પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉચ્ચ શિક્ષણ કોનક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 AUG 2020 1:07PM by PIB Ahmedabad

નમસ્કાર, મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન રમેશ પોખરિયાલ નિશંકજી, શ્રીમાન સંજય ધોત્રેજી, નેશનલ એજ્યુકેશન પોલિસી - રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવનારા દેશના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. કસ્તૂરી રંજનજી તથા તેમની ટીમ, આ સંમેલનમાં ભાગ લઈ રહેલા વાઈસ ચાન્સેલર્સ, અન્ય તમામ શિક્ષણવિદ્દ અને તમામ મહાનુભવોને ખૂબ-ખૂબ અભિનંદન.

નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાબતે આજનો આ સમારોહ ખૂબ જ મહત્વનો છે. આ સમારોહમાં ભારતના શિક્ષણ જગતના વિવિધ પાસાં બાબતે વિસ્તૃત જાણકારી મળશે. જેટલી વધુ જાણકારી સ્પષ્ટ થશે તેટલી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં આસાની રહેશે.

સાથીઓ,

3-4 વર્ષના વ્યાપક વિચાર-વિમર્શ પછી, લાખો સૂચનો ઉપર લાંબા મંથન પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આજે દેશભરમાં તેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. અલગ-અલગ ક્ષેત્રોના લોકોને અલગ-અલગ વિચારધારાના લોકો પોતાના વિચારો આપી રહ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરી રહ્યા છે. આ એક તંદુરસ્ત ચર્ચા છે. જેટલી વધુ ચર્ચા થશે તેટલો વધુ લાભ શિક્ષણ વ્યવસ્થાને મળવાનો છે. આનંદની બાબત એ છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આગમન પછી દેશના કોઈપણ ક્ષેત્રમાં કે દેશના કોઈપણ વર્ગમાં એવી વાત થઈ નથી કે તેમાં કોઈ પૂર્વગ્રહ છે અથવા તો તેનું વલણ કોઈ એક તરફનું છે. આ બાબત નિર્દેશ આપે છે કે, લોકો વર્ષોથી ચાલી આવી રહેલી આ શિક્ષણ નીતિમાં પરિવર્તન ઈચ્છતા હતા, જે તેમને હવે જોવા મળ્યું છે.

કેટલાક લોકોના મનમાં એ સવાલ થાય તે સ્વાભાવિક છે કે, આટલા મોટા સુધારા કાગળ ઉપર તો કરી લીધા, પરંતુ તેને જમીન પર ઉતારવાનું એટલે કે, તેના અમલીકરણ તરફ સૌની નજર મંડાયેલી છે. આ પડકાર જોઈને વ્યવસ્થાઓ ગોઠવવા માટે અને જ્યાં પણ થોડાક સુધારાની જરૂર હોય તો ત્યાં તે સુધારા આપણે બધાંએ સાથે મળીને જ કરવાના છે. આપ સૌ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સીધી રીતે જોડાયેલા છો અને એટલા માટે જ તમારી ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જ્યાં સુધી રાજકીય ઈચ્છાશક્તિને સંબંધ છે, હું તેના માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છું અને તમારી સાથે ઉભો છું.

સાથીઓ,

દરેક દેશ પોતાની શિક્ષણ વ્યવસ્થાને પોતાના રાજકીય મૂલ્યો સાથે જોડીને પોતાના રાષ્ટ્રીય ધ્યેય અનુસાર સુધારા કરતાં આગળ વધે છે. ઈરાદો એવો હોય છે કે, દેશને એવી શિક્ષણ પદ્ધતિ મળે કે જે હાલની અને આવનારી પેઢીઓને ભવિષ્ય માટે સજ્જ બનાવે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આધાર અને વિચારધારા પણ કંઈક આવી જ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો, એક નવા ભારતનો પાયો તૈયાર કરવાની છે. 21મી સદીના ભારતને, આપણાં યુવાનોને જે રીતનું શિક્ષણ આપવું જોઈએ, જે પ્રકારના કૌશલ્ય પૂરાં પાડવા જોઈએ તે બાબતો ઉપર આ શિક્ષણ નીતિ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ભારતને શક્તિશાળી બનાવવા માટે, વિકાસની નવી ઉંચાઈ પર લઇ જવા માટે, ભારતના નાગરિકોને વધુ સશકત કરવા માટે, તેમને વધુને વધુ તકને અનુકુળ બનાવવા માટે આ એજ્યુકેશન પોલિસીમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. ભારતનો વિદ્યાર્થી, પછી ભલેને તે નર્સરીનો વિદ્યાર્થી હોય કે પછી કોલેજમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય, સમય અને ઝડપથી બદલાતી જતી જરૂરિયાતો મુજબ ભણશે તો તે રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભૂમિકા બજાવી શકશે.

