પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

Posted On: 13 SEP 2020 2:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીયા- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર –બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, થોડા વર્ષ પહેલાં બિહાર માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બિહારને પેટ્રોલિયમ અને ગેસ સંબંધિત રૂપિયા 21 હજાર કરોડની કિંમતની 10 મોટી પરિયોજનાઓ માટે વિશેષ પેકેજ આપવામાં આવ્યું હતું. આમાંથી આજે આ સાતમી પરિયોજના બિહારના લોકોને સમર્પિત કરવામાં આવી રહી છે. તેમણે બિહારમાં અગાઉ પૂરી કરવામાં આવેલી અન્ય છ પરિયોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇન પરિયોજનાના દુર્ગાપુર- બાંકા સેક્શન (અંદાજે 200 કિમી)નું ઉદ્ઘાટન કરતી વખતે ઘણી ખુશી વ્યક્ત કરી હતી. આ યોજનાનો શિલાન્યાસ તેમણે દોઢ વર્ષ પહેલાં કર્યો હતો. પડકારજનક ભૌગોલિકની સ્થિતિ વચ્ચે પણ આ પરિયોજના સમયસર પૂરી કરવા માટે એન્જિનિયરો અને શ્રમિકોએ કરેલા સખત પરિશ્રમ તેમજ રાજ્ય સરકારે આપેલા સક્રિય સહયોગની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એક સમય એવો હતો જ્યારે એક પેઢી કામની શરૂઆત કરે અને તે પૂરું થતા સુધીમાં બીજી પેઢી આવી જતી હતી. કામની આ પ્રકારની શૈલી દૂર કરીને યોજનાઓનું કામ ઝડપથી આગળ વધારવાના પ્રયાસો કરવા બદલ તેમણે બિહારના મુખ્યમંત્રીની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ નવી કામની શૈલી હજુ પણ વધુ મજબૂત બનાવવાની જરૂર છે અને તે બિહાર તેમજ પૂર્વ ભારતને વિકાસના નવા માર્ગ પર આગળ વધારી શકે છે.

