પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 સામે સંશોધન અને રસી વિકાસ ઇકોસિસ્ટમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

Posted On: 15 OCT 2020 5:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે સંશોધન અને રસી વિકાસ ઇકોસિસ્ટમ સંદર્ભે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરીક્ષણની ટેકનોલોજી, સંપર્ક ટ્રેસિંગ, દવાઓ અને ઉપચારો વગેરે પણ સમાવી લેવામાં આવ્યા હતા.

 

આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન; નિતિ આયોગના સભ્ય (આરોગ્ય); અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર; વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

પ્રધાનમંત્રીએ ભારતીય રસી વિકાસકારો અને ઉત્પાદકોએ કોવિડ-19 પડકારનો સામનો કરવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તમામ પ્રકારના આવા પ્રયાસોમાં સુવિધા અને સહકાર આપવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિયમનકારી સુધારા એક ગતિશીલ પ્રક્રિયા હતી અને નિયમનકારો દ્વારા દરેક વર્તમાન તેમજ ઉભરતા ક્ષેત્રોમાં નિષ્ણાંતોનો ઉપયોગ સક્રિયપણે થવો જોઇએ કારણ કે સંખ્યાબંધ નવા અભિગમોનો ઉદય થયો છે.

 

પ્રધાનમંત્રીએ રસીના વ્યાપક વિતરણ અને ડિલિવરીના વ્યવસ્થાતંત્ર માટે આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવી હતી. આમાં પૂરતા પ્રમાણમાં ખરીદી અને જથ્થાબંધ સ્ટોકને સાચવવા માટેની ટેકનોલોજી, વિતરણ માટે નાની શીશીઓ ભરવાની વ્યવસ્થા અને કાર્યદક્ષ રીતે ડિલિવરી જેવા વિવિધ પરિબળોની માહિતી મેળવી હતી.

 

પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, સીરો-સર્વે અને પરીક્ષણ બંનેમાં વધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, નિયમિત ધોરણે, ઝડપથી અને ખર્ચ વગર પરીક્ષણ થાય તેવી સુવિધા તમામ લોકોને વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ થવી જોઇએ.

 

પ્રધાનમંત્રીએ પરંપરાગત તબીબી સારવારોના નિરંતર અને સઘન વૈજ્ઞાનિક પરીક્ષણ અને માન્યતાની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે મુશ્કેલીના આ સમયમાં આયુષ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા પુરાવા આધારિત સંશોધન અને ભરોસાપાત્ર ઉકેલો પૂરા પાડવા માટે કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા.

 

પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, દેશ પરીક્ષણ, રસી અને દવાઓ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સસ્તી, સરળતાથી ઉપલબ્ધ અને વધારી શકાય તેવા ઉકેલો પૂરાં પાડવા માટે સંકલ્પબદ્ધ છે.

 

પ્રધાનમંત્રીએ આ મહામારી સામે એકધારી સતર્કતા અને ખૂબ જ ઉચ્ચ પ્રમાણમાં પૂર્વતૈયારીઓ માટે આહ્વાન કર્યું હતું.



(Release ID: 1664834) Visitor Counter : 240