સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સમગ્ર દુનિયામાં ભારત પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કોવિડ-19ના કેસો ધરાવનાર દેશોમાં


સાજા થયેલા કેસની સંખ્યા 4.4 લાખની નજીક પહોંચી, સક્રિય કેસો કરતાં સાજા થયેલાની સંખ્યા 1.8 લાખથી વધુ

રાષ્ટ્રીય સાજા થવાનો દર 61%થી વધી ગયો

Posted On: 07 JUL 2020 2:26PM by PIB Ahmedabad

WHO દ્વારા 6 જુલાઇ 2020ના રોજ બહાર પાડવામાં આવેલા 168મા પરિસ્થિતિ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, સમગ્ર દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સૌથી ઓછા કેસો ધરાવનારા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સરેરાશ 505.37 કેસ નોંધાયા છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે.

ચીલીમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સરેરાશ 15,459.8 કેસ નોંધાયા છે જ્યારે પેરૂ, યુએસ, બ્રાઝિલ અને સ્પેનમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ નોંધાયેલા સરેરાશ કેસોનો આંકડો અનુક્રમે 9070.8, 8560.5, 7419.1 અને 5358.7 છે.

WHOના પરિસ્થિતિ રિપોર્ટમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડના કારણે સૌથી ઓછો મૃત્યુદર નોંધાયેલા દેશોમાંથી એક ભારત પણ છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 14.27 લોકો કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે વૈશ્વિક સરેરાશ ભારતની સરખામણીએ ચાર ગણાથી વધુ 68.29 નોંધાઇ છે.

યુકેમાં પ્રત્યેક દસ લાખ લોકોની વસ્તીએ કોવિડ-19ના કારણે સરેરાશ મૃત્યુદર 651.4 નોંધાયો છે જ્યારે સ્પેન, ઇટાલી, ફ્રાન્સ અને યુએસમાં આંકડો અનુક્રમે 607.1, 576.6, 456.7 અને 391.0 નોંધાયો છે.

ભારતમાં કોવિડના કેસોનું પૂરતા પ્રમાણમાં અને અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવામાં આવી છે. ભારતમાં કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓમાં ઓક્સિજન સપોર્ટની વ્યવસ્થા, ICU અને વેન્ટિલેટર સુવિધાઓ વગેરે પણ સામેલ કરવામાં આવ્યા છે. 7 જુલાઇ 2020ના રોજની સ્થિતિ અનુસાર દેશમાં 1201 કોવિડ સમર્પિત હોસ્પિટલ છે જ્યારે 2611 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો અને 9909 કોવિડ સમર્પિત સંભાળ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી અતિ સામાન્ય લક્ષણોથી માંડીને ગંભીર સ્થિતિ સુધીના કોવિડ-19ના અલગ અલગ પ્રકારના દર્દીઓની સારવાર થઇ શકે. આવા સ્તરની તૈયારીઓના કારણે દેશમાં દર્દીઓના સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે જ્યારે કેસોનો મૃત્યુદર સતત ઓછો થઇ રહ્યો છે.

કોવિડ-19ના કેસોનું વહેલી તકે નિદાન, સમયસર અસરકારક તબીબી વ્યવસ્થાપન કરવાથી દૈનિક ધોરણે કેસો સાજા થવાની સંખ્યાના પરિણામો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 15,515 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,39,947 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે.

કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યસ્થાપન માટે રાષ્ટ્રીય અને રાજ્ય સરકારો દ્વારા તમામ સ્તરે હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે પ્રોત્સાહક પરિણામો જોવા મળી રહ્યા છે અને સાજા થઇ ગયેલા દર્દીઓ તેમજ સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત એકધારો વધી રહ્યો છે. આજની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સરખામણીએ સાજા થઇ ગયેલા કેસોની સંખ્યા 1,80,390 વધારે નોંધાઇ છે. હાલમાં દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 61.13% થઇ ગયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,59,557 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” (પરીક્ષણ કરો, ટ્રેસ કરો, સારવાર કરો) રણનીતિના અપનાવવાની સાથે સાથે અન્ય વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવાથી રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સેમ્પલના પરીક્ષણો માટે સુવિધામાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આના પરિણામે, દેશમાં હવે દૈનિક બે લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,41,430 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,02,11,092 સુધી પહોંચી ગયો છે.

દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સતત લેબોરટરીની સંખ્યા વધારવામાં આવી રહી છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 793 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 322 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1115 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે.

તેની વિગતો પ્રમાણે છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 598 (સરકારી: 372 + ખાનગી: 226)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 423 (સરકારી: 388 + ખાનગી: 35)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 94 (સરકારી: 33 + ખાનગી: 61)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના

હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS


(Release ID: 1636994)