PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 23 JUL 2020 6:37PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

Date: 23.07.2020

 

Text Box: •	એક દિવસમાં સૌથી વધુ લગભગ 30,000ની નજીક સાજા થયેલાની સંખ્યા નોંધાઇ, દેશમાં કુલ 7.82 લાખ કરતાં વધુ દર્દી સાજા થયા.
•	સાજા થવાનો દર વધીને 63.18% નોંધાયો.
•	હાલમાં કોવિડ-19ના સક્રિય કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 4,26,167 કેસોનું છે.
•	કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટીને આજે 2.41% નોંધાયો અને તેમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
•	ભારતમાં રોકાણ કરવા માટે અભૂતપૂર્વ બહેતર સમય છે: પ્રધાનમંત્રી
•	ભારતના ડિજિટલ ઇનોવેશનોએ કોવિડ-19 સામે લડવામાં મદદ કરી: શ્રી રવિશંકર પ્રસાદ.

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ: એક જ દિવસમાં સૌથી વધુ લગભગ 30,000 સાજા થયેલા દર્દીઓ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 7.82 લાખ કરતાં વધુ નોંધાઇ

સતત બીજા દિવસે, એક જ દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઇ હોવાથી કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ એટલે કે, 29,557 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે સાજા થયેલા કુલ કેસોની સંખ્યા વધીને 7,82,606 સુધી પહોંચી ગઇ છે. આથી, દર્દીઓ સાજા થવાના દરમાં પણ પ્રશંસનીય વૃદ્ધિ સાથે છેલ્લે 63.18% નોંધાયો છે. મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હોવાથી કોવિડ-19ના સક્રિય દર્દીઓ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા સક્રિય દર્દીઓ કરતાં 3,56,439 વધુ નોંધાઇ હતી. આના કારણે કોવિડ-19ના વાસ્તવિક કેસોના ભારણમાં ઘટાડો કરવામાં પણ મદદ મળી છે અને હાલમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 4,26,167 છે. સંયુક્ત પ્રયાસોના પરિણામે કોવિડના કારણે મૃત્યુદરને નોંધપાત્ર પ્રમાણમાં નીચા સ્તરે લાવી શકાયો છે. દર્દીઓનો મૃત્યુદર આજે 2.41% નોંધાયો હતો અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640640

 

ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં સંબોધન આપ્યું હતું. અમેરિકા-ભારત વ્યવસાય પરિષદ (USIBC) દ્વારા આ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિકાસના એજન્ડામાં ગરીબો અને નિઃસહાય લોકોને કેન્દ્ર સ્થાને રાખવાની જરૂરિયાત અંગે વાત કરી હતી. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ‘ઇઝ ઓફ લિવિંગ’ (સરળ જીવન)નું મહત્વ ઇઝ ઓફ બિઝનેસ’ (સરળ વ્યવસાય) જેટલું જ છે. તેમણે કહ્યું કે, આ મહામારીએ આપણને બાહ્ય આંચકાઓ સામે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાના મહત્વની યાદ અપાવી છે, જે મજબૂત સ્થાનિક આર્થિક ક્ષમતાઓથી પ્રાપ્ત કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પોતાના આત્મનિર્ભર ભારતઆહ્વાન દ્વારા સમૃદ્ધ અને લવચિક વિશ્વની દિશામાં યોગદાન આપી રહ્યું છે. તેમણે ટાંક્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં, અમારા અર્થતંત્રને વધુ નિખાલસ અને સુધારાલક્ષી બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે અને ઉમેર્યું હતું કે, સુધારાના કારણે સ્પર્ધાત્મકતા, વધુ પારદર્શકતા, ડિજિટાઇઝેશનનું વિસ્તરણ, મોટા ઇનોવેશન અને વધુ નીતિગત સ્થિરતા સુનિશ્ચિત થયા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640574

 

ઇન્ડિયા આઇડિયાઝ શિખર સંમેલન 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640588

 

પ્રધાનમંત્રીએ મણિપુરમાં પાણી પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મણિપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ સતત કોવિડ-19 સામે લડી રહ્યો છે, ત્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો ભારે વરસાદ અને પૂર એમ બે પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યાં છે. વરસાદ અને પૂરને કારણે આ રાજ્યોમાં જાનહાનિ થઈ છે અને અનેક લોકો બેઘર થયા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મણિપુરની સરકારે લોકડાઉન દરમિયાન જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી હતી અને પ્રવાસીઓને પરત ફરવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મણિપુરમાં આશરે 25 લાખ ગરીબોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નિઃશુલ્ક અનાજ મેળવ્યું છે. એ જ રીતે મણિપુરમાં ઉજ્જવલા યોજના અંતર્ગત 1.5 લાખથી વધારે મહિલાઓને નિઃશુલ્ક ગેસ સીલિન્ડરની સુવિધા આપવામાં આવી છે. રૂ. 3,000 કરોડના ખર્ચે બનેલા પાણી પુરવઠા પ્રોજેક્ટનો સંદર્ભ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, આનાથી રાજ્યની પાણીની સમસ્યામાં ઘટાડો થશે અને રાજ્યની મહિલાઓને વિશેષપણે મોટી રાહત મળશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640664

 

DRDO દ્વારા લેહના DIHARમાં કોવિડ-19 પરીક્ષણ સુવિધા શરૂ કરવામાં આવી

DRDO દ્વારા લેહ સ્થિત લેબોરેટરી ડિફેન્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઇ એલ્ટિટ્યુડ રિસર્ચ (DIHAR) ખાતે કોવિડ-19 પરીક્ષણની સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી આ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં પરીક્ષણની ક્ષમતા વધારીને કોરોનાથી અસરગ્રસ્ત કેસોનું ઝડપથી નિદાન થઇ શકે. આ પરીક્ષણ સુવિધાથી અસરગ્રસ્ત લોકો પર નજીકથી દેખરેખ રાખવામાં પણ મદદ મળશે. આ સુવિધામાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સલામતીના ધોરણો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ગઇકાલે લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી આર.કે. માથુર દ્વારા કરવામાં આવ્યું હતું. DIHAR ખાતે શરૂ કરવામાં આવેલી આ પરીક્ષણ સુવિધામાં દૈનિક 50 સેમ્પલનું પરીક્ષણ કરવાની ક્ષમતા છે. આ સુવિધાનો ઉપયોગ કોવિડ પરીક્ષણ માટે લોકોને તાલીમ આપવા માટે પણ થઇ શકે છે અને તેનાથી ભવિષ્યમાં જૈવ-જોખમો અને એગ્રો-એનિમલ બીમારીઓ સંબંધિત સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં પણ મદદ મળી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640600

 

નાણામંત્રીએ CPSEના CAPEX અંગે બીજી સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયના સચિવનો તેમજ રેલવે બોર્ડના ચેરમેન (CRB) તેમજ આ મંત્રાલયે સાથે સંકળાયેલા સાત કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગો (CPSE)ના CMD સાથે ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચની સમીક્ષા માટે બેઠક યોજી હતી. હાલમાં ચાલી રહેલી સમીક્ષા બેઠકોની શ્રેણીમાં આ બીજી બેઠક યોજાઇ હતી. કોવિડ-19 મહામારી પૃષ્ઠભૂમિમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વિવિધ હિતધારકો સાથે નાણામંત્રી દ્વારા સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય અર્થતંત્રના વિકાસમાં વેગ આપવા માટે CPSEની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરતી વખતે નાણામંત્રીએ CPSEને તેમના નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે હજુ પણ બહેતર કામગીરી કરવાનું પ્રોત્સાહન આપ્યું હતું જેથી નાણાકીય વર્ષ 2020-21 માટે તેમને પૂરી પાડવામાં આવેલી મૂડીનો ખર્ચ યોગ્ય અને સમયસર થઇ શકે છે. શ્રી સીતારમણે જણાવ્યું હતું કે, CPSEની બહેતર કામગીરીથી અર્થતંત્રને કોવિડ-19ના કારણે થયેલી વિપરિત અસરોમાંથી ફરી બેઠા થવામાં ખૂબ જ મોટી મદદ મળી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640694

 

ઉપરાષ્ટ્રપતિએ કોવિડના કારણે મીડિયા ઉદ્યોગમાં આવેલી આર્થિક તંગી અંગે ચિંતા વ્યક્ત કરી

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ ગઇકાલે દેશમાં કોવિડ-19ના કારણે મીડિયા ઉદ્યોગમાં આવેલી આર્થિક તંગીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને દરેકને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાના કર્મચારીઓ સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન રાખે અને સંભાળ તે તેમજ મુશ્કેલીના આ સમયમાં તેમની પડખે ઉભા રહે. ગઇકાલે દિવંગત શ્રી એમ.પી. વિરેન્દ્રકુમારને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે યોજાયેલી વર્ચ્યુઅલ શ્રદ્ધાજંલી સભામાં ઉપરાષ્ટ્રપતિએ તમામ લોકોને અનુરોધ કર્યો હતો કે, સૌએ શ્રી વિરેન્દ્રકુમાર જેવા લોકોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ અને પોતાના સાથી નાગરિકો પ્રત્યે સહાનુભૂતિનો અભિગમ અપનાવવો જોઇએ. ઉપરાષ્ટ્રપતિએ મહામારીના સમયમાં સાચી અને પ્રમાણભૂત માહિતના પ્રસારમાં મીડિયાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મહામારીના સમયમાં પોતાનું જોખમ હોવા છતાં પણ લોકો સુધી સાચી માહિતી અને પ્રરિપ્રેક્ષ્ય પહોંચાડીને તેમને સશક્ત કરવા બદલ મીડિયાની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી. જોકે, તેમણે મીડિયાને એવી ટકોર પણ કરી હતી કે, મીડિયાએ કોવિડ-19ની સારવાર અંગે થતા ખરાઇ કર્યા વગરના અને બિન-ટકાઉક્ષમ દાવાઓથી દૂર રહેવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640481

 

દેશના સાર્વભૌમત્વની ચિંતાઓ બાબતે ડિજિટલ પ્લેટફોર્મ વધુ પ્રતિક્રિયા આપનારા અને જવાબદાર હોવા જોઇએ: શ્રી રવિશંકર પ્રસાદ

G20 ડિજિટલ અર્થતંત્ર મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક ગઇકાલે યોજાઇ હતી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના પગલે શ્રી પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી સ્થિતિ માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક પૂરવઠા સાંકળનું નિર્માણ કરવાની જરૂર છે અને વૈશ્વિક પૂરવઠા સાંકળો સાથે નીકટતાથી એકીકૃત રોકાણ માટે ભારતને આકર્ષક સ્થળ બનાવવાની ભારતના પ્રધાનમંત્રીની દૂરંદેશી વિશે વાત કરી હતી. શ્રી પ્રસાદે, કોવિડ-19 કટોકટીના સમયમાં અન્ય દેશોની સરખામણીએ ભારતે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વ હેઠળ સ્થિતિને ઘણી સારી રીતે સંભાળી અને બહેતર વ્યવસ્થાપન કર્યું તે અંગે આ વૈશ્વિક મિલનમાં વાત કરી હતી. કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ રોકવા માટે દેશમાં વહેલી તકે લૉકડાઉનનો અમલ કરવાના પ્રધાનમંત્રીના હિંમતપૂર્ણ નિર્ણયથી ઘણી મદદ મળી શકી હતી અને તેના કારણે આગામી સમયમાં આવનારા પડકારો સામે અસરકારક રીતે લડવાની તૈયારીઓ પણ થઇ શકી હતી. મંત્રીશ્રીએ કોવિડ-19 સામેની લડાઇમાં મદદરૂપ થનારા ભારતના ડિજિટલ ઇનોવેશનો અંગે પણ વાત કરી હતી. તેમણે આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન, ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા દર્દીઓ પર દેખરેખ રાખવા માટે જીઓ-ફેન્સિંગ સિસ્ટમ અને કોવિડ-19 સાવધાન જથ્થાબંધ સંદેશા વ્યવસ્થાતંત્ર જેવી પહેલ અંગે પણ આ બેઠકમાં જણાવ્યું હતું. કટોકટીના આ સમયમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગને રાહત આપવા માટે ભારત સરકારને ડિજિટલ ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઇ તેના વિશે પણ તેમણે વાત કરી હતી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પેમેન્ટ્સ જેવા ભારતના ડિજિટલ ઇનોવેશનનો ઉપયોગ કરીને સમાજના સૌથી નબળા વર્ગને પણ લૉકડાઉનના સમય દરમિયાન આર્થિક મદદ પહોંચાડવામાં આવી તે અંગે પણ તેમણે જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640482

 

PMGKAY-2 અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કુલ 19.32 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો ઉપાડ્યો

લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 139.97 LMT ખાદ્યાન્નનો જથ્થો 4999 રેલવે રેક દ્વારા વિવિધ રાજ્યોમાં ઉપાડવામાં અને પરિવહન કરવામાં આવ્યો છે અને કુલ 285.07 LMT ખાદ્યાન્નનો જથ્થો 30 જૂન 2020 સુધીમાં પરિવહન કરવામાં આવ્યો છે. 1 જુલાઇ 2020થી 953 રેલવે રેક દ્વારા 26.69 LMT ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવામાં અને પરિવહન કરવામાં આવ્યો છે. રેલવે રૂટ ઉપરાંત, જમીનમાર્ગ અને જળમાર્ગ દ્વારા પણ પરિવહનની કામગીરી કરવામાં આવે છે. 1 જુલાઇ 2020થી અત્યાર સુધીમાં કુલ 50.91 LMT ખાદ્યાન્નના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છે. 1 જુલાઇ 2020થી આજદિન સુધીમાં પૂર્વોત્તરના રાજ્યોમાં 1.63 LMT ખાદ્યાન્નના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640451

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • પંજાબ: રાજ્યમાં કોવિડ પરીક્ષણ ક્ષમતા વધુ મજબૂત બનાવવા માટે, પંજાબ સરકાર મોહાલી, લુધિયાણા અને જલંધરમાં નવી સ્થપાયેલી ચાર વાયરલ ટેસ્ટિંગ લેબ ઉપરાંત, પટિયાલા, અમૃતસર અને ફરિદકોટમાં ત્રણ સરકારી તબીબી કોલેજો ખાતે વાયરલ ટેસ્ટિંગ લેબ માટે સાત સ્વયંસંચાલિત RNA એક્સ્ટ્રેક્શન મશીનોની ખરીદી કરશે. આ પગલાં મિશન ફતેહ હેઠળ મહામારી સામે રાજ્યની લડાઇ મજબૂત બનાવવા વધારેલા ટેસ્ટિંગ દ્વારા મહામારીના ફેલાવા ઉપર નિયંત્રણના ઉદ્દેશથી ભરવામાં આવ્યાં છે.
 • હિમાચલ પ્રદેશ: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ આર.ડી. ધીમને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના મહામારીનો ફેલાવો રોકવા માટે અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના કોરોનાના માપદંડો અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ સારા છે. તેમણે જણાવ્યું મુજબ રાજ્યમાં કોવિડ-19નું નિયમિત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે WHO અને ભારત સરકારના માપદંડો અનુસાર કોરોનાના ચેપનો દર 5 ટકાથી ઓછો હોવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ છતા રાજ્યનો કોરોના પોઝિટીવ દર 5 ટકા કરતાં ઓછો છે, જ્યારે રાજ્યમાં મૃત્યુ દર 0.84 ટકા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કરવામાં આવેલા 11000 ટેસ્ટની સરખામણીમાં રાજ્યમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ 17000 નમૂના લેવામાં આવી રહ્યાં છે.
 • કેરળ: રાજ્યમાં કોવિડ-19ના ઝડપી ફેલાવાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 27 જુલાઇના રોજ નિર્ધારિત કરાયેલા વિધાનસભાના સત્રને રદ કરી દીધું છે. આગામી સોમવારે વિશેષ મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં વધુ એક લૉકડાઉનના અમલ કરવો જોઇએ કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. IMAમાં જણાવ્યું હતું કે, સામૂદાયિક સંક્રમણના સંકેતો મળી રહ્યાં છે ત્યારે રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનના બદલે પ્રાદેશિક લૉકડાઉન વધુ અસરકારક સાબિત થશે. રાજ્યમાં કોવિડના કારણે વધુ ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા. તિરુવનંતપુરમ, કોઝિકોડ અને મલપ્પુરમમાં નોંધાયેલા આ મૃત્યુ સાથે હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 પર પહોંચી ગયો છે. ગઇકાલે એક જ દિવસમાં 1,038 નવા કેસો નોંધાયા હતા, જેમાંથી 785 કેસો સ્થાનિક સંક્રમણના કારણે નોંધાયા હતા. 8,818 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે વિવિધ જિલ્લાઓમાં 1.59 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
 • તામિલનાડુ: પુડુચેરીમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ અને કોવિડ-19ના 123 નવા કેસો નોંધાયા છે, જે સાથે 987 સક્રિય કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને 2,420 થઇ ગઇ છે અને કુલ મૃત્યુઆંક વધીને 33 થઇ ગયો છે. તામિલનાડુના આરોગ્ય મંત્રી સી. વિજયભાસ્કરે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલ ખાતે રૂ. 2.34 કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલી પ્લાઝ્મા બેન્કનું ઉદ્ઘાટન કર્યું હતું. તામિલનાડુના વિદ્યાર્થીઓને તેમની માર્ક-શીટ મેળવવા માટે 24થી 30 જુલાઇ દરમિયાન શાળાની મુલાકાત લેવા પરવાનગી આપવામાં આવી છે. રાજ્ય સરકારે છેલ્લા વર્ષના કોલેજના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓની સત્ર પરીક્ષાઓ રદ કરી દીધી છે. ગઇકાલે 5,849 નવા કેસો નોંધાયા હતા અને 74 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસો 1,86,492 છે, જેમાંથી 51,765 કેસો હાલમાં સક્રિય છે, 3,144 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 13,941 છે.
 • કર્ણાટક: દરરોજ કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઇ રહ્યો હોવાથી કર્ણાટક હવે આ બીમારીના કેસો બમણા થવાના દર સંદર્ભમાં ટોચના સ્થાને રહેલા આંધ્રપ્રદેશ અને મેઘાલય સાથે આવી ગયું છે. કર્ણાટકમાં ગઇકાલે એક જ દિવસમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોમાં 4,764નો ધરખમ વધારો નોંધાયો હતો જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 75,833 થઇ ગઇ છે. માત્ર બેંગલોર શહેરમાં જ નવા 2050 કેસ નોંધાયા છે. ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 75,834; સક્રિય કેસ:  47,069; મૃત્યુ પામ્યા: 1519; રજા આપવામાં આવી: 27,239.
 • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં ઇટાનગર પાટનગર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ કોવિડ-19ના પરીક્ષણ માટે રેપિડ એન્ટિજેન પરીક્ષણનો સહારો લેવામાં આવ્યો છે. આ રેપિડ પરીક્ષણોની વીસ ટીમો હાલમાં કામ કરી રહી છે અને ગઇકાલે બે હજારથી વધારે એન્ટિજેન પરીક્ષણો કરવામાં આવ્યા હતા જેમાંથી 28 પોઝિટીવ કેસો મળ્યા હોવાની પુષ્ટિ થઇ હતી. પાટનગર ઇટાનગર પ્રદેશમાં આવેલી ત્રણ મુખ્ય હોસ્પિટલોને સેનિટાઇઝેશનની કામગીરી માટે બંધ કરવામાં આવી છે. રાજ્યની એકમાત્ર મેડિકલ કોલેજ હોસ્પિટલ TRIHMS (તોમોરીબા ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસ) ઇમરજન્સી અને કેન્સરની સારવાર માટે કાર્યરત રહેશે.
 • મણિપુર: મણિપુરમાં એક અઠવાડિયા સુધીના લૉકડાઉન માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આવશ્યક સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો, કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ તેમજ જાહેર ઉપયોગીતાની પ્રવૃત્તિઓ સામાન્ય દિવસોની જેમ ચાલુ રહેશે.
 • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં, કોવિડ-19ના નવા 90 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. નવા નોંધાયેલા કેસોમાંથી 61 કેસ કોહીમા, 26 કેસ દીમાપુર, 2 કેસ પેરેન અને 1 કેસ પ્હેકમાં નોંધાયો છે. નાગાલેન્ડમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1174 થઇ છે જેમાંથી 688 સક્રિય કેસ છે જ્યારે 486 દર્દીઓ સાજા થઇ ગયા છે.
 • મિઝોરમ: મિઝોરમમાં આજે કોવિડ-19માંથી સાજા થયેલા પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 142 છે જ્યારે આજદિન સુધીમાં 184 દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ ગયા છે.
 • આંધ્રપ્રદેશ: વિઝગ્સ કિંગ જ્યોર્જ હોસ્પિટલ (KGH) હજુ પણ કોવેક્સિનનું પરીક્ષણ શરૂ કરવા માટે મેડિકલ શિક્ષણ નિયામકની મંજૂરીની પ્રતીક્ષામાં છે. KGH રસીના તબીબી પરીક્ષણ માટે ICMR દ્વારા પસંદ કરવામાં આવેલી 12 હોસ્પિટલોમાંથી એક છે. રાજ્યમાં જિલ્લા કલેક્ટરોને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, સમગ્ર રાજ્યમાં ખાનગી પ્રેક્ટિશનરો સહિત તમામ ડૉક્ટરો અને તબીબી પ્રોફેશનલોની ઓળખ કરવામાં આવે જેથી કોવિડ-19 સામેની જંગમાં તેમની સેવાઓ મેળવી શકાય. રાજ્ય માર્ગ પરિવહન નિગમ આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચે આંતરરાજ્ય બસ સેવાઓ આજથી ફરી શરૂ કરશે. 15 જુલાઇથી 22 જુલાઇ સુધી મુકવામાં આવેલો પ્રતિબંધનો સમય પૂરો થયો હોવાથી આ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 6045 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 65 દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 64,713; સક્રિય કેસ: 31,763; મૃત્યુ પામ્યા: 823.
 • તેલંગાણા: રાજ્યમાં કોવિડના સેમ્પલના પરીક્ષણની દૈનિક ક્ષમતા વધારીને 25,000 કરવામાં આવશે. હાલમાં ખાનગી લેબોરેટરીઓ, પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પર રેપિડ પરીક્ષણો અને સરકારી લેબોરેટરીઓમાં PCR પરીક્ષણોમાં કુલ 15,000 સ્વેબ સેમ્પલના દરરોજ પરીક્ષણ થઇ શકે છે. ગઇકાલે રાજ્યમાં 1554 નવા કેસનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જ્યારે વધુ 09 દર્દીઓના મૃત્યુ થયા હતા; નવા નોંધાયેલા 1554 કેસમાંથી,  842 કેસ GHMCમાંથી નોંધાય હતા. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસ : 49,259; સક્રિય કેસ: 11,155; મૃત્યુ પામ્યા: 438; સાજા થયા:37,666.
 • મહારાષ્ટ્ર: રાજ્યમાં બુધવારે એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 10,576 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ કારણે રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કોવિડના કેસોની કુલ સંખ્યા 3,37,607 સુધી પહોંચી ગઇ છે. જોકે, રાજ્યમાં વધુ 5,552 દર્દીઓ કોવિડમાંથી સાજા પણ થઇ ગયા હતા જેથી રાજ્યમાં હાલમાં સક્રિય કેસોનું ભારણ 1,36,980 કેસનું છે. રાજ્યમાં આજદિન સુધીમાં કોરોનાથી 12,556 દર્દી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્ર સરકાર મુંબઇ મેટ્રોપોલિટન પ્રદેશ કે જેમાં મુંબઇ, થાણે, પાલઘર અને નવી મુંબઇ પણ સામેલ છે ત્યાં આવેલી હોસ્પિટલોમાં કોરોના વાયરસ બેડ વ્યવસ્થાપન પર દેખરેખ રાખવા માટે એક જ કમાન્ડ સમિતિ રચવાના આયોજનમાં છે. એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાજ્યમાં હવે મોટાપાયે કોઇ જ લૉકડાઉન લાગુ કરવામાં આવશે નહીં કારણ કે લોકોનું જીવન ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જીમ અને શોપિંગ મોલ સહિત વિવિધ વેપારો અને સેવાઓ શરૂ કરવા માટે SOP તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
 • ગુજરાત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના વધુ 1020 પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 51,485 થઇ ગઇ છે. સુરતમાં કેસોની સંખ્યામાં મોટી સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિ ઘણી ચિંતાની બાબત છે; સુરત જિલ્લામાં બુધવારે નવા 256 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કોરોનાના કુલ 11,128 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 500થી પણ વધી ગયો છે.
 • રાજસ્થાન: રાજ્યમાં કોવિડ-19ના નવા 961 પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 32,334 સુધી પહોંચી ગઇ છે. ગઇકાલે મહત્તમ કેસો નોંધાયા હોય તેવા જિલ્લામાં જોધપુર (212), અલવર (180) છે જ્યારે ત્યારબાદ જયપુર (85) છે. જોકે, હાલમાં રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 8,387 છે.
 • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના સહકારી બાબતોના મંત્રી અરવિંદસિંહ ભદૌરિયાને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. રાજ્યમાં ગુરુવારે નવા 747 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી કુલ નોંધાયેલા કેસ 24,842 સુધી પહોંચી ગયા છે. જોકે, હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 7,236 છે.
 • છત્તીસગઢ: છત્તીસગઢમાં બુધવારે કોવિડ-19ના નવા 230 કેસ પોઝિટીવ નોંધાયા હતા. નવા નોંધાયેલામાંથી મોટાભાગના કેસ રાયપુર (70) અને ત્યારબાદ સુખમા (36) તેમજ દુર્ગ (28)માં નોંધાયા હતા. દરમિયાન, રાજ્યમાં રાયપુર અને અન્ય સાત શહેરી વિસ્તારોમાં પોલીસની દેખરેખ હેઠળ ચુસ્ત લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે.

 

 

 (Release ID: 1640757) Visitor Counter : 24