શ્રમ અને રોજગાર મંત્રાલય

કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન સમગ્ર ભારતમાં શ્રમિકોના કલ્યાણ અને રોજગારી સર્જન માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે: શ્રી ગંગવાર


કેન્દ્ર સરકારની એડવાઇઝરીને અનુરૂપ, લગભગ 2 કરોડ બાંધકામના શ્રમિકો માટે અંદાજે રૂ. 5000 કરોડ ભવન નિર્માણ અને અન્ય બાંધકામ કરનારા કામદારો સેસ ફંડમાંથી રીલિઝ કરવામાં આવ્યા છે; આ ક્ષેત્ર મહત્તમ સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોને રોજગારી આપશે તેવું અનુમાન છે

કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા ઉભા કરવામાં આવેલા સમર્પિત 20 કંટ્રોલ રૂમના હસ્તક્ષેપની મદદથી, લગભગ 2 લાખ શ્રમિકોનું અંદાજે રૂપિયા 300 કરોડનું અટવાયેલું વેતન રીલિઝ કરવામાં આવ્યું છે.

રૂ. 1.7 લાખ કરોડના આર્થિક પેકેજ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત બિન સંગઠિત કામદારો સહિત ગરીબ અને જરૂરિયાતમંદ એવા 80.00 કરોડ લોકોને 5 કિલો ઘઉં/ ચોખા અને 1 કિલો કઠોળ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે

મનરેગા અંતર્ગત દૈનિક વેતન રૂ. 182થી વધારીને રૂ. 202 કરવામાં આવ્યું છે

દેશમાં અંદાજે 50 લાખ શેરી વિક્રેતાઓને તેમનો વ્યવસાય ફરી શરૂ કરવા માટે એક વર્ષની મુદત માટે રૂ. 10,000 સુધીની કાર્યકારી મૂડી કોઇપણ જામીન વગર આપવાની સુવિધા પૂરી પાડવા માટે સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે

પરપ્રાંતીય શ્રમિકોના કલ્યાણના પગલાં અને રોજગારીનું સંકલન કરવા માટે તથા સરકારની વિવિધ યોજનાઓનો ઉપયોગ કરીને તેમને સુવિધાઓ પૂરી પાડવા માટે તેમનો ડેટા એકત્ર કરવાના ઉદ્દેશથી જુલાઇ મહિનામાં રાજ્યોને નોડલ અધિકારીઓ નિયુક્ત કરવા માટે એડવાઇઝરી ઇશ્યુ કરવામાં આવી છે

Posted On: 16 SEP 2020 9:39AM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ આજે જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારી દરમિયાન સમગ્ર ભારતમાં પરપ્રાંતીય શ્રમિકો સહિત શ્રમિકોના કલ્યાણ અને રોજગારી માટે કેન્દ્ર સરકાર દ્વારા સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લેવામાં આવ્યા છે.” આ અંગે વિસ્તૃત વિગતો આપતા તેમણે કહ્યું હતું કે:

શ્રમિકો સમવર્તી યાદીમાં છે અને તેથી, રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારો આ મુદ્દાઓ પર કાયદો ઘડી શકે છે. વધુમાં, પરપ્રાંતીય શ્રમ અધિનિયમ સહિત મોટાભાગના કેન્દ્રીય શ્રમ કાયદાનો રાજ્ય સરકાર દ્વારા વિશેષ રૂપે અમલ કરવામાં આવી રહ્યો છે.

 ➢ પરપ્રાંતીય શ્રમિક અધિનિયમમાં આપવામાં આવેલી જોગવાઇ અનુસાર, પરપ્રાંતીય શ્રમિકોની નોંધણી, સંબંધિત રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે અને તે ડેટા રાજ્ય સરકારો દ્વારા જાળવવાનો હોય છે. જોકે, કોવિડ-19ના કારણે ઉભા થયેલા અભૂતપૂર્વ પરિદૃશ્યમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે લૉકડાઉન દરમિયાન પોતાના વતન રાજ્યોમાં જઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોનો ડેટા એકત્ર કરવા માટે પહેલ કરી હતી. વિવિધ રાજ્ય સરકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે, અંદાજે એક કરોડ પરપ્રાંતીય શ્રમિકો કોવિડ-19 દરમિયાન તેમના વતન રાજ્યમાં પરત ફર્યા છે.

શ્રમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લૉકડાઉન દરમિયાન પરપ્રાંતીય શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે.

લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યાર પછી તાત્કાલિક, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને દિશાનિર્દેશો આપીને ભવન નિર્માણ અને અન્ય બાંધકામ શ્રમિકોના સેસ ફંડમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું. સૌથી વધુ મોટી સંખ્યામાં બાંધકામ ક્ષેત્રના શ્રમિકોએ સ્થળાંતર કર્યું હોવાનુ અનુમાન છે. આજદિન સુધીમાં, અંદાજે બે કરોડ પરપ્રાંતીય શ્રમિકોને તેમના બેંક ખાતાંમાં રૂપિયા 5000.00 કરોડની આર્થિક સહાય સીધી જ જમા કરાવવામાં આવી છે. વિવિધ રાજ્યો દ્વારા જાળવવામાં આવતા ભવન નિર્માણ અને અન્ય બાંધકામ શ્રમિકોના સેસ ફંડમાંથી આ સહાય આપવામાં આવી છે.