સાથીઓ,

વિતેલા અનેક વર્ષોમાં આપણી શિક્ષણ પધ્ધતિમાં અનેક ફેરફાર થયા છે અને તેનું પરિણામ એ આવ્યું છે કે, કુતૂહલ અને કલ્પનાશક્તિ જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપવાને બદલે ગાડરિયા પ્રવાહને પ્રોત્સાહન મળવા માંડ્યું છે. ક્યારેક ડોક્ટર બનવા માટે સ્પર્ધા હોય છે, તો ક્યારેક એન્જીનિયર બનવા માટે દોડાદોડી હોય છે, ક્યારેક વકિલ બનવાની પણ સ્પર્ધા હોય છે, પરંતુ રૂચિ, ક્ષમતા અને માંગનો તાગ મેળવ્યા વગર સ્પર્ધા કરવાની પ્રવૃત્તિમાંથી શિક્ષણને બહાર કાઢવું જરૂરી હતું. આપણાં વિદ્યાર્થીઓમાં, આપણાં યુવાનોમાં ગંભીર વિચારણા અને નવતર પ્રકારની વિચારણા કરવાની ટેવ કેવી રીતે વિકસી શકે તે જોવાનું છે. જ્યાં સુધી આપણાં શિક્ષણમાં ભાવના ના હોય, વિચારધારા ના હોય, શિક્ષણ ના હોય, શિક્ષણનો ઉદ્દેશ ના હોય તો કેમ ચાલશે.

સાથીઓ,

આજે ગુરૂવર રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ છે. તેઓ કહેતા હતા કે,

“ઉચ્ચતમ શિક્ષણ તેને કહી શકાય કે જે આપણને માત્ર જાણકારી જ નહીં, પરંતુ આપણાં જીવનના સમગ્ર અસ્તિત્વમાં સદ્દભાવ લાવે છે.”

ચોક્કસપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વ્યાપક ધ્યેય ધરાવે છે. આ શિક્ષણ નીતિ અંગે ટૂકડાઓમાં વિચારવાના બદલે સમગ્રલક્ષી અભિગમ અપનાવવાની જરૂર હતી, તેને સામે રાખવામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સફળ રહી છે.

સાથીઓ,

આજે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મૂર્તિમંત બની શકી છે ત્યારે હું તમારી સાથે કેટલીક ચર્ચા કરવા માંગુ છું. આ સવાલો આપણી સામે શરૂઆતના દિવસોમાં આવ્યા હતા. તે સમયે જે બે મોટા સવાલ ઉપસ્થિત થતા હતા તેમાં કહેવામાં આવતું હતું કે, શું આપણી શિક્ષણ વ્યવસ્થા આપણાં યુવાનોને રચનાત્મક, કુતૂહલલક્ષી અને કટિબધ્ધતાને આધારે જીવન જીવતા બનવા માટે પ્રોત્સાહિત કરી શકશે? તમે સૌ આ ક્ષેત્રમાં આટલા વર્ષોથી છો અને તેનો જવાબ સારી રીતે જાણો છો.

સાથીઓ,

આપણી સામે બીજો સવાલ એ હતો કે, આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણાં યુવાનોને શક્તિશાળી બનાવે છે. દેશમાં એક સશક્તિકરણ ધરાવતા સમાજનું નિર્માણ કરવામાં મદદ કરે છે ? આપ સૌ આ સવાલોથી પરિચિત છો અને જવાબો પણ જાણો છો. સાથીઓ, આજે મને સંતોષ છે કે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઘડતર સમયે આ સવાલોને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.

સાથીઓ,

બદલાતા જતા સમયની સાથે-સાથે એક નવી વિશ્વ વ્યવસ્થા, એક નવા રૂપરંગ ધરાવતી વ્યવસ્થામાં પરિવર્તન તેમજ એક નવી વિશ્વ વ્યવસ્થા ઉભી થઈ રહી છે. એક નવું વૈશ્વિક ધોરણ પણ નક્કી થઈ રહ્યું છે અને તેના સંદર્ભમાં ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની જરૂર છે એ પણ જાણવાનું ખૂબ જ આવશ્યક હતું. શાળાઓનો અભ્યાસક્રમ 10+2ના માળખાથી આગળ વધીને 5+3+3+4ના અભ્યાસક્રમના માળખામાં લઈ જવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે આપણાં વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિકો બનાવવાના છે અને એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે, તે વૈશ્વિક નાગરિકો તો બને જ, પણ સાથે-સાથે પોતાનાં મૂળિયાઓ સાથે પણ જોડાયેલા રહે. જડ (મૂળિયા) થી જગત સુધી, અતિતથી આધુનિકતા સુધી તમામ મુદ્દાઓનો સમાવેશ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે.

સાથીઓ,

એ બાબતે કોઈ વિવાદ નથી કે બાળકોના ઘરની ભાષા અને શાળામાં ભણતરની ભાષા એક જ હોવી જોઈએ કે જેથી બાળકોની શીખવાની ગતિ બહેતર બની રહે. આ એક ખૂબ સારૂં કારણ છે, જેના કારણે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી ધોરણ-5 સુધી બાળકોને પોતાની જ માતૃભાષામાં શિક્ષણ આપવા માટે સંમતિ સાધવામાં આવી છે. આ બાળકોનો પાયો તો મજબૂત થશે જ, પણ સાથે-સાથે તેમના ભણતરનો પાયો પણ મજબૂત બનશે.

સાથીઓ,

અત્યાર સુધી આપણી જે શિક્ષણ વ્યવસ્થા હતી, તેમાં શેની વિચારણા કરવી તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, જ્યારે આ શિક્ષણ નીતિમાં કેવી રીતે વિચારવું તે બાબત પર ઝોક રાખવામાં આવ્યો છે. આ હું એટલા માટે કહી શકું તેમ છું કે, આજે આપણે જે સ્થિતિમાં છીએ તેમાં માહિતી અને સામગ્રીની કોઈ ઊણપ નથી. એક રીતે કહીએ તો પૂર આવેલું છે. તમામ પ્રકારની જાણકારી આપણા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે. સવાલ એ છે કે કઈ જાણકારી મેળવવાની છે, શું ભણવાનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જેથી અભ્યાસ માટે ખૂબ લાંબા અભ્યાસક્રમનો આધાર રાખવો પડે નહીં. ઘણાં બધા પુસ્તકો ઉપયોગમાં લેવાતા હોય છે અને તેની અનિવાર્યતાને ઓછી કરવા માટે કોશિશ કરવામાં આવશે. હવે બાળકોના ભણતર માટે પૂછપરછ આધારિત, શોધ આધારિત અને ચર્ચા આધારિત તેમજ વિશ્લેષણ આધારિત પધ્ધતિઓ પર ભાર મૂકવામાં આવશે. આના કારણે બાળકોમાં ભણવાની વૃત્તિ વધશે અને વર્ગમાં તેમની સામેલગીરીમાં પણ વધારો થશે.

સાથીઓ,

દરેક વિદ્યાર્થીને એ અવસર મળવો જોઈએ કે, તે પોતાની ભાવના મુજબ આગળ વધી શકે. તે પોતાની સુવિધા અને જરૂરિયાતને આધારે કોઈ ડીગ્રી અથવા તો અભ્યાસક્રમને અપનાવી શકે અને જો તેની ઈચ્છા થાય તો તેને છોડી પણ શકે. ઘણી વખત એવું પણ બને છે કે, કોઈ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી વિદ્યાર્થી જ્યારે નોકરી માટે જાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે, જે કંઈ ભણ્યો છે તે નોકરીની જરૂરિયાત પૂરી કરી શકતો નથી. ઘણાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ કારણોથી વચ્ચે-વચ્ચે અભ્યાસક્રમ છોડીને નોકરી કરવી પડતી હોય છે. આવા તમામ વિદ્યાર્થીઓની જરૂરિયાતનો ખ્યાલ રાખીને મલ્ટીપલ એન્ટ્રી- એક્ઝીટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી ફરીથી પોતાના અભ્યાસક્રમમાં જોડાઈને નોકરીની જરૂરિયાતને આધારે વધુ અસરકારક પધ્ધતિથી અભ્યાસ કરી શકે છે. ભણી શકે છે. તે આ બાબતનું વધુ એક પાસુ છે.

જ્યારે વિદ્યાર્થીને એવી પણ સ્વતંત્રતા હશે ,કે તે કોઈ અભ્યાસક્રમની વચ્ચે અભ્યાસ છોડીને બીજા અભ્યાસક્રમમાં પ્રવેશ કરવા માંગે તો તેમાં પ્રવેશ મેળવી શકશે. આના માટે તેણે પ્રથમ અભ્યાસક્રમમાંથી નિશ્ચિત સમય માટે વિરામ લેવો પડશે અને બીજા અભ્યાસક્રમ સાથે જોડાઈ શકશે. ઉચ્ચ શિક્ષણને પ્રવાહમાંથી મુક્ત કરવા અને મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટ, ક્રેડિટ બેંકની પાછળ આ જ વિચાર કામ કરે છે. આપણે એવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ કે, જ્યાં કોઈ વ્યક્તિ જીવનભર કોઈ એક જ વ્યવસાયમાં ટકેલો રહેશે નહીં. પરિવર્તન નિશ્ચિત છે તેવું માનતા રહીએ, તેના માટે તેને પોતાને નિરંતર રિ-સ્કીલ અને અપ-સ્કીલ કરીને આગળ વધવાનું રહેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર આ બાબતે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

સાથીઓ,

કોઈપણ દેશના વિકાસમાં સમાજના દરેક વર્ગની ગરિમાની એક મોટી ભૂમિકા રહેતી હોય છે. તેનું ગૌરવ, સમાજનો કોઈપણ વ્યક્તિ કોઈપણ કામ કરતો હોય તો તે નીચા પ્રકારનો બનતો નથી. આપણે એ રીતે વિચારવું જોઈએ કે, ભારત જેવા સાંસ્કૃતિક બાબતોમાં સમૃધ્ધ રહેલા દેશમાં આ બદી કેવી રીતે આવી. ઉંચ નીચનો ભેદભાવ, મહેનત કરનારા લોકો પ્રત્યે હીન ભાવ દર્શાવાય તે પ્રકારની વિકૃતિ આપણી અંદર કેવી રીતે ઘર કરી ગઈ છે. આવો વિપરીત ભાવ કેવી રીતે આવ્યો હશે, આવુ થવાનું એક મોટું કારણ એ છે કે, આપણુ શિક્ષણ સમાજના દરેક વર્ગથી છૂટુ પડી ગયું છે. જ્યારે ગામડાંમાં જશો ત્યારે તમે ખેડૂતોને, શ્રમિકો અને મજૂરોને કામ કરતાં જોશો ત્યારે તેમની બાબતે જાણકારી મેળવી શકશો, તેમને સમજી શકશો. તે સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલું મોટું યોગદાન આપી રહ્યા છે, તે પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરી રહ્યા છે, તેમના શ્રમનું સન્માન કરવાનું આપણી પેઢીએ શિખવું પડશે. આટલા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી શિક્ષણ અને શ્રમના ગૌરવ ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

સાથીઓ,

21મી સદીના ભારત માટે સમગ્ર દુનિયાની ઘણી બધી અપેક્ષાઓ છે. ભારતમાં એવી સમર્થતા છે કે, તે પ્રતિભા અને ટેકનોલોજીના ઉપાયો સમગ્ર વિશ્વને પૂરાં પાડી શકે તેમ છે. આપણી આ જવાબદારી તરફ પણ આપણી શિક્ષણ નીતિ ધ્યાન આપશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે કોઈ ઉપાયો સૂચવવામાં આવ્યા છે તેમાં ફીચરીસ્ટ ટેકનોલોજી તરફ એક માઈન્ડસેટ વિકસીત કરવાની ભાવના પણ છે. હવે ટેકનોલોજીને આપણે ખૂબ ઝડપથી, ખૂબ સારી રીતે, ખૂબ ઓછા ખર્ચમાં, છેક છેવાડે ઉભેલા વિદ્યાર્થી સુધી પહોંચવાનું માધ્યમ બનાવવાનું છે. આપણે તેનો વધુને વધુ ઉપયોગ કરવાનો છે.

આ શિક્ષણ નીતિના માધ્યમથી ટેકનોલોજી આધારિત બહેતર સામગ્રી અને અભ્યાસક્રમો વિકસાવવામાં ખૂબ જ મદદ મળશે. પાયાના કોમ્પ્યુટીંગ પર ઝોક રાખવાનો હોય, કોડીંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય કે પછી સંશોધન તરફ વધારે ઝૂકાવ દર્શાવવાનો હોય. માત્ર શિક્ષણ પધ્ધતિ જ નહીં, પણ સમાજનો અભિગમ પણ બદલવાનો રહેશે. વર્ચ્યુઅલ લેબ જેવા અભિગમ એવા લાખો સાથીદારોના બહેતર શિક્ષણના સપનાં લઈને આવવાના છે. જે લોકો પહેલાં એવા અભ્યાસક્રમ ભણી શકતા ન હતા, જેમાં પ્રયોગશાળાના પ્રયોગની જરૂર પડતી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણાં દેશમાં સંશોધન અને શિક્ષણની ઊણપ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે.

સાથીઓ,

જ્યારે શિક્ષણ સંસ્થાઓ અને માળખાગત સુધારાઓ પ્રતિબિંબીત થશે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધુ પ્રભાવશાળી અને ઝડપી ગતિથી અમલમાં મૂકી શકાશે. આજે સમયની એવી માંગ છે કે, ઈનોવેશન અને અભ્યાસ અપનાવવાના જે મૂલ્યો આપણે સમાજમાં ઉભા કરવાના છે તે ખુદ આપણાં દેશની શિક્ષણ સંસ્થાઓ મારફતે શરૂ થવા જોઈએ અને તેનું નેતૃત્વ આપ સૌની પાસે છે. જ્યારે આપણે શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ એવી શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવી જોઈએ કે, જેનું નેતૃત્વ આપ સૌની પાસે હોય. જ્યારે આપણે શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની એમ્પાવર્ડ સોસાયટીનું નિર્માણ કરવા માટે ઉભા થયા છીએ ત્યારે તેના માટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું પણ સશક્તિકરણ કરવાનું જરૂરી બની રહેશે. અને હું જાણું છું તે રીતે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓનું સશક્તિકણ કરવાની વાત આવે છે ત્યારે તેની સાથે એક શબ્દ ચર્ચાય છે અને તે છે- સ્વાયત્તતા. આપ સૌ પણ જાણો છો કે, સ્વાયત્તતા અંગે આપણે ત્યાં બે અલગ-અલગ મત પ્રવર્તે છે. એક મત એવું કહે છે કે, બધી બાબતો સરકારી નિયંત્રણ હેઠળ હોય, કડકાઈ સાથે કામ થવું જોઈએ, તો બીજો મત એવું જણાવે છે તમામ સંસ્થાઓને આપ મેળે સ્વાયત્તતા મળવી જોઈએ. સ્વાયત્તતાને અધિકારના જેવું જ સ્વરૂપ મળવું જોઈએ. સારી ગુણવત્તા ધરાવતા શિક્ષણનો માર્ગ આ બંને અભિપ્રાયોની વચ્ચેથી આવે છે. જે સંસ્થા ગુણવત્તા ધરાવતા શિક્ષણ માટે વધુ કામ કરે તેને વધુ સ્વતંત્રતા માટે રિવોર્ડ મળવો જોઈએ. તેના કારણે ગુણવત્તાને પ્રોત્સાહન મળશે અને સૌને વિકસવા માટે પ્રોત્સાહન પણ મળી રહેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી તે પહેલાં નજીકના વર્ષોમાં તમે પણ જોયું હશે કે, અમારી સરકારે અનેક શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તતા બક્ષવાની પહેલ કરી છે. મને આશા છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેમ-જેમ આગળ વધતી જશે તેમ-તેમ શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતાની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનશે.

