પ્રધાનમંત્રીનું કાર્યાલય
ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
13 OCT 2020 2:33PM by PIB Ahmedabad
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન ઉધ્ધવ ઠાકરેજી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રી ચંદ્રકાંત પાટિલજી, શ્રી રાધાકૃષ્ણ પાટિલજી, શ્રી સુજય વિખે પાટિલજી, આ કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય જન પ્રતિનિધિઓ, મારા તમામ ખેડૂત સાથીદારો, ભાઈઓ અને બહેનો, છત્રપતી શિવાજી જેવા વીર અને વિરાંગનાઓ અને કર્મયોગીઓની ભૂમિ એવા મહારાષ્ટ્રને હું વંદન કરૂ છું ! ! !
હું રાધાકૃષ્ણ વિખે પાટિલજી, તેમના પરિવાર અને અહમદનગરના તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભારી છું કે તેમણે મને આ પવિત્ર અવસર સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યુ છે. અગાઉ અહીં આવવાનું નક્કી થયું હતું, આપ સૌની વચ્ચે આ પ્રસંગમાં મારે સામેલ થવું હતું, પણ કોરોનાને કારણે આજે આ કાર્યક્રમ વર્ચ્યુઅલી કરવો પડી રહ્યો છે.
સાથીઓ, ડૉ. બાળાસાહેબ વિખે પાટિલજીની આત્મકથાનું વિમોચન ભલે આજ થઈ રહ્યુ હોય પણ, પણ તેમના જીવનની કથાઓ તમને મહારાષ્ટ્રના દરેક વિસ્તારમાં મળી આવશે. મેં પણ આ બધુ નજીકથી જોયુ છે કે કેવી રીતે ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટિલજીના કદમે ચાલીને ડૉ. બાળાસાહેબ વિખે પાટિલજીએ મહારાષ્ટ્રના વિકાસ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. ગામ, ગરીબ અને ખેડૂતનું જીવન આસાન બનાવવુ, તેમનું દુઃખ, તેમની તકલીફો ઓછી કરવી તે ડૉ. બાળા સાહેબ વિખે પાટિલજીના જીવનનો મૂળબૂત મંત્ર બની રહ્યો હતો. પોતાની આત્મકથામાં પણ તેમણે લખ્યું છે કે “હું માત્ર સત્તાની ઉપાસના કરવા માટે રાજસત્તાથી અલિપ્ત રહ્યો નથી. સત્તા માત્ર સમાજના સારા કામ માટેનું રાજકારણ હોય હું સત્તામાં રહીને પણ સમાજના પ્રશ્નો હલ કરવા માટે પ્રયત્નશીલ રહેવામાં માનુ છું.” તેમણે સત્તા અને રાજકારણના માધ્યમથી હંમેશાં સમાજની ભલાઈનાં કામ કર્યાં હતાં.
તેમણે હંમેશાં આ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે રાજનીતિને સમાજમાં સાર્થક પરિવર્તનનુ માધ્યમ કેવી રીતે બનાવી શકાય, ગામ અને ગરીબોની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. બાળા સાહેબ વિખે પાટિલજીની આ વિચારધારા તેમને અન્ય લોકો કરતાં અલગ પાડતી હતી અને આ જ કારણથી તેમનું આજે દરેક પાર્ટી અને દરેક પક્ષમાં સન્માન થઈ રહ્યુ છે. ગામ અને ગરીબના વિકાસ માટે, શિક્ષણના વિકાસ માટે તેમનું યોગદાન છે. મહારાષ્ટ્રમાં સહકારી ચળવળની સફળતા માટેના તેમના પ્રયાસો હંમેશાં આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. બાળાસાહેબ વિખે પાટિલજીના જીવન ઉપરનુ આ પુસ્તક આપણા સૌના માટે પણ ખૂબ મહત્વનું છે.
