સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં મૃત્યુદર 22 માર્ચ પછી સૌથી નીચલા સ્તરે નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 500થી ઓછા દર્દીઓના મૃત્યુ નોંધાયા
14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓનો મૃત્યુદર 1% કરતાં ઓછો
प्रविष्टि तिथि:
26 OCT 2020 12:01PM by PIB Ahmedabad
કેન્દ્ર અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપનના પરિણામે ભારતમાં મૃત્યુદર નીચે લઇ જવાનું સુનિશ્ચિત થયું છે જે ઘટીને 1.5% થઇ ગયો છે. અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સંભાળના પ્રોટોકોલના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલનું પાલન કરવાથી હવે, નવા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવી ગયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 500થી ઓછા (480) મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.

ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક છે. દેશમાં કેસનો મૃત્યુદર 22 માર્ચ પછી પહેલી વખત સૌથી નીચલા સ્તરે નોંધાયો છે અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિભાવ નીતિના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા માત્ર કોવિડને નિયંત્રણમાં લાવવા પર નહીં પરંતુ, મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા પર અને કોવિડના ગંભીર તેમજ તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓને ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ પૂરી પાડીને તેમના જીવ બચાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સહિયારા પ્રયાસોના પરિણામે દેશમાં આરોગ્ય સુવિધાઓની સ્થિતિ વધુ પ્રબળ બની છે. દેશમાં હાલમાં 2218 સમર્પિત કોવિડ હોસ્પિટલો ખાતે ગુણવત્તાપૂર્ણ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે ગંભીર દર્દીઓના તબીબી વ્યવસ્થાપનમાં સંકળાયેલા ICU ડૉક્ટરોની ક્ષમતા નિર્માણમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલી અનન્ય પહેલરૂપે, નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલા e-ICU દ્વારા પણ મદદ મળી રહી છે. સપ્તાહમાં બે વખત એટલે કે દર મંગળવારે અને શુક્રવારે ટેલિ/વીડિયો કન્સલ્ટેશન સત્રોનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ રાજ્યોમાં ICUના વ્યવસ્થાપનમાં જોડાયેલા ડૉક્ટરો માટે પોતાના ક્ષેત્રના નિષ્ણાત અને બહોળું જ્ઞાન ધરાવતા તજજ્ઞો દ્વારા સલાહસૂચન આપવામાં આવે છે. આ સત્રોનો પ્રારંભ 8 જુલાઇ 2020ના રોજથી કરવામાં આવ્યો છે.
આજદિન સુધીમાં, 25 ટેલિ-સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 34 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 393 સંસ્થાએ ભાગ લીધો છે.
ગંભીર દર્દીઓની સારવાર માટે ડૉક્ટરની ICU/ તબીબી વ્યવસ્થાપન ક્ષમતામાં વધારો કરવા માટે નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા આરોગ્ય મંત્રાલયના સહયોગથી વારંવાર પૂછાતા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નો અને તેના જવાબો MoHFWની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે અને અહીં આપેલી લિંક પરથી પણ મેળવી શકાય છે:
https://www.mohfw.gov.in/pdf/AIIMSeICUsFAQs01SEP.pdf
આ ઉપરાંત, સંખ્યાબંધ રાજ્યો દ્વારા વધુ સંવેદનશીલ લોકો જેમ કે, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને જેને સહ-બીમારી હોય તેવા લોકોને ઓળખી કાઢવા માટે વસ્તી સર્વે પણ હાથ ધરવામાં આવ્યા છે. મોબાઇલ એપ્લિકેશન જેવા ટેકનોલોજી આધારિત ઉકેલોની મદદથી આ સર્વેના કારણે, અતિ જોખમ ધરાવતા લોકો પર સતત દેખરેખ રાખવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે અને તેના પરિણામે ચેપગ્રસ્ત લોકોની વહેલી ઓળખ, સમયસર તબીબી સારવાર અને મૃત્યુદરમાં ઘટાડો લાવવામાં મદદ મળી શકી છે. પાયાના સ્તરે, ASHA અને ANM સહિતના અગ્ર હરોળના આરોગ્ય કર્મચારીઓએ સ્થળાંતરિત લોકોના વ્યવસ્થાપન માટે તેમજ સામુદાયિક સ્તરે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે.
તેના પરિણામે, 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર 1% કરતાં ઓછો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,105 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સંખ્યા 45,148 છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 71 લાખ કરતાં વધારે (71,37,228) થઇ ગઇ છે. દૈનિક ધોરણે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાની સંખ્યા રાષ્ટ્રીય રિકવરી દરમાં પણ પ્રતિબિંબિત થાય છે જે વધીને 90.23% સુધી પહોંચી ગયો છે.
ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે અને સક્રિય કેસ સતત ઘટી રહ્યાં છે. હાલમાં, દેશમાં કુલ નોંધાયેલા કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 8.26% એટલે કે, 6,53,717 રહી છે. આ આંકડો 13 ઑગસ્ટના રોજ નોંધાયેલી 6,53,622 સક્રિય કેસની સંખ્યા પછી સૌથી નીચો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 78% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.
દૈનિક ધોરણે સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 10,000 કરતાં વધુ દર્દી સાથે કર્ણાટક ટોચના ક્રમનું રાજ્ય છે જ્યારે ત્યારબાદ 7,000 કરતાં વધુ કેસ સાથે કેરળ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,148 નવા કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. આ આંકડો 22 જુલાઇ પછી સૌથી ઓછો છે, ત્યારે 37,000 નવા કેસ એક દિવસમાં નોંધાયા હતા.
નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 82% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કેરળ અને મહારાષ્ટ્ર સૌથી વધુ નવા પોઝિટીવ દર્દીઓ સાથે ટોચે છે જ્યાં એક દિવસમાં 6,000થી વધુ કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ 4,000થી વધુ કેસની સંખ્યા સાથે કર્ણાટક, દિલ્હી અને પશ્ચિમ બંગાળ છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 480 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આમાંથી લગભગ 80% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 23% દર્દીઓ (112 મૃત્યુ) મહારાષ્ટ્રમાંથી હોવાનું નોંધાયું છે.

SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:

(रिलीज़ आईडी: 1667571)
आगंतुक पटल : 518
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam