સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખથી વધુ થઇ


સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી

સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં 16 લાખ વધારે

Posted On: 24 AUG 2020 12:46PM by PIB Ahmedabad

સતત મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલ અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કિસ્સામાં)માંથી રજા આપવામાં આવી રહી હોવાથી ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ કરતાં વધારે થઇ ગઇ છે.

સઘન પરીક્ષણ, સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગ દ્વારા વ્યાપક પ્રમાણમાં ટ્રેકિંગ તેમજ ચેપગ્રસ્ત દર્દીઓની અસરકારક સારવારના કારણે દેશમાં 23,38,035 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ શક્યા છે. નોન-ઇન્વેઝિવ ઓક્સિજનનો ઉપયોગ, ICU અને હોસ્પિટલોમાં બહેતર કૌશલ્ય ધરાવતા ડૉક્ટરો અને સુધારેલી એમ્બ્યુલન્સ સેવા સાથે દેખરેખના પ્રોટોકોલના માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ગંભીર અને તીવ્ર અસર ધરાવતા કોવિડના દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સુધારો આવ્યો છે. જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેમના પર તબીબી દેખરેખ રાખવામાં આવે છે અને સતત ધ્યાન રાખવામાં આવે છે જેથી તેઓ પણ ઝડપથી સાજા થઇ રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં 57,469 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી ભારતમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 75% કરતા વધારે (75.27%) થઇ ગયો છે, જે છેલ્લા કેટલાક મહિનામાં દર્દીઓ વધુ સંખ્યામાં સતત સાજા થઇ રહ્યાં હોવાનું દર્શાવે છે.

ભારતમાં સક્રિય કેસો (સક્રિય તબીબી સારવાર હેઠળ રાખવામાં આવેલા 7,10,771 કેસ)ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 16 લાખ કરતાં વધારે (16,27,264) નોંધાઇ છે. વિક્રમી સંખ્યામાં દર્દીઓ સાજા થવાની સંખ્યાથી સુનિશ્ચિત થાય છે કે, દેશમાં કેસોનું વાસ્તવિક ભારણ એટલે કે સક્રિય કેસોની સંખ્યા ઘટી ગઇ છે અને અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 22.88% સક્રિય કેસ છે. ICUમાં દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપનના કારણે દેશમાં મૃત્યુદર ઘણા નીચા સ્તરે પહોંચી ગયો છે અને તેમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે મૃત્યુદર વધુ ઘટીને 1.85% સુધી પહોંચી ગયો છે.

ભારતમાં નોંધપાત્ર સંખ્યામાં દર્દીઓ સાજા થવામાં તેમજ મૃત્યુદરમાં તીવ્ર ઘટાડો થવામાં મુખ્ય ભૂમિકા દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા આરોગ્ય મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવેલી ‘કોવિડ-19 વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય ઇ-આઇસીયુ’ કવાયતે નિભાવી છે. રાષ્ટ્રીય ઇ-આઇસીયુનું આયોજન અઠવાડિયામાં બે વખત - મંગળવારે અને શુક્રવારે કરવામાં આવે છે અને રાજ્યોમાં કોવિડ હોસ્પિટલોમાં ICUમાં સેવા આપી રહેલા ડૉક્ટરોને તેમાં આવરી લેવામાં આવે છે અને કોવિડની સારવાર સંબંધિત તેમના પ્રશ્નોના જવાબ અને ઉકેલ સૂચવવામાં આવે છે. આજદિન સુધીમાં કુલ 14 આવા રાષ્ટ્રીય ઇ-આઇસીયુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 22 રાજ્યોની 117 હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 



(Release ID: 1648157) Visitor Counter : 262