પ્રધાનમંત્રીનું કાર્યાલય

મધ્ય પ્રદેશમાં પ્રધાન મંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ નિર્માણ પામેલા 1.75 લાખ આવાસોનું ઉદ્દઘાટન અને ‘ગૃહ પ્રવેશમ’ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 SEP 2020 2:04PM by PIB Ahmedabad

હજુ હમણાં જેમને પાકાં ઘર મળ્યાં છે તેવા કેટલાક લાભાર્થીઓ સાથે મારે ચર્ચા થઈ, તેમને પોતાના સપનાનું ઘર મળ્યું છે. હવે મધ્ય પ્રદેશમાં પોણા બે લાખ પરિવારો એવા છે કે જે પોતાના ઘરમાં પ્રવેશ કરી રહયા છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું, શુભ કામનાઓ પાઠવુ છું. આ તમામ સાથીઓ ટેકનોલોજીના કોઈને કોઈ માધ્યમથી, સમગ્ર મધ્ય પ્રદેશમાંથી આ કાર્યક્રમ સાથે જોડાયા છે. આજે તમે દેશના એવા સવા બે કરોડ પરિવારોમાં સામેલ થઈ ગયા છો કે જેમને 6 વર્ષમાં પોતાનાં ઘર મળ્યાં છે. તે હવે ભાડાના મકાનમાં નહીં, ઝુંપડપટ્ટીઓમાં નહીં, કાચા મકાનમાં નહીં, પણ પોતાના ઘરમાં નિવાસ કરી રહ્યાં છે, પાકા ઘરમાં નિવાસ કરી રહ્યાં છે.

સાથીઓ,

આ વખતે આપ સૌની દિવાળી, આપ સૌના તહેવારોની ખુશીઓ કંઈક વિશેષ જ હશે. કોરોનાનો સમય ના હોત તો આજે તમારા જીવનમાં આવેલી આટલી મોટી ખુશીમાં સામેલ થવા માટે, તમારા ઘરનો આ સભ્ય તમારો પ્રધાન સેવક ચોકકસ તમારી વચ્ચે હોત અને તમારા આ આનંદ ઉત્સવમાં ભાગીદાર બન્યો હોત. પણ, કોરોનાની જે સ્થિતિ છે તેના કારણે મારે દૂરથી જ આ રીતે આપ સૌનાં દર્શન કરવાની તક લેવી પડી છે. પરંતુ હાલ આટલુ પૂરતુ છે !!! આજના આ સમારંભમાં મધ્ય પ્રદેશનાં ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, રાજયના લોકપ્રિય મુખ્ય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણજી, કેન્દ્રના પ્રધાન મંડળમાં મારા સહયોગી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, મધ્ય પ્રદેશ મંત્રી ગણના સભ્યો, સાસંદો અને ધારાસભ્યો, ગ્રામ પંચાયતોનો પ્રતિનિધિ સમૂહ તથા મધ્ય પ્રદેશના દૂર દૂરનાનાં ગામડાંથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા ભાઈઓ અને બહેનો!

આજે મધ્ય પ્રદેશમાં આ સામૂહિક ગૃહ પ્રવેશ સમારોહ પોણા બે લાખ ગરીબ પરિવારો માટે પોતાના જીવનની એક યાદગાર પળ બની રહેશે. દેશમાં ઘર વગરની દરેક વ્યક્તિને પોતાનું પાકુ મકાન આપવું તે એક મોટુ પગલું છે. આજનો આ કાર્યક્રમ મધ્ય પ્રદેશ સહિત દેશના તમામ ઘર વગરના સાથીઓને એક વિશ્વાસ અપાવનારી એક પળ બની રહેશે. જેમની પાસે આજે ઘર નથી તેમનું ઘર પણ એક દિવસે બનશે, તેમનું સપનું પણ પૂરૂ થશે.

સાથીઓ,

આજનો આ દિવસ કરોડો દેશવાસીઓના એ વિશ્વાસને મજબૂત કરશે કે સાચી નિયતથી બનાવવામાં આવેલી સરકારી યોજનાઓ સાકાર તો થાય છે જ તેના લાભાર્થીઓ સુધી પણ પહોંચે છે. જે સાથીઓને આજે તેમનું ઘર મળ્યું છે, જેમના સાથે મારે વાતચીત થઈ છે અને જેમને હું સ્ક્રીન ઉપર જોઈ શકુ છું તેમના અંતરનો સંદેશ અને તેમના આત્મવિશ્વાસનો પણ હુ અનુભવ કરી શકુ છું.

