પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતમાં રમકડાંના ઉત્પાદનને વેગ આપવાની રીતો અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વૈશ્વિક માપદંડો પૂરાં થઇ શકે તેવા ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનોના વિનિર્માણ માટે ટેકનોલોજીના ઉપયોગ તેમજ નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

ભારતીય સંસ્કૃતિ અને નીતિઓને અનુરૂપ રમકડાંનો ઉપયોગ તમામ આંગણવાડી કેન્દ્રોમાં અને શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણશાસ્ત્રના સાધન તરીકે થવો જોઈએ: પ્રધાનમંત્રી

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની લાગણી આગળ ધપાવવા માટે રમકડાં એક શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ રમકડાંની ટેકનોલોજી અને ડિઝાઇનમાં નવાચાર માટે હેકાથોન યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

ભારતીય સંસ્કૃતિ અને લોકકથાઓ પરથી પ્રેરિત રમતો તૈયાર કરીને ભારતે ડિજિટલ ગેમિંગ ક્ષેત્રમાં સમાયેલી વિપુલ સંભાવનાઓ બહાર લાવવી જોઈએ: પ્રધાનમંત્રી

Posted On: 22 AUG 2020 9:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં રમકડાંના વિનિર્માણને વેગ આપવા માટે અને વૈશ્વિક સ્તરે તેની વિશેષ છાપ ઉભી કરવા માટેની અલગ-અલગ રીતો પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કેટલાક રમકડાંના જથ્થાનું અને હજારો કારીગરોનું નિવાસસ્થાન છે, જેઓ સ્વદેશી રમકડાંનું ઉત્પાદન કરી રહ્યાં છે. આ રમકડાં સાંસ્કૃતિક જોડાણ ધરાવવા ઉપરાંત, બાળકોની પ્રારંભિક ઉંમરના તબક્કામાં તેમનામાં જીવન કૌશલ્યો અને માનસિક કૌશલ્યોનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થાય. તેમણે જણાવ્યું હતું કે, આવા જથ્થાને નવીનતાપૂર્ણ અને સર્જનાત્મક પદ્ધતિઓથી પ્રોત્સાહન આપવું જોઈએ.

તેમણે માહિતી આપી હતી કે, ભારતીય રમકડાંના બજારમાં વિપુલ પ્રમાણમાં ક્ષમતા સમાયેલી છે અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને આ ઉદ્યોગમાં પરિવર્તનકારી બદલાવ લાવી શકાય છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક માપદંડો પૂરાં થઇ શકે તેવા ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનોનું વિનિર્માણ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ અને નવીનતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બાળકોના માનસિક કૌશલ્યો પર રમકડાંનો પ્રભાવ અને કેવી રીતે તે સામાજિક પરિવર્તનનું માધ્યમ બની શકે છે તેમજ તેના કારણે કેવી રીતે રાષ્ટ્રની ભાવિ પેઢીને આકાર આપવામાં મદદ મળી શકે છે તે અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

બાળકોના મગજનું ઘડતર કરવામાં રમકડાંના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને નીતિઓને અનુરૂપ રમકડાંનો ઉપયોગ તમામ આંગણવાડી કેન્દ્રોમાં અને શાળાઓમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણશાસ્ત્રના સાધન તરીકે થવો જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, યુવાનોએ નવીનતાપૂર્ણ ડિઝાઈન અને એવા રમકડાં સાથે આગળ આવવું જોઈએ જે બાળકોનાં માનસ પર રાષ્ટ્રીય લક્ષ્યો અને સિદ્ધિઓ પ્રત્યે ગૌરવની લાગણી જન્માવી શકે.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની લાગણીને આગળ ધપાવવામાં રમકડાં એક શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે અને ભારપૂર્વક કહ્યું હતું કે, રમકડાંમાં ભારતની મૂલ્ય પ્રણાલી અને સાંસ્કૃતિક રીતે સ્થાપિત પર્યાવરણને અનુકૂળ અભિગમ પ્રતિબિંબિત થવો જોઈએ. તેમણે વધુમાં એવું પણ સૂચન કર્યું હતું કે, ભારતની સંસ્કૃતિ જેમાં ખાસ કરીને વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ કે જે તેના હસ્ત બનાવટના રમકડાં માટે પ્રચલિત છે તેને પ્રોત્સાહન આપવા માટે પર્યટનનો એક સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે, ભારતીય નીતિઓ અને મૂલ્યોને પ્રતિબિંબિત કરવા માટે ઑનલાઇન ગેમ્સ સહિત રમકડાંની ટેકનોલોજી અને ડિઝાઇનમાં નવાચાર લાવવાના ઉદ્દેશથી યુવાનો અને વિદ્યાર્થીઓ માટે હેકાથોનનું આયોજન કરવું જોઈએ.

ઝડપથી વિકસી રહેલા ડિજિટલ ગેમિંગના ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે આ ક્ષેત્રમાં રહેલી વિપુલ સંભાવનાઓ ઉજાગર કરવી જોઈએ અને ભારતીય સંસ્કૃતિ તેમજ લોકકથાઓ પરથી પ્રેરિત ગેમ્સ વિકસાવીને આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગેમિંગ ક્ષેત્રમાં નેતૃત્ત્વ સંભાળવું જોઈએ.

 

SD/GP/BT



(Release ID: 1647989) Visitor Counter : 264