પ્રધાનમંત્રીએ પ્રાચીન શાસ્ત્રોમાં ટાંકવામાં આવેલા सामर्थ्य मूलं स्वातंत्र्यम्, श्रम मूलं वैभवम्” વિધાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આનો અર્થ એવો થાય છે કે, સામર્થ્ય એ સ્વતંત્રતાનો સ્રોત છે અને શ્રમિકોની તાકાત એ કોઇપણ દેશના વિકાસનો આધાર છે. તેમણે કહ્યું કે, પૂર્વ ભારતમાં ક્યારેય શ્રમિકોની અછત ઉભી થઇ નથી અને ક્યારેય આ જગ્યાએ કુદરતી ભંડારો ખુટ્યા નથી તેમ છતાં પણ, બિહાર અને પૂર્વ ભારત વિકાસની દૃષ્ટિએ દાયકાઓથી પાછળ રહી ગયા છે અને રાજકીય, આર્થિક કારણો તેમજ અન્ય પ્રાથમિકતાઓના કારણે અનંત વિલંબનો ભોગ બન્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માર્ગ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટીને અગાઉ આ ક્ષેત્રમાં પ્રાથમિકતા આપવામાં આવી નહોતી, ગેસ આધારિત ઉદ્યોગ અને પેટ્રો કનેક્ટિવિટીની તો બિહારમાં કલ્પના પણ કરવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે, બિહાર ચારેબાજુથી અન્ય રાજ્યો સાથે જમીન સરહદોથી ઘેરાયેલું હોવાથી અહીંયા ગેસ આધારિત ઉદ્યોગોનો વિકાસ ખૂબ મોટો પડકાર હતો અને આમ પેટ્રોલિયમ તેમજ ગેસ આધારિત સંસાધનોની અછત વર્તાય છે જ્યારે દરિયાકાંઠો ધરાવતા અન્ય રાજ્યોમાં તે ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગેસ આધારિત ઉદ્યોગ અને પેટ્રો કનેક્ટિવિટીની સીધી જ અસર લોકોના જીવન પર પડે છે, તેમના જીવનધોરણ પર પડે છે અને તેનાથી રોજગારીની નવી લાખો તકોનું સર્જન થાય છે. તેમણે કહ્યું કે, આજે જ્યારે CNG અને PNG બિહાર અને પૂર્વ ભારતના સંખ્યાબંધ શહેરોમાં પહોંચ્યા છે ત્યારે, લોકો આ સુવિધાઓનો લાભ ખૂબ સરળતાથી મેળવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વ ભારતને પૂર્વીય સીબોર્ડ પર પારાદીપ સાથે અને પશ્ચિમી સીબોર્ડ પર કંડલા સાથે જોડવા માટેના ભગીરથ પ્રયાસો પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યા હતા અને સાત રાજ્યોને આ પાઇપલાઇન દ્વારા જોડી દેવામાં આવ્યા છે જે લગભગ 3000 કિમી લાંબી પાઇપલાઇન છે. આમાંથી બિહારની ભૂમિકા ઘણી અગ્રેસર છે. પારાદીપ- હલ્દીયાથી પાઇપલાઇન લંબાવીને હવે પટણા, મુઝફ્ફરપુર સુધી લંબાવવામાં આવી છે અને કંડલાથી આવી રહેલી પાઇપલાઇન છેક ગોરખપુર સુધી પહોંચી છે અને તેને પણ આની સાથે જોડી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, જ્યારે આ આખી પરિયોજના પૂરી થઇ જશે ત્યારે, તેની ગણના દુનિયામાં સૌથી મોટી પાઇપલાઇન પરિયોજનાઓમાં થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ગેસની પાઇપલાઇનોના કારણે, મોટા બોટલિંગ પ્લાન્ટ્સ હવે બિહારમાં લગાવવામાં આવ્યા છે. આમાંથી બે નવા બોટલિંગ પ્લાન્ટ આજે બાંકા અને ચંપારણ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ બંને પ્લાન્ટની ક્ષમતા દર વર્ષે 125 મિલિયનથી વધુ સિલિન્ડર ભરવાની છે. આ પ્લાન્ટ્સ ગોડ્ડા, દેવઘર, દુમકા, સાહિબગંજ, પાકુલ જિલ્લાની ગેસની જરૂરિયાતોને પૂરી કરશે અને ઉત્તરપ્રદેશ તેમજ ઝારખંડમાં પણ કેટલાક વિસ્તારોની જરૂરિયાત તેની મદદથી પૂરી કરી શકાશે. તેમણે કહ્યું હતું કે, બિહારમાં આ ગેસની પાઇપલાઇન નાંખવાથી માંડીને આ પાઇપલાઇનમાંથી મળતી ઉર્જા આધારિત નવા ઉદ્યોગો દ્વારા સંખ્યાબંધ નવી નોકરીઓનું સર્જન કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બરૌનીમાં ખાતરની ફેક્ટરી અગાઉ બંધ પડી રહી હતી પરંતુ ટૂંક સમયમાં ગેસની પાઇપલાઇનનું નિર્માણ કાર્ય પૂરું થઇ ગયા પછી તે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આજે દેશમાં આઠ કરોડ ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજનાના કારણે ગેસના જોડાણો મળી શક્યાં છે. આના કારણે કોરોનાના સમયમાં ગરીબ પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે કારણ કે તેમણે આ સ્થિતિમાં ફરજિયાતપણે ઘરે રહેવું પડે તેમ હતું અને તેઓ બહાર નીકળીને ક્યાંય લાકડા અથવા અન્ય બળતણ એકઠું કરી શકે તેમ નહોતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના આ સમયગાળા દરમિયાન, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાખો સિલિન્ડર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવ્યા છે જેનાથી લાખો ગરીબ પરિવારોને ફાયદો થયો છે. તેમણે પેટ્રોલિયમ અને ગેસ વિભાગ અને કંપનીઓએ કરેલા પ્રયાસો તેમજ ડિલિવરી પાર્ટનરોના લાખો સભ્યોએ કરેલા પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી હતી કારણ કે, તેમના પ્રયાસોના કારણે જ કોરોનાના સમયમાં ચેપ ફેલાવાનું જોખમ હોવા છતાં પણ ક્યારેય લોકોને ગેસની અછત ઉભી થઇ નહોતી. તેમણે જણાવ્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે બિહારમાં LPG કનેક્શનને સમૃદ્ધ લોકોની નિશાની તરીકે જોવામાં આવતા હતા. લોકોને ગેસના એક-એક જોડાણ માટે કેટલીય ભલામણો કરવી પડતી હતી. પરંતુ બિહારમાં ઉજ્જવલા યોજનાના કારણે હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને અંદાજે 1.25 કરોડ ગરીબ પરિવારોને બિહારમાં વિનામૂલ્યે ગેસનું જોડાણ આપવામાં આવ્યું છે. ઘરે ગેસના જોડાણના કારણે બિહારમાં કરોડો ગરીબોનું જીવન બદલાઇ ગયું છે.

