પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આઇઆઇટી, ગુવાહાટીમાં પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું


પ્રધાનમંત્રીએ આઇઆઇટી ગુવાહાટીને સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્થાપિત કરવા અને જોખમ ઘટાડવા અપીલ કરી

એનઇપી 2020 ભારતને મુખ્ય આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશેઃ પ્રધાનમંત્રી

Posted On: 22 SEP 2020 2:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇટી, ગુવાહાટીના પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો.

ज्ञानम् विज्ञान सहितम् यत् ज्ञात्वा मोक्ष्यसे अशुभात् કથનને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, વિજ્ઞાન સહિત તમામ પ્રકારનાં જ્ઞાનનો ઉપયોગ સમસ્યાઓનું સમાધાન કરવા માટે થાય છે.

તેમણે અત્યારે આઇઆઇટી જેવી સંસ્થાઓ વિજ્ઞાનમાં જે રીતે આગળ વધી રહી છે એના પર ગર્વ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સતત નવીનતા લાવવા માટેની આ ઊર્જાએ હજારો વર્ષોથી આપણા દેશને, આપણી સભ્યતાને જીવંત જાળવી રાખી છે.

પ્રધાનમંત્રીએ યુવા પેઢીને ભવિષ્ય માટે તૈયાર અને ફિટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુવા પેઢીની આકાંક્ષાઓ અને સ્વપ્નો ભારતના ભવિષ્યને આકાર આપશે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આઇઆઇટી ગુવાહાટીએ આ દિશામાં પ્રયાસો કરવાની શરૂઆત કરી છે.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન સંશોધનાત્મક કાર્ય જાળવી રાખીને અને આ પ્રકારના મુશ્કેલ સ્થિતિસંજોગો વચ્ચે પણ શૈક્ષણિક સત્રો હાથ ધરીને દેશને આત્મનિર્ભર બનાવવા પ્રદાન કરવા સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એકવીસમી સદીની જરૂરિયાતો પૂર્ણ કરશે તથા ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર બનાવશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, એનઇપી 2020 એકથી વધારે શાખાઓ માટે બનાવવામાં આવી છે તથા વિવિધ અભ્યાસક્રમો પસંદ કરવાની સુવિધા આપે છે તેમજ એકથી વધારે રીતે એન્ટ્રી અને એક્ઝીટની રીતો સાથે સજ્જ છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, એનઇપીએ સંશોધન માટે ફંડ સાથે સંબંધિત તમામ ફંડિંગ સંસ્થાઓ સાથે વધારે સંકલન સ્થાપિત કરવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની દરખાસ્ત પણ રજૂ કરી છે. આ ફાઉન્ડેશન વિજ્ઞાન હોય કે માનવતા સાથે સંબંધિત અન્ય કોઈ પણ શાખા હોય એને ફંડ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનઇપી વિદેશી વિશ્વવિદ્યાલયોને ભારતમાં તેમના કેમ્પસ સ્થાપિત કરવાની સુવિધા આપશે, જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરવાની તક પ્રદાન કરશે. તેમણે કહ્યું હતું કે, એનઇપી ભારતને દુનિયાના મોટા શૈક્ષણિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની એક્ટ ઇસ્ટ નીતિ માટે પૂર્વોત્તર વિસ્તાર કેન્દ્રમાં છે અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે ભારતના સંબંધોનું પ્રવેશદ્વાર છે. આ દેશો સાથે સંબંધોના કેન્દ્રમાં સંસ્કૃતિ, વાણિજ્ય, જોડાણ અને ક્ષમતા રહેશે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ અન્ય નવું માધ્યમ બનવા જઈ રહ્યું છે અને આઇઆઇટી ગુવાહાટી એનું મોટું કેન્દ્ર બની શકે છે. આ પૂર્વોત્તરને નવી ઓળખ આપશે અને અહીં નવી તકો પણ ઊભી થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે આ પૂર્વોત્તર રાજ્યોના માળખાગત વિકાસ માટે ઘણો ભાર મૂક્યો હોવાથી, ખાસ કરીને રેલવે, રાજમાર્ગો, હવાઈ માર્ગો અને જળમાર્ગો પર ભાર મૂકતા નવી તકો ઊભી થઈ છે.

પ્રધાનમંત્રીએ પદવીદાન સમારંભમાં 300 યુવાન ફેલોને પીએચડીની પદવી એનાયત કરતા ખુશી વ્યક્ત કરી હતી અને તેમને દેશના વિકાસ માટે તેમના સંશોધન કાર્યને જાળવી રાખવા વિનંતી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમનું સંશોધન કેવી રીતે આ વિસ્તારના વિકાસની સંભવિતતાઓ હાંસલ કરવા ઉપયોગી થઈ શકશે એ વિશે વિચારવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ આઇઆઇટી ગુવાહાટીને સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિ નિવારણ કેન્દ્ર)ની સ્થાપના કરવા અને જોખમ ઘટાડવા અપીલ કરી હતી, જેથી આ વિસ્તારના લોકોમાં આફતોમાં કામ કરવાની કુશળતા વિકસી શકે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1657754) Visitor Counter : 308