પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે શ્રી હરિવંશ નારાયણને ચૂંટાવા બદલ પ્રધાનમંત્રીએ આપેલા નિવેદનનો મૂળપાઠ

Posted On: 14 SEP 2020 7:32PM by PIB Ahmedabad

હું શ્રીમાન હરિવંશજીને બીજી વખત આ ગૃહના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ સમગ્ર ગૃહ અને તમામ દેશવાસીઓ વતી ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સામાજિક કાર્યો અને પત્રકારત્વની દુનિયામાં હરિવંશજીએ જે પ્રકારે તેમની ઇમાનદારીપૂર્ણ ઓળખ બનાવી છે તેના કારણે મારા મનમાં હંમેશા તેમના પ્રત્યે ખૂબ જ આદરભાવ રહ્યો છે. મેં અનુભવ્યું છે કે, હરિવંશજી માટે જે આદર અને આત્મીયતા મારા મનમાં છે, તેમને નજીકથી ઓળખનારા લોકોના મનમાં છે, એ જ આત્મીયતા અને આદર આજે ગૃહના દરેક સભ્યોના મનમાં પણ છે. આ ભાવ, આ આત્મીયતા હરિવંશજીએ પોતે કમાયેલી મૂડી છે. તેમની જે કાર્યશૈલી છે, જે પ્રકારે ગૃહની કાર્યવાહી તેઓ ચલાવે છે, તેને જોતા આ સ્વાભાવિક છે. ગૃહમાં નિષ્પક્ષરૂપે તમારી ભૂમિકા લોકશાહીને મજબૂત બનાવે છે.

અધ્યક્ષ મહોદય, આ વખતે આ ગૃહ પોતાના ઇતિહાસમાં સૌથી અલગ અને વિષમ પરિસ્થિતિઓમાં સંચાલિત થઇ રહ્યું છે. કોરોનાના કારણે જેવી પરિસ્થિતિઓ છે, તેમાં આ ગૃહ કામ કરે, દેશ માટે જરૂરી જવાબદારીઓ પૂરી કરે, આ આપણા સૌનું કર્તવ્ય છે. મને વિશ્વાસ છે કે, આપણે સૌ તમામ પ્રકારે સતર્કતા જાળવીને, તમામ દિશા-નિર્દેશોનું પાલન કરીને, આપણા કર્તવ્યો નિભાવીશું.

રાજ્યસભાના સભ્યો, અધ્યક્ષજી હવે ઉપાધ્યક્ષજીને ગૃહની કાર્યવારી સૂપેરે ચલાવવામાં જેટલો સહયોગ કરશે એટલો જ સમયનો સદુપયોગ થશે અને તમામ લોકો સુરક્ષિત રહેશે.

અધ્યક્ષ મહોદય, સંસદના ઉપલા ગૃહની જે જવાબદારી માટે હરિવંશજી પર આપણે સૌએ વિશ્વાસ મૂક્યો હતો, તેને હરિવંશજીએ દરેક સ્તરે પૂરો કર્યો છે. મેં ગઇ વખતે મારા સંબોધનમાં કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, જેવી રીતે હરિ સૌના હોય છે, તેવી જ રીતે ગૃહના હરિ પણ પક્ષ-વિપક્ષ સૌના રહેશે. ગૃહના આપણા હરિ, હરિવંશજી, આ પાર અને પેલે પાર, સૌના માટે સમાનરૂપે જ રહે, કોઇ ભેદભાવ નહીં, કોઇ પક્ષ-વિપક્ષ નહીં.

મેં એવું પણ કહ્યું હતું કે, ગૃહના આ મેદાનમાં ખેલાડીઓથી વધુ એમ્પાયર પરેશાન રહે છે. નિયમોમાં રમવા માટે સાંસદોને મજબૂર કરવા એ ખૂબ જ પડકારજનક કાર્ય છે. મને તો વિશ્વાસ હતો કે, તેઓ એમ્પાયરિંગ સારું કરશે પરંતુ જે લોકો હરિવંશજીથી અપરિચિત હતા તેમનું મન પણ, હરિવંશજીએ પોતાની નિર્ણાયકશક્તિ, પોતાના નિર્ણયોથી જીતી લીધું.

