પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝાંસીમાં આવેલા રાણી લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કોલજ અને વહીવટી પરિસરોનું વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કર્યુ


કૃષિ સંસ્થાઓ વિદ્યાર્થીઓને નવા અવસરો પ્રદાન કરવામાં અને કૃષિને સંશોધન તથા આધુનિક તકનિકો સાથે જોડવામાં મદદ કરશેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ લોકોને આત્મનિર્ભર અભિયાનને સફળ બનવવા માટે આહવાન કર્યુ

બૂંદેલખંડ વિસ્તાર માટે રૂ.10,000 કરોડથી વધુ મૂલ્યની જળ સંબંધિત 500 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી; રૂ.3,000 કરોડની પરિયોજનાઓની કામગીરીનો પ્રારંભ અગાઉથી શરૂ થઇ ચુક્યો છે

Posted On: 29 AUG 2020 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઇ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કોલેજ અને વહીવટી ભવનનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કર્યુ હતું. તેમણે યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ દરેકને અભિનંદન પાઠવ્યાં હતાં અને આશા વ્યક્ત કરી હતી કે આ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી વિદ્યાર્થીઓ દેશના કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવવામાં પોતાનું સક્રિય યોગદાન આપશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, નવી સુવિધાઓ એટલા માટે પૂરી પાડવામાં આવી રહી છે કે, નવું ભવન વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડશે.

રાણી લક્ષ્મીબાઇના પ્રખ્યાત વાક્ય હું મારી ઝાંસી નહીં આપુંનું સ્મરણ કરતાં, પ્રધાનમંત્રીએ મેરી ઝાંસી – મેરા બુંદેલખંડનું આહવાન કર્યુ હતું અને આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે ઝાંસી અને બુંદેલખંડના લોકોને અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેરી ઝાંસી – મેરા બુંદેલખંડઆત્મનિર્ભર ભારત અભિયાનમાં કૃષિ ક્ષેત્ર દ્વારા મહત્ત્વની ભૂમિકા નિભાવવાની છે. તેમણે  જણાવ્યું હતું કે ખેડૂતોને ઉત્પાદકની સાથે-સાથે ઉદ્યોગ સાહસિક બનાવીને કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ભાવના ધ્યાનમાં રાખીને અનેક ઐતિહાસિક કૃષિ સુધારાઓ હાથ ધરવામાં આવ્યાં છે. અન્ય ઉદ્યોગોની જેમ, હવે ખેડૂતો તેમની પેદાશને દેશમાં કોઇપણ સ્થળે વેચી શકે છે, જ્યાં તેમને તેની સર્વોત્તમ કિંમતો પ્રાપ્ત થતી હોય. તેમણે જણાવ્યું હતું કે સમૂહ આધારિત અભિગમ સાથે વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા અને ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રૂ.1 લાખ કરોડની વિશેષ સમર્પિત નીધિની રચના કરવામાં આવી છે.

ખેડૂતોને આધુનિક તકનિકો સાથે જોડવા માટે હાથ ધરવામાં આવી રહેલા અવિરત પ્રયાસોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંશોધન સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓએ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે. તેમણે જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા માત્ર એક કેન્દ્રીય યુનિવર્સિટીના સ્થાને હવે દેશમાં ત્રણ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ છે. આ સિવાય વધુ ત્રણ રાષ્ટ્રીય સંસ્થાઓ એટલે કે IARI ઝારખંડ, IARI આસામ અને બિહારના મોતિહારી ખાતે સંકલિત ખેતી માટે મહાત્ત્મા ગાંધી સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને માત્ર નવા અવસરો જ પ્રદાન નહીં કરે પરંતુ સ્થાનિક ખેડૂતોને તકનિકી લાભો પૂરા પાડીને તેમની ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ સાબિત થશે.

બુંદેલખંડમાં તીડના આક્રમણ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે આ આક્રમણનો ફેલાવો નિયંત્રિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને નુકસાન ઘટાડ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અનેક શહેરોમાં સંખ્યાબંધ નિયંત્રણ કક્ષોની સ્થાપના કરવામાં આવી હતી, ખેડૂતોને અગાઉથી ચેતવણી આપવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, છંટકાવ કરવા ડ્રોન સહિત સંખ્યાબંધ આધુનિક છંટકાવ મશીનોની ખરીદી કરવામાં આવી હતી અને ખેડૂતોને પૂરા પાડવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષોમાં સરકારે સંશોધન અને ખેતી વચ્ચે સમન્વય સાધવા અને ગામડાઓમાં જમીની સ્તરે ખેડૂતોને વૈજ્ઞાનિક સલાહ પૂરી પાડવા અનેક પ્રયાસો કર્યા છે. તેમણે કૃષિ ક્ષેત્રમાં શૈક્ષણિક સંકુલોમાંથી જ્ઞાન અને તજજ્ઞતાના પ્રવાહને એકિકૃત કરવા માટે એક પારિસ્થિક તંત્ર વિકસાવવામાં યુનિવર્સિટીઓને એક-બીજા વચ્ચે સહકાર સાધવાની અપીલ કરી હતી.

શાળાના સ્તરથી કૃષિ સંબંધિત જ્ઞાન મેળવવાની અને તેના વ્યવહારું ઉપયોગ ઉપર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગામડાઓમાં માધ્યમિક શાળાના સ્તરેથી કૃષિનો વિષય રજૂ કરવા માટે પ્રયાસો થઇ રહ્યાં છે. તેના બે લાભો પ્રાપ્ત થશે – એક, તે વિદ્યાર્થીઓમાં કૃષિ સંબંધિત સમજણ વિકસાવશે અને બીજી, તે વિદ્યાર્થીઓને કૃષિ, તેની આધુનિક ખેત તકનિકો અને માર્કેટિંગ અંગેની માહિતી તેમના પરિવારના સભ્યોને પૂરી પાડવા માટે સક્ષમ બનાવશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ પ્રયાસ દેશમાં કૃષિ –સાહસિકતાને પ્રોત્સાહન આપશે.   

કોરોના વાયરસ મહામારીના સમયગાળા દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે હાથ ધરાયેલા પગલાંઓ અંગે માહિતી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કરોડો ગરીબ અને ગ્રામીણ પરિવારોને નિઃશુલ્ક અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બુંદેલખંડમાં આશરે 10 લાખ ગરીબ મહિલાઓને નિઃશુલ્ક ગેસ સિલિન્ડર આપવામાં આવ્યાં છે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત, ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી આશરે રૂ.7 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાખો કામદારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે અગાઉ વચન આપ્યું હતું તેમ દરેક ઘરને પીવાનું પાણી પૂરું પાડવા માટેની ઝૂંબેશનો ઝડપી અમલ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં રૂ.10,000 કરોડથી વધુ મૂલ્યની 500 જળ સંબંધિત પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી રૂ.3,000 કરોડના મૂલ્યની પરિયોજનાઓ ઉપર છેલ્લા બે મહિનાઓ દરમિયાન કામગીરી શરૂ કરવામાં આવી છે. તે બુંદેલખંડમાં લાખો પરિવારોને સીધો લાભ પહોંચાડશે. તેમણે જણાવ્યું હતું કે બુંદેલખંડમાં ભૂગર્ભ જળનું સ્તર વધારવા માટે અટલ ભૂગર્ભ યોજનાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઝાંસી, માહોબા, બાંદા, હમીરપુર, ચિત્રકુટ અને લલિતપુર તેમજ પશ્ચિમ ઉત્તરપ્રદેશના હજારો ગામડાઓમાં જળસપાટી વધારવા માટે રૂ.700 કરોડથી વધુની પરિયોજનાઓ ઉપર કામગીરી ચાલી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બુંદેલખંડ બેતવા, કેન અને યમુના નદીઓથી ઘેરાયેલો હોવા છતાં સમગ્ર વિસ્તારને આ નદીઓનો પૂરો લાભ પ્રાપ્ત થતો નથી. તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ બદલવા માટે સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન-બેતવા નદી જોડાણ પરિયોજના આ સમગ્ર પ્રદેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે અને સરકાર આ દિશામાં રાજ્ય સરકારો સાથે મળીને સહયોગ અને કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એક વખત બુંદેલખંડને પૂરતું પાણી મળશે ત્યારબાદ અહીનું સમગ્ર જનજીવન સંપૂર્ણપણે બદલાઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, બુંદેલખંડ ધોરીમાર્ગ, સંરક્ષણ કોરિડોર જેવા કરોડો રૂપિયાની પરિયોજનાઓ અહીં રોજગારી માટેની હજારો નવી તકોનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે, બુંદેલખંડમાં જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનું સૂત્ર ચારે દિશાઓમાં ગુંજતુ હશે. પ્રધાનમંત્રીએ ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુંદેલખંડ ભૂમિનું પૌરાણિક ગૌરવ ફરી પ્રસ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકાર કટિબદ્ધ છે.

 

SD/GP/BT


(Release ID: 1649549) Visitor Counter : 222