સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક 4.2 લાખથી વધુ કોવિડના પરીક્ષણો થયા


આજદિન સુધીમાં દેશમાં કુલ 1.6 કરોડ પરીક્ષણો થયા

દર્દીઓનો મૃત્યુદર તીવ્ર ઘટાડા સાથે 2.35% નોંધાયો

Posted On: 25 JUL 2020 2:25PM by PIB Ahmedabad

દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,485 સુધી પહોંચી ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,58,49,068 સેમ્પલના કોવિડ માટેના પરીક્ષણ કરવામાં આવ્યા છે. પરીક્ષણની સંખ્યામાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ નોંધાઇ રહ્યો છે.

આ સિદ્ધિમાં યોગદાન આપનારું પ્રબળ પાસું દેશમાં પરીક્ષણ માટે લેબોરેટરીઓની સુવિધામાં એકધારી થઇ રહેલી વૃદ્ધિ છે. જાન્યુઆરી 2020માં કોવિડના પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી હતી તેની સરખામણીએ હાલમાં 1301 લેબોરેટરીઓ કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે, જેમાં 902 લેબોરેટરીઓ સરકારી ક્ષેત્રની જ્યારે 399 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે. ICMR દ્વારા પરીક્ષણ માટે સુધારવામાં આવેલી સુવિધાજનક માર્ગદર્શિકા અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સર્વાંગી પ્રયાસોના પરિણામે પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં પરીક્ષણની કામગીરી કરવામાં મદદ મળી શકી છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સલાહ આપી છે કે, સઘન પરીક્ષણ કામગીરી સાથે “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ”ની વ્યૂહનીતિને તેઓ ચુસ્ત રીતે વળગેલા રહે, જેનાથી શરૂઆતમાં દૈનિક પોઝિટીવ કેસની સંખ્યામાં વૃદ્ધિ નોંધાય તેવી સંભાવના છે, પરંતુ તબક્કાવાર તેમાં ઘટાડો થવા લાગશે. NCT અને દિલ્હીમાં કેન્દ્ર સરકારના લક્ષિત પ્રયાસોમાં પણ આ બાબત જોવા મળી હતી.

દેખરેખ અભિગમ માટેના સર્વગ્રાહી ધોરણો આધારિત અસરકારક અને પ્રમાણિત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે, દેશમાં કોવિડના કારણે દર્દીઓના મૃત્યુદરમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ નોંધાઇ રહ્યો છે. મતલબ કે, કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવી રહેલા સહિયારા પ્રયાસોના પરિણામે કોવિડ-19થી થતા મૃત્યુની સંખ્યાને નિયંત્રણમાં લાવવામાં ઘણી સફળતા મળી છે. આજે કોવિડના કારણે દર્દીઓનો મૃત્યુદર ઘટીને 2.35% નોંધાયો હતો. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 32,223 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે આજદિન સુધીમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 8,49,431 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 63.54% નોંધાયો છે. કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત પણ વધીને 3,93,360 થઇ ગયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ  માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  પર ઉપલબ્ધ છે.

 

DS/BT

 


(Release ID: 1641166) Visitor Counter : 305