સાથીઓ,

કોરોનાના આ કાળમાં તમામ અવરોધો વચ્ચે દેશભરમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 18 લાખ ઘર બાંધવાનું કામ પૂરૂ કરવાં આવ્યુ છે. તેમાંથી 1 લાખ 75 હજાર ઘર માત્ર મધ્ય પ્રદેશમાં પૂરા કરવામાં આવેલાં છે. આ ગાળા દરમ્યાન જે ગતિ સાથે કામ કરવામાં આવ્યુ છે, તે પણ એક વિક્રમ સર્જનારી બાબત છે. સામાન્ય રીતે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ એક ઘર બનાવવામાં સરેરાશ સવા સો દિવસનો સમય લાગે છે. પણ, હું તમને એ જણાવી રહ્યો છું તે દેશના માટે, આપણા મિડીયાના સાથીદારો માટે પણ ખૂબ જ સકારાત્મક ખબર છે. કોરોનાના આ કાળમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘર બનાવવામાં 125 દિવસ નહીં પણ 45 થી 60 દિવસમાં જ આ ઘર તૈયાર કરવામાં આવ્યાં છે. આફતને અવસરમાં પલટવાનું આ એક ખૂબ સુંદર કામ થયુ છે. તમને પણ વિચાર થશે કે આ કામ કેવી રીતે શક્ય બન્યુ ?

સાથીઓ,

આ ઝડપમાં શહેરોમાંથી પાછા ફરેલા તમારા શ્રમિક સાથીઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેમની પાસે હુન્નર પણ હતો, ઈચ્છા શક્તિ પણ હોવાથી તે આ કામમાં જોડાઈ ગયા અને તેના કારણે જ આ પરિણામ પ્રાપ્ત થયુ છે. અમારા આ સાથીદારોએ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો પૂરો લાભ ઉઠાવીને તેમના પરિવારની સંભાળ તો રાખી જ પણ સાથે સાથે પોતાના ગરીબ ભાઈ બહેનો માટે ઘર પણ તૈયાર કરી દીધાં. મને એ બાબતનો સંતોષ છે કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અભિયાન મારફતે મધ્ય પ્રદેશ સહિત દેશનાં અનેક રાજ્યોમાં લગભગ 23 હજાર કરોડ રૂપિયાનાં કામ પૂરાં કરી દેવામાં આવ્યાં છે. આ યોજના હેઠળ ગામે ગામમાં શ્રમિકો માટે તો ઘર બન્યા જ છે, પણ ઘેર ઘેર પાણી પહોંચાડવાનું કામ હોય, આંગણવાડી અને પંચાયતોના ભવનના નિર્માણનું કામ હોય, તળાવ કે કૂવા બનાવવાનુ કામ હોય, ગ્રામ વિસ્તારની સડકોનું કામ હોય કે પછી ગામડાંના વિકાસ સાથે જોડાયેલાં અનેક કામ હોય, તમામ કામ ઝડપભેર કરવામાં આવ્યાં છે. તેનાથી બે ફાયદા થયા છે- એક તો શહેરોમાંથી ગામડાંમાં પાછા ફરેલા લાખો શ્રમિક સાથીઓને રોજગારી મળી છે અને બીજુ, ઈંટ, સિમેન્ટ, રેતી અને બાંધકામ સાથે જોડાયેલી ચીજોના વેપારનું કામકાજ કરે છે તેમને પણ ઘરાકી થઈ છે. એક રીતે કહીએ તો પ્રધાન મંત્રી રોજગાર કલ્યાણ અભિયાન આ મુશ્કેલીના સમયમાં ગામડાંની અર્થ વ્યવસ્થાનો પણ ખૂબ મોટો સહારો બનીને ઉભરી આવ્યું છે. તેનાથી પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ થઈ રહેલાં કામોને ખૂબ મોટી તાકાત મળી રહી છે.