પ્રધાનમંત્રીએ બિહારના યુવાનોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, બિહાર એ દેશના કૌશલ્યોનું પાવર હાઉસ છે. તેમણે કહ્યું કે, બિહારની શક્તિ અને બિહારના શ્રમિકોની છાપ દરેક રાજ્યના વિકાસમાં જોવા મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં, બિહારમાં પણ સાચી સરકાર આવી છે, સાચા નિર્ણયો લેવાયા છે અને સ્પષ્ટ નીતિઓ ઘડવામાં આવી છે, વિકાસ કાર્યો શક્ય બન્યા છે અને દરેક લોકો સુધી આ કાર્યોનો લાભ પહોંચ્યો છે. એક સમયે લોકો એવું માનતા હતા કે, શિક્ષણ જરૂરી નથી કારણ કે બિહારના યુવાનોને ખેતરોમાં જ કામ કરવાનું છે. આ વિચારધારાના કારણે, બિહારમાં મોટી શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની દિશામાં ખાસ કંઇ કામ થઇ શક્યું નહોતું. પરિણામ એ આવ્યું કે, બિહારના લોકોને નાછૂટકે અભ્યાસ માટે અથવા કામ માટે બહાર જવું પડતું હતું. ખેતરમાં કામ કરવું, ખેતીકામ કરવું એ ખૂબ જ સખત મહેનતનું કામ છે અને ગૌરવપૂર્ણ કામ છે પરંતુ યુવાનોને અન્ય કોઇ પ્રકારે તકો ના આપવી અથવા આવી કોઇ વ્યવસ્થા ના કરવી એ તો યોગ્ય વાત નહોતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે બિહારમાં શિક્ષણના મોટા કેન્દ્રો ખુલી રહ્યાં છે. હવે, સંખ્યાબંધ કૃષિ કોલેજો, મેડિકલ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં હવે IIT, IIM અને IIIT જેવી સંસ્થાઓ બિહારના યુવાનોના સપનાંને પાંખો ફેલાવીને ઊડાન ભરવામાં મદદ કરી રહી છે. બિહારમાં પોલિટેકનિક સંસ્થાઓની સંખ્યા ત્રણ ગણી કરવામાં તેમજ નવી બે મોટી યુનિવર્સિટી શરૂ કરવામાં, એક IIT અને એક IIM, એક IIIT અને એક રાષ્ટ્રીય લૉ ઇન્સ્ટિટ્યુટ શરૂ કરવામાં બિહારના મુખ્યમંત્રીના સક્રિય પ્રયાસોની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના અને બીજી આવી ઘણી યોજનાઓએ બિહારના યુવાનોને સ્વરોજગારી મેળવવા માટે જરૂરી રકમ પૂરી પાડી છે. તેમણે કહ્યું હતું કે, આજે બિહારના શહેરો અને ગામડાંઓમાં વીજળની ઉપલબ્ધતા અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રમાણમાં છે. વીજળી, પેટ્રોલિયમ અને ગેસ ક્ષેત્રોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, સુધારા કરવામાં આવી રહ્યાં છે અને તેના કારણે લોકોનું જીવન વધુ સરળ બની રહ્યું છે તેમજ ઉદ્યોગો અને અર્થ વ્યવસ્થાને વેગ મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના આ સમયમાં, પેટ્રોલિયમ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો જેમકે, રિફાઇનરી પરિયોજના, શારકામ અથવા ઉત્પાદન સંબંધિત પરિયોજનાઓ, પાઇપલાઇનો, શહેરોમાં ગેસ વિતરણની પરિયોજનાઓ અને બીજી આવી સંખ્યાબંધ પરિયોજનાનોએ વેગ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એવી 8 હજારથી વધુ પરિયોજનાઓ છે જેના પર આગામી દિવસોમાં 6 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્થળાંતરિત શ્રમિકો હવે પરત ફર્યાં છે અને રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવ્યુ છે. આવી વિરાટ વૈશ્વિક મહામારીના સમયમાં પણ દેશ અને તેમાં પણ ખાસ કરીને બિહાર ક્યારેય અટક્યા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રૂપિયા 100 લાખ કરોડના મૂલ્યની રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પરિયોજના આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરવા માટે મદદરૂપ થવા જઇ રહી છે. તેમણે દરેક લોકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ બિહાર અને પૂર્વ ભારતને વિકાસનું મહત્વનું કેન્દ્ર બનાવવા માટે ખૂબ ઝડપથી કામ કરવાનું ચાલુ રાખે.

 

SD/GP/BT



(Release ID: 1653797) Visitor Counter : 268