લૉકડાઉન દરમિયાન પરપ્રાંતીય શ્રમિકોની ફરિયાદોના નિવારણ માટે, શ્રમ અને રોજગાર મંત્રાલયે સમગ્ર દેશમાં 20 કંટ્રોલ રૂમ ઉભા કર્યાં છે. લૉકડાઉન દરમિયાન, આ કંટ્રોલ રૂમ દ્વારા કામદારોની 15000થી વધારે ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રમ અને રોજગાર મંત્રાલયના હસ્તક્ષેપના કારણે બે લાખ કરતાં વધારે શ્રમિકોની અંદાજે રૂ. 295 કરોડની બાકી વેતનની રકમ ચુકવવામાં આવી હતી.

લૉકડાઉન પછી, દેશમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકો તેમજ બિન સંગઠિત ક્ષેત્રોના શ્રમિકોને મદદરૂપ થવા માટે રૂ. 1.7 લાખ કરોડની આર્થિક પેકેજ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પેકેજ હેઠળ, 80.00 કરોડ લોકોને 5 કિલો ઘઉં/ ચોખા અને 1 કિલો કઠોળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ખાદ્યાન્ન નવેમ્બર 2020 સુધી તમામ લાભાર્થીઓને આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ મહામારીના કારણે ઉભા થયેલા આ પડકારજનક સમયમાં કોઇપણ વ્યક્તિને ભોજનના અભાવે ભૂખ્યા ના રહેવું પડે તે સુનિશ્ચિત કરવાનો છે.

મનરેગા હેઠળ દૈનિક વેતનની રકમ રૂ. 182થી વધારીને રૂ. 202 કરવામાં આવી છે.

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક્સ મજબૂત કરવા માટે, ક્ષમતા નિર્માણ, સુશાસન અને કૃષિ, મત્સ્યપાલન તેમજ ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં વહીવટી સુધારા કરવા માટે પણ વિવિધ પગલાંની જાહેરાત કરી છે.

શ્રી ગંગવારે વધુમાં માહિતી આપી હતી કે, ભારત સરકારે અંદાજે 50 લાખ શેરી વિક્રેતાઓને તેમનો વ્યવસાય ફરી શરૂ કરવા માટે કોઇપણ જામીન વગર એક વર્ષની મુદત માટે રૂ. 10,000 સુધીની કાર્યકારી મૂડી આપવાની સુવિધા ઉભી કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પણ પ્રારંભ કર્યો છે.

જે પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન રાજ્યમાં પરત આવ્યા હોય તેમને રોજગારી પૂરી પાડવા માટે 116 જિલ્લામાં મિશન મોડ પર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત, અંદાજે રૂપિયા 50,000 કરોડના ખર્ચે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના કાર્યો કરવામાં આવશે અને તેમાં આ પરપ્રાંતીય શ્રમિકોને રોજગારી માટે સમાવી લેવામાં આવશે. તેવી જ રીતે, પરપ્રાંતીય શ્રમિકોને રોજગારીની તકો પૂરી પાડવા માટે પરિવહન મંત્રાલય દ્વારા માર્ગો અને ધોરીમાર્ગોના નિર્માણ વગેરેના કાર્યો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને સમાવી લેતી બીજી સંખ્યાબંધ પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે.

આત્મનિર્ભર ભારત અંતર્ગત વીસ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ શરૂ કરવામાં આવ્યું છે જે વિશેષરૂપે પરપ્રાંતીય શ્રમિકો માટે, બિન સંગઠિત ક્ષેત્રોના કામદારો માટે રોજગારીનું સર્જન કરવા માટે, MSME ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તેમાં આ તમામ ક્ષેત્રો માટે સંખ્યાબંધ પ્રકારની અલગ અલગ પહેલ સમાવી લેવામાં આવી છે.

કામદારોને EPF ખાતાં દ્વારા ઓછામાં ઓછી આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તમામ EPF ખાતાં ધારકોને તેમના EPF ખાતાંમાં જમા થયેલી પ્રોવિડન્ટ ફંડની કુલ રકમમાંથી 75% સુધીની રકમ ઉપાડવા માટે મંજૂરી આપી છે. આજ દિન સુધીમાં, અંદાજે રૂ. 39,000/- કરોડની રકમ EPFO સભ્યો દ્વારા ઉપાડવામાં આવી છે.

જે પરપ્રાંતીય શ્રમિકો કામ માટે પોતાના ગંતવ્ય રાજ્યોમાં પરત ફરી રહ્યાં હોય તેમને સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 27 જુલાઇ 2020ના રોજ એડવાઇઝરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકા અંતર્ગત, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જેઓ રોજગારી માટે ગંતવ્ય રાજ્યમાં પરત આવી રહ્યાં હોય તેવા પરપ્રાંતીય શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ પગલાંના અમલીકરણ બાબતે સંકલન કરવા માટે નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે. વધુમાં, વતન રાજ્ય અને ગંતવ્ય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા પ્રોટોકોલ અનુસાર પરપ્રાંતીય શ્રમિકોના સ્ક્રિનિંગ અને પરીક્ષણ માટે પણ યોગ્ય સંકલનમાં રહે. રાજ્યોને એવા પણ નિર્દેશો આપવામાં આવ્યા છે કે, પરપ્રાંતીય શ્રમિકોની સરળતાથી ઓળખ થઇ શકે અને તેમનામાં કલ્યાણકારી પગલાંઓનો સરળતાથી અમલ થઇ શકે તે માટે તેઓ આવા પરપ્રાંતીય શ્રમિકોનો યોગ્ય ડેટાબેઝ તૈયાર કરે. આ ડેટાનો ઉપયોગ ભારત સરકાર દ્વારા આવા શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓમાં તેમની નોંધણી કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાશે.

 

SD/GP/BT


(Release ID: 1654928) Visitor Counter : 477