સાથીઓ,

મને ઘણી વાર લોકો પૂછતા રહે છે કે ઘર તો દેશમાં પહેલાં પણ બનતાં હતાં, સરકારની યોજનાઓ હેઠળ પણ બનતાં હતાં, તમે તેમાં શુ ફેરફાર કર્યો ? એ બાબત સાચી છે કે ગરીબો માટે ઘર બનાવવા માટે દેશમાં દાયકાઓ પહેલાંથી યોજનાઓ ચાલતી આવે છે, પરંતુ આઝાદી પછીના પ્રથમ દાયકામાં જ સામાજીક કાર્યક્રમો હેઠળ આ કામ શરૂ કરવામાં આવ્યું હતુ, આમ છતાં, 10 થી 15 વર્ષમાં કશુંક જોડાતુ ગયું, નામ બદલાતાં ગયાં, પરંતુ કરોડો ગરીબોને ઘર આપવાનું જે ધ્યેય હતું તે કયારેય પૂરૂ થઈ શક્યુ નહીં. એનુ કારણ એ હતુ કે અગાઉ જે યોજનાઓ બનાવવામાં આવતી હતી તેમાં સરકાર છવાયેલી રહેતી હતી. સરકારની દખલ કંઈક વધારે પડતી હતી. એમાં મકાન સાથે જોડાયેલી દરેક બાબતનો નિર્ણય દિલ્હીમાં થયા કરતો હતો. જેમને આ ઘરમાં રહેવાનુ હતું તેમને તો કોઈ પૂછતુ જ ન હતુ. હવે જ્યારે શહેરોની તરાહ ઉપર આદિવાસી વિસ્તારોમાં પણ કોલોની સિસ્ટમ લાદવાની કોશિષ થઈ રહી છે,  આદિવાસી લોકોની રહેણી-કરણી શહેરના લોકોની રહેણી-કરણી કરતાં અલગ હોય છે. તેમની જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે. એના કારણે સરકાર તરફથી બનાવવામાં આવેલાં ઘરમાં તેમને પોતાપણું લાગતું નથી.

અને આટલુ જ નહીં, અગાઉ જે યોજનાઓ ચાલતી હતી તેમાં પારદર્શકતાની ઘણી ઊણપ હતી. અનેક પ્રકારની ગરબડો પણ થયા કરતી હતી. હું તેમના વિસ્તારમાં જવા માંગતો ન હતો તેથી તેમના ઘરની ગુણવત્તા પણ ખરાબ રહેતી હતી. આ કારણે વીજળી અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે ત્યાં વસતા લોકોને અલગ અલગ સરકારી કચેરીઓના આંટા મારવા પડતા હતા. આ બધાનું પરિણામ એ આવતુ હતુ કે આ યોજના હેઠળ જે ઘર બનતાં હતાં ત્યાં જવા લોકો આસાનીથી તૈયાર થતા ન હતા. અને તેમાં ગૃહ પ્રવેશ જ થઈ શકતો ન હતો.

સાથીઓ, 2014માં અમે જ્યારથી કામગીરી સંભાળી તે પછી જૂના અનુભવોનો અભ્યાસ કરવામાં આવ્યો અને તે પછી પ્રધાન મંત્રી આવાસ યોજનાને બિલકુલ નવુ સ્વરૂપ આપીને યોજના તૈયાર કરવામાં આવી તેમાં લાભાર્થીની પસંદગીથી માંડીને ગૃહ પ્રવેશ સુધીની બાબતોમાં પારદર્શક અને વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવવામાં આવી છે. અને એટલું જ નહીં સામગ્રીથી માંડીને બાંધકામ સુધીનાં કામોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન થતું હોય તેવા સાધનોના ઉપયોગને જ અગ્રતા આપવામાં આવી રહી છે. ઘરની ડિઝાઈન પણ સ્થાનિક જરૂરિયાતો અને બાંધકામ શૈલીને ધ્યાનમાં રાખીને તે મુજબ જ તૈયાર કરવામાં આવી છે અને આ ઘરનો સ્વીકાર થઈ રહ્યો છે. હવે પૂરતી પારદર્શિતાની સાથે ઘર બનાવવાના દરેક તબક્કામાં સપૂર્ણ મોનિટરીંગ સાથે લાભાર્થી જાતે પોતાનું ઘર બનાવે છે. જેમ જેમ ઘર બનતું જાય છે, તેમ તેમ ઘરનો હપ્તો પણ તેના ખાતામાં જમા થતો રહે છે. હવે જો કોઈ બેઈમાની કરવાની કોશિશ પણ કરે તો, તેને પકડી પાડવા માટે અનેક રસ્તા પણ તૈયાર કરવામાં આવ્યા છે.

