પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 24 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી ગુજરાતના ખેડૂતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’ શરૂ કરશે

પ્રધાનમંત્રી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી ગિરનારમાં રોપવેનું ઉદ્ઘાટન કરશે

Posted On: 22 OCT 2020 5:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 24 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ગુજરાતના ખેડૂતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના શરૂ કરશે. તેઓ અમદાવાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે તેમજ ટેલી-કાર્ડિયોલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશન લોંચ કરશે. આ પ્રસંગે તેઓ ગિરનારમાં રોપવેનું ઉદ્ઘાટન પણ કરશે.

કિસાન સૂર્યોદય યોજના

ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના નેતૃત્વમાં સિંચાઈ માટે દિવસે વીજળીનો પુરવઠો પ્રદાન કરવા તાજેતરમાં ‘કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારે પાંચ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી વીજળીના પુરવઠાનો લાભ મળી શકશે. રાજ્ય સરકારે વર્ષ 2023 સુધી આ યોજના અંતર્ગત ટ્રાન્સમિશન માળખાગત સુવિધા માટે રૂ. 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 220 કેવી સબસ્ટેશન ઉપરાંત કુલ 3490 સર્કિટ કિલોમીટર (સીકેએમ)ની લંબાઈ ધરાવતી 234 ‘66-કિલોવોટટ્રાન્સમિશન લાઇન સ્થાપિત થશે.

આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, તાપી, વલસાડ, આણંદ અને ગિર-સોમનાથને સામેલ કરવામાં આવ્યાં છે. બાકીના જિલ્લાઓને વર્ષ 2022-23 સુધી ક્રમશઃ રીતે આવરી લેવામાં આવશે.

યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ

પ્રધાનમંત્રી અમદાવાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરશે અને ટેલી-કાર્ડિયોલોજી માટે એક મોબાઇલ એપ્લિકેશનનો આરંભ કરશે. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ હવે કાર્ડિયોલોજીમાં ભારતની સૌથી મોટી હોસ્પિટલ બની જશે. વળી આ ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી માળખાગત સુવિધા અને તબીબી સુવિધાઓ ધરાવતી દુનિયાની પસંદગીની થોડી હોસ્પિટલોમાં પણ સામેલ છે.

યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીનું વિસ્તરણ રૂ. 470 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે. આ વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બેડની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે. ઇન્સ્ટિટ્યૂટ દેશમાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ બની જશે અને દુનિયામાં સૌથી મોટી સિંગલ સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ પૈકીની એક પણ બની જશે.

એની ઇમારત ધરતીકંપ પ્રૂફ નિર્માણ, અગ્નિશામક હાઇડ્રન્ટ સિસ્ટમ અને ફાયર મિસ્ટ સિસ્ટમ જેવી સલામતીની સાવચેતીઓ સાથે સજ્જ છે. સંશોધન કેન્દ્રમાં ભારતની પ્રથમ ઓટી સાથે એડવાન્સ કાર્ડિયાક આઇસીયુ ઓન વ્હીલ્સ હશે, જે વેન્ટિલેટર્સ, આઇએબીપી, હીમોડાયાલીસિસ, ઇસીએમઓ વગેરે, 14 ઓપરેશન સેન્ટર અને 7 કાર્ડિયાક કેથેટરાઇઝેશન લેબ સાથે સજ્જ હશે, જે સંસ્થામાં શરૂ થશે.

ગિરનાર રોપવે

ગુજરાત એક વાર ફરી આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રમાં ચમકી ઉઠશે. પ્રધાનમંત્રી 24 ઓક્ટોબર, 2020ના રોજ ગિરનારમાં રોપવેનું ઉદ્ઘાટન કરશે. શરૂઆતમાં આ 25થી 30 કેબિનની સુવિધા ધરાવશે, જેમાં કેબિનદીઠ 8 લોકોની ક્ષમતા હશે. હવે રોપવે દ્વારા 2.3 કિલોમીટરનું અંતર ફક્ત 7.5 મિનિટમાં કપાશે. આ ઉપરાંત રોપવે ગિરનાર પર્વતની આસપાસ હરિયાળીનું સુંદર અને રળિયામણું દ્રશ્ય પણ પ્રદાન કરશે.

SD/GP/BT



(Release ID: 1666880) Visitor Counter : 292