પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 12 સપ્ટેમ્બરના રોજ પીએમએવાય-જી અંતર્ગત નિર્મિત 1.75 લાખ મકાનોનું લોકાર્પણ કરશે અને ‘ગૃહપ્રવેશમ’માં સહભાગી થશે

Posted On: 10 SEP 2020 5:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી 12 સપ્ટેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (પીએમએવાય-જી) અંતર્ગત બનેલા 1.75 લાખ મકાનોનું લોકાર્પણ કરશે તથા ગૃહપ્રવેશમ કાર્યક્રમમાં સહભાગી થશે. આ તમામ મકાનો હાલ ચાલુ કોવિડ-19 રોગચાળાના સમયગાળા દરમિયાન બન્યા છે/એમનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ થશે.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી તમામને મકાન આપવાનું અભિયાન શરૂ કર્યું હતું, જે માટે 20 નવેમ્બર, 2016ના રોજ પીએમએવાય-જી નામનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ થયો હતો. અત્યાર સુધી આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં 1.14 કરોડ મકાનોનું નિર્માણ થયું છે. આ યોજનાનો અત્યાર સુધી મધ્યપ્રદેશમાં 17 લાખ ગરીબ કુટુંબોને પણ લાભ મળ્યો છે. આ તમામ મકાનો ગરીબોના છે, જેમની પાસે ઘરનું ઘર નહોતું અથવા જર્જરિત મકાનોમાં રહેતા હતા.

પીએમએવાય-જી અંતર્ગત દરેક લાભાર્થીને રૂ. 1.20 લાખની 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ખર્ચનો રેશિયો 60:40 હોય છે. પીએમએવાય-જી અંતર્ગત નિર્મિત આ તમામ મકાનો માટે ફંડ જીઓટેગ કરેલા ફોટોગ્રાફ દ્વારા નિર્માણના વિવિધ તબક્કાની ખરાઈ પછી લાભાર્થીના બેંક ખાતામાં 4 હપ્તામાં સીધું જમા કરાવવામાં આવે છે. આ યોજનામાં વર્ષ 2022 સુધી 2.95 કરોડ મકાનોનાં નિર્માણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

યુનિટ સહાય ઉપરાંત લાભાર્થીઓને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા યોજના (મનરેગા) અંતર્ગત 90 કે 95 માનવદિવસ માટે અકુશળ શ્રમિક ભથ્થું આપવામાં આવે છે અને સ્વચ્છ ભારત ગ્રામીણ, મનરેગા કે અન્ય કોઈ સમર્પિત ફંડ દ્વારા શૌચાલયોના નિર્માણ માટે રૂ. 12,000ની સહાય આપવામાં આવે છે. આ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી કનેક્શન પ્રદાન કરવા, જલજીવન મિશન વગેરે અતંર્ગત પીવાનું સ્વચ્છ પાણીની સુલભતા માટે ભારત અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારની અન્ય યોજનાઓ સાથે સમન્વય કરવાની જોગવાઈ ધરાવે છે. મધ્યપ્રદેશ સરકારે એના સમૃદ્ધ પર્યાવાસ અભિયાન દ્વારા સામાજિક સુરક્ષા, પેન્શન યોજના, રેશન કાર્ડ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન જેવી અન્ય 17 યોજનાઓ વધારાના લાભ પ્રદાન આપવા માટે સમન્વય ધરાવે છે.

 

SD/GP/BT(Release ID: 1653169) Visitor Counter : 195