સાથીઓ,

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક ડો. એ.પી જે અબ્દુલ કલામ કહેતા હતા કે, શિક્ષણનો ઉદ્દેશ કૌશલ્ય અને નિપુણતા સાથે સારા માનવી બનાવવાનો છે. ભણેલા માણસો શિક્ષકો દ્વારા તૈયાર થઈ શકશે. સાચે જ, શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન, દેશમાં સારા વિદ્યાર્થીઓ, સારા પ્રોફેશનલ્સ અને ઉત્તમ નાગરિકો પૂરાં પાડવાનું મોટું માધ્યમ આપ સૌ શિક્ષકો અને પ્રોફેસરો છો. શિક્ષણ જગત સાથે જોડાયેલા આપ સૌ એમાં કામ કરો છો અને કરી શકો છો એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોના ગૌરવ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એક પ્રયાસ એવો પણ કરવામાં આવ્યો છે કે, ભારતમાં જે પ્રતિભાઓ છે તે ભારતમાં જ રહીને ભણનારી પેઢીઓનો વિકાસ કરે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોની તાલીમ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. તે પોતાનું કૌશલ્ય સતત અપડેટ કરતા રહે એ બાબતે ભાર મૂકાયો છે. તમે માનશો, જ્યારે શિક્ષક ભણે છે ત્યારે રાષ્ટ્ર આગેવાની લે છે.

સાથીઓ,

રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે સૌએ સાથે મળીને સંકલ્પબધ્ધ બનીને કામ કરવાનું છે. અહિંયા યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાઓનું શિક્ષણ, બોર્ડઝ વગેરે અલગ-અલગ રાજ્યો, અલગ-અલગ સહયોગીઓ સાથે સંવાદ અને સમન્વયનો નવો દોર શરૂ કરવાનો છે. આપ સૌ સાથીઓ, હાયર એજ્યુકેશન તમામ ઉચ્ચ સંસ્થાઓની ટોચ ઉપર હોય છે તેથી તમારી જવાબદારી ઘણી વધી જાય છે. મારો એ આગ્રહ છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર સતત વેબીનાર કરતા રહો. ચર્ચાઓ કરતા રહો. નીતિ માટે રણનીતિ ઘડતા રહો અને રણનીતિને લાગુ કરવા માટે રોડમેપ બનાવતા રહો. રોડ મેપની સાથે ટાઈમ લાઈનને જોડી દો. તેનું અમલીકરણ કરવા માટે સાધનો, માનવ સંસાધનો, આ બધાને જોડીને યોજના બનાવો અને આ બધુ તમારે નવી નીતિના સંદર્ભમાં કરવાનું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ માત્ર કોઈ સર્ક્યુલર નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સર્કયુલર બહાર પાડીને કે નોટિફાય કરીને અમલમાં નહીં આવે. તેના માટે મનને મક્કમ કરવું પડશે. તમારે સૌએ દ્રઢ ઈચ્છાશક્તિ બતાવવાની રહેશે. ભારતમાં વર્તમાન અને ભવિષ્યનું ઘડતર કરવા માટે તમારે આ કાર્ય એક મહા યજ્ઞની જેમ કરવાનું છે. તેમાં તમારૂં યોગદાન ખૂબ જ મહત્વનું છે. આ કોન્કલેવને જોઈ રહેલા, સાંભળી રહેલા, પ્રત્યેક વ્યક્તિનું યોગદાન આવશ્યક બની રહેશે. અને મને વિશ્વાસ છે કે, આ કોન્કલેવમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે બહેતર સૂચનો, બહેતર સમાધાન મળી આવશે અને ખાસ કરીને આજે મને અવસર મળ્યો છે તો હું સાર્વજનિક રીતે ડૉ. કસ્તૂરી રંગનજી અને તેમની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું. વધુ એક વખત આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ, ખૂબ-ખૂબ આભાર !!!

 

SD/BT



(Release ID: 1644101) Visitor Counter : 602