સાથીઓ,

પ્રધાન મંત્રી આવાસ યોજનાની એક મોટી વિશેષતા એ છે કે તે તેનું સ્વરૂપ ઈન્દ્રધનુષી છે. જેમ ઈંદ્ર ધનુષમાં અલગ અલગ રંગ હોય છે તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હેઠળ તૈયાર થતાં ઘરનો પણ પોતાનો અનોખો રંગ છે. હવે ગરીબને માત્ર ઘર જ મળતુ નથી, ઘરની સાથે સાથે શૌચાલય પણ મળી રહ્યુ છે. ઉજ્જવલા યોજના હેઠળ ગેસનું જોડાણ પણ મળી રહ્યુ છે. સૌભાગ્ય યોજનાનું વીજળીનું જોડાણ, ઉજાલા યોજનાનો એલઈડી બલ્બ, પાણીનું જોડાણ, આ બધુ ઘરની સાથે જ મળી રહ્યુ છે. આનો અર્થ એ થયો કે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ અનેક યોજનાઓમાં લાભાર્થીઓને સીધો લાભ મળી રહ્યો છે. હું શિવરાજ સિંહની સરકારને ફરી એક વાર અભિનંદન પાઠવુ છું કે તેમણે યોજનાનું વિસ્તરણ કરીને પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે 27 યોજનાઓને જોડી છે.

સાથીઓ,

પ્રધાન મંત્રી આવાસ યોજના હોય કે પછી સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવવામાં આવેલાં શૌચાલયો હોય, તેનાથી ગરીબને સગવડ તો મળતી જ રહે છે. આ યોજનાઓ રોજગારી અને સશક્તિકરણનું પણ એક માધ્યમ બની છે. ખાસ કરીને આપણાં ગ્રામ વિસ્તારની બહેનોનું જીવન બદલવા માટે પણ આ યોજનાઓ ખૂબ જ મહત્વની પૂરવાર થઈ છે. પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ જે ઘર બનાવવામાં આવે છે તેની નોંધણી સામાન્ય રીતે મહિલાના નામ ઉપર જ કરવામાં આવે છે અથવા તો સંયુક્તપણે થઈ રહી છે. હવે ગામડાંઓમાં મોટી સંખ્યામાં રાની મિસ્ત્રી અથવા મહિલા રાજ મિસ્ત્રી માટે કામ કરવાની નવી તકો ઉભી થઈ છે. એકલા મધ્ય પ્રદેશમાં જ 50,000થી વધુ રાજ મિસ્ત્રીઓને તાલિમ આપવામાં આવી છે. એમાં 9,000 રાણી મિસ્ત્રી છે, જેના કારણે અમારી બહેનોની આવક અને આત્મવિશ્વાસ બંને બાબતોમાં વૃધ્ધિ થઈ રહી છે.

સાથીઓ,

જ્યારે જયારે ગરીબની અને ગામની આવક તેમજ આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ત્યારે આત્મનિર્ભર ભારત બનાવવાનો મારો સંકલ્પ પણ મજબૂત બને છે. આ આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે ગામમાં દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. 2019નાં પહેલાં પાંચ વર્ષમાં શૌચાલય, ગેસ, સડક, વીજળી જેવી પાયાની સુવિધાઓને ગામડાં સુધી પહોંચાડવાનુ કામ કરવામાં આવ્યુ છે. હવે આ મૂળભૂત સુવિધાઓની સાથે સાથે આધુનિક સુવિધાઓ મારફતે પણ ગામડાંને મજબૂત કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી મેં કહ્યું હતું કે આવનારા એક હજાર દિવસમાં લગભગ 6 લાખ ગામમાં ઓપ્ટીકલ ફાઈબર બિછાવવાનું કામ પૂરૂ કરવામાં આવશે. અગાઉ દેશમાં અઢી લાખ પંચાયતો સુધી ફાયબર પહોંચાડવાનું લક્ષ નક્કી કરવામાં આવ્યું હતું. હવે તેને પંચાયતોથી આગળ વધીને ગામે ગામ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