સાથીઓ, ડૉ. બાળાસાહેબ વિખે પાટિલજીએ ગામ, ગરીબ અને ખેડૂતોના દુઃખ અને દર્દને નજીકથી જોયા, સાંભળ્યા, સમજ્યા અને અનુભવ્યા છે. અને આ કારણે જ તેઓ ખેડૂતોને સંગઠીત કરીને તેમને સહકારી પ્રવૃત્તિ સાથે જોડી શક્યા છે. જે વિસ્તાર ક્યારેક અભાવની વચ્ચે જીવવા માટે મજબૂર હતો તે વિસ્તારોની આજે તેમના પ્રયાસોને કારણે તસવીર બદલાઈ ગઈ છે. સહકારી પ્રવૃત્તિના મહત્વ અંગે તેમણે લખ્યું છે કે સહકારી ચળવળ જ સાચી ચળવળ છે. તે કોઈ જાતિ કે ધર્મ માટેની ચળવળ નથી, પરંતુ સમગ્ર સમાજ માટેની ચળવળ છે. તેમાં જાતિનું નહીં, પણ પ્રતિનિધિત્વનું મહત્વ છે. આનો અર્થ એ થયો કે સહકારીતા અભિયાન સાચા અર્થમાં નિષ્પક્ષ હોય છે. તેનો કોઈ જાતિ કે પંથ સાથે સંબંધ હોતો નથી. તેમાં સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોય છે. એક પ્રકારે કહીએ તો તેમના માટે સહકારી ચળવળ એ સૌના સાથ વડે, સૌના કલ્યાણ સુધીનો માર્ગ હતો, માત્ર મહારાષ્ટ્ર જ નહીં, અટલજીની સરકારમાં પણ તે મંત્રી રહી ચૂક્યા છે. તેમણે દેશના અનેક વિસ્તારોમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપ્યો છે. તેના માટે પ્રયાસો આદર્યા છે. આ સંદર્ભમાં તેમની આત્મકથા ‘દેહ વેચાવા કારણી’ ખૂબ જ પ્રાસંગિક છે, અત્યંત યોગ્ય છે. સંત તુકારામ મહારાજની આ પંક્તિઓમાં બાળાસાહેબ વિખે પાટિલજીના જીવનનો સાર આવી જાય છે.
સાથીઓ, જ્યારે દેશમાં ગ્રામ વિસ્તારોના શિક્ષણની એટલી બધી ચર્ચા થતી નહોતી ત્યારે તેમણે પ્રવરા રૂરલ એજ્યુકેશન સોસાયટીના માધ્યમથી ગામડાંના યુવાનોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે. આ સોસાયટીના માધ્યમથી ગામડાંના યુવાનો, શિક્ષા અને કૌશલ્ય વિકાસથી માંડીને ગામના લોકોમાં ચેતના જાગૃત થાય તે માટે તેમણે જે કામ કર્યું છે તેને આપણે સારી રીતે જાણીએ છીએ. આવી સ્થિતિમાં આજે પ્રવરા રૂરલ એજ્યુકેશન સોસાયટી સાથે બાળાસાહેબનું નામ જોડવું તે એટલી જ યોગ્ય બાબત છે. તે ગામમાં અને ખેતીમાં શિક્ષણના મહત્વને સમજતા હતા. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું હતું કે યોગ્ય કૌશલ્ય સિવાય સુશિક્ષિત માણસ સહજ રીતે ખેતી કરી શકતો નથી અને સાચી રીતે ખેતીને સાહસ બનાવી શકતો નથી. આનો અર્થ એ થયો કે વ્યક્તિ ગમે તેટલો ભણેલો ગણેલો ના હોય, જો તેની પાસે ખેતીનું જ્ઞાન નહીં હોય તો તે ખેતી નહીં કરી શકે. જો આમ જ વાત હોય તો આપણે ખેતીને એન્ટરપ્રાઈઝ (સાહસ) શા માટે કહેતા નથી ?
