સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3,31,146 કેસ છે


કુલ નોંધાયેલા કેસમાંથી લગભગ ત્રીજા ભાગના 6.1 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે

Posted On: 16 JUL 2020 2:06PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને 'સંપૂર્ણ સરકાર'ના અભિગમ સાથે ક્રમબદ્ધ, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પગલાં લેવાની વ્યૂહરચના લાગુ કરવામાં આવી છે. આ સહિયારા પ્રયાસો પર નિયમિતરૂપે ઉચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે અને તેની સમીક્ષા કરવામાં આવે છે.

લક્ષિત પગલાંઓના કારણે દેશમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યાની ટકવારીમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજની સ્થિતિ અનુસાર, દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ માત્ર 3,31,146 છે. અત્યાર સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી આ લગભગ ત્રીજા ભાગ (34.18%)ની સંખ્યા છે. ઘરે-ઘરે સર્વે, પરિસીમા નિયંત્રણ પ્રવૃત્તિઓ, સમયસર સંપર્કોનું ટ્રેસિંગ અને કન્ટેઇન્મેન્ટ ઝોનનું સર્વેલન્સ, સઘન અને ઝડપથી પરીક્ષણ તેમજ સમયસર નિદાન અને સામાન્ય તેમજ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનું સારી રીતે અમલમાં મૂકવામાં આવેલા આદર્શ સંભાળ પ્રોટોકોલ દ્વારા તબીબી વ્યવસથાપન સહિત સરકાર દ્વારા સક્રિયતાપૂર્વક લેવામાં આવતા વિવિધ પગલાંના કારણે કોવિડ-19ના વાસ્તવિક કેસોનું ભારણ મર્યાદિત અને પહોંચી શકાય તેવી સ્થિતિમાં છે અને સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંના કારણે દર્દીઓ સાજા થવાની શક્યતાઓમાં પણ એકધારી વૃદ્ધિ નોંધાઇ રહી છે.

કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા સંયુક્ત પ્રયાસોના કારણે પરીક્ષણની ક્ષમતામાં વધારો થઇ રહ્યો છે, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું, SARI/ILI કેસોના સર્વેલન્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને વયસ્ક લોકો તેમજ સહ-બીમારી ધરાવતા લોકોનું મેપિંગ પણ સક્રિયતાપૂર્વક થઇ રહ્યું છે જેના કારણે સમગ્ર ભારતમાં સાજા થવાના દરમાં એકધારો સુધારો જોવા મળી રહ્યો છે.

આલેખમાં જોવા મળે છે તે અનુસાર, જૂન 2020ના મધ્ય પછી દેશમાં સાજા થવાનો દર સતત 50%થી વધુ નોંધાઇ રહ્યો છે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા તેના પ્રમાણમાં ઘટતી રહી છે. અત્યાર સુધીમાં કોવિડ-19માંથી 63.25% દર્દીઓ સાજા થઇ ગયા છે. સાથે-સાથે, સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જૂન 2020ના મધ્યમાં તે 45% હતો, ત્યાંથી ઘટીને હાલમાં 34.18% સંખ્યા થઇ ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને કુલ 20,783 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી, દેશમાં આજદિન સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 6,12,814 થઇ ગઇ છે. દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને સક્રિય દર્દીઓની સંખ્યા વચ્ચેનો તફાવત વધીને 2,81,668 થઇ ગયો છે.

કોવિડ-19 માટે હાલમાં દેશમાં ઉપલબ્ધ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો, શ્રેણી- I માં 1381 સમર્પિત કોવિડ હોસ્પિટલ, શ્રેણી- II માં 3100 સમર્પિત કોવિડ આરોગ્ય સંભાળ કેન્દ્રો અને શ્રેણી- III માં 10,367 કોવિડ સંભાળ કેન્દ્રો છે. આ તમામ સુવિધાઓમાં કુલ મળીને 46,666 ICU બેડની વ્યવસ્થા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સાથે મળીને અપનાવવામાં આવેલી સહકારની વ્યૂહરચનાના કારણે દેશના વિવિધ હિસ્સામાં કોવિડ-19ના સંક્રમણને મોટાપાયે અને ઝડપથી વધતુ રોકી શકાયું છે. દેશના કુલ સક્રિય કેસોમાંથી 48.15% કેસોનું ભારણ માત્ર બે રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં છે. કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી માત્ર 10 રાજ્યોમાં કુલ સક્રિય કેસોમાંથી 84.62% કેસનું ભારણ છે. કેન્દ્ર દ્વારા સતત આ રાજ્યોને કન્ટેઇન્મેન્ટ અને અસરગ્રસ્ત દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે મદદ કરવામાં આવે છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA. કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

DS/GP/BT



(Release ID: 1639057) Visitor Counter : 202