગ બની ગયો છે. પેઢી દર પેઢી ચાલનારા ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારનો આ વંશવાદ, દેશને ઊધઈની જેમ ખોખલો કરી શકે છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક પણ કેસમાં ઢીલાશ, માત્ર તે કેસ પૂરતી જ સીમિત નથી રહેતી, તે એક ચેઇન બની જાય છે, પાયો નાખે છે, ભવિષ્યના ભ્રષ્ટાચાર માટે, ભવિષ્યના ગોટાળાઓ માટે. જ્યારે જ્યારે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી તો સમાજમાં, મીડિયામાં, તેને અપરાધનો દરજ્જો મળવાનું ઓછું થઈ જાય છે. લોકોના એક મોટા વર્ગને ખબર હોય છે, મીડિયાને ખબર હોય છે કે સામે વાળાએ હજારો કરોડો રૂપિયા ખરાબ રીતે કમાયા છે, પરંતુ તે પણ તેને બહુ સહજતાથી લે છે. આ સ્થિતિ દેશના વિકાસમાં ઘણી મોટી અડચણ છે. આ સમૃદ્ધ ભારતની સામે, આત્મનિર્ભર ભારતની સામે બહુ મોટી અડચણ છે.

અને હું એક બીજી વાત પણ કહેવા માંગુ છું.. તમે કલ્પના કરો કે આપણાંમાંથી કોઈ પીડબ્લ્યુડીમાં કામ કરી રહ્યું છે, એન્જિનિયરિંગનું કામ જુવે છે અને પૈસાના મોહમાં ક્યાંક કોઈ પુલ બની રહ્યો છે તો લાપરવાહી કરી, થોડા રૂપિયા ઝૂંટવી લીધા, કેટલાક રૂપિયા પોતાના સાથીઓને ફાળવી દીધા અને જે કોન્ટ્રાકટર છે, તેને પણ લાગે છે કે ચાલો ભાઈ તારું પણ ભલું થાય અને મારુ પણ ભલું થાય અને એકદમ આ રીતે ઉદ્ઘાટન કરવા માટે સરસ દેખાય એવો પુલ બનાવીને તૈયાર કરી દીધો. પૈસા ઘરે લઈને જતાં રહ્યા, નિવૃત્ત પણ થઈ ગયા, પકડાયા પણ નહિ, પરંતુ વિચારી લો કે એક દિવસ તમારો યુવાન દીકરો તે પુલ ઉપરથી પસાર થઈ રહ્યો છે અને તે જ વખતે તે પુલ પડી ગયો ત્યારે તમને ખબર પડશે કે મેં તો ભ્રષ્ટાચાર મારી માટે કર્યો હતો પરંતુ કેટલાયની જિંદગી જઈ શકે છે અને જ્યારે પોતાનો દીકરો ચાલ્યો જાય તો ખબર પડે છે કે તે પુલમાં ઈમાનદારી કરી હોત તો આજે મારો પોતાનો એકનો એક જુવાન દીકરો ગુમાવવો ના પડત. આ આટલી મોટી અસર ઉત્પન્ન કરે છે ભ્રષ્ટાચાર.

આ સ્થિતિને બદલવાની જવાબદારી આપણાં સૌની ઉપર છે અને તમારી ઉપર જરા વધારે છે. મને આશા છે કે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં આ વિષય ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. તે સિવાય તમારે એક બીજી વાત પર ધ્યાન આપવાનું છે. ભ્રષ્ટાચારની ખબર તો મીડિયાના માધ્યમથી પહોંચે છે પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે, સમય પર થાય છે, તો આપણે આવા ઉદાહરણોને પણ આગળ પડતાં રાખવા જોઈએ. તેનાથી સમાજની વ્યવસ્થામાં વિશ્વાસ વધે છે અને ભ્રષ્ટાચારીઓમાં એક સંદેશ પણ જાય છે કે બચવું મુશ્કેલ છે. આજે આ કાર્યક્રમના માધ્યમથી, હું તમામ દેશવાસીઓને પણ આ અપીલ કરું છું કે ‘ભારત વિરુદ્ધ ભ્રષ્ટાચાર’ની લડાઈમાં તેઓ હંમેશની જેમ ભારતને મજબૂત કરતાં રહે, ભ્રષ્ટાચારને હરાવતા રહે. મને ભરોસો છે, આમ કરીને આપણે સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોનું ભારત બનાવવાનું સપનું પૂરું કરી શકીશું, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવી શકીશું. તે જ શુભેચ્છાઓ સાથે આપ સૌને આવનારા ઉત્સવોની ખૂબ ખૂબ શુભકામનાઓ.

સ્વસ્થ રહો, તમારું ધ્યાન રાખજો.

ખૂબ ખૂબ આભાર! 

 

SD/GP/BT(Release ID: 1668048) Visitor Counter : 43