પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
શિક્ષણ ક્ષેત્રે સુધારાઓમાં માળખાગત સુવિધાઓના સર્જન અને માળખાગત સુધારા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છેઃ પ્રધાનમંત્રી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણ ક્ષેત્રના સુધારાઓને નવી દિશા અને નવી ક્ષમતા આપશેઃ પ્રધાનમંત્રી
દેશમાં શિક્ષણના તમામ સ્તરે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની નોંધણીનો રેશિયો એકંદરે વધારે છેઃ પ્રધાનમંત્રી
કુશળતા, પુનઃકૌશલ્ય સંપાદિત કરવું અને કૌશલ્ય સંવર્ધન – એની હાલ સૌથી મોટી જરૂર છેઃ પ્રધાનમંત્રી
Posted On:
19 OCT 2020 2:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મૈસૂર વિશ્વવિદ્યાલય પ્રાચીન ભારતની મહાન શિક્ષણ વ્યવસ્થાનું કેન્દ્ર છે, ભવિષ્યના ભારતની આકાંક્ષાઓ અને ક્ષમતાઓનું કેન્દ્ર છે. આ સંસ્થાએ “રાજર્ષિ” નાલ્વદી ક્રિષ્નારાજા વાડિયાર અને એમ વિશ્વેસ્વરૈયાજીના સ્વપ્નને સાકાર કર્યું છે.
તેમણે આ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરાવનાર ભારતરત્ન અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનજી જેવા દિગ્ગજોને યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ પોતાના વાસ્તવિક જીવનમાં વિવિધ તબક્કાઓમાં શિક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપયોગ કરવા બદલ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે વાસ્તવિક જીવનને સૌથી મોટી પાઠશાળા કે વિશ્વવિદ્યાલય ગણાવી હતી, જે જ્ઞાનનો ઉપયોગ કરવા માટે વિવિધ રીતો શીખવે છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહાન કન્નડ સર્જક અને ફિલસૂફ, તત્ત્વચિંતક ગોરુરુ રામાસ્વામી આયંગરજીના શબ્દોને ટાંક્યા હતા – “જીવનમાં મુશ્કેલીના સમયમાં શિક્ષણ માર્ગ દેખાડે છે.”
તેમણે કહ્યું હતું કે, ભારતની શૈક્ષણિક વ્યવસ્થા 21મી સદીની જરૂરિયાતો પૂર્ણ કરી શકે એ માટે સતત પ્રયાસો ચાલી રહ્યાં છે, જેમાં વિશેષ ભાર માળખાગત સુવિધાના સર્જન અને માળખાગત સુધારા કરવા પર મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતને ઉચ્ચ શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવા અને આપણી યુવા પેઢીને સ્પર્ધાત્મક બનાવવા ગુણવત્તા અને પ્રમાણ એમ બંને દ્રષ્ટિએ પ્રયાસો કરવા પડશે.
તેમણે કહ્યું હતું કે, આઝાદ થયાના આટલાં વર્ષો પછી પણ વર્ષ 2014માં દેશમાં ફક્ત 16 આઇઆઇટી હતી. છેલ્લાં 6 વર્ષમાં દર વર્ષે એક નવી આઇઆઇટી સ્થાપિત થઈ રહી છે. એમાંથી એક કર્ણાટકના ધારવાડમાં પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014માં દેશમાં 9 આઇઆઇટી, 13 આઇઆઇએમ અને 7 એમ્સ હતી. પછીનાં 5 વર્ષમાં 16 આઇઆઇટી, 7 આઇઆઇએમ અને 8 એમ્સ સ્થાપિત થઈ છે અથવા એનું નિર્માણ થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચથી છ વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં સરકારના પ્રયાસો નવી સંસ્થાઓ ખોલવા પૂરતાં મર્યાદિત નથી, પણ સાથે સાથે આ સંસ્થાઓમાં સામાજિક સર્વસમાવેશકતા લાવવા અને લિંગ આધારિત સમાનતા સુનિશ્ચિત કરવા પણ વહીવટી સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. આ પ્રકારની સંસ્થાઓને વધારે સ્વાયતત્તા આપવામાં આવી છે, જેથી તેઓ તેમની જરૂરિયાત મુજબ નિર્ણયો લઈ શકે.
તેમણે કહ્યું હતું કે, પ્રથમ આઇઆઇએમ ધારો દેશભરમાં આઇઆઇએમ સંસ્થાઓને વધારે અધિકારો આપતો હતો. તબીબી શિક્ષણમાં વધારે પારદર્શકતા લાવવા માટે રાષ્ટ્રીય તબીબી પંચ ઊભું કરવામાં આવ્યું છે. હોમિયોપેથી અને અન્ય ભારતીય તબીબી પદ્ધતિઓમાં સુધારો લાવવા માટે બે નવા કાયદા પણ બનાવવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, દેશમાં શિક્ષણના તમામ સ્તરે છોકરાની સરખામણીમાં છોકરીઓની નોંધણીનો રેશિયો એકંદરે વધ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણ શિક્ષણ ક્ષેત્રમાં મૂળભૂત પરિવર્તનો લાવવા નવો વેગ આપશે.
તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બહુપરિમાણીય છે, જેનો ઉદ્દેશ આપણા યુવાનોને સાનુકૂળ અને સ્વીકાર્યક્ષમ શિક્ષણ વ્યવસ્થા દ્વારા સ્પર્ધાત્મક બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે કૌશલ્ય, પુનઃકૌશલ્ય સંપાદિત કરવું અને કૌશલ્ય સંવર્ધનની સૌથી મોટી અને તાતી જરૂર છે.
પ્રધાનમંત્રી મોદીએ મૈસૂર વિશ્વવિદ્યાલયને દેશમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક સંસ્થા હોવાની સાથે વિશ્વવિદ્યાલયના સંચાલકોને નવી ઊભી થતી સ્થિતિને અનુરૂપ ઇનોવેશન કરવાની અપીલ કરી હતી. તેમણે સંસ્થાને ઇન્ક્યુબેશન સેન્ટર્સ, ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર્સ, ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા લિન્કેજ (ઉદ્યોગ-શિક્ષણ વચ્ચે જોડાણ)’ અને ‘ઇન્ટર-ડિસિપ્લિનરી રિસર્ચ (આંતરશાખા સંશોધન)’ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ અપીલ કરી હતી. તેમણે વિશ્વવિદ્યાલયને આંતરરાષ્ટ્રીય અને સમકાલિન મુદ્દાઓની સાથે સ્થાનિક સંસ્કૃતિ, સ્થાનિક કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર સંશોધનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત ક્ષમતાને આધારે ઉત્કૃષ્ટતા હાંસલ કરવાનો પ્રયાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
SD/GP/BT
(Release ID: 1665809)
Visitor Counter : 223
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam