પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી FAOની 75મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા 75ના ચલણી સિક્કાનું વિમોચન કરશે


પ્રધાનમંત્રી તાજેતરમાં જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી 8 પાકોની 17 પ્રજાતિઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

Posted On: 14 OCT 2020 11:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબર 2020ના રોજ ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે FAO સાથે ભારતના ચિરકાલિન સંબંધોના સન્માનમાં રૂપિયા 75ના ચલણી સિક્કાનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે તાજેતરમાં જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી 8 પાકોની વિવિધ 17 પ્રજાતિઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ કાર્યક્રમના પગલે સરકાર દ્વારા કૃષિ અને પોષણને આપવામાં આવતી સર્વાધિક પ્રાથમિકતા સ્પષ્ટ થાય છે અને દેશમાં ભૂખ, કુપોષણ તેમજ અલ્પપોષણની સમસ્યાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે. આ પ્રસંગે દેશભરમાંથી આંગણવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, જૈવિક અને બાગાયત મિશનો પણ ભાગ લેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી, નાણાં મંત્રી અને WCD મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

 

ભારત અને FAO

નિઃસહાય વર્ગો અને વિશાળ જનસમુદાયને આર્થિક અને પોષણની દ્રષ્ટિએ સશક્ત બનાવવાની FAOની સફર અજોડ છે. FAO સાથે ભારત ઐતિહાસિક જોડાણ ધરાવે છે. ભારતીય જાહેર સેવા અધિકારી ડૉ. બિનય રંજન સેને 1956-1967 દરમિયાન FAOના મહા નિદેશક તરીકે સેવા આપી હતી. 2020માં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર વિશ્વ અન્ન કાર્યક્રમની સ્થાપના આ સમયમાં જ કરવામાં આવી હતી. 2016ને કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવાની ભારતની દરખાસ્તને FAO દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

 

કુપોષણને નાબૂદ કરવું

ભારતે 100 મિલિયન લોકોને લક્ષ્યમાં રાખીને પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો છે જેનો મૂળ ઉદ્દેશ લોકોમાં કુંઠિતા, કુપોષણ, એનેમિયા અને ઓછો જન્મદર ઘટાડવાનો છે. કુપોષણ એ વૈશ્વિક સમસ્યા છે અને લગભગ એક અબજથી વધારે લોકો પોષણના અભાવથી પીડાઇ રહ્યાં છે. બાળકોમાં થતા લગભગ 45% મૃત્યુ કુપોષણ સાથે જોડાયેલા હોય છે. યોગ્ય રીતે જ, સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા 17 ટકાઉક્ષમ વિકાસના લક્ષ્યોમાંથી એક આ પણ છે.

આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાને અનુરૂપ, લોહતત્વ, ઝીંક, કેલ્શિયમ, કુલ પ્રોટીન, લાઇસિન અને ટ્રાઇપ્ટોફેન સાથે પ્રોટીનની ગુણવત્તા, એન્થોસાયનીન, પ્રોવિટામીન A અને ઓલેઇક એસિડ, અને પોષણ વિરોધી પરિબળોના ઘટાડેલા સ્તર વગેરે સાથે ભરપૂર પોષકતત્વો ધરાવતા પાકની પ્રજાતિઓના વિકાસને સરકાર દ્વારા સર્વાધિક પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના નેતૃત્ત્વમાં રાષ્ટ્રીય કૃષિ સંશોધન તંત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આવી 53 પ્રજાતિઓનો વિકાસ કરવામાં આવ્યો છે. 2014 પહેલાંના સમયમાં માત્ર એક જ જૈવિક રીતે સુધારા કરેલ પાકની પ્રજાતિ ઉપલબ્ધ હતી.

 

ભારતીય થાળી પોષક થાળીમાં રૂપાંતરિત થશે

તાજેતરમાં જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી 8 પાકોની 17 પ્રજાતિઓ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે જેમાં 3.0 ગણા સુધી પોષણ મૂલ્યો સમાવિષ્ટ હશે. CR ધન 315 નામની ચોખાની જાતમાં ઝીંક વિપુલ પ્રમાણમાં છે; HI 1633 નામની ઘઉંની જાતમાં ભરપૂર પ્રોટીન, લોહતત્વ અને ઝીંક છે; ઘઉંની HD 3298 જાતમાં વિપુલ માત્રામાં પ્રોટીન અને લોહતત્વ છે જ્યારે DBW 303 અને DDW 48 જાતમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે છે; લાઢોવાલ ગુણવત્તા પ્રોટીન મકાઇ સંકરજાત 1, 2 અને 3માં લિસાઇન અને ટ્રાઇપ્ટોફેન વિપુલ પ્રમાણમાં છે; લાલ જુવાર CFMV1 અને સંકરજાત -2માં કેલ્શિયમ, લોહતત્વ અને ઝીંકનું પ્રમાણ ભરપૂર માત્રામાં છે; જુવારની CLMV1 જાતમાં લોહતત્વ અને ઝીંક સારા પ્રમાણમાં છે; પુસા મસ્ટર્ડ 32 જાતમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછુ હોય છે; મગફળીની ગિરનાર 4 અને 5 સંકરજાતમાં ઓલેઇક એસિડ વધુ હોય છે અને યામ જાત શ્રી નીલિમા અને DA 340માં ઝીંક, લોકતત્વ અને એન્થોસાયનીન ઘટકનું પ્રમાણ વધારે હોય છે.

અન્ય ખાદ્ય ઘટકોની સાથે મળીને આ તમામ જાતો, સામાન્ય ભારતીય થાળીને પોષક થાળીમાં રૂપાંતરિત કરશે. આ પ્રજાતિઓ સ્થાનિક જાતો અને ખેડૂતોની વૈવિધ્યતાઓનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે. ઊંચા પ્રમાણમાં ઝીંક ધરાવતા ચોખા આસામમાં ગારો પર્વતીય પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલી સ્થાનિક જાતોમાંથી તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે ગુજરાતના ડાંગ જિલ્લામાંથી બિયારણ એકત્ર કરીને લાલ જુવારની જાત વિકસાવવામાં આવી છે.

પોષણ સંબંધિત સુરક્ષામાં વૃદ્ધિ કરવા અને ચોક્કસ સ્થાન આધારિત પોષણ બાગના મોડેલ તૈયાર કરવા માટે કૃષિને પોષણ સાથે જોડતી પારિવારિક કૃષિ અને પોષણ સ્માર્ટ ગામડાંઓનો પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ICAR દ્વારા પોષણ સંવેદનશીલ કૃષિ સંસાધનો અને નવાચાર (NARI) કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂરતા પ્રમાણમાં મેક્રો અને માઇક્રો ન્યૂટ્રીશન સાથે આરોગ્યપ્રદ અને વિવિધતાપૂર્ણ ભોજન સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઇ શકે તે માટે KVK દ્વારા પોષણ બાગના મોડેલનો વિકાસ કરીને તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

કુદરતી રીતે પોષક ઘટકોથી સમૃદ્ધ ભોજન દ્વારા કુપોષણની સમસ્યા નાબૂદ કરવા માટે અને ભારતને કુપોષણ મુક્ત બનાવવા માટે જૈવિક સુધારા સાથે તૈયાર કરવામાં આવેલી પાકની પ્રજાતિઓના ઉત્પાદનને વધારવામાં આવશે અને તેને મધ્યાહન ભોજન, આંગણવાડી વગેરે સરકારી કાર્યક્રમો સાથે સાંકળવામાં આવશે. આનાથી ખેડૂતોની કમાણીમાં પણ વધારો થશે અને ઉદ્યમશીલતા વિકાસ માટે નવા દ્વાર ખુલશે.

 

SD/GP/BT


(Release ID: 1664309) Visitor Counter : 380