હાલના કોરોનાના કાળમાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ આ કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે. માત્ર થોડાક સપ્તાહમાં જ દેશના 116 જીલ્લામાં 5000 કી.મી.થી વધુ લંબાઈના ઓપ્ટીકલ ફાયબર બિછાવવામાં આવી ચૂક્યા છે. જેનાથી સાડા બારસો કરતાં વધુ ગ્રામ પંચાયતોમાં લગભગ 15,000 વાઈ-ફાઈ હોટસ્પોટ આપવામાં આવ્યા છે. અહિંયા મધ્ય પ્રદેશમાં પણ પસંદ કરાયેલ કેટલા જીલ્લાઓમાં 1300 કી.મી. કરતાં વધુ ઓપ્ટીકલ ફાયબર બિછાવવામાં આવ્યો છે. અને હું તમને ફરી યાદ અપાવીશ કે આ કામગીરી કોરોનાના સંકટકાળની વચ્ચે કરવામાં આવી છે, આટલા મોટા સંકટની વચ્ચે કરવામાં આવી છે. જેમ જેમ ગામે ગામ ઓપ્ટીકલ ફાયબર પહોંચશે તો તેના કારણે નેટવર્કની સમસ્યા પણ ઓછી થઈ જશે અને ગામમાં પણ અનેક જગાએ સારૂં અને ઝડપી ઈન્ટરનેટ મળવા લાગશે. વિવિધ સ્થળે વાઈ-ફાઈ હોટસ્પોટ બનશે તો તેના કારણે ગામનાં બાળકોનો અભ્યાસ અને યુવાનોને કમાણીની બહેતર તકો મળી રહેશે. આનો અર્થ એ થાય કે ગામડાંઓ હવે માત્ર આધુનિક વાઈફાઈથી જ નહીં, આધુનિક વાઈફાઈના હોટસ્પોટ સાથે જ જોડાશે અને એટલું જ નહીં, વેપાર અને કારોબારની આધુનિક ગતિવિધિઓના પણ હોટસ્પોટ બનશે.

સાથીઓ, આજે સરકારની દરેક સેવા, દરેક સુવિધા ઓનલાઈન કરવામાં આવી રહી હોવાથી તેનો લાભ ઝડપથી મળે, ભ્રષ્ટાચાર પણ ઘટે અને ગામનાં લોકોને નાના-નાના કામ માટે શહેરની તરફ જવું પડે નહીં. મને વિશ્વાસ છે કે ગામે ગામ ઓપ્ટીકલ ફાયબર પહોંચવાના કારણે આ સેવાઓ અને સુવિધાઓમાં પણ ઝડપ આવશે. હવે જ્યારે તમે તમારા નવા ઘરમાં રહેશો ત્યારે ડીજીટલ ભારત અભિયાન, તમારા જીવનને વધુ આસાન બનાવશે. ગામ અને ગરીબને સશક્ત બનાવવાનું આ અભિયાન હવે ઝડપથી હાથ ધરવામાં આવશે. એ વિશ્વાસની સાથે સાથે હું તમામ સાથીઓને પોતાના ખુદના પાકા ઘર માટે અનંત શુભકામનાઓ પાઠવું છું. પરંતુ યાદ રાખો કે, હું એ વાત વારંવાર કહેતો રહું છું તેને તમે જરૂર યાદ રાખો. મને વિશ્વાસ છે તમે યાદ રાખશો અને એટલું જ નહીં મારી વાત પણ માનશો. જ્યાં સુધી દવા નથી ત્યાં સુધી ઢીલાશ રાખવાનું પરવડશે નહીં. બે ગજનું અંતર રાખવું અને માસ્ક પહેરવું જરૂરી છે. આ મંત્રને છોડવાનો નથી. તમારૂં સ્વાસ્થ્ય ઉત્તમ રહે !  

 

આ શુભેચ્છાની સાથે સાથે હું તમને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું ! ! !

 

બધાંને ખૂબ-ખૂબ શુભકામનાઓ !

 

SD/GP/BT

 


(Release ID: 1653691) Visitor Counter : 313