સાથીઓ, બાળાસાહેબ વિખે પાટિલના મનમાં આ સવાલ એમ જ ઉભો થયો ન હતો. જમીન ઉપર દાયકાઓ સુધી તેમણે જે અનુભવ કર્યો તે અનુભવના આધારે તેમણે આ વાત કરી હતી. બાળાસાહેબ વિખે પાટિલના આ સવાલનો જવાબ આજના ઐતિહાસિક ખેતી સુધારામાં છે. આજે ખેતીને, ખેડૂતને, અન્નદાતાની ભૂમિકામાંથી આગળ ધપાવીને તેમને ઉદ્યમી એટલે કે આંત્રપ્રિનિયોર બનાવવા તરફ લઈ જવા માટે તક ઉભી કરવામાં આવી રહી છે. ખાંડને કારણે મહારાષ્ટ્રમાં ક્રાંતિ થઈ છે. દૂધના કારણે જે ક્રાંતિ ગુજરાતમાં થઈ છે, ઘઉંના કારણે પંજાબમાં જે પરિવર્તન આવ્યું છે, સ્થાનિક અર્થતંત્ર અને સ્થાનિક એન્ટરપ્રાઈઝનું આ મોડલ દેશને આગળ ધપાવશે.
સાથીઓ, આઝાદી પછી એક એવો પણ સમય હતો કે જ્યારે દેશ પાસે પેટ ભરવા માટે પૂરતું અન્ન પણ ન હતું તે સમયે સરકારની એ અગ્રતા હતી કે કેવી રીતે પાકની ઉત્પાદકતામાં વધારો કરવામાં આવે. અને એટલા માટે જ સમગ્ર ધ્યાન આ બાબત ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખેડૂત કયા પાકનું વાવેતર કરે, કેટલું ઉત્પાદન મળે તે માટે આપણાં ખેડૂતોએ પસીનો વહાવ્યો છે. તનતોડ મહેનત કરી છે અને દેશને તેની જરૂરિયાત કરતાં પણ વધુ પાક પેદા કરવાની કામગીરી બજાવી છે. પરંતુ ઉત્પાદકતાની આ ચિંતામાં સરકારોનું, નીતિઓનું ધ્યાન ખેડૂતની નફાકારકતા તરફ ગયું જ ન હતું. ખેડૂતની આવકને લોકો ભૂલી ગયા હતા, પરંતુ પ્રથમ વખત આ વિચારધારામાં પરિવર્તન આવ્યું છે.
દેશમાં પ્રથમ વખત ખેડૂતની આવક બાબતે ચિંતા થઈ રહી છે. ખેડૂતની આવકમાં સતત વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લઘુતમ ટેકાના ભાવ લાગુ કરવાના હોય કે પછી તેને વધારવાનો નિર્ણય કરવાનો હોય, યુરિયાને નીમ કોટીંગ કરવાનું હોય કે બહેતર પાક વીમો હોય, સરકારે ખેડૂતોને નડતી નાની નાની તકલીફો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાના નાના ખર્ચાઓ માટે બીજા લોકો પાસે જવાની મજબૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ યોજના હેઠળ રૂ.1 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં સીધા તબદીલ કરવામાં આવ્યા છે. અને એટલું જ નહીં, કોલ્ચ ચેઈન્સ, મેગા ફૂડ પાર્કસ અને એગ્રો- પ્રોસેસીંગની માળખાગત સુવિધાઓ ઉપર પણ અભૂતપૂર્વ કામ થઈ રહયું છે. ગામના હાટથી માંડીને મોટી મંડીઓ સુધી જે આધુનિકીકરણ થઈ રહ્યું છે તેનો લાભ ખેડૂતોને મળવા લાગ્યો છે.
