સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું


1.5 મહિના પછી પ્રથમ વખત સક્રિય કેસોની સંખ્યા 8 લાખ કરતાં ઓછી નોંધાઇ

કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની ટકાવારી માત્ર 10.70%

Posted On: 17 OCT 2020 10:23AM by PIB Ahmedabad

ભારતે કોવિડ સામેની પોતાની લડાઇમાં ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. દોઢ મહિના પછી પ્રથમ વખત દેશમાં સક્રિય કેસોની સંખ્યા 8 લાખ કરતાં ઓછી નોંધાઇ છે.

આજે દેશમાં અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા ઘટીને 7,95,087 થઇ ગઇ છે જે કુલ કેસોમાંથી માત્ર 10.70% છે. છેલ્લે, 1 સપ્ટેમ્બરના રોજ સક્રિય કેસોની સંખ્યા 8 લાખ કરતાં નીચે (7,85,996) નોંધાઇ હતી.

દરરોજ કોવિડમાંથી સાજા થઇ રહેલા દર્દીઓની મોટી સંખ્યાના કારણે, ભારતમાં સક્રિય કેસોના ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે.

ભારતમાં ઘણી મોટી સંખ્યામાં નવા સાજા થઇ રહેલા કેસો નોંધાઇ રહ્યાં છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 65 લાખ (65,24,595) કરતાં વધારે થઇ ગયો છે. સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા કેસો વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે આ આંકડો વધીને 57,29,508 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 70,816 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે નવા 62,212 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. રાષ્ટ્રીય રિકવરી દર અગાઉ કરતાં વધીને 87.78% સુધી પહોંચી ગયો છે.

દેશભરમાં વધારવામાં આવેલા તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેન્દ્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સારવારના પ્રોટોકોલનું રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અમલીકરણ અને ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તેમજ અગ્ર હરોળમાં સેવા આપી રહેલા કર્મચારીઓના સંપૂર્ણ સમર્પણના પરિણામે દેશમાં સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે જ્યારે મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં માત્ર ભારત જ એવો દેશ છે જ્યાં સૌથી વધુ રિકવરી દર નોંધાયો છે અને સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં સતત સ્થાન જાળવી રાખ્યું છે. આજે મૃત્યુદર ઘટીને 1.52% નોંધાયો હતો. સક્રિય કેસોની સંખ્યામાં એકધારો ઘટાડો થઇ રહ્યો હોવાથી આ પરિણામ મળ્યું છે.

નવા સાજા થયેલા કેસોમાંથી 78% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

મહારાષ્ટ્ર, એક દિવસમાં 13,000 કરતા વધુ દર્દીઓ સાજા થવા સાથે સૌથી અગ્રેસર છે જ્યારે 8,000 કરતાં વધારે દર્દીઓ સાજા થવા સાથે કર્ણાટક બીજા ક્રમે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 62,212 પોઝિટીવ કેસોની પુષ્ટિ થઇ છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 79% કેસો 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં હજુ પણ સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યાં છે. અહીં નવા 11,000થી વધુ કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ કર્ણાટક અને કેરળમાં 7,000 કરતાં વધુ કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 837 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આમાંથી લગભગ 82% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્ર એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક સાથે અગ્રેસર છે (306 મૃત્યુ).

પ્રવર્તમાન વૈશ્વિક મહામારી સામે લડવા માટે કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સતત સહકાર આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કેરળ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં કેન્દ્રની ઉચ્ચ સ્તરીય ટીમો નિયુક્ત કરવામાં આવી છે. આ રાજ્યોમાં તાજેતરમાં કેટલાક દિવસમાં કોવિડના નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ ટીમો રાજ્ય સરકારોને કન્ટેઇન્મેન્ટ મજબૂત કરવા માટે, સર્વેલન્સ, પરીક્ષણ, સંક્રમણને ફેલાતું રોકવા માટે અને નિયંત્રણના પગલાંનો અમલ કરવા માટે તેમજ પોઝિટીવ કેસોના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે મદદ કરશે. કેન્દ્રની ટીમો સમયસર નિદાન અને ફોલો અપ સંબંધિત પડકારોનું અસરકારક વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે.

 

SD/GP/BT



(Release ID: 1665524) Visitor Counter : 183