અધ્યક્ષ મહોદય, હરિવંશજીએ પોતાનું દાયિત્વ કેટલું સફળતાપૂર્ણ પૂરું કર્યું છે, તેના સાક્ષી બે વર્ષ છે. ગૃહમાં જે ઊંડાણથી મોટા-મોટા ખરડા પર સંપૂર્ણ ચર્ચા કરાવી, એટલી જ ઝડપથી ખરડા પસાર કરવા માટે હરિવંશજી કેટ-કેટલાય કલાકો સુધી સતત બેસી રહ્યાં, ગૃહનું કુશળતાપૂર્વક સંચાલન કરતા રહ્યાં. આ દરમિયાન દેશના ભવિષ્યને, દેશની દિશા બદલનારા અનેક ઐતિહાસિક બિલ આ ગૃહમાં પસાર થયા. ગયા વર્ષે જ આ ગૃહમાં દસ વર્ષમાં સૌથી વધુ ઉત્પાદકતાનો વિક્રમ સ્થાપિત થયો હતો. એ પણ ત્યારે, જ્યારે ગયું વર્ષ લોકસભાની ચૂંટણીઓનું વર્ષ હતું.

આ દરેક સભ્ય માટે ગર્વની વાત છે કે ગૃહમાં ઉત્પાદકતાની સાથે-સાથે સકારાત્મકતા પણ વધી છે. અહીં બધા સભ્યો ખુલ્લા મનથી તેમની વાત રજૂ કરી શક્યા. ગૃહનું કામકાજ ન અટકે, સ્થગિત ના રહે, તેવો નિરંતર પ્રયાસ જોવા મળ્યો છે. તેનાથી ગૃહની ગરિમા પણ વધી છે. સંસદના ઉપલા ગૃહ પાસેથી આવી જ અપેક્ષા બંધારણના ઘડવૈયાઓએ કરી હતી. લોકશાહીની ધરતી બિહારથી જેપી અને કર્પૂરી ઠાકુરની ધરતીથી, બાપુના ચંપારણની ધરતીથી જ્યારે કોઇ લોકશાહીના સાધક આગળ આવીને જવાબદારીઓને સંભાળે તો એવું જ થાય જે હરિવંશજીએ કરીને બતાવ્યું છે.

જ્યારે તમે હરિવંશજીના નીકટવર્તીઓ સાથે ચર્ચા કરો ત્યારે ખબર પડે કે તેઓ શા માટે આટલા જમીનથી જોડાયેલા હતા. તેમના ગામમાં લીમડાના ઝાડ નીચે શાળા ચાલતી હતી જ્યાં તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. જમીન પર બેસીને જમીન સ્તરેથી સમજવું, જમીન સાથે જોડાયેલા રહેવાનું શિક્ષણ તેમને ત્યાં જ મળ્યું હતું.

આપણે સૌ એ વાત સારી રીતે જાણીએ છીએ કે, હરિવંશજી જયપ્રકાશજીના ગામ સિતાબ દિયારાના જ છે. આ જ ગામ જયપ્રકાશજીની જન્મભૂમિ છે. બે રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહારના ત્રણ જિલ્લા આરા, બલિયા અને છપરામાં વહેંચાયેલો આ વિસ્તાર, બે નદીઓ ગંગા અને ઘાઘરા વચ્ચે આવેલ દિયારા, ટાપુ જેવું ગામ, દર વર્ષે જમીન પૂરના પાણીથી ઘેરાઇ જતું હતું, માંડ એકાદ પાક થતો હતો. ત્યારે ક્યાંય આવન-જાવન માટે સામાન્ય રીતે હોડીથી નદી પાર કરીને જ જઇ શકાતું હતું.