સાથીઓ,
બાળા સાહેબ વિખે પાટિલ કહેતા હતા કે શેતી નિસર્ગ આધારિત કેલી જાત હોતી. હે જ્ઞાન આજ સાંભાલૂન ઠેવલં પાહિજે. તસેચ નવ્યા આણિ જુન્યાચા મેલ તરી ઘાતલા પાહિજે. એટલે કે અગાઉના સમયમાં ખેતી- વાડી કુદરતી સ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવતી હતી. અગાઉથી આપણે આ જ્ઞાનને સુરક્ષિત રાખવાની જરૂર હતી. ખેતીમાં નવી અને જૂની પધ્ધતિઓ વચ્ચે સુમેળ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. નવા અને જૂના પ્રયાસોના સમન્વયનું એક યોગ્ય ઉદાહરણ છે- શેરડીની ખેતી. અહેમદનગર, પૂના અને તેની આસપાસના વિસ્તારોમાં આજે તે એક મહત્વની બાબત છે. હવે શેરડીમાંથી ખાંડની સાથે સાથે ઈથેનોલ કાઢવા માટે પણ ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં આશરે 100 કરતાં વધુ ઉદ્યોગો ચાલી રહયા છે અને ડઝનબંધ નવા ઉદ્યોગોને યોગ્ય મદદ પૂરી પાડવાનો સ્વીકાર થઈ ચૂક્યો છે. જેમ જેમ પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણની ક્ષમતામાં વધારો થશે તેમ તેમ તેલ માટે જે પૈસો બહાર જઈ રહ્યો છે તે પૈસા ખેડૂતોના ખિસ્સામાં આવવા માંડશે.
સાથીઓ, ડૉ. બાળા સાહેબ વિખે પાટિલ મહારાષ્ટ્રના ગામડાંઓની અન્ય એક સમસ્યાના ઉકેલ માટે એટલા જ પ્રયત્નશીલ રહ્યા હતા. આ સમસ્યા હતી પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની અછત. મહારાષ્ટ્રમાં પાણી પરિષદોના માધ્યમથી તેમણે આ દિશામાં જન આંદોલન ઉભુ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આજે આપણે સંતોષ સાથે કહી શકીએ તેમ છીએ કે વર્ષ 2014 પછી આવા પ્રયાસો ઉપર અભૂતપૂર્વ ઝોક દર્શાવવામાં આવ્યો હતો અને દેવેન્દ્રજીની સરકારની ઓળખ પણ પાણીના આ કામને કારણે ગામે ગામ- ઘર ઘર સુધી પહોંચી હતી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ મહારાષ્ટ્રમાં વર્ષોથી અટકી પડેલી 26 યોજનાઓ પૂરી કરવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આમાંથી અત્યાર સુધીમાં 9 યોજનાઓ પૂરી થઈ ચૂકી છે. આ યોજનાઓ પૂરી થવાથી આશરે 5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થઈ છે. એવી જ રીતે જુલાઈ 2018માં મહારાષ્ટ્રની નાની મોટી વધુ 90 સિંચાઈ યોજનાઓનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવતા બે- ત્રણ વર્ષમાં આ કામગીરી પૂરી કરવામાં આવશે ત્યારે આશરે 4 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા સાથે જોડી દેવામાં આવશે. રાજ્યમાં એવા 13 જિલ્લાઓ છે કે જ્યાં જમીનમાં પાણીનું સ્તર ઘણું ઓછું છે. આ જીલ્લાઓમાં અટલ ભૂ-જલ યોજના શરૂ કરવામાં આવી છે.
સાથીઓ,
માત્ર સિંચાઈ જ નહીં, ગામના દરેક પરિવારને પીવા માટેનું શુધ્ધ પાણી પહોંચાડવાનું કામ મહારાષ્ટ્રની ધરતી પર ઝડપી ગતિથી ચાલી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ વિતેલા એક વર્ષમાં મહારાષ્ટ્રમાં 19 લાખ પરિવારોને પીવા માટેના શુધ્ધ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આમાંથી 13 લાખ કરતાં વધુ ગરીબ પરિવારોને તો કોરોના મહામારી વચ્ચે પણ પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે. અમારો એ પ્રયાસ રહ્યો છે કે જે રીતે ઘરે-ઘરે શૌચાલય બનાવીને, જે રીતે બહેનો અને દિકરીઓના સન્માન માટે સુવિધા પૂરી પાડવામાં આવી છે, તેવી જ રીતે નળ દ્વારા પાણી પહોંચાડીને તેમનો સમય અને શ્રમ બંને બચાવી શકાશે. શુધ્ધ પાણી આરોગ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.
