પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ IBMના CEO અરવિંદ ક્રિશ્ના સાથે વાર્તાલાપ કર્યો

અમે આત્મનિર્ભર ભારતની દૂરંદેશી સાથે આગળ વધી રહ્યા છીએ જેથી વૈશ્વિક સ્તરે સક્ષમ અને વિક્ષેપો સામે ટકી શકે તેવી સ્થાનિક પૂરવઠા સાંકળ તૈયાર કરી શકાય: પ્રધાનમંત્રી

ભારતમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે: પ્રધાનમંત્રી

સરકાર ‘વર્ક ફ્રોમ હોમ’ તરફ થઇ રહેલું ટેકનોલોજી આધારિત સ્થળાંતરણ સરળ બને તે સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી

ભારત એકીકૃત, ટેક અને ડેટા સંચાલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જે પરવડે તેવું અને ઝંઝટમુક્ત છે: પ્રધાનમંત્રી

IBMના CEOએ આત્મનિર્ભર ભારતની દૂરંદેશીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો; ભારતમાં IBM દ્વારા મોટાપાયે રોકાણની યોજનાઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા

Posted On: 20 JUL 2020 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IBMના CEO શ્રી અરવિંદ ક્રિશ્ના સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ શ્રી અરવિંદ ક્રિશ્નાને આ વર્ષની શરૂઆતમાં IBMના વૈશ્વિક વડા તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, IBMનું ભારત સાથે મજબૂત જોડાણ અને દેશમાં તેની ખૂબ જ વ્યાપક ઉપસ્થિતિ છે જેમાં દેશના 20 શહેરોમાં તેમના એક લાખ કરતાં વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.

વ્યવસાયના કલ્ચરમાં કોવીડની અસર અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વર્ક ફ્રોમ હોમની કાર્યપદ્ધતિને હવે મોટાપાયે અપનાવવામાં આવી રહી છે અને સરકાર સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તેમજ નિયમનકારી માહોલ પૂરો પાડવા માટે કાર્યરત છે જેથી ટેકનોલોજી સ્તરે આવેલું આ સ્થળાંતર વધુ સરળ કરવાનું સુનિશ્ચિત થઇ શકે. તેમણે તાજેતરમાં IBM દ્વારા પોતાના 75 ટકા સ્ટાફ પાસેથી વર્ક ફ્રોમ હોમ પદ્ધતિથી કામ લેવાના નિર્ણય સાથે સંકળાયેલી ટેકનોલોજીઓ અને તેમાં સમાયેલા વિવિધ પડકારો વિશે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારતમાં 200 શાળાઓમાં AI અભ્યાસક્રમ શરૂ કરવામાં CBSE સાથે જોડાણ દ્વારા IBMએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર વિદ્યાર્થીઓને AI, મશીન લર્નિંગ વગેરે પરિકલ્પનાઓ અંગે શરૂઆતના તબક્કેથી જ પરિચિત કરવા માટે કામ કરી રહી છે જેથી દેશમાં ટેકનોલોજી પ્રત્યેનો ઝુકાવ વધારી શકાય. IBMના CEOએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને ડેટા વિશેનું શિક્ષણ બીજગણિત જેવા પાયાના કૌશલ્યોની શ્રેણીમાં હોવું જોઇએ, તે ધગશ સાથે ભણાવવાની જરૂર છે અને પ્રારંભિક સ્તરે જ તેની શરૂઆત કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ શ્રેષ્ઠ સમય છે. તેમણે કહ્યું કે, દેશમાં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણને આવકારવામાં આવી રહ્યું છે અને સહકાર આપવામાં આવી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, દુનિયા અત્યારે પડતીના સમયનો સામનો કરી રહી છે, ત્યારે ભારતમાં FDIનો પ્રવાહ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, દેશ આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે જેથી વૈશ્વિક સ્તરે સક્ષમ અને વિક્ષેપો સામે ટકી શકે તેવી સ્થાનિક પૂરવઠા સાંકળ તૈયાર કરી શકાય. IBMના CEOએ ભારતમાં IBM દ્વારા મોટાપાયે રોકાણની ભાવિ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. તેમણે આત્મનિર્ભર ભારત દૂરંદેશીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે અને દરેક વ્યક્તિની પહોંચમાં શ્રેષ્ઠ ગુણવત્તાની આરોગ્ય સંભાળ સેવાઓ ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવાની દિશામાં છેલ્લા છ વર્ષમાં તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે પણ જણાવ્યું હતું. તેમણે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ભારતની જરૂરિયાત અનુસાર ચોક્કસ AI આધારિત સાધનો તૈયાર કરવાની સંભાવના અંગે અને બીમારીના અનુમાનના બહેતર મોડેલ અને વિશ્લેષણ તૈયાર કરવા વિશે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત એકીકૃત, ટેક અને ડેટા સંચાલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જે પરવડે તેવું અને ઝંઝટમુક્ત છે. તેમણે નોંધ્યું હતું કે, IBM આરોગ્ય સંભાળની દૂરંદેશીને આગળ લઇ જવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. IBMના CEOએ આયુષ્યમાન ભારત વિશે પ્રધાનમંત્રીની દૂરંદેશની પ્રશંસા કરી હતી અને બીમારીઓના વહેલા નિદાન માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.

બંને વચ્ચે ચર્ચાયેલા અન્ય ક્ષેત્રોમાં ડેટા સુરક્ષા, સાઇબર હુમલા, ગોપનીયતા સંબંધિત ચિંતાઓ અને યોગના કારણે આરોગ્યમાં થતા લાભો વગેરે પણ સામેલ હતા.

 

DS/BT(Release ID: 1640062) Visitor Counter : 135