સંતોષ જ સુખ છે, આ વ્યવહારિક જ્ઞાન હરિવંશજીને પોતાના ગામમાં ઘરની પરિસ્થિતિમાંથી મળ્યું. તેઓ કઇ પૃષ્ઠભૂમિમાંથી નીકળ્યા છે, તેની સાથે જ જોડાયેલો એક કિસ્સો મને કોઇ કહ્યો હતો. હાઇસ્કૂલમાં આવ્યા પછી હરિવંશજીની પહેલી વખત જૂતા બનાવવાની વાત થઇ હતી. એ પહેલાં તેમની પાસે ક્યારેય જૂતા હતા નહીં અને ક્યારેય ખરીદ્યા પણ નહોતા. આવી સ્થિતિમાં ગામની એક વ્યક્તિ, જે જૂતા બનાવતી હતી, તેમને હરિવંશજીએ જૂતા બનાવવા માટે કહ્યું હતું. હરિવંશજી વારંવાર તે બની રહેલા જૂતા જોવા માટે જતા હતાં કે, કેટલા બન્યા. જેવી રીતે મોટા ધનવાન લોકો તેમનો બંગલો બનાવે ત્યારે વારંવાર જોવા માટે જાય છે; તેવી રીતે હરિવંશજી વારંવાર તેમના જૂતા કેવા બની રહ્યાં છે, ક્યાં સુધી કામ પહોંચ્યું તે જોવા માટે પહોંચી જતા હતા. જૂતા બનાવનારાને રોજ સવાલ કરતા હતા કે, ક્યાં સુધીમાં બની જશે. તમે અંદાજો લગાવી શકો છો કે, હરિવંશજી શા માટે આટલા બધા જમીન સાથે જોડાયેલા છે.

જેપીનો પ્રભાવ તેમના પર ઘણો વધારે હતો. તે સમયમાં તેમને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ પણ વધતો ગયો. તેની સાથે પણ જોડાયેલો એક કિસ્સો મારી જાણમાં આવ્યો છે. હરિવંશજીને જ્યારે પહેલી વખત સરકારી શિષ્યવૃતિ મળી તો ઘરના કેટલાક લોકો આશા રાખીને બેઠા હતા કે, દીકરો શિષ્યવૃતિના બધા પૈસા લઇને ઘરે આવશે. પરંતુ, હરિવંશજી શિષ્યવૃતિના પૈસા ઘરે ના લાવ્યા અને તેના બદલે આ પૈસામાંથી પુસ્તકો ખરીદી લીધા. તમામ પ્રકારના સંક્ષિપ્ત જીવનચરિત્રો, સાહિત્ય, આ બધુ ઘરે લઇને ગયા. હરિવંશજીના જીવનમાં તે સમયે પુસ્તકોનો જે પ્રવેશ થયો તે આજે પણ એવો જ યથાવત્ છે.

અધ્યક્ષ મહોદય, લગભગ ચાર દાયકા સુધી સામાજિક ચિંતાનું પત્રકારત્વ કર્યા પછી હરિવંશજીએ 2014માં સંસદીય જીવનમાં પ્રવેશ કર્યો હતો. ગૃહના ઉપાધ્યક્ષ તરીકે હરિવંશજીએ જે પ્રકારે મર્યાદાઓનું ધ્યાન રાખ્યું, સંસદ સભ્ય તરીકે પણ તેમનો કાર્યકાળ એટલો જ ગરિમાપૂર્ણ છે. એક સાંસદ તરીકે, તમામ વિષયો, ભલે તે આર્થિક હોય કે પછી સામાજિક સુરક્ષા સાથે જોડાયેલો હોય, હરિવંશજીએ પોતાની વાત ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી હતી.

આપણે સૌ જાણીએ છીએ કે, શાલીન પરંતુ સારગર્ભિત રૂપે વાત રજૂ કરવી એ તેમની ઓળખ છે. ગૃહના સભ્ય તરીકે તેમણે પોતાના તે જ્ઞાન, પોતાના તે અનુભવથી દેશની સેવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. હરિવંશજીએ તમામ આંતરરાષ્ટ્રીય ફલકો પર ભારતની ગરિમા, ભારતના કદને વધારવાનું કામ કર્યું છે. ભલે તે આંતર સંસદીય સંઘની તમામ બેઠકો હોય કે પછી બીજા દેશોમાં ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ભૂમિકા નિભાવવાની હોય. હરિવંશજીએ આવી દરેક જગ્યાએ ભારત અને ભારતની સંસદનું માન વધાર્યું છે.