સાથીઓ, ગામડાંની આર્થિક અને સામાજીક વ્યવસ્થામાં માઈક્રો ફાયનાન્સની વિશેષ ભૂમિકા રહી છે. મુદ્રા જેવી યોજનાને કારણે ગામડાંમાં સ્વરોજગારની સંભાવનામાં વધારો થયો છે. અને એટલું જ નહીં, વિતેલા વર્ષોમાં દેશમાં સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી આશરે 7 કરોડ બહેનોને રૂ.3 લાખ કરોડ કરતાં વધુનું ધિરાણ આપવામાં આવ્યું છે. ખેડૂતો, પશુ પાલકો અને માછીમારો, આ ત્રણેયને બેંકોમાંથી સરળતાથી ધિરાણ મળી શકે તેના માટે આ તમામને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આશરે અઢી કરોડ જેટલા નાના ખેડૂત પરિવારો, જે અગાઉ કિસાન ક્રેડિટ કાર્ડથી વંચિત રહી ગયા હતા તેમના માટે અભિયાન શરૂ કરીને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
સાથીઓ, ગામમાં, ગામમાં રહેનારા લોકોમાં, ગરીબોમાં જ્યારે વિશ્વાસ જાગશે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે અને તેનાથી આત્મનિર્ભરતાનો સંકલ્પ પણ મજબૂત થવાનો છે. ગામડાંઓમાં આત્મનિર્ભરતાનો આવો જ વિશ્વાસ બાળાસાહેબ વિખે પાટિલજી જગાવવા માંગતા હતા, જીવનભર જગાવતા રહ્યા હતા. મને વિશ્વાસ છે કે જે કોઈપણ વ્યક્તિ તેમની આ આત્મકથા વાંચશે તો તેની અંદર નવી ચેતનાનો સંચાર થશે. હું વધુ એક વખત ફરીથી બાળાસાહેબ વિખે પાટિલને આદરપૂર્વક નમન કરીને આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
પરંતુ, મારી વાત પૂરી કરતાં પહેલાં હું એક વાત આગ્રહ સાથે ચોક્કસપણે કહેવા માંગુ છું અને મહારાષ્ટ્રના લોકોને તો ખાસ કહેવાનું ઈચ્છીશ કે કોરોનાનું જોખમ હજુ ઉભુ જ છે. મહારાષ્ટ્રમાં આ ચિંતા ઘણી વધારે છે અને એટલા માટે જ મહારાષ્ટ્રના તમામ નાગરિક ભાઈ- બહેનોને હાથ જોડીને વિનંતી છે કે ચહેરા પર માસ્ક, વારંવાર હાથની સફાઈ કરતાં રહેવું, બે ગજનું અંતર જાળવવું જેવા નિયમોમાં સહેજ પણ બેદરકારી દાખવવાની નથી. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં. આપણે આ લડાઈ જરૂરથી જીતુશું, જીતવાની જ છે, અને જીતીશું.
ફરી એક વખત, બાળાસાહેબના સમગ્ર પરિવારને ખૂબ આદર સાથે, કારણ કે તેમનો પરિવાર ચાર પેઢીથી સમાજ સેવામાં લાગેલો છે તે કોઈ નાની બાબત નથી. આનંદની બાબત તો એ છે કે દરેક પેઢી વધુ કામ કરી રહી છે, સારૂં કામ કરી રહી છે. નહીં તો આપણે જાણીએ છીએ કે કેટલીક પેઢીઓ એવી છે કે એક પેઢી પછી બીજી પેઢી થોડીક ઓછી તાકાત ધરાવતી નજરે પડે છે, ત્રીજી પેઢી તો એનાથી પણ કમજોર બની જાય છે અને ધીરે ધીરે ભંગાણ જોવા મળે છે. જ્યારે બાળાસાહેબના સંસ્કારો એવા રહ્યા છે કે તેમની તમામ પેઢીઓ એક પછી એક વધુ શક્તિશાળી સંસ્કારો સાથે લોકસેવામાં જોડાયેલી રહી છે. આવા પરિવારને પણ આજે પ્રણામ કરવાનો અવસર છે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર !
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1664044)
મુલાકાતી સંખ્યા : 269
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam