સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડના કુલ નોંધાયેલા કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 22%


સાજા થયેલાની સંખ્યા હવે 26 લાખ સુધી પહોંચી, સક્રિય કેસની સરખામણીએ 18 લાખ વધુ દર્દીઓ સાજા થયા

Posted On: 28 AUG 2020 12:06PM by PIB Ahmedabad

કેન્દ્રના વ્યૂહાત્મક અને ક્રમબદ્ધ ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ અભિગમના પાલન સાથે, ભારતમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જ્યારે મૃત્યુદર એકધારો ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં, કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસમાં 3/4થી વધુ કેસ સાજા થયા છે જ્યારે સક્રિય કેસની સંખ્યા હાલમાં 1/4કરતાં ઓછી છે.

વધુને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોમ આઇસોલેશનમાંથી (જો હળવા અને મધ્યમ લક્ષણો ધરાવતા કેસ હોય તો) અને હોસ્પિટલોમાંથી (ગંભીર અને તીવ્ર લક્ષણો ધરાવતા હોય તો) રજા આપવામાં આવી રહી હોવાથી, ભારતમાં કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 26 લાખની નજીક પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 60,177 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ રાષ્ટ્રીય આંકડા સાથે, કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 76.28% સુધી પહોંચી ગયો છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યા દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ 3.5 ગણી વધારે છે, સક્રિય કેસની સંખ્યા કુલ નોંધાયેલા કેસમાંથી 21.90% છે. મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી, સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. આજે સાજા થયેલા દર્દીઓની સંખ્યાનો તફાવત 18 લાખનો આંકડો પાર કરીને 18,41,925 નોંધાયો છે.

ભારતમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે વ્યાપક પણે વિકસતા વૈશ્વિક સંદર્ભમાં રહીને કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર અને વિકસતો વ્યૂહાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. સર્વેલન્સ પર વહેલી તકે ધ્યાન આપવાની અને ઘરે-ઘરે જઇને સર્વે દ્વારા સંપર્ક ટ્રેસિંગની કામગીરી સતત મજબૂત બનાવવામાં આવી રહી છે અને પોઝિટીવ કેસનું વહેલા નિદાન થઇ શકે તે માટે પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આનાથી પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસને જો હળવા અથવા મધ્યમ લક્ષણો હોય તો ઘરમાં અને તીવ્ર તેમજ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે આઇસોલેશનમાં મોકલવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

કેન્દ્ર દ્વારા ત્રણ સ્તરીય સમર્પિત કોવિડ સુવિધાઓ ગંભીર સારવારના વ્યવસ્થાપન માટે ICU બેડ, વેન્ટિલેટર્સ વગેરે સાથે સમર્પિત કોવિડ હોસ્પિટલ (DCH); ઓક્સિજન બેડ અને કૉલ પર ડૉક્ટરની સુવિધા સાથે સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો (DCHC) અને આઇસોલેશન બેડ સાથે કોવિડ સંભાળ કેન્દ્રો (CCC) દ્વારા દેશવ્યાપી પ્રતિક્રિયા અને વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું છે. આજની તારીખે, દેશમાં 1723 DCH, 3883 DCHC અને 11,689 CCC ઉપલબ્ધ છે જેમાં કુલ 15,89,105 આઇસોલેશન બેડ, 2,17,128 ઓક્સિજન સમર્થિત બેડ અને 57,380 ICU બેડની સુવિધા ઉપલબ્ધ છે. પોઝિટીવ કેસના અસરકારક વ્યવસ્થાપનના કારણે મૃત્યુદરમાં પ્રગતિપૂર્વક ઘટાડો નોંધાઇ રહ્યો છે અને આજે કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટીને 1.82% સુધી પહોંચી ગયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT



(Release ID: 1649192) Visitor Counter : 228