અધ્યક્ષ મહોદય, ગૃહમાં ઉપાધ્યક્ષની ભૂમિકા ઉપરાંત હરિવંશજી રાજ્યસભાની ઘણી સમિતિઓના પણ અધ્યક્ષ રહ્યા છે. આવી તમામ સમિતિઓના અધ્યક્ષ તરીકે હરિવંશજીએ સમિતિઓના કામકાજ બહેતર રીતે કર્યા છે, તેમની ભૂમિકાને અસરકારક રીતે રેખાંકિત કરી છે.

મેં ગઇ વખતે પણ કહ્યું હતું કે, હરિવંશજી એક સમયે પત્રકાર તરીકે આપણા સાંસદ કેવા હોય, તે ઝુંબેશ ચલાવતા હતા. સાંસદ બન્યા પછી તેમણે એ વાતનો ભરપૂર પ્રયત્ન કર્યો છે કે, તમામ સાંસદ પોતાના આચાર-વ્યવહારથી વધુ કર્તવ્યનિષ્ઠ બને.

અધ્યક્ષ મહોદય, હરિવંશજી સંસદીય કામકાજ અને જવાબદારીઓ વચ્ચે પણ એક બુદ્ધિજીવી અને વિચાર તરીકે પણ એટલા જ સક્રિય રહ્યાં છે. તમે હજુ પણ દેશભરમાં જાઓ છો. ભારતના આર્થિક, સામાજિક, સામરિક અને રાજકીય પડકારો અંગે જનમાનસને જાગૃત કરો છો. તેમની અંદરનો પત્રકાર, લેખક એવોને એવો જ છે. તેમનું પુસ્તક આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન ચંદ્રશેખરજીના જીવનની બારીકાઇપૂર્વક માહિતી આપે છે, સાથે જ, હરિવંશજીની લેખન ક્ષમતા પણ રજૂ કરે છે. મારું અને આ ગૃહના તમામ સભ્યોનું સૌભાગ્ય છે કે, ઉપાધ્યક્ષ તરીકે હરિવંશજીનું માર્ગદર્શન આગળ પણ મળતું રહેશે.

માનનીય અધ્યક્ષજી, સંસદનું આ ઉપલું ગૃહ 250 સત્રોથી આગળની યાત્રા કરી ચુક્યું છે. આ યાત્રા લોકશાહી તરીકે આપણી પરિપકવતાનું પ્રમાણ છે. ફરી એકવાર હરિવંશજી આપને આ મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી બદલ ખૂબ જ શુભેચ્છાઓ. આપ સ્વસ્થ રહો અને ગૃહમાં પણ સ્વસ્થ માહોલ જાળવીને એક ઉપલા ગૃહ પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે તે પૂરી કરતા રહો. હરિવંશજીને ટક્કર આપનારા મનોજ ઝાજીને પણ મારા તરફથી ઘણી શુભેચ્છાઓ. લોકશાહીની ગરિમા માટે ચૂંટણીની આ પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણું બિહાર ભારતની લોકશાહી પરંપરાની ધરતી રહ્યું છે. વૈશાલીની એ પરંપરાને, બિહારના તે ગૌરવને, તે આદર્શને હરિવંશજી આ ગૃહના માધ્યમથી આપ પરિષ્કૃત કરશો તેવો મને વિશ્વાસ છે.

હું ગૃહના તમામ આદરણીય સભ્યોનો ચૂંટણીની આ પ્રક્રિયામાં સામેલ થવા બદલ આભાર માનું છું. ફરી એકવાર હરિવંશજીને, તમામ સભ્યોને હાર્દિક અભિનંદન.

આભાર.

 

SD/GP/BT



(Release ID: 1654280) Visitor Counter : 215